ભારતીય શૅરોમાં તેજી, પણ રૂપિયો નરમ : વૈશ્વિક મોરચે ફુગાવો ઘટવાના સંકેત
કરન્સી કૉર્નર
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકામાં નવેમ્બર માસના જથ્થાબંધ ભાવાંકમાં નજીવો વધારો થયો છે, પણ વધારાની ઝડપ ધીમી પડી છે. ફુગાવાનું જોર ઘટ્યું છે. ફેડની બુધવારની બેઠકમાં વ્યાજદર પોણો ટકોને બદલે અડધો ટકો જ વધે એવી શક્યતા છે. સતત ચાર મીટિંગથી પોણો ટકો એટલે કે ૭૫ બેસિસ પૉઇન્ટના જંગી વધારા પછી ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો રાહત જ ગણાય. ચીનમાં કોવિડ નિયંત્રણો હળવા થવાના સંકેતોએ શૅરબજારોમાં પણ તેજીનો ચમકારો છે એટલે એશિયાઈ કરન્સીમાં મૂડ અપબીટ છે. ડૉલરની તેજી ઓસરી છે. ક્રિપ્ટો કરન્સીમાં તેજીનો પરપોટો ફૂટી ગયો એની નાણાબજારોને કોઈ અસર નથી થઈ કે વૈશ્વિક નાણાપ્રણાલીમાં કોઈ સિસ્ટમૅટિક રિસ્ક નથી સર્જાયાં એ બહુ સારી વાત છે. એફટીએક્સ જેવા હાઈ પ્રોફાઇલ ડિફૉલ્ટ અને નાનાં-મોટાં અનેક ડિફૉલ્ટમાં મોડે-મોડે ઍક્ટિવ થયેલા ક્રિપ્ટો રોકાણકારોએ બહુ મોટું નુકસાન કર્યું છે. એક તબક્કે બીટકૉઇન ૬૭,૦૦૦ ડૉલર અને ઇથર ૪૫૦૦ ડૉલર હતા, એ વખતે ક્રિપ્ટો ઍસેટમાં માર્કેટ કૅપ બે ટ્રિલ્યન વટાવી ગયું હતું એ આજે લગભગ ૭૫ ટકા ધોવાઈ ગયું છે. આટલી મોટી તારાજી થવા છતાં શૅરબજાર કે નાણાપ્રણાલીને કોઈ ઘસરકો નથી પહોંચ્યો એ સારી વાત કહેવાય. બજારોમાં નાતાલ મૂડ છવાયેલો છે અને હવે ફેડની બેઠક, સીપીઆઇ ડેટા પર બજારની નજર છે. બુધવારે વ્યાજદર અડધો ટકો વધે તો ડિસેમ્બરના અંતે રેટ ૪.૨૫ ટકા થયા હશે. ગોલ્ડમૅન સાક્સ જેવી મોટી બૅન્કોના મતે માર્ચ-જૂન સુધીમાં વ્યાજદરો પાંચ ટકા આસપાસ પીક બનાવી લેશે. મૉર્ગન સ્ટેન્લીના મતે ચાઇનામાં પણ માર્ચ-એપ્રિલમાં કોવિડ નિયંત્રણો હટી ગયાં હશે, ઇકૉનૉમી ફુલ રીઓપન થઈ ગઈ હશે. આમ ૨૦૨૩નો આરંભ આશાસ્પદ રહેવાનો આશાવાદ વધતો જાય છે. હેડલાઇનમાં ઇકૉનૉમી ફુલગુલાબી દેખાય છે, પણ જમીની હકીકતો એટલી ગુલાબી નથી એ અલગ વાત છે.
એશિયાથી શરૂઆત કરીએ તો ચાઇના અને હૉન્ગકૉન્ગ શૅરબજારોમાં સરસ તેજી જોવા મળી છે. ભારતીય શૅરબજારો પણ ઑલટાઇમ હાઈ નજીક વિહરે છે. એશિયામાં ટેક્નૉલૉજી કરન્સી કહેવાય એવા જપાન, કોરિયા, તાઇવાન ડૉલર, મલેશિયા રિંગિટ, સિંગાપોર ડૉલરમાં શાનદાર ઉછાળો આવ્યો છે. ચાઇના યુઆનમાં પણ જોરદાર રિકવરી આવી છે. તાજેતરના બૉટમના રેફરન્સથી જોઈએ તો યુઆન ૭.૩૨થી ઊછળીને ૬.૯૫, યેન ૧૫૧થી ઊછળીને ૧૩૪, કોરિયા વૉન ૧૪૭૮થી ઊછળીને ૧૩૫૫ થયા છે. યુઆન ત્રણ માસની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.
રૂપિયાની વાત કરીએ તો રિઝર્વ બૅન્કે વ્યાજદરોમાં ૩૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરી રેટ ૬.૩૫ ટકા કર્યા છે. શૅરબજારમાં ફાટફાટ તેજી છે. વિશ્વ બૅન્કે ભારતનો આર્થિક વિકાસદર ૬.૩ ટકાથી વધારીને ૬.૯ ટકા કર્યો છે. શૅરબજારની તેજીની રૂપિયા પર ખાસ સારી અસર થઈ નથી. એશિયાઈ કરન્સીમાં જોરદાર તેજી થવા છતાં રૂપિયો નરમ રહ્યો હતો. તાજેતરમાં રૂપિયો એક તબક્કે ૮૦.૯૮ થયા પછી સપ્તાહની આખરે ૮૨.૪૩ બંધ હતો. ફૉર્વર્ડ એક તબક્કે પ્રીમિયમ ૧૨ વરસની નીચી સપાટી ૧.૬૪ થઈ ગયા પછી છેલ્લે ૧.૮૬ ટકા હતા. રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર માઇક પાત્રાના મતે આગળ જતાં પ્રીમિયમ વધી શકે. મારા મતે જાન્યુઆરી-માર્ચમાં પ્રીમિયમ ૩-૩.૫૦ વચ્ચે સ્ટૅબલ થઈ શકે.
ADVERTISEMENT
યુરોપમાં પાઉન્ડ છ માસની ઊંચી સપાટીએ મક્કમ છે. પાઉન્ડમાં વ્યાપક રિકવરી છે. યુકેનું અર્થતંત્ર રિસેશનમાં હોવા છતાં પણ મંગળવારે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અડધા ટકાનો વ્યાજદર વધારો કરશે એવી અટકળ છે. પાઉન્ડ વધીને ૧.૨૩૪૫ થઈ છેલ્લે ૧.૨૨૪૬ હતો. યુરો એકંદરે ટકેલો હતો. વર્તમાન સપ્તાહમાં ફેડની બેઠક, ચીનમાં કોવિડ અનલૉકડાઉન પ્રોગ્રેસ, અમેરિકા અને ભારતમાં વપરાશી ફુગાવાના આંકડા પર બજારની નજર છે. મુખ્ય કરન્સીમાં રૂપિ ડૉલર રેન્જ ૮૧.૪૦-૮૨.૮૦, પાઉન્ડ ૧.૨૦-૧.૨૪, યુરો ૧.૦૪-૧.૦૭, યેન ૧૩૨-૧૩૯, યુઆન ૬.૯૧-૭.૦૪, હૉલેક્સ ૧૦૩-૧૦૬ દેખાય છે.
ઇમર્જિંગ બજારોમાં બ્રાઝિલ રિયાલમાં ઘટતો અટકી થોડો સુધર્યો છે. પેરુમાં સત્તાપલટો થયો છે. કૉમોડિટી બજારોમાં તેજી ઓસરતાં અને ફુગાવો અને મંદીની આશંકા વચ્ચે લેટિન અમેરિકન દેશોમાં રાજકોષીય ખાધ અને સામાજિક રાજકીય તનાવ વધી રહ્યો છે.