સીજીએસટી ઍક્ટની કલમ ૩૭ મુજબ સપ્લાયરે આઉટવર્ડ સપ્લાયની વિગતો જીએસટીઆર-૧માં આપવાની હોય છે.
સમજો જીએસટી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ અને ૨૦૧૮-’૧૯ માટે જીએસટીઆર-૩બી અને જીએસટીઆર-૨એ વચ્ચે આઇટીસી (ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ) બાબતે તાળો મળતો ન હોવાની બાબતે સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ ગઈ ૨૭ ડિસેમ્બરે પરિપત્રક ક્રમાંક ૧૮૩/૧૫/૨૦૨૨-જીએસટી દ્વારા સ્પષ્ટતા કરી છે, એ પરિપત્રક બહાર પડ્યા પહેલાંની સ્થિતિ વિશે આજે ચર્ચા કરવાની છે
વૈધાનિક જોગવાઈઓ અને અર્થઘટન
ADVERTISEMENT
બિઝનેસની વૃદ્ધિ માટે અથવા એના ભાગરૂપે વપરાયેલી ઇનવર્ડ સપ્લાય પર સપ્લાયરે જેને ટૅક્સ લાગુ કર્યો હોય તેમણે કરવાના આઇટીસીના ક્લેમને લગતી જોગવાઈઓ કાયદામાં કરવામાં આવી છે.
સીજીએસટી ઍક્ટની કલમ ૩૭ મુજબ સપ્લાયરે આઉટવર્ડ સપ્લાયની વિગતો જીએસટીઆર-૧માં આપવાની હોય છે.
કલમ ૩૮માં જોગવાઈ કરવામાં આવી છે કે જીએસટીઆર-૨એમાં ઑટો પૉપ્યુલેટ થયેલી માહિતીમાં કરાયેલા સુધારા/વધારા માન્ય રાખીને પ્રાપ્તકર્તાએ ક્લેમ કરેલા આઇટીસીની વિગતો જીએસટીઆર-૨માં પૂરી પાડવાની હોય છે.
જોકે જીએસટીઆર-૨ ફાઇલ કરવાની જરૂરિયાતને નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ અને ૨૦૧૮-’૧૯માં કાર્યાન્વિત કરવામાં આવી નહોતી. એ જોગવાઈ હવે વૈધાનિક જોગવાઈઓમાંથી કાઢી નાખવામાં આવી છે.
ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં લેતાં જણાય છે કે કાયદામાં આઇટીસીનો તાળો મેળવવાની જે વાત છે એનો હજી અમલ કરવામાં આવ્યો નથી.
આથી જીએસટીઆર-૨એ ફક્ત માહિતી તરીકે ઉપયોગી થાય છે. એનું કોઈ કાયદાકીય મૂલ્ય નથી.
ઉક્ત હકીકતને કારણે સીબીઆઇસીએ ૧૮ ઑક્ટોબર ૨૦૧૮ના રોજ અખબારી યાદીમાં યોગ્ય રીતે જણાવ્યું હતું કે ફૉર્મ જીએસટીઆર-૨એ ફક્ત કરદાતાઓની સુવિધા માટે છે. એનાથી કરદાતા કાયદાની કલમ ૧૬ની જોગવાઈઓ મુજબ સેલ્ફ-અસેસમેન્ટના આધારે આઇટીસી પ્રાપ્ત કરી શકતા નથી.
આ સંબંધે મારું અંગત માનવું છે કે આઇટીસીનો તાળો મળતો નથી, ફક્ત એ એક કારણસર આઇટીસી આપવાનું નકારી શકાય નહીં. સીજીએસટી ઍક્ટની કલમ ૧૬(૨)(સી)માં કહેવામાં આવ્યું છે કે સપ્લાયરે ચાર્જ કરેલો અને વસૂલ કરેલો કરવેરો સરકારને ચૂકવાય નહીં ત્યાં સુધી પ્રાપ્તકર્તા ઇનવર્ડ સપ્લાય પર આઇટીસી ક્લેમ કરી શકે નહીં. આ કલમને કલમ ૪૧ની જોગવાઈઓને આધીન રાખવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ અને ૨૦૧૮-’૧૯ દરમ્યાન લાગુ પડતી કલમ ૪૧માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કામચલાઉ ધોરણે આઇટીસી લઈ શકાય છે. એ વખતે તાળો મેળવવાની વ્યવસ્થાના આધારે આઇટીસી આપવામાં આવતી હતી. એ વ્યવસ્થા હેઠળ પ્રાપ્તકર્તાને જીએસટીઆર-૨માં જો ઇન્વૉઇસ ન મળે તો એના વિશે રિપોર્ટ કરવાની સુવિધા મળી હતી. આમ સીજીએસટી ઍક્ટની કલમ ૧૬(૨)(સી)ને કલમ ૪૧ની સાથે વાંચવામાં આવે તો એવો અર્થ નીકળે છે કે જો એ વ્યવસ્થા મુજબ કરવેરાની વાસ્તવિકપણે ચુકવણી થઈ હોવાનું પછીથી કન્ફર્મ થાય તો પ્રાપ્તકર્તાને કામચલાઉ ધોરણે આઇટીસી લેવાની પરવાનગી હતી. આના પરથી કહી શકાય છે કે આ વ્યવસ્થાના અભાવે નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ અને ૨૦૧૮-’૧૯ માટે કલમ ૧૬(૨)(સી)ની જોગવાઈ લાગુ પડતી નથી.
સીબીઆઇસીના પરિપત્રકની પાર્શ્વભૂમાં આપણે ઉક્ત કેટલાક મુદ્દાઓ જોયા. આવતા લેખમાં આપણે પરિપત્રકને અનુલક્ષીને થનારી અસર વિશે વાત કરીશું.