Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ અને બૅન્કિંગ ક્રાઇસિસને કારણે વિશ્વનો આર્થિક વિકાસ ત્રણ દાયકામાં નીચો

મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ અને બૅન્કિંગ ક્રાઇસિસને કારણે વિશ્વનો આર્થિક વિકાસ ત્રણ દાયકામાં નીચો

Published : 03 April, 2023 02:55 PM | IST | Mumbai
Jitendra Sanghvi

આર્થિક પૉલિસી અને આર્થિક સુધારાઓના માધ્યમે ભારત આ આફતોમાંથી બચી શકે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધને પગલે વિશ્વમાં આર્થિક સ્લોડાઉન અને મંદી આગળ વધશે એવા અનેક અનુમાન વચ્ચે ગયે અઠવાડિયે પ્રસિદ્ધ કરાયેલ વિશ્વ બૅન્કના એક અહેવાલે આ વાતનું સત્તાવાર સમર્થન કર્યું છે. આ અહેવાલ પ્રમાણે વિશ્વના લાંબા ગાળાના આર્થિક વિકાસની વાર્ષિક ક્ષમતા ૨૦૩૦ સુધીમાં ઘટીને ૨.૨ ટકા જેટલી થશે, જે છેલ્લાં ૩૦ વરસની સૌથી નીચી હશે.


જેને કારણે આપણા સમયના વધતા જતા વિશિષ્ટ પ્રકારનાં જોખમો અને પડકારોનો સામનો કરવામાં ગંભીર અવરોધો (ગરીબાઈ, આવકની અસમાનતા તથા કલાઇમેટ ચેન્જ) ઊભા થશે. 
મહામારીમાંથી બેઠા થયેલ વૈશ્વિક અર્થતંત્રને કળ વળે અને ચીનના લૉકડાઉનની અસરમાંથી આપણે બહાર આવીએ તે પહેલાં આવી પડેલ અમેરિકા અને કેટલેક અંશે યુરોપની મિની બૅન્કિંગ ક્રાઇસિસ વિશ્વના આર્થિક વિકાસની ક્ષમતા હજી વધારે ઘટાડી શકે.



આ પરિસ્થિતિમાં પણ આર્થિક નીતિઓ ઘડનાર અને આર્થિક સુધારાઓ દાખલ કરનાર રાજકીય નેતાઓ મૂડીરોકાણને વેગ આપવાના અને ઉત્પાદકતા તથા કામદારો (લેબર)નો પુરવઠો વધારવા વિશેનાં સમયસરનાં પગલાં લેવાનું નહીં ચૂકે તો વૈશ્વિક આર્થિક વિકાસનો વાર્ષિક દર લગભગ ત્રણ ટકા સુધી પહોંચી શકે. 


વૃદ્ધોની વધતી જતી સંખ્યા (જન્મદર ઘટી રહ્યો છે ત્યારે) કામદારોની કુલ સંખ્યા અને લેબર પાર્ટિસિપેશનનો દર ઘટાડે છે, એ વધારવાના પ્રયાસ થઈ રહ્યા છે તો કેટલાક દેશોમાં નિવૃત્ત થવા માટેની વયમર્યાદા ઘટાડાઈ રહી છે. બીજી તરફ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી તૈયાર કરાતા રોબોસ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે. નજીકના સમયમાં કામદારોની અછતવાળા દેશોએ પણ બેકારીની સમસ્યાનો સામનો કરવાનો વખત આવે તો નવાઈ નહીં. 

કેટલાક દક્ષિણ એશિયા, ઉત્તર આફ્રિકા અને મધ્ય-પૂર્વના દેશોમાં સ્ત્રી કામદારોના પાર્ટિસિપેશનના વધારાની જરૂર પર પણ આ અહેવાલમાં ભાર મુકાયો છે. 


ભારતમાં મૂડીરોકાણનો દર નીચો જઈ રહ્યો છે

ભારત સંબંધે મૂડીરોકાણનો સતત નીચે જઈ રહેલ દર એના આર્થિક વિકાસના દરની ઘટતી જતી ક્ષમતા માટે જવાબદાર હોવાનો અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે : ૨૦૦૦થી ૨૦૧૦ના ગાળાનો મૂડીરોકાણનો ૧૦.૫ ટકાનો વાર્ષિક વધારાનો દર પછીના દસકા (૨૦૧૧થી ૨૦૨૧)માં ઘટીને ૫.૭ ટકા જેટલો થયો છે.

ભારતમાં કામદારો માટેના કાયદાઓની મર્યાદાઓને કારણે સ્ત્રીઓના પાર્ટિસિપેશનનો દર નીચો રહે છે તેમ જ નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ પણ જોઈતા પ્રમાણમાં થઈ શકતો નથી, જેને કારણે ઉત્પાદન ક્ષેત્રની ઉત્પાદકતા ઘટે છે. 

નાના વિકસતા દેશોને અણીના સમયે મદદ કરી હડપ કરી જવાની ચીનની ચાલ

ચીનની વધતી જતી હરકતોને લીધે વિશ્વમાં જીઓ-પૉલિટિકલ તણાવ વધતો જાય છે. ડોકલામ પ્રદેશ વિશે અત્યાર સુધી ભારતને સાથ આપતા પાડોશી દેશ ભૂતાનના બદલાયેલા વલણને કારણે આ તણાવ વધી શકે. 

વિશ્વ બૅન્કના એક અભ્યાસ પ્રમાણે ચીને છેલ્લાં ૧૫ વરસમાં વિકસતા દેશોને ૨૪૦ બિલ્યન ડૉલરનું સંકટ સમયનું ધિરાણ આપીને તેમણે લીધેલી લોન પરત કરવાના અણીના સમયે મદદ કરીને આ દેશોને બાનમાં લીધા છે. એટલી હદે કે આવા દેશોને કરાયેલી મદદનો હિસ્સો ૨૦૨૨ સુધીમાં ચીને વિશ્વના બધા દેશોને કરેલ કુલ ધિરાણમાં ૬૦ ટકા જેટલો થઈ ગયો (જે ૨૦૧૦માં  પાંચ ટકા હતો). ચીન સંકટ સમયે અપાતી આવી લોન પરનું વ્યાજ પણ વિશ્વ બૅન્ક કે અન્ય એજન્સીઓ દ્વારા વસૂલ કરાતા વ્યાજ કરતાં ઊંચા દરે વસૂલ કરે છે, જે આ દેશોની કમર તોડી નાખે છે. એટલું જ નહીં, પણ કાયમ માટે તેમને ચીનના આશ્રિત બનીને રહેવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. ચીન માટે તેની સરહદો / સામ્રાજ્ય વિસ્તારતા રહેવાની અને વિશ્વના દેશો પર એની આણ વર્તે એવી સ્થિતિ ઊભી કરવાની ચાલનો આ એક ભાગ છે. 

ભારતની સધ્ધર આર્થિક સ્થિતિના કેટલાક પ્રમાણ

ભારતની આર્થિક સ્થિતિ સધ્ધર છે. અનેક વૈશ્વિક જોખમો અને પડકારો વચ્ચે આપણા મોટા ભાગના મેક્રો-ઇકૉનૉમિક પેરામીટર્સ મજબૂત છે. 

૧. ૨૦૨૨-’૨૩માં જીએસટીની કુલ આવક અત્યાર સુધીની છેલ્લાં છ વરસની સૌથી વધુ (૧૮ લાખ કરોડ રૂપિયા). માર્ચ મહિનાની આવક (૧.૬૦ લાખ કરોડ રૂપિયા) અત્યાર સુધીની બીજા નંબરની.

૨. છેલ્લા કેટલાક સમયથી સતત ઘટી રહેલ વિદેશી હૂંડિયામણમાં વધારાની શરૂઆત. સતત બીજા અઠવાડિયાના (માર્ચ ૨૪) વધારા (છ બિલ્યન ડૉલર વધીને ૫૭૯ બિલ્યન ડૉલર) સાથે વિદેશી હૂંડિયામણ આઠ મહિનાનું સૌથી ઊંચું. અગાઉ ઑક્ટોબર ૨૦૨૧માં આપણું વિદેશી હૂંડિયામણ ૬૪૫ બિલ્યન ડૉલરે પહોંચેલ. 

૩. ડૉલર સામે રૂપિયાની બાહ્ય કિંમતમાં ૨૦૨૨-’૨૩માં આઠ ટકાનો ઘટાડો (છેલ્લાં ત્રણ વરસનો સૌથી મોટો), પણ માર્ચ ૩૧ના અઠવાડિયામાં છેલ્લા એક મહિનાનો સૌથી મોટો વધારો (૮૨.૧૬). 

૪. ડિસેમ્બર ક્વૉર્ટરમાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (આગલા ક્વૉર્ટરમાં જીડીપીના ૩.૭ ટકા સામે ૨.૨ ટકા)માં ઘટાડો.

૫. ડિસેમ્બર ક્વૉર્ટરમાં વિદેશી પોર્ટફોલિયો મૂડીનો ઇન્ફ્લો (ગયા વરસના આ ક્વૉર્ટરના ૫.૮ બિલ્યન ડૉલરના આઉટફ્લો સામે ૪.૬ બિલ્યન ડૉલરનો ઇન્ફ્લો). 

૬. ૨૦૨૨-’૨૩માં ૧૦૦ બિલ્યન ડૉલરના વધારા સાથે સેવા અને ચીજવસ્તુઓની કુલ નિકાસ ૭૬૫ બિલ્યન ડૉલર. 

૭. આપણા સંરક્ષણ ક્ષેત્રની નિકાસોમાં સતત વધારો. 

૮. માર્ચ મહિને વિદેશી પોર્ટફોલિયો મૂડીનો ઇન્ફ્લો (માર્ચ ૨૫ સુધી ૭૨૦૦ કરોડ રૂપિયા). 

૯. માર્ચ મહિને યુપીઆઇ પેમેન્ટના સોદાઓની કુલ કિંમતમાં નવો રેકૉર્ડ (ફેબ્રુઆરી કરતાં ૧૩ ટકા વધીને ૧૪ લાખ કરોડ રૂપિયા. સોદાઓની સંખ્યા ૧૮ ટકાના વધારા સાથે ૮૬૫ કરોડ).
પ્રૉવિડન્ટ ફન્ડ પરના વ્યાજના દરના નજીવા વધારા પછી સરકારે પોસ્ટની નાની બચત યોજનાના અને નૅશનલ સેવિંગ સર્ટિફિકેટ પરના વ્યાજના દર વધાર્યા છે, જે નાના બચતકારોને તેમનાં નાણાં મુદતી થાપણમાં રોકવા માટે પ્રોત્સાહિત કરશે. 

ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંસ્થા)એ ૩૬ ઉપગ્રહો સાથેનું રૉકેટ સફળતાપૂર્વક લૉન્ચ કરીને અવકાશ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 

ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી છે (મે ૧૦). કર્ણાટકના ચૂંટણીઓનાં ભૂતકાળનાં પરિણામોએ કોઈ એક પક્ષની તરફેણમાં બહુમતી ન આપી હોવાથી ચૂંટણીઓ પછી એકબીજા પક્ષોના જોડાણને કારણે છેલ્લાં પાંચ વરસમાં કર્ણાટકે ત્રણ મુખ્ય પ્રધાન સત્તા પર જોયા છે. આમ ૨૦૨૪માં આવનાર લોકસભાની ચૂંટણીઓ માટે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ નિર્ણાયક સાબિત થશે.

કોવિડ-19ના કેસમાં ઝડપી વધારો

દરમ્યાન દેશમાં કોવિડ-19ના કેસ ઝડપભેર વધી રહ્યા છે. એક દિવસમાં ૩૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. એ સાથે ઍક્ટિવ કેસની સંખ્યા ૧૪,૦૦૦ પર પહોંચી છે. પૉઝિટિવિટી રેટ જે એક મહિના પહેલાં એકથી ઓછો હતો એ વધીને ૨.૭  પર પહોંચ્યો છે. આ વધારો ચિંતાનું કારણ ન હોવા છતાં વધુ માણસોવાળી (મોટા ટોળાવાળી) અને બંધ રૂમોમાં વધુ માણસોવાળી જગ્યાઓએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરાઈ છે. 

નવી વિદેશ વેપાર નીતિની જાહેરાત : ૨૦૩૦માં ૨૦૦૦ બિલ્યન ડૉલરની નિકાસનું લક્ષ્ય

નવી પૉલિસી કોઈ ચોક્કસ સમય (સામાન્ય રીતે ત્રણ કે પાંચ વરસ)ની મુદત માટે જાહેર કરાઈ નથી. વૈશ્વિક આર્થિક વૉલેટિલિટીને કારણે એમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાશે. છેલ્લે પૉલિસી (૨૦૧૫-’૨૦) ચાર વખત લંબાવ્યા પછી આ પૉલિસી જાહેર કરાઈ છે. 

અનેક વખત વિદેશ વેપાર પૉલિસીમાંના નિકાસ માટેનાં લક્ષ્ય ચુકાઈ ગયા હોવા છતાં અને વિશ્વ વેપારના ટૂંકા ગાળાના સંયોગો નબળા હોવા છતાં વિદેશ વેપાર નીતિમાં ૨૦૩૦ માટે ૨૦૦૦  બિલ્યન ડૉલર (૨૦૨૨-૨૩માં ૫૦૦ પ્લસ બિલ્યન ડૉલર)નું તગડું લક્ષ્ય જાહેર કર્યું છે. વિશ્વની જીઓ-પૉલિટિકલ પરિસ્થિતિ કેવો વળાંક લે છે એના પર પણ આ લક્ષ્યાંક સિદ્ધ થવાનો મોટો આધાર રહેશે. 

ભૂતકાળની જેમ રોકડ સહાય પર આધાર રાખવાને બદલે નવી પૉલિસી પ્રમાણે નિકાસકારોએ વિશ્વના બજારમાં ઊભા રહેવા માટે તેમની હરિફ શક્તિ વધારવી પડશે. 

જે દેશો ડૉલરની અછત અનુભવતા હોય કે તેમનું ચલણ નિષ્ફળ ગયું હોય એવા દેશ સાથે રૂપિયા (ભારતીય ચલણ)માં વેપાર કરવાની પણ તૈયારી નવી પૉલિસીમાં બતાવાઇ છે. 

નિકાસકારોને એક દેશમાંથી ખરીદીને સીધેસીધા બીજા દેશમાં વેચવાની (મર્ચન્ટિંગ એક્સપોર્ટ) છૂટ અપાઈ છે, જે પણ નિકાસનાં ઊંચાં લક્ષ્યને સિધ્ધ કરવામાં મદદ કરશે. 

ભારતમાં તેના અધ્યક્ષપણા હેઠળ આ વરસે મળી રહેલ G-20ની મીટિંગોમાં રશિયા-યુક્રેન યુદ્ધની સમાપ્તિ બાબત ભાગ લેનાર દેશો વચ્ચે સંમતિ સધાય એવા પ્રયત્નો ચાલુ છે, જેથી જીઓ-પૉલિટિકલ તણાવ ઘટે. વિશ્વનો આર્થિક વિકાસનો દર વધે (સ્લોડાઉન અને સંભવિત મંદી દૂર થાય) અને એનો ફાયદો ભારતને સૌથી વધુ મળે. 

હાલની બૅન્કિંગ કટોકટી વિશે જિમ રોજર્સની ચેતવણી

એક કે બે નાની બૅન્કોની ફેલ્યર સાથે શરૂ થયેલ હાલની બૅન્કિંગ કટોકટી મોટું સ્વરૂપ ધારણ કરે એ શકયતા પૂરેપૂરી હોવાની ચેતવણી ઇન્વેસ્ટમેન્ટ ગુરુ જિમ રોજર્સે ઉચ્ચારી છે. 

૨૦૦૮માં દેવાનું પ્રમાણ વધી જતાં આપણે મોટી નાણાકીય કટોકટીમાં ફસાયા હતા. હાલ અનેક દેશો (અમેરિકા અને ચીન સહિત)નું દેવું ખૂબ વધી ગયું છે એટલે વિશ્વ ૨૦૦૮ કરતાં પણ મોટી નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે.

આ બધી સંભાવનાઓ વચ્ચે ભારતના પૉલિસી મેકર્સે (નાણાં મંત્રાલય તેમ જ રિઝર્વ બૅન્કે) પોતાનો ટેઇલર-મેડ માર્ગ શોધવો રહ્યો. એ સંદર્ભમાં આ અઠવાડિયે જાહેર થનાર રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી પર બધી મીટ મંડાય એ સ્વાભાવિક છે. પ્રશ્ન છે : વ્યાજના દરનો નજીવો પણ વધારો કે વધારાને બ્રેક?

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2023 02:55 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK