ફેબ્રુઆરીની આયાત ઘટીને આઠ મહિનાના તળિયે પહોંચી
પ્રતીકાત્મક તસવીર
દેશની પામતેલની આયાતમાં ફેબ્રુઆરીમાં મોટો ઘટાડો થયો હોવાનો અંદાજ છે. ખાદ્ય તેલની સાથે સંકળાયેલા પાંચ ડિલરોએ જણાવ્યું હતું કે ભારતની ફેબ્રુઆરીમાં પામ ઑઇલની આયાત જાન્યુઆરીથી ૩૦ ટકા ઘટીને આઠ મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી હતી. રિફાઇનરીઓએ ઑક્ટોબરથી જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમ્યાન પામતેલની આયાતમાં મોટો વધારો કર્યો હોવાથી કુલ સ્ટૉક વધારે થયો હતો, જેને પગલે ફેબ્રુઆરીની આયાત ઘટી છે. પામતેલની ઘટતી આયાત મલેશિયન પામતેલ વાયદાના ભાવ પર પણ અસર કરી શકે છે.
ભારતની પામ ઑઇલની આયાત ગયા મહિને ઘટીને ૫.૮૬ લાખ ટન થઈ હતી, જે પાંચ ડિલરોના અંદાજની સરેરાશ મુજબ જૂન ૨૦૨૨ પછીની સૌથી નીચી છે.
ADVERTISEMENT
જીજીએન રિસર્ચના મૅનેજિંગ પાર્ટનર રાજેશ પટેલે જણાવ્યું હતું કે ઑક્ટોબરથી જાન્યુઆરી દરમ્યાન દેશની પામ ઑઇલની આયાત મજબૂત હતી, પરંતુ માગ નબળી હતી, જેના કારણે રિફાઇનર્સે ફેબ્રુઆરીમાં ખરીદી ઘટાડવાની ફરજ પડી હતી.
ડિલરોએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં સોયા તેલની આયાત જાન્યુઆરીથી ૭.૩ ટકા ઘટીને ૩.૪૦ લાખ ટન થઈ હતી, જ્યારે સનફ્લાવર તેલની જાન્યુઆરીમાં રેકૉર્ડ ઊંચી આયાત કરતાં ૬૭ ટકા ઘટીને ૧.૫૦ લાખ ટન થઈ હતી. ભારત મુખ્યત્વે ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલૅન્ડમાંથી પામ ઑઇલ ખરીદે છે. એ આર્જેન્ટિના, બ્રાઝિલ, રશિયા અને યુક્રેનમાંથી સોયાબીન અને સનફ્લાવર તેલની આયાત કરે છે.
પામતેલની ખરીદ ઘટવાનું એક કારણ એ પણ હતું કે સોયા ઑઇલ અને સનફ્લાવર ઑઇલ પરનું ડિસ્કાઉન્ટ ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૫૦૦ ડૉલર જેટલું ઊંચું હતું એ ઘટીને આશરે ૨૦૦ ડૉલર પ્રતિ ટન થયું હતું, એમ વૈશ્વિક વેપાર ગૃહ સાથેના મુંબઈસ્થિત ડિલરે જણાવ્યું હતું.
ખાદ્ય તેલ બ્રોકરેજ અને કન્સલ્ટન્સી ફર્મ સનવીન ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ સંદીપ બજોરિયાએ જણાવ્યું હતું કે સનફ્લાવર તેલ અને સોયા તેલની ડ્યુટી ફ્રી આયાત બંધ કરવાના ભારતનાં તાજેતરનાં પગલાં આગામી મહિનાઓમાં પામ ઑઇલને ટેકો આપી શકે છે.
ભારતે પહેલી એપ્રિલથી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ માટે ૨૦ લાખ ટન ક્રૂડ સનફ્લાવર ઑઇલના ડ્યુટી ફ્રી આયાત ક્વોટાને રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ પગલાથી પામ ઑઇલની વધુ આયાત થઈ શકે છે, જે અગાઉ ટૅક્સ આકર્ષિત કરતી હતી, કારણ કે ક્વોટા હેઠળ કોઈ પણ કર વગર સનફ્લાવર તેલ અને સોયા તેલની આયાતને મંજૂરી આપવામાં આવી હતી.