બેઠકમાં સ્ટેટ બૅન્કના ગવર્નર જમીલ અહમદ અને સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન ઑફ પાકિસ્તાનના ચૅરમૅન આકિફ સઈદ પણ હાજર હતા.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ક્રિપ્ટોકરન્સીના માઇનર્સને તથા બ્લૉકચેઇન આધારિત ડેટા સેન્ટર્સને આકર્ષવા માટે પાકિસ્તાનમાં વીજળીના દરમાં ઘટાડો કરવામાં આવશે એવી માહિતી પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલે આપી છે. દેશના ઊર્જા મંત્રાલયનાં સૂત્રોને ટાંકીને ડૉન અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વીજળીના આકર્ષક દર સંબંધે ઉચ્ચ સ્તરીય ચર્ચાવિચારણા ચાલી રહી છે. હાલમાં ઊર્જાપ્રધાન અવૈસ લેઘારી અને ક્રિપ્ટો કાઉન્સિલના CEO બિલાલ બિન સાકિબ વચ્ચે મંત્રણા થઈ હતી.
૨૧ તારીખે મળેલી બેઠકમાં સાકિબે કહ્યું હતું કે પાકિસ્તાનમાં વીજળીની પુરાંત રહે છે, જેનો ઉપયોગ બિટકૉઇન માઇનિંગ માટે કરી શકાય છે. આ બેઠકમાં સ્ટેટ બૅન્કના ગવર્નર જમીલ અહમદ અને સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન ઑફ પાકિસ્તાનના ચૅરમૅન આકિફ સઈદ પણ હાજર હતા.
ADVERTISEMENT
અન્ય એક અહેવાલ મુજબ સૉફ્ટવેર ઇન્ટેલિજન્સ કંપની માઇક્રોસ્ટ્રૅટેજીએ ૧૭થી ૨૩ માર્ચના ગાળામાં વધુ ૬૯૧૧ બિટકૉઇન ખરીદ્યા છે. આ ખરીદીને પગલે કંપની પાસે હવે કુલ ૩૩.૭ અબજ ડૉલરના ખર્ચે ખરીદાયેલા ૫,૦૬,૧૩૭ બિટકૉઇન છે, જેનો સરેરાશ ભાવ પ્રતિ બિટકૉઇન ૬૬,૬૦૮ ડૉલર થાય છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી. માર્કેટ કૅપિટલાઇઝેશન ૩.૦૭ ટકા વધીને ૨.૮૭ ટ્રિલ્યન ડૉલર થયું હતું. ૨૪ કલાકના ગાળામાં બિટકૉઇનમાં ૪.૪૬ ટકા વધારો થતાં ભાવ ૮૮,૬૬૯ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૪.૧૯ ટકા, એક્સઆરપીમાં ૩.૬૦ ટકા, સોલાનામાં ૮.૬૬, ડોઝકૉઇનમાં ૬.૬૫, કાર્ડાનોમાં ૪.૨૩ અને અવાલાંશમાં ૧૨.૫૪ ટકા વધારો થયો હતો.

