નોંધનીય છે કે પાકિસ્તાનની કેન્દ્રીય બૅન્ક વર્ષો સુધી ક્રિપ્ટોકરન્સીની વિરુદ્ધ હતી
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય રોકાણને આકર્ષિત કરવા માટે અને અર્થતંત્રમાં બ્લૉકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવા માટે ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ કાનૂની બનાવવાનું વિચારી રહ્યું છે. પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બિલાલ બિન સાકિબે ગુરુવારે બ્લૂમબર્ગ ટીવીને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ક્રિપ્ટો માટે નિયમનકારી માળખું રચવાની તૈયારીઓ ચાલી
રહી છે.
નોંધનીય છે કે પાકિસ્તાનની કેન્દ્રીય બૅન્ક વર્ષો સુધી ક્રિપ્ટોકરન્સીની વિરુદ્ધ હતી. ભારતની રિઝર્વ બૅન્કની જેમ જ એની માન્યતા રહી છે કે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ફ્રૉડ, મની લૉન્ડરિંગ કરવા માટે થાય છે અને એનાથી નાણાકીય અસ્થિરતા સર્જાય છે. જોકે હવે ડિજિટલ ઍસેટ્સ તરફ દુર્લક્ષ કરી શકાય એમ નથી, એવું સાકિબે કહ્યું છે. એમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનમાં લાખો લોકો ક્રિપ્ટોના યુઝર છે અને દેશમાં બ્લૉકચેઇન તથા વેબ3 ઇકોસિસ્ટમનો ઉપયોગ થવા લાગ્યો છે. હવે અમેરિકા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ જેવા દેશો પણ ક્રિપ્ટો માટે સાનુકૂળ નીતિઓ અપનાવી રહ્યા હોવાથી પાકિસ્તાને સ્પર્ધામાં ટકી રહેવા માટે ક્રિપ્ટોને કાનૂની સ્વરૂપ આપવું જરૂરી બની ગયું છે.
ADVERTISEMENT
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો આગળ વધ્યો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૦૨ ટકા વધીને ૨.૮ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનમાં ૨૪ કલાકના ગાળામાં ૨.૪ ટકા વૃદ્ધિ થઈને ભાવ ૮૬,૩૧૩ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૧.૩૭ ટકાનો અને એક્સઆરપીમાં ૨.૦૨ ટકાનો ઘટાડો થયો હતો.

