Paisa Ni Vaat: જો તમે પણ સોશ્યલ મીડિયા પર રીલ્સ જોઈને રોકાણ કરો છો તો આ લેખ તમારા માટે છે; ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી જણાવે છે કારણો
ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)
ગુજરાતીમાં સુપ્રસિદ્ધ કહેવત છે કે ‘આજે રોકડા ને ઉધાર કાલે’ જેનો સરળ અર્થ છે ‘રોકડા તે ખરા; ઉધારની વાત નહીં’. જોકે, ઉપભોક્તાવાદને પગલે આ કહેવતનો અર્થ એમ કરીએ કે ‘આજે રોકડા (લોન) ને ઉધાર (ઇએમઆઈ) કાલે’ તો પણ અતિષિયોક્તિ નથી. આવી સ્થિતિમાં યોગ્ય નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવા? કઈ બાબતોનું ધ્યાન રાખવું? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું? આ બધા જ સવાલોના જવાબ આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે નવું નજરાણું ‘પૈસાની વાત’ (Paisa Ni Vaat). આ કૉલમમાં આપણે મળીશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સને અને તેમની પાસેથી જાણીશું ફાઇનનાન્સના કેટલાક મૂળભૂત ફંડા.
આજના યુવાનો સોશ્યલ મીડિયા (Social Nedia) પર રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવા તરફ વળ્યા છે ત્યારે તેના પાછળના મુખ્ય કારણો અને જોખમો શું છે તે વિશે આજે આપણી સાથે ‘પૈસાની વાત’ (Paisa Ni Vaat)માં વાત કરી રહ્યાં છે, ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી (Khyati Mashru Vasani).
ADVERTISEMENT
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતા ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી જણાવે છે કે, ‘આજકાલ યંગસ્ટર્સ સોશ્યલ મીડિયા પર રીલ્સ જોઈને નાણાકીય નિર્ણયો અને રોકાણો કરતા થઈ ગયા છે. ઇનવેસ્ટમેન્ટની સલાહ માટે સોશ્યલ મીડિયા રીલ્સ (Viral Reels) પર યુવા રોકાણકારોની વધતી જતી નિર્ભરતા ખરેખર ચિંતાનો વિષય છે. રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ જેટલું સરળ અને સહેલું છે તેટલું જ જો ધ્યાન ન રાખવામાં આવે તો જોખમી પણ છે.’
ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી જણાવે છે કે, શા માટે યુવા રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટની સલાહ માટે સોશ્યલ મીડિયા રીલ્સ તરફ વળ્યા છે? તેઓ કહે છે કે, ‘આ પાછળ ચાર મુખ્ય કારણો છે. પહેલુ કારણ છે, કનવિન્યન્સ અને તાત્કાલિક એક્સેસિબલ. બીજુ કારણ છે, ઇન્ફ્લ્યુઅન્સર્સની અસર. ત્રીજુ પરંપરાગત શિક્ષણનો અભાવ અને ચોથુ પરંપરાગત શિક્ષણનો અભાવ.’
આ કારણોને વિસ્તારથી સમજાવે છે ખ્યાતિ મશરુ વસાણીઃ
૧. કનવિન્યન્સ અને તાત્કાલિક એક્સેસિબલ
યુવાનોની આજની ઝડપી જિંદગીમાં સોશ્યલ મીડિયા તેમની આંગળીઓનાં ટેરવે હોય છે. ૩૦-૪૦ સેકેન્ડ્સની રીલમાં એટલે કે ઓછા સમયમાં જોઈએ તેટલી માહિતી મળી રહે છે. એ પણ જે સમયે જોઈએ ત્યારે મળી રહે છે. તેમજ આ રીલ્સ આસાનીથી ગળે ઉતરી જાય તેવી માહિતી આપે છે. આમ કનવિન્યન્સ અને તાત્કાલિક એક્સેસિબલિટીને રીતે યંગસ્ટર્સ રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ તરફ વળે છે.
૨. ઇન્ફ્લ્યુઅન્સર્સની અસર
પૉપ્યુલર ઇન્ફ્લ્યુઅન્સર્સ અને કનટેન્ટ ક્રિએટર ઘણીવાર મહત્વની અને મુશ્કેલ ફાઇનાન્શિયલ ટર્મ્સને સરળ બનાવી દે છે. જેને કારણે યંગસ્ટર્સને રોકાણ સહેલું લાગવા માંડે છે. એટલે તેઓ રીલ્સથી પ્રેરણા લઈને ઇન્વેસ્ટમેન્ટ કરે છે.
૩. પરંપરાગત શિક્ષણનો અભાવ
ઘણા યુવા રોકાણકારોમાં પરંપરાગત આર્થિક રોકાણના શિક્ષણનો અભાવ હોય છે અને તે અંતરને ભરવા માટે યુવાનો વૈકલ્પિક માર્ગ શોધે છે. એટલે તેઓ રીલ્સ તરફ વળે છે જે બહુ જ સરળ માર્ગ છે.
૪. ફીયર ઑફ મિસિંગ આઉટ (FOMO)
રોકાણના વાયરલ ટ્રેન્ડ્સ અને સ્ટોરીસને કારણે યુવાનોને એવું લાગે છે કે તેઓ ક્યાંય બધાથી પાછળ તો નથી રહી ગયાને! ઇન્વેસ્ટમેન્ટની આ દોટમાં તેમને મિસિંગ ફિલ થાય છે અને પછી તેઓ રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરુ કરે છે.
ખ્યાતિ મશરુ વસાણી કહે છે કે, ‘ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે સોશ્યલ મીડિયાના ટ્રેન્ડ્સને અનુસરવામાં બહુ જોખમ છે અને રીલ્સને આધારે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં તેઓ અનેક ભૂલ કરી બેસે છે. આ વિશે વિગતે વાત કરીશું આવતા પખવાડિયે.’

