પૈસાની વાતમાં આ પખવાડિયે આપણા પ્રશ્નોના જવાબ આપવા માટે જોડાયા છે જાણીતા આર્થિક પત્રકાર જયેશ ચિતલિયા
Paisa Ni Vaat
ડિઝાઇન: કિશોર સોસા
ગુજરાતીમાં સુપ્રસિદ્ધ કહેવત છે કે ‘આજે રોકડા ને ઉધાર કાલે’ જેનો સરળ અર્થ છે ‘રોકડા તે ખરા; ઉધારની વાત નહીં’. જોકે, ઉપભોક્તાવાદને પગલે આ કહેવતનો અર્થ એમ કરીએ કે ‘આજે રોકડા (લોન) ને ઉધાર (ઇએમઆઈ) કાલે’ તો પણ અતિષિયોક્તિ નથી. આવી સ્થિતિમાં યોગ્ય નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવા? કઈ બાબતોનું ધ્યાન રાખવું? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું? આ બધા જ સવાલોના જવાબ આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે નવું નજરાણું ‘પૈસાની વાત’ (Paisa Ni Vaat). આ કૉલમમાં આપણે મળીશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સને અને તેમની પાસેથી જાણીશું ફાઇનનાન્સના કેટલાક મૂળભૂત ફંડા.
આજે આપણે વાત કરવાની છે રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) વિશે. રોકાણની વાત (Paisa Ni Vaat) આવે એટલે પહેલાં સવાલો તો એ જ થાય કે રોકાણ ક્યારથી શરૂ કરવું? કેવી રીતે કરવું? કેટલું કરવું? ક્યાં કરવું? અને કેટલું રિસ્ક લેવું? - આ બધા જ સવાલો અમે પૂછ્યા જાણીતા આર્થિક પત્રકાર જયેશ ચિતલિયાને અને તેમણે આપ્યા સચોટ જવાબ. વાંચો તેમના જ શબ્દોમાં...
ADVERTISEMENT
સવાલ: ક્યારથી શરૂ કરવું જોઈએ રોકાણ?
જવાબ: ‘ઇનકમ સાથે ઇન્વેસ્ટમેન્ટ’ આ રોકાણનો પાયાનો નિયમ (Paisa Ni Vaat) છે. તમે જેવું પૈસા રળવાનું શરૂ કરો એટલે તમારે અચૂક રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. પૈસા આવતા જ જેમ આપણે તેને ખર્ચ કરવાની અને નવી વસ્તુઓ વસાવવાની યોજના બનાવીએ છીએ એ જ રીતે આપણે રોકાણ માટેની પણ યોજના બનાવવી જ જોઈએ. ઊલટું રોકાણની યોજના પહેલાં બનાવવી જોઈએ અને પછી ખર્ચ કરવાની યોજના ઘડવી જોઈએ.
સવાલ: કેવી રીતે કરવું રોકાણ?
જવાબ: જો તમે તાજેતરમાં જ કમાવવાનું શરૂ કર્યું છે, તો સૌથી પહેલાં તો તમારે ઇમરજન્સી ભંડોળ જમા કરવું જોઈએ અને કોઈપણ પ્રકારના મેડિકલ ખર્ચ માટે મેડિક્લેમ કઢાવી લેવો જોઈએ. ત્યાર બાદ એક ધ્યેય નક્કી કરવો જોઈએ – જેમ કે તમે બે, પાંચ કે દસ વર્ષે કેટલી મૂડી જમા કરવા માગો છો અને તે પ્રમાણે ઉચિત પગલાં લેવા જોઈએ. પૈસા કમાવા અને પૈસા સાચવવા બંને જુદા વિષય છે, માટે બધુ જ રોકાણ કરતી વખતે તમારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા પૈસા જ તમારા માટે વધુ પૈસા કઈ રીતે કમાય શકે!
સવાલ: કેટલું કરવું જોઈએ રોકાણ?
જવાબ: જો તમે મહિને ૨૦ હજાર કમાતા હોવ તો તમારે લગભગ ચારથી પાંચ હજાર બચાવવા જોઈએ – રોકાણ કરવું જોઈએ. જો તમારા પર જવાબદારીઓ ઓછી હોય તો તમારે ચોક્કસ વધુ રોકાણ કરવું જોઈએ, પણ રોકાણ કરવાનું ટાળવું જોઈએ નહીં. દર મહિને થોડા પૈસા બચાવવા જ જોઈએ અને વ્યવસ્થિત રીતે રોકવા જોઈએ. ભલે તમે ઓછું રોકાણ કરો, પરંતુ સતત કરો તો તે કકહૂબ જ લાભદાયી છે.
સવાલ: ક્યાં કરવું જોઈએ રોકાણ?
જવાબ: તમે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને ગવર્મેન્ટ સ્કીમમાં રોકાણ કરી શકો છો. ક્યાં કેટલું રોકાણ કરવું એ નિર્ણય તમારે તમારા ધ્યેયને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ. યોગ્ય નિયોજન માટે ફાઇનાન્સિયલ એક્સપર્ટની મુલાકાત પણ લેવી જોઈએ.
સવાલ: રોકાણ કરતી વખતે કેટલું રિસ્ક લેવું જોઈએ?
જવાબ: જો તમે નાની ઉંમરમાં છો તો તમારે ચોક્કસ મોટું રિસ્ક લેવું જોઈએ, પરંતુ તમારી જવાબદારીઓને ધ્યાનમાં લઈને આ રિસ્ક નક્કી કરવું જોઈએ. એક સીમા પણ નક્કી કરવી જોઈએ કે તમે કેટલા પૈસા સાથે રિસ્ક લેવા માગો છો. (દાખલા તરીકે તમે જો મહિને પાંચ હજાર બચાવો છો અને તમારી જવાબદારીઓ ઓછી છે તો તમે ૩ હજાર રૂપિયાનું રિસ્ક લઈ શકો અને જવાબદારી વધુ હોય તો કદાચ બે જ હજારનું રિસ્ક લો) એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આંધળું જોખમ લેવું જોઈએ નહીં, તમારી સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવો.
સવાલ: નવા રોકાણકારો માટે એક સૌથી મહત્ત્વની ટીપ
જવાબ: નવા રોકાકારોએ કોઈપણ પ્રકારની લાલચમાં ફસાવું જોઈએ નહીં. ખાસ કરીને સોશિયલ મીડિયા પર આવતી ટિપ્સને આધારે રોકાણ કે ટ્રેડિંગ કરવું ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે અને વ્યક્તિને ભારે નુકસાન થઈ શકે છે માટે સચેત રહેવું. ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માટે એફઍન્ડઓ અને શેર્સમાં ટ્રેડ કરવાની લાલચમાં ફસાવું જોઈએ નહીં. શેરબજારમાં રોકાણ કરો તો લાંબાગાળા માટે કરવાના ધ્યેય સાથે કરો. અંતે, જેમ તબિયત બગડે ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ અને તેના પર વિશ્વાસ રાખીએ છીએ – તે જ રીતે જરૂર પડે ત્યારે ફાઈનાન્સિયલ એડવાઇઝરની સલહ જરૂર લેવી જોઈએ અને તેના પર વિશ્વાસ રાખવો જોઈએ.