એપ્રિલથી ડિસેમ્બરમાં કુલ ૧૭.૨૧ લાખ ટનની નિકાસ થઈ
પ્રતીકાત્મક તસવીર
દેશમાં કાંદાના ભાવ અત્યારે ખૂબ જ નીચા હોવાથી નિકાસમાં પણ મોટો વધારો થયો છે. સરકારી આંકડાઓ મુજબ દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષના પહેલા નવ મહિના દરમ્યાન એટલે કે એપ્રિલથી ડિસેમ્બર દરમ્યાન કાંદાની કુલ નિકાસ ૪૯ ટકા વધીને ૧૭.૨૦ લાખ ટનની થઈ છે, જે ગયા વર્ષે ૧૧.૫૬ લાખ ટનની થઈ હતી.
દેશમાંથી મૂલ્યની રીતે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં એ ૧૫ ટકા વધીને ૩૯.૪૦ કરોડ ડૉલરની નિકાસ થઈ છે. ઍગ્રિકલ્ચર ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ એક્સપોર્ટ્સ ડેવલપમેન્ટ ઑથોરિટી (અપેડા)એ અનેક પગલાં લીધાં હોવાથી દક્ષિણપૂર્વ એશિયાના દેશો અને પશ્ચિમ એશિયામાંથી મજબૂત માગને કારણે નિકાસ વેપારો વધ્યા છે.
ADVERTISEMENT
કાંદાની નિકાસ પ્રમોશન ફોરમને વિશ્વાસ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે શિપમેન્ટ ઊંચા પુરવઠા અને અન્ય દેશોમાં મલેશિયા, વિયેતનામ અને ઇન્ડોનેશિયા જેવા મુખ્ય ખરીદદારોની વધતી માગને કારણે ગયા વર્ષના સ્તરને વટાવી જશે.
અપેડાના ચૅરમૅન એમ. અનંગમુથુએ જણાવ્યું હતું કે હાલમાં જે અભિપ્રાયો આવી રહ્યા છે એ મુજબ દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં કાંદાની કુલ નિકાસ ગયા વર્ષની તુલનાએ વધુ થશે. ભારતે ગયા વર્ષમાં કુલ ૪૬ કરોડ ડૉલરના કાંદા નિકાસ કર્યા હતા. વૈશ્વિક કાંદાના ઉત્પાદનમાં ભારત ચોથા ભાગનો હિસ્સો ધરાવે છે અને નેધરલૅન્ડ્સ અને મેક્સિકો બાદ ત્રીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર દેશ પણ છે.
હોર્ટિકલ્ચર પ્રોડ્યુસ એક્સપોર્ટર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ અજિત શાહે જણાવ્યું હતું કે નિકાસ સારી હોવા છતાં વિદેશી માગમાં વૃદ્ધિ અમારા ઉત્પાદનમાં થયેલા વધારા સાથે સુસંગત નથી. ભારત દ્વારા ૨૦૧૯-’૨૦માં લાદવામાં આવેલા નિકાસ પરના પ્રતિબંધની અસરને કારણે ટર્કી, ઇજિપ્ત અને બંગલાદેશ જેવા દેશો, જેઓ કાંદાના ચાવીરૂપ ખરીદદારો છે, તેઓએ માગને અસર કરતા પોતપોતાના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાનું શરૂ કર્યું છે. વધુમાં, ફિલિપીન્સ જેવા દેશો ચાઇનીઝ કાંદાની તરફેણ કરે છે અને અમારી પાસેથી આયાત કરતા નથી. વધુમાં શાહે જણાવ્યું હતું કે નિકાસ વૉલ્યુમની દૃષ્ટિએ વધી શકે છે, મૂલ્યની દૃષ્ટિએ શિપમેન્ટ ગયા વર્ષના સ્તરની આસપાસ રહેવાની શક્યતા છે, કારણ કે આ વર્ષે ભાવમાં ઘટાડો થયો છે.