Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વરિષ્ઠ તેમ જ નિવૃત્ત નાગરિકોની સુરક્ષા માટે મહારેરાનું અદ્ભુત પગલું

વરિષ્ઠ તેમ જ નિવૃત્ત નાગરિકોની સુરક્ષા માટે મહારેરાનું અદ્ભુત પગલું

Published : 10 February, 2024 08:35 AM | IST | Mumbai
Parag Shah | parag.shah@mid-day.com

મહારેરાએ એની સૂચનામાં જણાવ્યું છે કે ‘એક વાર આ માર્ગદર્શિકા લાગુ પડી જશે પછી ડેવલપર્સે વેચાણ માટેના કરારમાં અને અન્ય સંબંધિત દસ્તાવેજોમાં કેટલીક વિશેષ જોગવાઈઓ સામેલ કરવી પડશે.’

પ્રતીકાત્મક તસવીર

સમજો જીએસટીને

પ્રતીકાત્મક તસવીર


હાલના રિયલ એસ્ટેટ એજન્ટ્સ તેમ જ મહારેરા ઑથોરિટી સમક્ષ હવેથી નવા રજિસ્ટર્ડ એજન્ટ્સ તરીકે રજિસ્ટર થવા માગતા રિયલ એસ્ટેટ એજન્ટો માટે મહારેરા દ્વારા લેવામાં આવેલા નવા પગલા વિશે મારા છેલ્લા લેખમાં મેં તમને માહિતી આપી હતી. ૧લી જાન્યુઆરી, ૨૦૨૪થી તમામ હાલના અને નવા એજન્ટો માટે મહારેરા ઑથોરિટી સમક્ષ પોતાને રજિસ્ટર કરાવવા માટે કૉમ્પિટન્સી સર્ટિફિકેટ (યોગ્યતા પ્રમાણપત્ર) મેળવવું ફરજિયાત છે. આજના લેખમાં જે ડેવલપર્સ તેમના પ્રોજેક્ટ્સને ‘રિટાયરમેન્ટ પ્રોજેક્ટ્સ’ તરીકે ખોટી રીતે જાહેરાત કરી રહ્યા છે તેઓ માટે મહારેરાએ એક માર્ગદર્શિકા રજૂ કરી છે એ વિશે હું તમને માહિતી આપીશ.


માર્ગદર્શિકા જાહેર કરનારી પ્રથમ હાઉસિંગ રેગ્યુલેટરી સંસ્થા મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (મહારેરા)એ નિવૃત્ત અને વરિષ્ઠ નાગરિકો માટેના હાઉસિંગ પ્રોજેક્ટ્સ તેમની મૂળભૂત આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે એની ખાતરી કરવા માટે ડ્રાફ્ટ મૉડલ માર્ગદર્શિકા બહાર પાડી છે. મહારેરાના આ પગલાથી એને નિવૃત્ત લોકો માટેના હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટેની જોગવાઈઓ જાહેર કરનારી ભારતની પ્રથમ હાઉસિંગ રેગ્યુલેટરી સંસ્થા બનાવે છે. વરિષ્ઠ નાગરિકો આવા હાઉસિંગના પ્રોજેક્ટ્સમાં સ્થળાંતર કરે ત્યાર બાદ તેમને જરૂરી બધી સુવિધાઓ આવા પ્રોજેક્ટ્સમાં હોવી જોઈએ એ સુનિશ્ચિત કરવાનો મહારેરાનો હેતુ છે.  



મહારેરાએ એની સૂચનામાં જણાવ્યું છે કે ‘એક વાર આ માર્ગદર્શિકા લાગુ પડી જશે પછી ડેવલપર્સે વેચાણ માટેના કરારમાં અને અન્ય સંબંધિત દસ્તાવેજોમાં કેટલીક વિશેષ જોગવાઈઓ સામેલ કરવી પડશે.’ હવેથી મૉડલ માર્ગદર્શિકા મુજબ વરિષ્ઠ નાગરિક હાઉસિંગ પ્રોજેક્ટ્સ બનાવવાના રહેશે. આ ડ્રાફ્ટમાં વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાત મુજબ બિલ્ડિંગના બાંધકામનાં ધોરણોનો સમાવેશ જરૂરી બનાવવામાં આવ્યો છે. એ સાથે અન્ય ઓછામાં ઓછા માપદંડની સૂચિ પણ આપવામાં આવી છે જે દરેક પ્રોજેક્ટમાં હોવા જોઈશે. આ સ્પષ્ટીકરણોમાં બિલ્ડિંગ ડિઝાઇન, ગ્રીન બિલ્ડિંગ માટેના નિયમો, લિફ્ટ અને રૅમ્પ્સ, સીડી, કૉરિડોર, લાઇટિંગ અને વેન્ટિલેશન, સલામતી અને સુરક્ષા સામેલ છે. 
મૉડલ માર્ગદર્શિકાઓની કેટલીક મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ આ પ્રમાણે છે


એક કરતાં વધુ માળની ઇમારતમાં એલિવેટર હોવાં જોઈએ. 
બધી લિફ્ટમાં ઑડિઓ વિઝ્યુઅલ સિસ્ટમ હોવી જોઈએ. 
લિફ્ટ્સમાં આસાનીથી અંદર-બહાર જઈ શકે એવી વ્હીલચેર હોવી જોઈએ. 
આસાનીથી અવરોધ વગર વ્હીલચેરમાં ફરી શકાય એ માટે ફરજિયાત રૅમ્પ્સ હોવાં જોઈએ. 
સીડીઓની પહોળાઈ ૧૫૦૦ મીમી કરતાં ઓછી હોવી જોઈએ નહીં. 
સીડીની બન્ને બાજુ હૅન્ડ-રેઇલ્સ ફિટ કરવાં જોઈએ. 
સીડીમાં ૧૨ પગથિયાંથી વધુ ન હોવાં જોઈએ.

ભ્રામક રજૂઆતો તરફ કડક વલણ


એની સૂચનામાં ઑથોરિટીએ એમ પણ જણાવ્યું છે કે જ્યાં પ્રમોટર એવા કોઈ પણ પ્રકારનું મૌખિક કે લેખિતમાં નિવેદન આપશે અથવા કોઈ પ્રેઝન્ટેશન આપશે જેમાં આપવામાં આવતી સેવાઓનાં ધોરણો ખોટી રીતે બતાવવામાં આવ્યાં હશે અથવા જે મંજૂરીઓ અથવા ઍપ્લિએશન તેની પાસે ન હોવા છતાં પ્રમોટર ખોટી રીતે તેની પાસે હોવાની ભ્રામક રજૂઆત કરશે અથવા પ્રોજેક્ટ્સની સેવાઓ બાબત ગેરદોરવણી કરતું પ્રેઝન્ટેશન કરશે અથવા જે સેવાઓ આપવાનો તેનો હેતુ ન હોય એમ છતાં એ સેવાઓને જાહેરાતોમાં અથવા પ્રોસ્પેક્ટ્સમાં અથવા કોઈ અખબારમાં અથવા અન્યથા પ્રકાશિત કરવામાં આવશે તો એવા બધા જ સંજોગોમાં ઑથોરિટી પ્રોજેક્ટ્સની નોંધણીને રદ કરી શકે છે. ઘણા ડેવલપર્સ તેમના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને ‘રિટાયરમેન્ટ હોમ્સ’ તરીકે ખોટી રીતે જાહેરાત કરી રહ્યા છે અને ત્યાં સંભવિત ઘર ખરીદદારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવા મહારેરાને પ્રતિસાદ મળ્યા પછી આ મૉડલ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી હતી. એ પણ ધ્યાનમાં લાવવામાં આવ્યું હતું કે આમાંના ઘણા પ્રોજેક્ટ્સ વરિષ્ઠ નાગરિક નિવાસો માટે જરૂરી ન્યુનતમ ધોરણો અને જરૂરિયાતોનું  પાલન કરતા નથી.
ઘણા ડેવલપર્સ ‘રિટાયરમેન્ટ હોમ્સ’ની વધતી માગને ધ્યાનમાં રાખીને આવા પ્રોજેક્ટ્સ શરૂ કરી રહ્યા છે, પરંતુ આ બાંધકામો આ સેગમેન્ટની ખૂબ જ મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં લેતાં નથી. એથી વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્ત નાગરિકોની સાથે થનારી સંભવિત છેતરપિંડી અને નિરાશાને ટાળવા માટે મહારેરાએ વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે આવી માર્ગદર્શિકા જારી કરીને આ દિશામાં એક અદ્ભુત પગલું ભર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2024 08:35 AM IST | Mumbai | Parag Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK