ધિરાણનીતિ પાછળ બજાર પોણાચારસો પૉઇન્ટ બગડી સવાચારસો પૉઇન્ટ બેઠું થઈ છેવટે નજીવા ઘટાડે ૮૧,૭૦૯ બંધ
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્કે ચાલુ વર્ષ માટે GDPનો અંદાજ ઘટાડ્યો અને ફુગાવો ધારણાથી વધુ રહેવાની કબૂલાત કરી એના પગલે હવે ફેબ્રુઆરીમાં પણ રેટ-કટ આવવાનું મુશ્કેલ : ધિરાણનીતિ પાછળ બજાર પોણાચારસો પૉઇન્ટ બગડી સવાચારસો પૉઇન્ટ બેઠું થઈ છેવટે નજીવા ઘટાડે ૮૧,૭૦૯ બંધ : વ્યાજદરમાં ઘટાડો વેગળો જવા છતાં રેટ સેન્સિટિવ સેક્ટર બહુધા માર્કેટ આઉટ પર્ફોર્મર રહ્યાં : BSE, CDSL તથા MCX નવા બેસ્ટ લેવલે: નવા વર્ષથી મારુતિ અને હ્યુન્દાઇની કાર મોંઘી બનશે, મારુતિ વધ્યો, હ્યુન્દાઇ નરમ : પેટીએમમાં વર્ષની ટૉપ, પૉલિસી બાઝાર ઑલટાઇમ હાઈ : આગામી સપ્તાહે પ્રાઇમરીમાં ધમાલ, આશરે દસ નવાં ભરણાં નક્કી
રિઝર્વ બૅન્ક તરફથી સતત ૧૧મી પૉલિસી-મીટિંગમાં વ્યાજદર યથાવત રખાયો છે. રેપોરેટ ૦.૨૫ ટકા ઘટવાની નોમુરાની ધારણા ખોટી ઠરી છે. રેપોરેટમાં ઘટાડો કરવાને બદલે રિઝર્વે બૅન્કે કૅશ-રિઝર્વ રેશિયો (CRR) અડધો ટકો ઘટાડીને ચાર ટકા કર્યો છે. એના પગલે બૅન્કિંગ સેક્ટરની ધિરાણ ક્ષમતામાં ૧.૧૬ લાખ કરોડ રૂપિયાનો વધારો થશે. વધુમાં રિઝર્વ બૅન્ક દ્વારા ૨૦૨૪-’૨૫ના ચાલુ વર્ષ માટે GDP ગ્રોથ ૭.૨ ટકા રહેવાની ધારણા અગાઉ અપાઈ હતી એ બદલીને હવે સાડાછ ટકાની કરાઈ છે. આ સાથે ડિસેમ્બર ક્વૉર્ટરનો આર્થિક વિકાસદર ૭.૪ ટકાને બદલે હવે ૬.૮ ટકા રહેવાનું નવું અનુમાન છે. આર્થિક વિકાસદરમાં ઘટાડાની સાથે-સાથે ચાલુ વર્ષ માટેના ફુગાવાની ધારણામાં પણ ફેરફાર કર્યો છે. નવા અંદાજ પ્રમાણે ચાલુ વર્ષે ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવો સાડાચાર ટકાના બદલે વધુ પોણા પાંચ ટકા ઉપર કે ૪.૮ ટકાનો જોવાશે એમ રિઝર્વ બૅન્કનું માનવું છે. રિઝર્વ બૅન્કની પૉલિસી મીટિંગમાં GDP અને ફુગાવાનું જે રીતે આકલન થયું છે એ જોતાં હવે ફેબ્રુઆરી ૨૦૨૫ની પૉલિસી મીટિંગમાં પણ વ્યાજદર કે રેપોરેટ ઘટશે કે કેમ એની શંકા જાગે છે.
ADVERTISEMENT
ધિરાણનીતિ કે નાણાનીતિ અને એના સૂચિતાર્થ બેશક બજારને ગમે એવા નથી, પરંતુ આ આંચકાને ઇન્ટ્રા-ડેમાં પચાવી અંતે ૫૭ પૉઇન્ટ જેવો નહીંવત્ તથા નિફ્ટી ૩૦ પૉઇન્ટની પીછેહઠમાં ૨૪,૬૭૮ બંધ થયો છે. સેન્સેક્સ શુક્રવારે આગલા બંધથી સવાસો પૉઇન્ટ નજીક ઉપર ૮૧,૮૮૭ ખૂલ્યો હતો. ધિરાણનીતિની જાહેરાત પહેલાં બજાર ૮૧,૮૫૭ જેવું હતું જે ધિરાણનીતિના પગલે ગગડી ૮૧,૫૦૬ના
ઇન્ટ્રા-ડે તળિયે ગયું હતું અને ગણતરીની મિનિટમાં જ ત્યાંથી બાઉન્સબૅકમાં શૅરઆંક ૮૧,૯૨૬ દેખાયો હતો. બજાજ ત્યાર પછી સાંકડી વધઘટે અથડાયેલું રહ્યું હતું. બન્ને બજારનાં બહુમતી સેક્ટોરલ સુધર્યાં છે. સેન્સેક્સ નિફ્ટીની નહીંવત્ નરમાઈ સામે સ્મૉલકૅપ બેન્ચમાર્ક અડધો ટકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સવા ટકા, મેટલ ઇન્ડેક્સ ૧.૨ ટકા, ઑટો ઇન્ડેક્સ એકાદ ટકો, યુટિલિટીઝ અને ટેલિકૉમ બેન્ચમાર્ક અડધો ટકો પ્લસ હતો. બૅન્ક નિફ્ટી ૯૪ પૉઇન્ટ જેવો ઢીલો હતો. તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના સથવારે અડધો ટકો વધ્યો હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૧૯ શૅર પ્લસ હતા. નિફ્ટી મીડિયા, ટેક્નૉલૉજીઝ, આઇટી, નિફ્ટી રિયલ્ટી જેવાં સેક્ટોરલ સામાન્યથી અડધા ટકા નજીક નરમ હતાં. મતલબ કે ધિરાણનીતિની રેટ સેન્સિટિવ સેક્ટર પર કોઈ માઠી અસર ગઈ કાલે દેખાઈ નથી. માર્કેટ બ્રેડ્થ સારી એવી સ્ટ્રૉન્ગ હતી. NSEમાં વધેલા ૧૬૯૪ શૅર સામે ૧૧૨૭ જાતો નરમ રહી છે. માર્કેટ કૅપ ૧.૧૩ લાખ કરોડ વધી હવે ૪૫૯.૩૦ લાખ કરોડ થયું છે.
એશિયન બજારો મિશ્ર વલણનાં હતાં. હૉન્ગકૉન્ગ દોઢ ટકા, ચાઇના એક ટકો અને ઇન્ડોનેશિયા એક ટકા નજીક વધ્યું છે. સામે જપાન પોણો ટકો, સિંગાપોર અને સાઉથ કોરિયા અડધો ટકો તથા તાઇવાન સાધારણ ઢીલાં હતાં. ફ્રાન્સમાં સત્તાપલટાને વધાવતાં ત્યાંનું બજાર રનિંગમાં એક ટકો ઉપર દેખાયું છે. અન્ય યુરોપિયન બજાર સાંકડી વધઘટે ફ્લૅટ હતાં. બિટકૉઇન ૧,૦૩,૬૦૮ ડૉલરના બેસ્ટ લેવલે ગયા પછી રનિંગમાં આગલા ક્લોઝિંગ સામે સવા ટકાના સુધારે ૯૮,૩૮૯ ડૉલર હતો. પાકિસ્તાની શૅરબજાર ૧,૦૯,૪૭૮ના નવા શિખરે જઈ રનિંગમાં ૮૮૯ પૉઇન્ટ વધી ૧,૦૯,૧૨૮ જોવાયું છે.
રેટ-કટની નિરાશા વચ્ચે ઑટો શૅરમાં ભાવવધારાની હૂંફ
રેટ-કટની ધારણા બર આવી નથી. એમ છતાં ઑટો ઇન્ડેક્સ એકાદ ટકો કે ૪૯૨ પૉઇન્ટ વધ્યો છે. તાતા મોટર્સ ત્રણ ટકા વધી ૮૧૭ના બંધમાં બન્ને બજાર ખાતે મોખરે હતો. નિફ્ટી ખાતે બજાજ ઑટો ૨.૩ ટકા કે ૨૦૮ રૂપિયા વધી સેંકડ બેસ્ટ ગેઇનર હતો. મારુતિ સુઝુકી સવા ટકો કે ૧૩૭ રૂપિયા સુધી છે. ઍક્સિસ બૅન્ક દોઢ ટકા વધી બજારને ૪૫ પૉઇન્ટ ફળી હતી. લાર્સન, ટાઇટન, આઇટીસી, ડૉ. રેડ્ડીઝ લૅબ, SBI લાઇફ, ભારત પેટ્રોલિયમ, તાતા સ્ટીલ, તાતા કન્ઝ્યુમર પોણાથી એક ટકો વધ્યા છે. આઇશર મોટર પોણો ટકો સુધર્યો છે.
રિલાયન્સ પોણો ટકો ઘટી ૧૩૧૨ના બંધમાં બજારને ૫૫ પૉઇન્ટ નડ્યો છે. નિફ્ટી ખાતે સિપ્લા ૧.૪ ટકા તથા સેન્સેક્સ ખાતે અદાણી પોર્ટ્સ સવા ટકા નજીક ઘટી ટૉપ લૂઝર બન્યા છે. ભારતી ઍરટેલ, એશિયન પેઇન્ટસ, HDFC લાઇફ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, અલ્ટ્રાટેક, ઇન્ફોસિસ, અદાણી એન્ટરપાઇઝ, વિપ્રો, ICICI બૅન્ક જેવાં કાઉન્ટર અડધાથી એક ટકો નરમ હતાં.
આઇટીઆઇ લિમિટેડ ૨૦ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૪૦ થઈ સાડાતેર ટકા ઊછળી ૩૨૧ના બંધમાં એ-ગ્રુપ ખાતે ઝળક્યો છે. ધાની સર્વિસિસ ૯૮ નજીક વર્ષની ટૉપ બનાવી સવાદસ ટકાની તેજીમાં ૯૩ ઉપર તો ગેબ્રિયલ ઇન્ડિયા સાડાનવ ટકાના જમ્પમાં ૪૮૧ હતો. તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ ૪૪૪ના શિખરે જઈ સવાનવ ટકાની આગેકૂચમાં ૪૩૧ થયો છે. ઇલેક્ટ્રૉડસ ઉત્પાદક HEG લિમિટેડ ચાર ટકા અને ગ્રેફાઇટ ઇન્ડિયા પોણાબે ટકા ઘટ્યો છે. હિસાબી ગોલમાલ, ઉચાપત તથા પ્રાઇસ રેગિંગ બદલ અમદાવાદી મિષ્ટાન ફૂડ્સ અને એના પ્રમોટર્સ સહિત અન્ય SEBIના સપાટે ચડતાં શૅર ૨૦ ટકાની નીચલી સર્કિટમાં સાડાબાર નીચે બંધ થયો છે. અદમાવાદની કોડે ટેક્નોલૅબે શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં નીચામાં ૧૭૧૨ થઈ છેવટે ૧૯૩૦ના ભાવે યથાવત્ બંધ આવ્યો છે. કેમફેબ આલ્કલીઝ આગલા દિવસની તેજીની ઇનિંગ્સ આગળ વધારતાં ૮ ગણા કામકાજમાં ૧૧૮૬ વટાવી છેવટે પોણાદસ ટકાની મજબૂતીમાં ૧૧૦૫ રહ્યો છે.
સુરક્ષામાં લિસ્ટિંગ લૉસ, ગણેશ ઇન્ફ્રા વર્લ્ડનું ટનાટન લિસ્ટિંગ
ગઈ કાલે SME સેગમેન્ટની ગણેશ ઇન્ફોવર્લ્ડ પાંચના શૅરદીઠ ૮૩ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટના ૭૮ના પ્રીમિયમ સામે ૧૫૮ નજીક ખૂલી ઉપલી સર્કિટમાં ૧૬૫ ઉપર બંધ થતાં અહીં લગભગ ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. મેઇન બોર્ડમાં સુરક્ષા ડાયગ્નૉસ્ટિક શૅરદીઠ ૪૪૧ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૩ના પ્રીમિયમ સામે ડિસ્કાઉન્ટમાં ૪૩૭ ખૂલી ઉપરમાં ૪૪૯ તથા નીચામાં ૪૧૫ નીચે જઈ ૪૧૮ બંધ રહેતાં એમાં સવાપાંચ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે.
મુંબઈના વરલી ખાતેની નિસસ ફાઇનૅન્સનો શૅરદીઠ ૧૮૦ના ભાવનો ૧૧૪ કરોડ પ્લસનો BSE SME IPO કુલ ૧૯૨ ગણા પ્રતિસાદમાં પૂરો થતાં ગ્રેમાર્કેટમાં ૬૫વાળું પ્રીમિયમ વધી ૮૭ બોલાવા માંડ્યું છે. સાઉથની એમરેલ્ડ ટાયરનો શૅરદીઠ ૯૫ના ભાવનો ૪૯૨૬ લાખનો SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૧૨ ગણા નજીક છલક્યો છે. ભરણું સોમવારે બંધ થશે. પ્રીમિયમ ૭૫ ચાલે છે.
આગામી સપ્તાહે પ્રાઇમરીમાં ધમાધમી છે. હાલની તારીખે ૧૦ ભરણાં નક્કી છે. ૧૧ તારીખે વિશાલ મેગામાર્ટ ૧૦ના શૅરદીઠ ૭૮ની અપર બૅન્ડમાં ૮૦૦૦ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ, સાંઈ લાઇફસાયન્સ એકના શૅરદીઠ ૫૪૯ની અપર બૅન્ડમાં ૨૦૯૨ કરોડની OFS સહિત કુલ ૩૦૪૨ કરોડ પ્લસનો ઇશ્યુ, મોબીક્વિક બેના શૅરદીઠ ૨૭૯ની અપર બૅન્ડમાં ૫૭૨ કરોડનો IPO લાવશે તથા એ જ દિવસે SMEમાં સુપ્રીમ ફૅસિલિટી ૭૬ના ભાવથી ૫૦ કરોડનો અને પર્પલ યુનાઇટેડ સેલ્સ ૧૨૬ના ભાવથી ૩૨૮૧ લાખનો ઇશ્યુ કરવાનો છે. મંગળવારે SME કંપની જંગલ કૅમ્પ્સ ૭૨ના ભાવથી ૨૯૪૨ લાખનો અને ટૉસ ધ કૉઇન ૧૮૨ના ભાવથી ૯૧૭ લાખનું ભરણું કરવાનો છે. સોમવારે ધનલક્ષ્મી કૉર્પ સાયન્સ શૅરદીઠ પંચાવનના ભાવથી ૨૩૮૦ લાખનો SME IPO કરશે. આ ઉપરાંત રોઝમેર્ટ ડિજિટલ બેના શૅરદીઠ ૧૪૭ની અપર બૅન્ડમાં ૨૦૬ કરોડથી વધુનો BSE SME ઇશ્યુ લાવી રહી છે. ગ્રેમાર્કેટમાં વિશાલ મેગા માર્ટના સવાબાર, પર્પલના ૨૦, જંગલ કૅમ્પ્સના ૭૫, ટૉસ ધ કૉઇનના ૫૧ તથા ધનલક્ષ્મીના પચીસ રૂપિયાનાં પ્રીમિયમ બોલાય છે.
જ્વેલરી શૅરોમાં ઝમક, ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ નવા બેસ્ટ લેવલે
જ્વેલરી શૅર સિલેક્ટિવ ફૅન્સીમાં જોવાયા છે.
ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ ૧૬ ગણા વૉલ્યુમે ૪૪૧ની નવી ટૉપ બતાવી પોણા૧૪ ટકા ઊછળી ૪૧૮ હતો. ટીબીઝેડ બમણા કામકાજે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૬૭ વટાવી ગયો છે. રેનેસાં ગ્લોબલ ત્રણ ટકા, થંગમયિલ જ્વેલરી અઢી ટકા, સેન્કો ગોલ્ડ પોણબે ટકા, પીસી જ્વેલર્સ પોણાત્રણ ટકા, રાધિકા જ્વેલર્સ સાડાત્રણ ટકા, કલ્યાણ જ્વેલર્સ દોઢ ટકો, પીએન. ગાડમીલ પાંચ ટકા, મનોજ વૈભવ ચારેક ટકા વધ્યા હતા. સ્કાય ગોલ્ડ એક શૅરદીઠ નવ બોનસ શૅરમાં ૧૬મીએ એક્સ બોનસ થવાનો છે. ભાવ પોણાપાંચ ટકા કે ૨૦૨ની ખરાબીમાં ૪૧૨૭ નજીક બંધ રહ્યો છે
BSE લિમિટેડ તેજીની ચાલ જાળવી રાખતાં ૫૪૪૫ના નવા શિખરે જઈ ચાર ટકા નજીક કે ૨૦૧ના ઉછાળે ૫૩૯૬ વટાવી ગયો છે. CDSL ૧૮૯૯ની વિક્રમી સપાટી દેખાડીને દોઢ ટકો વધી ૧૮૮૪ નજીક સરક્યો છે. MCX સાડાચાર ગણા કામકાજે ૭૦૪૭ની ઑલટાઇમ હાઈ નોંધાવી સાડાછ ટકા કે ૪૨૭ની તેજીમાં ૬૯૧૮ થયો છે. ૬૩ મૂન્સ નવા મલ્ટિયર શિખરની હારમાળામાં ઉપલી સર્કિટે ૮૦૫ થઈ સાડાત્રણ ટકા વધી ૭૯૩ વટાવી ગયો છે. ઓલા ઇલેક્ટ્રિક તથા હૉનેસા કન્ઝ્યુમર પોણાત્રણ ટકા નજીક ડૂલ હતો. પેટીએમ ૯૯૧ની વર્ષની નવી ટૉપ હાંસલ કરી બે ટકા વધીને ૯૭૬ તો પૉલિસી બાઝાર ૨૧૫૦ની સર્વોચ્ચ સપાટી બાદ ૧૨૪ રૂપિયા કે છ ટકાના જમ્પમાં ૨૧૪૧ બંધ આવ્યો છે. ઝોમાટો સવા ટકા નજીકના સુધારામાં ૩૦૩ના બેસ્ટ લેવલે બંધ હતો. સ્વિગી લિમિટેડ એકાદ ટકો સુધરી ૫૪૫ નજીક ગયો છે.
હ્યુન્દાઇએ નવા વર્ષથી ભાવવધારવાની આગેવાની લેતાં તમામ મૉડલના ભાવ ૨૫,૦૦૦ રૂપિયા જેવા વધારવાની જાહેરાત કરી છે. જોકે શૅર એક ટકા નજીકની નરમાઈમાં ૧૮૬૧ હતો. બિઝનેસ અપડેટમાં નિરાશાને પગલે ઍન્જલવન નીચામાં ૩૦૬૯ થયા બાદ છેવટે સવાબે ટકા વધીને ૩૨૯૨ બંધ રહ્યો છે.

