યુનાઇટેડ કિંગડમમાં ક્રિપ્ટો ATMને લગતા આ પહેલા કેસમાં કોઈને દોષી ઠેરવવામાં આવ્યા છે. ઓસુંકોયાએ દેશમાં ઓછામાં ઓછાં ૧૧ ક્રિપ્ટો ATMનું નેટવર્ક ચલાવ્યું હતું
બિટકૉઇન
યુનાઇટેડ કિંગડમ (UK)માં ક્રિપ્ટોકરન્સીનાં ગેરકાનૂની ATMનું નેટવર્ક ચલાવવા બદલ ઓલ્યુમાઇડ ઓસુંકોયા દોષી ઠર્યા છે. દેશની ફાઇનૅન્શિયલ કન્ડક્ટ ઑથોરિટીએ જાહેર કર્યું છે કે ઓસુંકોયાએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. તેમની સામે વેસ્ટમિન્સ્ટર મૅજિસ્ટ્રેટ અદાલતમાં પાંચ કલમો હેઠળ ખટલો ચલાવવામાં આવ્યો હતો. યુનાઇટેડ કિંગડમમાં ક્રિપ્ટો ATMને લગતા આ પહેલા કેસમાં કોઈને દોષી ઠેરવવામાં આવ્યા છે. ઓસુંકોયાએ દેશમાં ઓછામાં ઓછાં ૧૧ ક્રિપ્ટો ATMનું નેટવર્ક ચલાવ્યું હતું, જેમાં ૨૦ ડિસેમ્બર ૨૦૨૧થી ૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના સમયગાળા દરમ્યાન ૩.૫ મિલ્યન ડૉલર કરતાં વધુ મૂલ્યના વ્યવહારો થયા હતા. આ કેસમાં એવી શંકા છે કે મની લૉન્ડરિંગ કરનારી અને કરચોરી કરનારી વ્યક્તિઓએ આ મશીનોનો ઉપયોગ કર્યો હશે. ઓસુંકોયાએ આ નેટવર્ક મારફત ગેરકાનૂની રીતે સંપત્તિ ભેગી કર્યાનો પણ આરોપ છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે ઘટાડાનું વલણ હતું. બિટકૉઇન ૨.૮ ટકા ઘટીને ૬૨,૧૦૦ ડૉલરના સ્તરે હતો, જ્યારે ઇથેરિયમમાં ૪.૪ ટકા ઘટાડા સાથે ભાવ ૨૫૦૬ ડૉલર ચાલી રહ્યો હતો. બાઇનૅન્સમાં ૩.૯૨ ટકા, સોલાનામાં ૫.૫૮ ટકા, રિપલમાં ૩.૫૨ ટકા, ડોઝકૉઇનમાં ૮.૫૨ ટકા, ટ્રોનમાં ૧.૪૭ ટકા, કાર્ડાનોમાં ૪.૮૯ ટકા અને અવાલાંશમાં ૬.૪૨ ટકા ઘટાડો નોંધાયો હતો.