Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > એનએસઈમાં કામકાજ ઠપ : કરોડોના સોદા અટક્યા

એનએસઈમાં કામકાજ ઠપ : કરોડોના સોદા અટક્યા

Published : 25 February, 2021 09:06 AM | IST | Mumbai

એનએસઈમાં કામકાજ ઠપ : કરોડોના સોદા અટક્યા

એનએસઈ

એનએસઈ


દેશનાં બે મુખ્ય સ્ટૉક એક્સચેન્જોમાંથી પ્રથમ ક્રમાંકના ગણાતા નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)માં સવારે ટ્રેડિંગ શરૂ થયાના એક કલાકની અંદર જ ટેક્નિકલ ખામી સર્જાતાં એક્સચેન્જે તમામ સેગમેન્ટમાં ટ્રેડિંગ રોકી દેવું પડ્યું હતું. રાબેતા મુજબના કામકાજના કલાકો પૂરા થયા બાદ એ ખોટકો દૂર થયો હતો. બીજી બાજુ બીએસઈમાં રાબેતા મુજબ કામ પાર પડ્યા પછી સેન્સેક્સ ૫૦,૦૦૦નો આંક પાર કરી ગયો. આમ બુધવારનો દિવસ ભારતીય શૅરબજાર માટે મોટી ઘટનાઓનો રહ્યો હતો.


એનએસઈની દુર્ઘટનાને લીધે રોકાણકારો અને ટ્રેડરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ટ્વિટર પર અનેક મીમ્સ વહેતાં થયાં હતાં, જેમાં વૈશ્વિક સ્તરના એક્સચેન્જ એનએસઈની ઠેકડી ઉડાડવામાં આવી હતી.



એનએસઈની ટેક્નિકલ દુર્ઘટનાને પગલે પછીથી બન્ને સ્ટૉક એક્સચેન્જો - બીએસઈ અને એનએસઈ પર કામકાજના કલાકો વધારીને સાંજે ૫ વાગ્યા સુધીના કરવામાં આવ્યા હતા અને એ જ વધારાના કલાકો દરમ્યાન બન્ને મુખ્ય ઇન્ડેક્સ - સેન્સેક્સ અને નિફ્ટીમાં ૨-૨ ટકાનો વધારો થયો હતો.


મંગળવારે ફ્લૅટ રહેલું બજાર બુધવારે ઉપર ખૂલશે એવી ધારણા એસજીએક્સ નિફ્ટીના બંધ આંક પરથી રાખવામાં આવી હતી અને બજાર વધ્યું પણ હતું, પરંતુ ટ્રેડિંગના પહેલા જ કલાકમાં એનએસઈ પર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. સવારે ૧૦.૨૧ સુધીમાં તો ટ્વિટર પર સંદેશ પણ ફરતા થઈ ગયા હતા. આવા જ એક સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ તથા નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સના ભાવ અપડેટ થઈ રહ્યા નથી. નોંધનીય રીતે આ જ ઇન્ડેક્સમાં વધારાના ટ્રેડિંગ કલાકો દરમ્યાન નોંધનીય વૃદ્ધિ થઈ હતી. ખાસ કરીને નિફ્ટી બૅન્ક ૩.૮૦ ટકા વધ્યો હતો.

એનએસઈનો ખોટકો ટ્રેડિંગના સામાન્ય કલાકો સુધી ચાલ્યો હતો અને તેણે જાહેર કરવું પડ્યું હતું કે એક્સચેન્જ પર ટ્રેડિંગ ફરીથી શરૂ કરતી વખતે અગાઉના તમામ પેન્ડિંગ ઑર્ડર રદ કરવામાં આવશે. બજારના સહભાગીઓને સવારે ૧૦.૦૮ વાગ્યે જ જણાઈ આવ્યું હતું કે એનએસઈ પર ભાવ અપડેટ થવાનું બંધ થઈ ગયું હતું. એ ઘટનાના એક કલાક પછી એક્સચેન્જે ૧૧.૪૦ વાગ્યે નિવેદન બહાર પાડીને જાહેર કર્યું હતું કે તેનાં તમામ સેગમેન્ટમાં ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યું છે. એનએસઈની ડિઝાસ્ટર રિકવરી સાઇટ અને વૈકલ્પિક નેટવર્ક પણ ચાલ્યાં નહીં એ ઘટનાને બજારના વિશ્લેષકો નાલેશીભરી ગણાવી રહ્યા છે.


એનએસઈએ સમસ્યાનો ઉકેલ એક વાગ્યા સુધીમાં કરીને સોદા પુનઃ શરૂ કરવા અંગે દાવો કર્યો હતો, પરંતુ એમ થઈ શક્યું નહોતું. થોડા મહિના પહેલાં ટૉકિયો એકસચેન્જમાં ટેક્નિકલ સમસ્યા ઊભી થઈ હતી ત્યારે તેના ચીફે રાજીનામું આપી દીધું હતું, પરંતુ એનએસઈ તરફથી કોઈ માફીનામું કે ખુલાસો જાહેર કરવામાં આવ્યો નથી. એનએસઈ પર અનેક વાર આવી સમસ્યાઓ સર્જાઈ ચૂકી છે.

વિશ્વના કોઈ પણ સ્ટૉક એક્સચેન્જમાં ડેરિવેટિવ્ઝની એક્સપાયરી થવાની હોય એના પાછલા દિવસે એક્સચેન્જમાં ખામી સર્જાય એ બાબતને ગંભીરતાથી જોવામાં આવે છે. બજારમાં જાણીજોઈને ગરબડ કરવામાં આવે છે કે કેમ એવી શંકા પણ ઊભી થાય છે. બુધવારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને બપોરે ૪.૦૭ વાગ્યે એટલે કે શૅરબજારનું રાબેતા મુજબનું કામકાજ ૩.૩૦ વાગ્યે પૂરું થયા બાદના સમયે જાહેર કર્યું હતું કે હવેથી ખાનગી બૅન્કોને પણ સરકારી બિઝનેસ મળી શકશે. આમ જાહેર ક્ષેત્રની બૅન્કો ઉપરાંત ખાનગી બૅન્કો પણ સરકારી કામકાજમાં હિસ્સેદારી લઈ શકશે.

એનએસઈ પર નિફ્ટી બૅન્ક સહિતના ઇન્ડેક્સના ભાવ અપડેટ ન થવા, કામકાજના કલાકો પૂરા થયા બાદ ટ્રેડિંગ ફરી શરૂ થવું, ટ્રેડિંગ ફરી શરૂ થયા બાદ ચાર વાગ્યે નાણાપ્રધાનની મહત્ત્વપૂર્ણ ટ્વીટ આવવી અને પછી બૅન્કિંગ ઇન્ડેક્સમાં નોંધપાત્ર વૃદ્ધિ થવી એ બધી બાબતો યોગાનયોગ છે કે કોઈ રમત છે એવી શંકા નાણાકીય વર્તુળોમાં થવા લાગી છે.

જાણકારો કહે છે કે છેલ્લાં બે વર્ષમાં લગભગ દર બીજા મહિને એક્સપાયરીની નજીકના છેલ્લા બે દિવસમાં કોઈક ને કોઈક ટેક્નિકલ ખામી સર્જાઈ રહી હોવાનો ટ્રેડરોનો અનુભવ છે. રાબેતા મુજબના કામકાજના કલાકો બાદ એટલે કે ૩.૪૫ વાગ્યા પછી નિફ્ટી કૅશ અને નિફ્ટી ફ્યુચર્સ બન્ને સેગમેન્ટમાં કામકાજ પુષ્કળ વધી ગયું હતું, જે પોતે એક અસામાન્ય ઘટના હતી. એક્સચેન્જ તો ઠીક, એક્સચેન્જનું ક્લિયરિંગ હાઉસ પણ કામ કરતું બંધ થઈ ગયું હતું.

આ વિષયે જાણીતી બ્રોકિંગ કંપની કે. આર. ચોક્સીના મૅનેજિંગ ડિરેક્ટર દેવેન ચોક્સીએ કહ્યું છે કે સ્ટૉક એક્સચેન્જના કામકાજમાં હવે ઇન્ટર-ઑપરેબિલિટીની કલમ ક્લિયરિંગ હાઉસ ઉપરાંત એક્સચેન્જ માટે પણ લાગુ કરી દેવાવી જોઈએ. આમ કરવા પાછળનું કારણ એ છે કે જો કોઈ એક એક્સચેન્જમાં ટેક્નિકલ ખામી સર્જાય તો ટ્રેડરો અને રોકાણકારો નુકસાનથી બચાવવા માટે બીજા એક્સચેન્જના ટ્રેડિંગ માળખાનો ઉપયોગ કરીને કામકાજ શરૂ કરી શકે. ભવિષ્યમાં એનએસઈના ખોટકા જેવી સ્થિતિને ટાળવા માટે ઇન્ટર-ઑપરેબિલિટીની કલમ અગત્યની છે.

અહીં જણાવવું રહ્યું કે ક્લિયરિંગ કૉર્પોરેશનો માટે ઇન્ટર-ઑપરેબિલિટીની કલમ બે વર્ષ પહેલાં લાગુ થઈ હતી. તેની પાછળનો આશય એ હતો કે એક એક્સચેન્જમાં કામકાજ બંધ થાય તો બ્રોકરોને સમાન માર્જિન અને સમાન ટ્રેડ દ્વારા બન્ને એક્સચેન્જનો ઉપયોગ કરવા મળે. બુધવારે એનએસઈની સમસ્યાને લીધે બ્રોકરોનું કામકાજ સાવ ઠપ થઈ ગયું હતું, કારણ કે તેમના રોકાણકારો બીએસઈ પર ટ્રેડ કરી શકતા નહોતા.

એનએસઈની ટેક્નિકલ ખામી બાબતે ટ્વિટર પર વહેતા થયેલા અનેક સંદેશ દ્વારા એનએસઈની હાંસી ઉડાડવામાં આવી હતી. આ સોશ્યલ મીડિયા પર #nseindia, #nseglitch એ બન્ને હેશટૅગ ટ્રેન્ડિંગ બન્યા હતા.

એનએસઈ પર સર્જાયેલી મોટી ટેક્નિકલ ખામીઓની તારીખ

અનુક્રમ તારીખ સમસ્યા
૧ ૧૫ જાન્યુઆરી, ૨૦૧૫ બ્રોકરોની ફરિયાદ આવી કે એનએસઈ પર ઑપ્શનના ભાવ અપડેટ
થઈ રહ્યા નથી. જોકે એક્સચેન્જે કહ્યું કે કોઈ જ સમસ્યા નથી.
૨ ૧૦ જુલાઈ, ૨૦૧૭ ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ વારમાં મોટી ટેક્નિકલ ખામી સર્જાતાં
એક્સચેન્જે કામકાજ ઓચિંતું બંધ કરી દેવું પડ્યું હતું.
૩ ૨૪ મે, ૨૦૧૮ એનએસઈના ટ્રેડિંગ સોફ્ટવેર નાઉ (NOW)માં ખોટકો સર્જાતાં
સેંકડો બ્રોકરોએ દાખલ કરેલા હજારો ઑર્ડર પુનઃ દાખલ થયા હતા
અમુક કિસ્સાઓમાં તો સેંકડો વાર ઑર્ડર પુનઃ દાખલ થયા હતા.
તેને પગલે બ્રોકરો/ક્લાયન્ટોને ભારે નુકસાન થયું હતું.
૪ ૩૦ ઑગસ્ટ, ૨૦૧૯ એનએસઈની વેબસાઇટ પર એક મહિના કરતાં વધુ સમય સુધી
ફ્યુચર્સ અને ઑપ્શન્સના કૉન્ટ્રૅક્ટના અૅન્ડ ઑફ ધ ડે (દિવસના અંતે
રહેલા) ડેટા અપલોડ થયા નહોતા.
૫ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૯ એક જ દિવસમાં બે વાર ટેક્નિકલ ખામી સર્જાઈ
૬ ૧૯ નવેમ્બર, ૨૦૧૯ બ્રોકરોએ એનએસઈને લેખિત ફરિયાદ કરી કે તેની ટેક્નિકલ ખામીને
લીધે એમને મોટું નુકસાન થયું છે. એક્સચેન્જે એ સંબંધે બ્રોકરોને
જણાવ્યું કે ખામી માટે વેન્ડર જવાબદાર છે.
૭ ૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ એનએસઈ પર થયેલી ખામીને લીધે રિટેલ રોકાણકારોને નુકસાન થયું.
૮ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ એનએસઈએ ટેક્નિકલ ખામીને લીધે બ્રોકરો માટેના નવા ટ્રેડિંગ
પ્લૅટફૉર્મ પર જવાનું માંડી વાળ્યું.
૯ ૪ જૂન, ૨૦૨૦ ફરી એક વાર ટ્રેડરોએ એનએસઈની ખામીને કારણે સહન કરવું પડ્યું.
૧૦ ૨૪ જુલાઈ, ૨૦૨૦ એનએસઈ પર ટેક્નિકલ ખામીને લીધે ૨ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ
(ઈટીએફ)ના ભાવમાં ૬૫૫૩ ટકાનો અસાધારણ વધારો દેખાવા લાગ્યો.
૧૧ ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૧ દિવસના મોટા ભાગના સમય સુધી એક્સચેન્જનાં તમામ સેગમેન્ટમાં
કામકાજ બંધ રહ્યું.

સેબીએ એનએસઈ પાસે માગ્યો જવાબ
સિક્યૉરિટીઝ અૅન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ નૅશનલ સ્ટૉક એક્સચેન્જને ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા ‘ટ્રેડિંગ હૉલ્ટ’નું વિગતવાર વિશ્લેષણ કરીને ખરું કારણ જાણવાનો આદેશ આપ્યો છે.
‘સેબી એનએસઈ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતું અને પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખતું હતું. એનએસઈને પણ ઘટનાક્રમ વિશે બજારના સહભાગીઓને અપડેટ રાખવાની સલાહ આપી હતી,’ એમ સેબીએ એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું.
મૂડીબજારોના નિયમનકારે એનએસઈને ‘ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર સ્થળાંતર ન કરવાના કારણો’ પણ જણાવવાનું કહ્યું છે. સેબીએ દેશના સૌથી મોટા સ્ટૉક એક્સચેન્જને વહેલી તકે તેનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2021 09:06 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK