NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું છે કે ‘માત્ર આઠ મહિનામાં અમારા ઇન્વેસ્ટર બેઝમાં લગભગ ત્રણ કરોડનો વધારો થયો છે. આ અદ્ભુત વૃદ્ધિ ભારતના વિકાસમાં રોકાણકારોના વધેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (NSE)એ પ્રાપ્ત કરેલી એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિમાં એનાં ક્લાયન્ટ્સ-અકાઉન્ટ્સની સંખ્યા ઑક્ટોબર મહિનામાં વીસ કરોડનો આંકડો વટાવી ગઈ છે. આ સિદ્ધિ વિશે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું છે કે ‘માત્ર આઠ મહિનામાં અમારા ઇન્વેસ્ટર બેઝમાં લગભગ ત્રણ કરોડનો વધારો થયો છે. આ અદ્ભુત વૃદ્ધિ ભારતના વિકાસમાં રોકાણકારોના વધેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે. ડિજિટલાઇઝેશન, ટેક્નૉલૉજીમાં ઇનોવેશન, મોબાઇલ ટ્રેડિંગ ઍપ્લિકેશન અને રોકાણકારોમાં વધેલી જાગૃતિનું પણ આ પરિણામ છે. આ કારણે બધાને બજાર સમાનરૂપે ઉપલબ્ધ બને છે, ખાસ કરીને નાનાં-મધ્યમ કદનાં શહેરોમાં પણ આ બેઝ વધી રહ્યો છે. આ વિસ્તરણને સરળ KYCની પ્રક્રિયા, નાણાકીય શિક્ષણના કાર્યક્રમો અને બજારના પૉઝિટિવ સેન્ટિમેન્ટે પણ ટેકો પૂરો પાડ્યો છે.’
રાજ્યવાર સ્થિતિ
ADVERTISEMENT
માત્ર આઠ જ મહિનામાં ક્લાયન્ટ્સ-અકાઉન્ટ્સની સંખ્યા ૧૬.૯ કરોડ પરથી વધીને વીસ કરોડની થઈ છે, જેમાં હાલ રાજ્યવાર સ્થિતિ જોઈએ તો સૌથી અધિક અકાઉન્ટ્સ મહારાષ્ટ્રમાં ૩.૬ કરોડ છે; જ્યારે ઉત્તર પ્રદેશમાં ૨.૨ કરોડ, ગુજરાતમાં ૧.૮ કરોડ, રાજસ્થાનમાં અને બંગાળ પ્રત્યેકમાં ૧.૨ કરોડ અકાઉન્ટ્સ થયાં છે. આ રાજ્યો કુલ ક્લાયન્ટ્સ-અકાઉન્ટ્સના આશરે પચાસ ટકા ધરાવે છે, જ્યારે ટોચનાં દસ રાજ્યો કુલ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે. વધુમાં યુનિક રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સની સંખ્યા ૧૦.૫ કરોડની થઈ છે જે ૨૦૨૪ની ૮ ઑગસ્ટે દસ કરોડની હતી.