શૅરબજારમાં રોકાણકારોની છેતરપિંડીથી બચવા NSEએ કહ્યું...
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)
ખોટી કે અધૂરી સલાહથી શૅરબજારમાં રોકાણ કરવાથી કેટલાક લોકોને ભારે નુકસાન થાય છે. છેલ્લા કેટલાક સમયથી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સઍપના ગ્રુપમાં શૅરબજારમાં રોકાણ કરવા માટેની સલાહ આપવામાં આવે છે એના પર વિશ્વાસ કરીને રોકાણ કરનારાઓને મોટું નુકસાન થઈ રહ્યું હોવાની જાણ થતાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)એ આવી રીતે રોકાણ ન કરવાની સલાહ આપી છે. આ સિવાય NSEએ રોકાણકારોને ડબ્બા ટ્રેડિંગ અથવા ગેરકાયદે ટ્રેડિંગ બાબતે અલર્ટ જાહેર કરી છે. કેટલાક લોકો દ્વારા ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક સહિતના સોશ્યલ મીડિયામાં દાવો કરવામાં આવે છે કે અમુક કંપનીના શૅર ખરીદવાથી સારું રિટર્ન મેળવી શકાશે. આવી પોસ્ટથી દૂર રહેવાનું રોકાણકારોને કહેવામાં આવ્યું છે. NSEએ આજકાલ વૉટ્સઍપ ગ્રુપમાં ફરી રહેલા ભારત ટ્રેડિંગ યાત્રાના મેસેજને આધારે ટ્રેડિંગ કરવા સામે પણ સાવધાન રહેવાનું કહ્યું છે. સોશ્યલ મીડિયામાં કેટલાક લોકો ગૅરન્ટેડ રિટર્ન આપવાનો દાવો કરે છે, એમાં પણ તમારા લાખના બાર હજાર થઈ શકે છે. શૅરબજારની માહિતી ન હોય અને કોઈ રોકાણ કરવા માગતું હોય તો રોકાણ કરવાની સલાહ રજિસ્ટર્ડ મેમ્બરો પાસેથી મેળવી શકાય છે. આવા મેમ્બર્સનાં નામ અને માહિતી www.nseindia.com/invest/find-a-stock-broker પરથી મેળવી શકાય છે.