આર્થિક બાબતોનાં ખાતાંઓની ધુરા યોગ્ય હાથોમાં: ‘સબકા સાથ સબકા વિકાસ’ સાકાર થશે
માર્કેટ મૂડ
નિર્મલાજી સીતારમણ
સોમવારે સાંજે કેન્દ્રીય પ્રધાનોને ફાળવાયેલાં ખાતાંમાં નિર્મલાજી સીતારમણને નાણાં ખાતું મોદી.3માં પણ મળ્યું, એને બજાર મંગળવારે ઉમળકાભેર વધાવશે અને એ પૂર્વે ગિફ્ટ નિફ્ટીમાં પણ સુધારો જોવા મળશે. પહેલી ફેબ્રુઆરીના ઇન્ટરિમ બજેટમાં જે આવરી ન શકાયું એ બધું જ હવે જુલાઈમાં રજૂ થનારા ફુલફ્લેજ્ડ બજેટમાં આવરી લેવાશે એવી ગણતરી બજારના ધુરંધરો મૂકી રહ્યા છે. ઉપરાંત ૧૦૦ દિવસનો એજન્ડા તૈયાર હોવાની અને એની પણ ટૂંક સમયમાં જ જાહેરાત વચ્ચે હવેના બે મહિના બજાર માટે હૅટ-ટ્રિક હશે એવું ઍનલિસ્ટોનું માનવું છે. આર્થિક બાબતોને લગતું રોડ, ટ્રાન્સપોર્ટ ખાતું પણ ફરીથી નીતિન ગડકરીને અપાયું હોવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ગતિ પણ જળવાઈ રહેવાની વકી છે. કૃષિ અને ગ્રામીણ વિકાસ શિવરાજસિંહ ચૌહાણને, ઊર્જા અને શહેરી વિકાસ મનોહરલાલ ખટ્ટરને, ભારે ઉદ્યોગ અને સ્ટીલ એચ. ડી. કુમાર સ્વામીને, જીતનરામ માંઝીને લઘુ, નાના-મધ્યમ ઉદ્યોગ, સર્બાનંદ સોનોવાલને પૉર્ટ અને શિપિંગ ખાતાં સોંપાયા હોવાની આ ઉદ્યોગો અને એમાં આવતી કંપનીઓ પરની અસરનો પ્રથમ નઝારો મંગળવારના બજારના ભાવોમાં પ્રતિબિંબિત થશે. અશ્વિની વૈષ્ણવની રેલવેમાં કન્ટિન્યુટી રેલવે સંબંધિત કંપનીઓની વિકાસની ગાડી દોડતી રાખશે તો જ્યોતિરાદિત્ય સિંધિયાના હાથમાં સંદેશવ્યવહાર ખાતુ સોંપાયાની અસરરૂપે આજે રિલાયન્સ, ભારતી ટેલિકૉમ, વોડાફોન સહિતની કંપનીઓના ભાવો પર પૉઝિટિવ અસર થવાની વકી છે. હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ અને મનસુખ માંડવિયાને શ્રમ મંત્રાલયનો હવાલો સોંપાયો એ વાતને પણ બજાર વધાવી લેશે. આમ એકંદરે આ મંગળવાર બજાર માટે શુકનિયાળ પુરવાર થઈ શકે છે.