Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં એક વધુ નવા શિખર સાથે નિફ્ટી ૨૧,૦૦૦ના ઉંબરેઃ પાવર, યુટિલિટીઝ, એનર્જી, ઑઇલ, કૅપિટલ ગુડ્સમાં ઝમક

બજારમાં એક વધુ નવા શિખર સાથે નિફ્ટી ૨૧,૦૦૦ના ઉંબરેઃ પાવર, યુટિલિટીઝ, એનર્જી, ઑઇલ, કૅપિટલ ગુડ્સમાં ઝમક

07 December, 2023 07:15 AM IST | Mumbai
Anil Patel

નવા બેસ્ટ લેવલ સાથે બજારની આગેકૂચ બુધવારે પણ ચાલુ રહી છે. સેન્સેક્સ ૬૯,૭૪૫ નજીક નવી વિક્રમી સપાટી બનાવી ૩૫૭ પૉઇન્ટ વધીને ૬૯,૬૫૪ તથા નિફ્ટી ૨૦,૯૬૨ની ઑલટાઇમ હાઈ બાદ ૮૩ પૉઇન્ટ જેવો વધીને ૨૦,૯૩૮ની ટોચે બંધ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


નવા બેસ્ટ લેવલ સાથે બજારની આગેકૂચ બુધવારે પણ ચાલુ રહી છે. સેન્સેક્સ ૬૯,૭૪૫ નજીક નવી વિક્રમી સપાટી બનાવી ૩૫૭ પૉઇન્ટ વધીને ૬૯,૬૫૪ તથા નિફ્ટી ૨૦,૯૬૨ની ઑલટાઇમ હાઈ બાદ ૮૩ પૉઇન્ટ જેવો વધીને ૨૦,૯૩૮ની ટોચે બંધ થયો છે. બજારમાં વધ-ઘટની રેન્જ માંડ સાડાત્રણસો પૉઇન્ટ હતી. શૅરઆંક નીચામાં ૬૯,૩૯૫ અને ઉપરમાં ૬૯,૭૪૫ થયો હતો. અદાણીના શૅરોના જોરમાં યુટિલિટીઝ ઇન્ડેક્સ ત્રણ ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૪ ટકા, ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક બે ટકા તથા એનર્જી ઇન્ડેક્સ સવા ટકા નજીક વધી નવી ઊંચી સપાટીએ ગયા છે. આઇટી ઇન્ડેક્સ દોઢ ટકા વધી ૩૩,૭૬૨ની ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સવા ટકો કે ૬૬૩ પૉઇન્ટ વધી નવા બેસ્ટ લેવલે હતો, જેમાં લાર્સનનું પ્રદાન ૫૫૬ પૉઇન્ટ હતું. બૅન્ક નિફ્ટી ૪૭,૨૬૦ નજીક નવી ઑલટાઇમ હાઈ બાદ ૦.૪ ટકા જેવો સાધારણ ઘટી ૪૬,૮૩૪ થયો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ અડધો ટકો, નિફ્ટી ફાર્મા ૦.૪ ટકા માઇનસ હતો. માર્કેટ બ્રેડ્થમાં રસાકસી હતી. એનએસઈ ખાતે વધેલા ૧૦૭૮ શૅરની સામે ૧૦૫૪ શૅર ઘટીને બંધ હતા. બજારનું માર્કેટ કૅપ ૨.૩૯ લાખ કરોડ વધી હવે ૩૪૮.૮૫ લાખ કરોડની નવી વિક્રમી સપાટીએ આવી ગયું છે. 


ગઈ કાલે મોટા ભાગનાં અગ્રણી એશિયન બજારો સુધર્યાં હતાં. જૅપનીઝ નિક્કી બે ટકા, હૉન્ગકૉન્ગ પોણો ટકો, થાઇલૅન્ડ અડધા ટકા નજીક, સાઉથ કોરિયા નહીંવત, તાઇવાન તથા સિંગાપોર સાધારણ વધ્યાં છે. યુરોપ રનિંગમાં નહીંવતથી સાધારણ સુધારો દર્શાવતું હતું. વિશ્વબજારમાં ક્રૂડ પાંચ માસના તળિયે ગયા બાદ ૭૩ ડૉલર આસપાસ સ્થિર હતું. પાકિસ્તાની શૅરબજાર બુલરનમાં બુધવારે છેવટે ૬૪,૦૩૮ના નવા શિખરે જઈ ૧.૩ ટકા કે ૮૨૩ પૉઇન્ટની તેજીમાં ૬૩,૭૭૯ બંધ રહ્યું છે. બીટકૉઇન ૪૪,૨૬૨ ડૉલરની ૧૯ માસની નવી ઊંચી સપાટી નોંધાવી ચૂક્યો છે. 



સાધના નાઇટ્રોકેમમાં તેજીની પકડ ઃ લાર્સન, તાતા મોટર્સ, નેસ્લે નવી ટોચે 
સાધના નાઇટ્રોકેમ દ્વારા શૅરદીઠ ૧૨૧ના ભાવે રાઇટ ઇશ્યુ નક્કી કરાયા પછી રાઇટ બજાર ભાવથી ૩૬ ટકા પ્રીમિયમે હોવા છતાં શૅરના ભાવમાં તેજી જોવાઈ રહી છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૦૦ જેવો થઈ ૬ ટકા વધી ૯૮ રૂપિયા બંધ થયો છે. બન્ને બજાર ખાતે એક કરોડ શૅરથી વધુનાં કામકાજ થયાં હતાં. કંપની રાઇટના લગભગ ૫૦ કરોડ રૂપિયા સોલર પાવર અને ગ્રીન હાઇડ્રોજન જેવા એક્સાઇટિંગ સેક્ટરમાં વાપરવાની છે, જેના પગલે સ્પેશ્યલિટી કેમિકલ્સ ક્ષેત્રે આ કંપની સંપૂર્ણ ગ્રીન કંપની બની જશે. એની પ્રોડક્ટ્સ વિદેશી બજારમાં પ્રીમિયમે વેચાશે.


ચાર્ટવાળા અહીં વધ-ઘટે ટૂંકમાં ૧૫૩નો ભાવ જોઈ રહ્યા છે. 
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૦ અને નિફ્ટીના ૫૦માંથી ૨૯ શૅર પ્લસ હતા. વિપ્રો સાડાત્રણ ટકા ઊછળી ૪૧૯ નજીક બંધ આપી બન્ને બજારમાં મોખરે હતો. આઇટીસી અઢી ટકા વધી ૪૬૩ના બંધમાં સેન્સેક્સને સર્વાધિક ૮૮ પૉઇન્ટ ફળ્યો છે. એક ટકા કે ૨૦૧ પૉઇન્ટ વધી સર્વોચ્ચ સપાટીએ બંધ થયેલા એફએમસીજી ઇન્ડેક્સમાં એનો ફાળો ૧૬૩ પૉઇન્ટ હતો. લાર્સન ૩૪૦૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૨.૩ ટકા વધી ૩૩૯૧ વટાવી ગયો છે. ટીસીએસ બે ટકા ઊંચકાઈ ૩૬૦૩ હતો. તાતા મોટર્સ ૭૨૪ના શિખરે જઈ બે ટકાની તેજીમાં ૭૨૨ હતો. એનો ડીવીઆર પોણો ટકો વધી ૪૮૦ થયો છે. નેસ્લે ૨૫,૧૦૩ની ટોચે જઈને ૩૯૩ રૂપિયા કે દોઢ ટકો ઊંચકાઈ ૨૪,૯૯૮ દેખાયો છે. ઇન્ફી ૧.૪ ટકા, બજાજ ફાઇ. અને મહિન્દ્ર એક ટકો, લાટિમ પોણાત્રણ ટકા, યુપીએલ સવા ટકા, બ્રિટાનિયા ૧.૧ ટકા વધ્યા છે. રિલાયન્સ એક ટકા નજીક વધી ૨૪૬૧ નજીક પહોંચ્યો છે. 
નિફ્ટી ખાતે અદાણી એન્ટર અઢી ટકા ગગડી ટૉપ લૂઝર બન્યો છે. સેન્સેક્સમાં એનટીપીસી દોઢ ટકો ડાઉન હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક તથા ઍક્સિસ બૅન્ક એક ટકા, અલ્ટ્રાટેક સવા ટકો, સિપ્લા ૧.૬ ટકા, આઇશર ૨.૨ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૨ ટકા, બજાજ ઑટો ૧.૧ ટકા, કોલ ઇન્ડિયા એક ટકો નરમ હતા. 

અદાણીના શૅરોમાં તેજીનો ખેલો આગળ વધ્યો, પતંજલિ ફૂડ્સ નવા બેસ્ટ લેવલે 
અદાણીના શૅરોમાં તેજીનો ખેલો આગળ વધવા માંડ્યો છે. શ્રીલંકન પોર્ટ પ્રોજેક્ટ માટે અમેરિકન સરકારના પીઠબળથી ડીએફસી દ્વારા ૫૫ કરોડ ડૉલરથી વધુની લોનના મામલે હિન્ડનબર્ગ રિપોર્ટને અપ્રસ્તુત ગણી આગળ વધવાનો નિર્દેશ આવતાં મંગળવારે ગ્રુપના દસેદસ શૅર સવાસાતથી વીસ ટકાની રેન્જમાં ઊછળ્યા હતા. ગ્રુપનું માર્કેટ કૅપ ૧.૯૩ લાખ કરોડ રૂપિયા વધી ગયું હતું. ત્યાર પછી બુધવારે પણ ગ્રુપના ૧૦માંથી ૭ શૅર વધ્યા છે. અદાણી એન્ટર ઉપરમાં ૩૧૫૫ થઈ અઢી ટકા ઘટીને ૨૮૮૫ બંધ થયો છે. અદાણી પોર્ટ્સ ૧૦૮૩ની સર્વોચ્ચ સપાટી બનાવી ૦.૭ ટકા વધીને ૧૦૧૯ હતો. અદાણી પાવર ૫૮૯ની ઑલટાઇમ હાઈ બાદ ચાર ટકાની આગેકૂચમાં ૫૬૦ થયો છે. અદાણી એનર્જી સૉલ્યુશન્સ ઉપરમાં ૧૨૪૬ બતાવી ૭.૪ ટકા ઊંચકાઈ ૧૧૬૨ હતો. અદાણી ગ્રીન અઢી ગણા કામકાજે ૧૬૦૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨૧૭ રૂપિયા કે ૧૬.૧ ટકાની તેજીમાં ૧૫૬૫ બંધ આવ્યો છે. અદાણી ટોટલ બૅક ટુ બૅક ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૭૫ રૂપિયાની તેજીમાં ૧૦૫૪ નજીક સરક્યો છે. અદાણી વિલ્મર ૪૧૦ની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી ૪.૧ ટકા વધીને ૩૯૬ રહ્યો છે. એસીસી ઉપરમાં ૨૨૧૯ નજીક જઈ અઢી ટકા ઘટીને ૨૧૨૮ તથા અંબુજા સિમેન્ટ્સ ૫૨૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ દોઢ ટકા ઘટીને ૫૦૧ બંધ આવ્યો છે, જ્યારે એનડીટીવી ઉપરમાં ૩૦૬ વટાવી છેલ્લે ૭ ટકાની મજબૂતીમાં ૨૮૫ હતો. અદાણી ગ્રુપે જેને હસ્તગત કરી લીધી છે અને શૅરદીઠ ૧૨૨ના ભાવે ઓપન ઑફર નિર્ધારી છે એ સાંધી સિમેન્ટ્સ એક વધુ ઉપલી સર્કિટમાં પાંચ ટકા ઊંચકાઈ ૧૩૬ ઉપર નવી ટોચે ગયો છે. ક્વિન્ટ ડિજિટલ એક ટકા અને મોનાર્ક નેટવર્થ નહીંવત નરમ હતો. પતંજલિ ફૂડ્સ ૧૫૮૫ની નવી વિક્રમી સપાટી બનાવી ૪.૮ ટકા વધીને ૧૫૮૨ થયો છે. 


આઇશર, બજાજ ઑટો અને હીરો મોટોકૉર્પને ડાઉન ગ્રેડિંગ નડ્યું 
પ્રીતિકા ઑટો ઇન્ડસ્ટ્રીઝ એના ઑટોમોટિવ, ટ્રૅક્ટર તથા એન્જી. કમ્પોનન્ટ્સ બિઝનેસને પ્રીતિકા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ડી-મર્જ કરશે, જે બદલ પ્રીતિકા ઑટોના શૅરધારકોને બેના શૅરદીઠ ૬૩ શૅરના બદલામાં નવી કંપની પ્રીતિકા ઇન્ડ.નો ૧૦નો એક એવા ૧૦ શૅર અપાશે. પ્રીતિકા ઑટો ગઈ કાલે ઉપરમાં ૩૨.૫૦ થઈ ૪.૫ ટકા વધી ૩૨ બંધ રહી છે. હિન્ગુ. ઝિન્ક દ્વારા બેના શૅરદીઠ ૬ રૂપિયા એટલે કે ૩૦૦ ટકાનું બીજુ ઇન્ટરિમ જાહેર કરાયું છે. શૅર ઉપરમાં ૩૩૨ નજીક જઈ સાધારણ વધીને ૩૨૬ હતો. આ ઇન્ટરિમથી પેરન્ટ કંપની વેદાન્તને આશરે ૧૬૪૫ કરોડ મળવાના છે. એનો શૅર સવાયા કામકાજે ઉપરમાં ૨૫૨ વટાવી ત્રણ ટકા વધીને ૨૪૯ થયો છે. બ્રોકરેજ હાઉસ સીએલએસએ તરફથી હાલના ભાવને ધ્યાનમાં લઈ બજાજ ઑટો, આઇશર મોટર્સ તથા હીરો મોટોકૉર્પને ડાઉન ગ્રેડ કરવામાં આવ્યા છે. આઇશર નીચામાં ૪૦૨૫ની અંદર જઈ બે ટકા ઘટીને ૪૦૫૧, બજાજ ઑટો ૫૯૯૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ એક ટકો ઘટી ૬૦૮૦ તથા હીરો મોટોકૉર્પ ૩૭૩૧ની નીચે ગયા પછી ૦.૯ ટકા ઘટી ૩૭૭૩ બંધ રહ્યો છે. 
ઍક્સિસકેડ ટેક્નૉલૉજીઝે એનર્જી ક્ષેત્રે એન્જિનિયરિંગ ડિઝાઇન અને સૉલ્યુશન્સ પ્રોવાઇડર ઇપ્ફોજેનને ૨૬૨૫ લાખમાં પૂર્ણતઃ હસ્તગત કરી છે. ઍક્સિસકેડનો શૅર પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૫૬૨ વટાવી ગયો છે. ફેસવૅલ્યુ પાંચની છે. ગયા મહિને બ્રોકરેજ ફર્મ એન્જલ-વનનો ક્લાયન્ટ બેઝ ૫૧ ટકા વધ્યો હોવાના અહેવાલે શૅર ૩૨૪૬ની ઑલટાઇમ હાઈ બનાવી સાત ગણા વૉલ્યુમે ૬.૮ ટકાની મજબૂતીમાં ૩૧૪૨ થયો છે. સોમાણી સિરામિક દ્વારા બેના શૅરદીઠ મહત્તમ ૮૫૦ રૂપિયા સુધીના ભાવે બાયબૅક માટે ૧૫ ડિસેમ્બરની રેકૉર્ડ ડેટ નક્કી કરાઈ છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૭૨૫ થઈ ૩.૨ ટકા ઊંચકાઈ ૭૧૯ બંધ હતો. એસબીસી એક્સપોર્ટ્સ દ્વારા બે શૅરદીઠ એક બોનસ જાહેર થયું છે, પરંતુ શૅર બે ટકા ઘટીને ૩૧ બંધ રહ્યો છે. ફેસવૅલ્યુ એકની છે. 

ઍમિક ફોર્જિંગ અને દીપક કેમટેક્સમાં ૯૯ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો 
એસએમઈ સેગમેન્ટમાં કલકત્તાની ઍમિક (AMIC) ફોર્જિંગ ૧૦ના શૅરદીઠ ૧૨૬ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૧૩૫ના પ્રીમિયમ સાથે ગઈ કાલે ૨૩૯ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૫૧ ઉપર જઈ ત્યાં જ બંધ થતાં અત્રે ૯૯.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. દીપક કેમટેક્સ ૧૦ના શૅરદીઠ ૮૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ૬૫ના પ્રીમિયમના મુકાબલે ૧૫૨ ખૂલી ૫ ટકાની તેજીની સર્કિટે ૧૬૦ નજીક જઈ ત્યાં જ બંધ રહેતાં એમાં પણ ૯૯.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સ્વસ્તિક પ્લાસકૉન ૮૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૨ના પ્રીમિયમના મુકાબલે મંગળવારે દમદાર લિસ્ટિંગમાં ૧૨૬ બંધ થયા પછી ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૩૨ ઉપર નવા શિખરે બંધ હતો. 
તાજેતરમાં લિસ્ટિંગના દિવસે ફ્લૅર રાઇટિંગ પાંચના શૅરદીઠ ૩૦૪ની ઇશ્યુ પ્રાઇસ સામે પહેલી ડિસેમ્બરે લિસ્ટિંગના દિવસે ધમાધમીમાં ૫૧૪ના શિખરે જઈ ૧૦ ટકાની નીચલી સર્કિટમાં ૪૫૨ બંધ થયો હતો. ભાવ ત્યારથી સતત ઘટતો રહી ગઈ કાલે ૩૭૫ના નવા તળિયે જઈ બે ટકાની નરમાઈમાં ૧૧૮૮ તથા ગાંધાર ઑઇલ રિફાઇનરી અડધો ટકો ઘટીને ૨૭૧ રહ્યો છે. મામા અર્થવાળી હોનાસા કન્ઝ્યુમર ઉપરમાં ૩૮૫ બતાવી ૪.૭ ટકાના બાઉન્સબૅકમાં ૩૮૧ હતી. રાજકોટની શીતલ યુનિવર્સલનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૨૩૮૦ લાખ રૂપિયાનો એનએસઈ એસએમઈ ઇશ્યુ હાઈ નેટવર્થ પોર્શનમાં ૨૧૨ ગણા અને રીટેલમાં ૧૩૦ ગણા એમ કુલ મળીને ૧૭૯ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૨ આસપાસ બોલાય છે. એનઆરબી બેરિંગ્સ તરફથી થાણેના મજીવાડે ખાતેની ૨૫,૭૦૦ ચોરસ મીટર લૅન્ડનું એની અંદરના બાંધકામ સહિત કુલ ૧૯૬ કરોડ રૂપિયામાં ઑબેરૉય રિયલ્ટીને વેચાણ કરાયું છે. શૅર એક ટકો વધી ૨૮૩ બંધ હતો. ઑબેરૉય રિયલ્ટી ૧૪૬૪ની વિક્રમી સપાટી બનાવી દોઢ ટકા વધીને ૧૪૬૧ થયો છે. 


૦૦૦૦૦

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2023 07:15 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK