માર્ચ સેટલમેન્ટમાં નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી બેસ્ટ પર્ફોર્મર : આજથી ઝોમાટો, જિયો ફાઇનૅન્શ્યલ નિફ્ટીમાં, યુએસ ઑટો ટૅરિફે તાતા મોટર્સ ડાઉન, માર્ચ એન્ડિંગમાં NAV વધારવાની કસરત, બીએસઈની બોનસ માટે મીટિંગ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
27 ફેબ્રુઆરી ગુરુવારે નિફ્ટી 22,545.05ના સ્તરે બંધ હતો એ માર્ચ વલણના પહેલા દિવસે જ ગૅપથી 22,433.40ના સ્તરે ખુલ્યા પછી માર્ચ વલણમાં ઘટીને ચોથી માર્ચે 21,964.60ના બૉટમે ગયા પછી જોવાયેલા સતત સુધારામાં 25 માર્ચે 23,869.60ના હાઈ સુધી ગયા પછી વલણના અંતે 27 માર્ચે 23,591.95 બંધ રહ્યો અને માર્ચ વલણ 1046.9 પૉઇન્ટ્સ, 4.64 ટકાના ગેઇન સાથે સુખદ નોટ પર પૂર્ણ થયું એ બાજીગર ટ્રમ્પના આડેધડ સ્ટેટમેન્ટો વચ્ચે આનંદના સમાચાર ગણાય. આ માર્ચ વલણ પરથી હવે એવું તારણ નીકળે છે કે 23,900 અને 21,900ની બે હજાર પૉઇન્ટ્સની રેન્જમાંથી જે તરફ નિફ્ટી નિકળશે, એ દિશામાં ટ્રેન્ડ આગળ વધવાની સંભાવના વધી જશે. એનએસઈ ખાતે જે પાંચ ઇન્ડેક્સ પર વાયદાના સોદા થાય છે તેમના માર્ચ વલણના પર્ફોર્મન્સ પર નજર કરી લઈએ. બૅન્ક નિફ્ટી પુરોગામી વલણના 48,743.80ના બંધ સામે માર્ચ વલણના અંતે ગુરુવારે 51,575.85 બંધ રહ્યો હતો. બૅન્ક નિફ્ટીનો સેટલમેન્ટ ગેઇન 5.81 ટકા કે 2832.05 પૉઇન્ટ્સનો રહેતાં નિફ્ટી કરતાં એનું પર્ફોર્મન્સ બેટર રહ્યું હતું. બૅન્ક નિફ્ટી માટે માર્ચ સેટલમેન્ટના હાઈ-લૉના આધારે મળતી રેન્જ 47,700-52,100ની ગણાય. જે તરફ બ્રેક આઉટ આવે એ તરફ બૅન્ક નિફ્ટી ચાલશે એવી ધારણા રાખી શકાય. ફેબ્રુઆરી વલણના અંતે 23,173.65ના સ્તરે વિરમેલ નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ માર્ચ વલણના અંતે 25,011.15 બંધ રહ્યો. 1837.5 પૉઇન્ટ્સ, 7.93 ટકાનો આ વધારો ગણાય. આ ઇન્ડેક્સની માર્ચ સેટલમેન્ટ પરથી નિકળતી અગત્યની રેન્જ 22,800-25,300ની છે. આ સેટલમેન્ટમાં જ 25 માર્ચના રોજ 25,297.35નો નવો બાવન સપ્તાહનો હાઈ નોંધાવ્યો હોવાથી આ ધ બેસ્ટ ઇન્ડેક્સ તેજી આગળ વધે તો એમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે એવું સમીક્ષકોનું માનવું છે. નિફ્ટી નેક્સ્ટ 50ની વાત કરીએ તો એ 27 ફેબ્રુઆરીએ 58,767.20 અને 27 માર્ચે 63,442.55 બંધ રહ્યો એથી માર્ચ સેટલમેન્ટનો સુધારો 4675.35 પૉઇન્ટ્સ, 7.96 ટકાનો થયો અને અગત્યની રેન્જ 56,200-64,200ની હોવાનું તારણ નીકળે છે. નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 27 ફેબ્રુઆરીએ 10,957.30 અને 27 માર્ચે 11,515.80 બંધ હતો. સેટલમેન્ટ સુધારો 558.5 પૉઇન્ટ્સ કે 5.10 ટકાનો થયો ગણાય અને માર્ચ સેટલમેન્ટ રેન્જ 10,600-11,800ની માની શકાય. આમ માર્ચ સેટલમેન્ટમાં 7.96 ટકાના સુધારા સાથે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી ધ બેસ્ટ પર્ફોર્મર તરીકે ઊભર્યો છે.
ગુરુવારે યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઊંચા ટૅરિફની જાહેરાત બાદ ઑટો શૅરોમાં ઘટાડો જોવાયો હતો.તાતા મોટર્સ સાડાપાંચ ટકા તૂટી 669 બંધ હતો. ટૅરિફના આ નિર્ણયથી જેગ્વાર લૅન્ડ રોવરના 30 ટકા વૉલ્યુમ પર અસર થવાની ધારણા છે. સંવર્ધન મધરસન પોણાત્રણ ટકા ઘટી 131 રૂપિયા, સોના બીએલડબ્લ્યુ તો સવાછ ટકાના ગાબડાએ 466 રૂપિયા અને ભારત ફોર્જ 2.32 ટકા ડાઉન થઈ 1155 રૂપિયા બંધ હતા. આ તમામ શૅરો અમેરિકન ટૅરિફની અસર થવાની ગણતરીએ નીચા સ્તરે બંધ થયા હતા. પરિણામોની ધારણાએ કેપીઆઇટી ટેક્નૉલૉજીઝ 2 ટકા ઘટી 1338 રૂપિયા અને તાતા ટેક્નૉલૉજીઝ અઢી ટકાના લૉસે 683 રૂપિયા બંધ હતા. બજાજ ફાઇનૅન્સ અને બજાજ ફિનસર્વે અપ ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો. બજાજ ફિનસર્વ 2.86 ટકા વધી 1999 રૂપિયા બંધ હતો. બાવન સપ્તાહનો હાઈ 2029.90 રૂપિયા હવે હાથવેંતમાં હોય એવું જણાય છે. બજાજ ફાઇનૅન્સ દોઢ ટકો સુધરી 9004 રૂપિયા બંધ હતો. આ શૅરે તો તાજેતરમાં જ 25 માર્ચના રોજ 9260.05 રૂપિયાનો બાવન સપ્તાહનો હાઈ નોંધાવ્યો છે. અદાણી એનર્જી 8.34 ટકા ઊછળી 870 રૂપિયા અને અદાણી ગ્રીન પાંચ ટકા વધી 958 રૂપિયા બંધ હતા. સોમવારે બજાર ઇદની રજા પર હોવાથી માર્ચ એન્ડિંગ હિસાબો માટેનો પણ ગુરુવાર છેલ્લો દિવસ હોવાથી ગીરવે મૂકેલા શૅરોની વૅલ્યુ સારી દેખાડવા અને મ્યુચ્યુઅલ ફંડો દ્વારા એનએવી સુધારવાની કસરતમાં આ સુધારો થયો હોવાની હવા હતી. પ્રમોટરોએ ગીરવે મૂકેલા શૅરના કારણે સેન્ટિમેન્ટ બગડતાં અશોક લેલૅન્ડ 2.67 ટકા ઘટી 209 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. કેપ્રી ગ્લોબલમાં પંદર ટકાનું મોટું ગાબડું પડતાં 165 રૂપિયા થઈ ગયો હતો. વલણના છેલ્લા દિવસે ઇન્ડસઇન્ડ બૅન્ક એફઍન્ડઓની યાદીમાંથી બહાર આવ્યો હોવાના કારણે 2.78 ટકા વધી 673 રૂપિયા બંધ હતો. હીરો મોટોકૉર્પ માસિક વેચાણ ડેટા એપ્રિલમાં બહાર પડે એ પૂર્વે જ અનુમાનોના આધારે 3.13 ટકાના ગેઇને 3760 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો. આજથી નિફ્ટીમાં પ્રવેશનારા જિયો ફાઇનૅન્શ્યલ એક ટકો વધી 225 રૂપિયા અને ઝોમાટો 0.14 ટકા ઘટી 203 રૂપિયા બંધ હતા. આજથી નિફ્ટીમાંથી વિદાય લેનાર બ્રિટાનિયા સવા ટકો સુધરી 4909 રૂપિયા અને બીપીસીએલ 2.19 ટકા વધી 279 રૂપિયા બંધ હતા. આવતા મહિને પીએનજીઆરબી દ્વારા સંભવિત ટૅરિફ વધારાની અપેક્ષાએ ગેઇલ 4.30 ટકા વધુ વધીને 181.55 રૂપિયા થઈ ગયો હતો. મિડકૅપ શૅરોમાંથી બીએસઈ પાંચ ટકા સુધરી 4694 રૂપિયા થયો હતો. 30 માર્ચે બોનસ શૅરો માટે બોર્ડ મીટિંગ મળવાની છે. બૅન્ક ઑફ બરોડા 4.14 ટકાના ગેઇને 229.90 રૂપિયા બંધ હતો. પેટીએમ 4.13 ટકા સુધરી 808 રૂપિયા રહ્યો હતો. મેક્રોટેક ડેવલપર્સ ચાર ટકા વધી 1246 રૂપિયા અને યુનિયન બૅન્ક પણ 4 ટકા પ્લસ થતાં 125 રૂપિયાના લેવલે બંધ હતા. માર્ચ એન્ડિંગમાં એનએવી સુધરવાના પ્રયત્નોને પરિણામે આ શૅરો સુધર્યા હોવાનું કહેવાતું હતું.
ADVERTISEMENT
આઇપીઓ માર્કેટ : આ પ્રમોટરોનાં સપનાંઓ પર પાણી ફરી વળ્યું
સેબીની બાજનજરમાંથી અમુક કંપનીઓના આઇપીઓ લાવવાનાં સપનાંઓ પર પાણી ફરી વળ્યું હોવાની મીડિયામાં ચર્ચા છે. ઇન્દિરા આઇવીએફે આઇપીઓ પાછો ખેંચી લીધો હોવાનું, સેબીએ વી વર્ક ઇન્ડિયાના આઇપીઓને સ્થગિત કર્યો હોવાનું અને સ્ટાર ઍગ્રી વેરહાઉસિંગ પર ખાસ નજર રાખવાનો નિર્ણય કર્યો હોવાનું ચર્ચાય છે. આમ ભારતના આઇપીઓ બજારમાં ઊથલપાથલ મચી ગઈ છે. દેશની સૌથી મોટી પ્રજનન શૃંખલા, ઇન્દિરા આઇવીએફે એના ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યાનાં થોડાં અઠવાડિયાં પછી જ અરજી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. કંપનીએ ૨૦૨૫ની ૧૩ ફેબ્રુઆરીએ પેપર્સ સબમિટ કરીને ઑફર-ફોર-સેલ દ્વારા 3500 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી હતી. મીડિયામાં ચર્ચા છે કે આ કંપનીના સ્થાપક અજય મુરડિયા પર આગામી બૉલીવુડ બાયોપિક ફિલ્મ ૨૧ માર્ચે રિલીઝ થઈ હતી અને એમાં અનુપમ ખેર અને ઇશા દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. સેબીએ કંપનીના આઇપીઓ વખતે જ ફિલ્મ રિલીઝના સમય પર પ્રશ્ન ઉઠાવ્યો હોવાનું ચર્ચાય છે. સેબીએ વી વર્ક ઇન્ડિયાના આઇપીઓને મુલતવી રાખ્યો છે. એમ્બેસી ગ્રુપ દ્વારા સમર્થિત ફ્લેક્સિબલ વર્કસ્પેસ પ્રોવાઇડરએ ૨૦૨૫ની ૩૧ જાન્યુઆરીએ આઇપીઓ માટે અરજી કરી હતી જેમાં 4.37 કરોડ શૅરના સંપૂર્ણ ઑફર-ફોર-સેલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સેબીએ એના નિર્ણયનાં ચોક્કસ કારણો જાહેર કર્યાં નથી. સ્ટાર ઍગ્રી વેરહાઉસિંગ અને કોલેસ્ટરલ મૅનેજમેન્ટ પણ નિયમનકારી ચકાસણીમાં ફસાયેલું હોવાની ચર્ચા છે. એનો આઇપીઓ, જેમાં 450 કરોડ રૂપિયાનો નવો ઇશ્યુ અને 2.69 કરોડ ઇક્વિટી શૅરનો ઑફર-ફોર-સેલનો સમાવેશ થાય છે એમાં અપૂરતા ખુલાસા અને ભંડોળના ઉપયોગ વિશે અસ્પષ્ટતા સબબના વાંધાઓનો સામનો કંપનીએ કરવો પડ્યો છે.
માર્કેટ કૅપિટલાઇઝેશનમાં 3 લાખ કરોડ રૂપિયાનો વધારો
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 412.21 (409.08) લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 414.72 (411.62) લાખ કરોડ રૂપિયા થતાં ગુરુવારે રોકાણકારોની સંપત્તિમાં 3 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

