Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી સતત આઠમા દિવસે ડાઉન, છેલ્લા ૨૦ મહિનાની સૌથી લાંબી મંદી

નિફ્ટી સતત આઠમા દિવસે ડાઉન, છેલ્લા ૨૦ મહિનાની સૌથી લાંબી મંદી

Published : 19 November, 2024 07:58 AM | IST | Mumbai
Anil Patel

બિટકૉઇન અને પાકિસ્તાની શૅરબજારમાં નવાં બેસ્ટ લેવલ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


બિટકૉઇન અને પાકિસ્તાની શૅરબજારમાં નવાં બેસ્ટ લેવલ : NTPC ગ્રીન એનર્જીનો મેગા ઇશ્યુ આજે ખૂલશે, પ્રીમિયમ તૂટીને એક રૂપિયો : લોઅર પરેલની નીલમ લિનન્સમાં ૫૮ ટકા પ્લસનો લિસ્ટિંગ ગેઇન : ઇન્દ્રપ્રસ્થ ગૅસ સાડાપાંચ વર્ષના તળિયે, ઓલા ઇલેક્ટ્રિકમાં સૌથી નીચો ભાવ : ખાંડમાં ઉત્પાદન ઘટવાના અહેવાલ વચ્ચે શુગર શૅરોમાં માયૂસી જોવા મળી : નલવા સન્સ હજારી જમ્પમાં નવા શિખરે, JSW હોલ્ડિંગ્સ નવી ટોચે જઈ પાંચ ટકાની મંદીની સર્કિટમાં : બાન્કો પ્રોડક્ટ્સ બૅક-ટુ-બૅક ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ચાર આંકડે દેખાઈ


ત્રણ દિવસના મિની વેકેશન બાદ ખૂલેલા શૅરબજારની નરમાઈ સોમવારે પણ આગળ વધી છે. સેન્સેક્સ ૨૪૧ પૉઇન્ટ ઘટી ૭૭,૩૩૯ તથા નિફ્ટી ૭૯ પૉઇન્ટની નબળાઈમાં ૨૩,૪૫૪ બંધ થયો છે. આરંભ સારો હતો, સેન્સેક્સ આગલા બંધથી ૨૮૩ પૉઇન્ટ પ્લસમાં, ૭૭,૮૬૩ ખૂલ્યો હતો અને ઉપરમાં ૭૭,૮૮૩ નજીક ગયો હતો. જોકે આરંભનો આ ઉત્સાહ અલ્પજીવી નીવડ્યો હતો. માર્કેટ ક્ષણિક અપવાદ બાદ કરતાં આખો દિવસ રેડ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ નીચામાં ૭૬,૯૬૫ અને નિફ્ટી ૨૩,૩૫૦ દેખાયો હતો. માર્કેટ બ્રેડ્થ નબળી હતી. NSEમાં વધેલા ૧૦૬૪ શૅર સામે ૧૬૪૮ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૧.૫૩ લાખ કરોડ ઘટીને હવે ૪૨૯.૦૮ લાખ કરોડે આવી ગયું છે. સેન્સેક્સ નિફ્ટીના ૦.૩ ટકા જેવા સાધારણ ઘટાડા સામે આઇટી ઇન્ડેક્સ ૯૮૪ પૉઇન્ટ કે સવાબે ટકા, ટેક્નૉલૉજી બેન્ચમાર્ક બે ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ દોઢ ટકા, એનર્જી ઇન્ડેક્સ સવા ટકા, યુટિલિટીઝ એક ટકા, નિફ્ટી મીડિયા સવા ટકો, નિફ્ટી ફાર્મા એક ટકો, હેલ્થકૅર ૦.૯ ટકા, સ્મૉલકૅપ બેન્ચમાર્ક પોણો ટકો ડૂલ થયા હતા. મેટલ બેન્ચમાર્કને ચાઇનીઝ બૂસ્ટર ડોઝ મળી ગયો હતો.



એશિયા ખાતે સાઉથ કોરિયા બે ટકા તો થાઇલૅન્ડ અને હૉન્ગકૉન્ગ પોણો ટકો પ્લસ હતું. જૅપનીઝ નિક્કી એક ટકો, તાઇવાન એક ટકા નજીક, ચાઇના-સિંગાપોર અને ઇન્ડોનેશિયા સામાન્ય ઘટાડે બંધ હતાં. યુરોપ રનિંગમાં સાંકડી વધઘટે અથડાયેલું હતું. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ૯૨,૨૧૦ ડૉલરના નવા શિખરે જઈ રનિંગમાં ૯૧,૭૯૬ દેખાયો છે. ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટનું માર્કેટકૅપ એક ટકા નજીક વધીને ૩.૦૯ લાખ કરોડ ડૉલર જોવાયું છે. પાકિસ્તાની શૅરબજાર ૯૫,૩૦૮ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી રનિંગમાં ૨૯૭ પૉઇન્ટની આગેકૂચમાં ૯૫,૦૬૩ ચાલતું હતું. બ્રેન્ટ ક્રૂડ ઢીલા વલણમાં બેરલદીઠ ૭૧ ડૉલર રહ્યું છે.


NTPC ગ્રીન એનર્જીનો ૧૦ના શૅરદીઠ ૧૦૮ની અપર બૅન્ડ સાથે ૧૦,૦૦૦ કરોડનો મેગા ઇશ્યુ મંગળવારે ખૂલવાનો છે ત્યારે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગગડતું રહી હાલ એક રૂપિયો થઈ ગયું છે. શરૂઆત ૨૫થી થઈ હતી. સતત ખોટ કરતી ઝિન્કા લૉજિસ્ટિક્સનો એકના શૅરદીઠ ૨૭૩ની અપર બેન્ડ સાથે ૧૧૧૫ કરોડનો આઇપીઓ આખરી દિવસે ૧.૯ ગણા જેવા રિસ્પૉન્સ સાથે પાર થઈ ગયો છે. પ્રીમિયમ ઝીરો છે. દિલ્હીની એન્વીરો ઇન્ફ્રા એન્જિનિયર્સ ૧૦ના શૅરદીઠ ૧૪૮ની અપર બૅન્ડમાં ૬૫૦ કરોડનું ભરણું બાવીસમીએ કરવાની છે. ગ્રે માર્કેટમાં સોદા શરૂ થયા નથી. મુંબઈના લોઅર પરેલ ખાતેની નીલમ લિનન્સ ઍન્ડ ગાર્મેન્ટ્સ ૧૦ના શૅરદીઠ ૨૪ની ઇસ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૧૪ના પ્રીમિયમ સામે ૪૦ ખૂલી ૩૮ બંધ થતાં અત્રે ૫૮.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળી ગયો છે. મુંબઈના ગોરેગામ-ઈસ્ટની મંગલ કૉમ્પ્યુસૉલ્યુશનનું લિસ્ટિંગ બુધવારે થવાનું હતું, પરંતુ મહારાષ્ટ્ર ઇલેક્શનને લઈ બજાર બુધવારે બંધ છે એટલે વાત ૨૧ ઉપર જશે. બાય ધ વે, ગઈ કાલે નિફ્ટીમાં સતત ૮મા દિવસે નરમાઈ જોવાઈ છે. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ પછી આટલી લાંબી મંદીનો આ પ્રથમ કિસ્સો છે.

મેટલ શૅરોમાં ચાઇનીઝ કરન્ટ આવ્યો, નાલ્કો નવ ટકા મજબૂત


ચાઇનાએ ઍલ્યુમિનિયમ તથા કૉપર પ્રોડક્ટ્સમાં પહેલી ડિસેમ્બરથી અમલી બને એ રીતે એક્સપોર્ટ ટૅક્સમાં રીબેટ આપવાનું બંધ કરવાની જાહેરાત કરી છે. એના પગલે વિશ્વસ્તરે પુરવઠાની સ્થિતિ તંગ બનવાની અને સરવાળે ભાવ વધવાની ગણતરી કામે લાગી છે. શુક્રવારે આથી જ ઍલ્યુમિનિયમ વાયદો આઠ ટકા ઊછળી સવાપાંચ ટકા વધી ૨૬૫૦ ડૉલર નજીક બંધ થયો હતો. આની અસરમાં ઘરઆંગણે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ છ દિવસની સળંગ નરમાઈ બાદ ગઈ કાલે બે ટકા વધ્યો છે. એના ૧૫માંથી ૧૦ શૅર પ્લસ હતા. સરકારની ૫૧.૩ ટકા માલિકીની નાલ્કો પાંચ ગણા વૉલ્યુમે ૨૪૮ નજીક જઈને નવ ટકાની તેજીમાં ૨૪૦ બંધ રહ્યો છે. હિન્દાલ્કો ઉપરમાં ૬૬૩ થઈ ૩.૮ ટકાના જમ્પમાં ૬૫૧ બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર હતો. વેદાન્ત ૩.૨ ટકા ઊછળી ૪૪૭ થયો છે. અન્ય મેટલ શૅરમાં NMDC પોણાબે ટકા, તાતા સ્ટીલ સવાબે ટકા, સેઇલ પોણો ટકો, જિંદલ સ્ટીલ એક ટકો, JSW સ્ટીલ એક ટકો, હિન્દુસ્તાન ઝિન્ક સાધારણ, હિન્દુસ્તાન કૉપર પોણો ટકો વધ્યા છે. ગ્રેવિટા ઇન્ડિયા ત્રણ ટકા ઊચકાઈ ૨૧૬૧ થયો છે. માન ઍલ્યુમિનિયમ પણ ૩ ટકા અપ હતો. BSEનો મેટલ ઇન્ડેક્સ ૬૩૧ પૉઇન્ટ કે ૨.૧ ટકા મજબૂત થયો હતો.

ખાંડ મિલોએ વહેલું પિલાણ શરૂ કરવા આ વર્ષે ઉત્સુકતા દાખવી નથી. ૧૫ નવેમ્બરે અગાઉના વર્ષે ૨૬૪ ખાંડ મિલોની સામે આ વખતે માત્ર ૧૪૪ મિલો જ કાર્યરત રહી છે. સરવાળે ૨૦૨૪-’૨૫ના ખાંડ વર્ષના પ્રથમ છ સપ્તાહમાં ઉત્પાદન ૪૪ ટકા ઘટી ૭.૧૦ લાખ ટન નોંધાયું છે. આ વર્ષે ખાંડ ઉત્પાદન અગાઉના ૩૧૯ લાખ ટન સામે ઘટીને ૨૮૦ લાખ ટન રહેવાનું અનુમાન વહેતું થયું છે. જોકે શુગર શૅરોમાં આની કોઈ તાત્કાલિક સારી અસર જોવાઈ નથી. ગઈ કાલે ઉદ્યોગના ૩૭માંથી ૨૮ શૅર ડાઉન હતા. ઉગર શુગર અઢી ટકા વધ્યો હતો. સામે કેસર એન્ટર ૧૦ ટકા, પ્રૂડેન્શિયલ શુગર પાંચ ટકા, ઇન્ડિયન સુક્રોઝ નવ ટકા કડવી બની છે. વિશ્વરાજ, બજાજ હિન્દુસ્તાન, શક્તિ શુગર, ધામપુર સ્પેશ્યલિટી, ધામપુર શુગર, રાજશ્રી શુગર, ડીસીએમ શ્રીરામ, સર શાદીલાલ, બલરામપુર ચીની, દાલમિયાં શુગર, ઉત્તમ શુગર એકથી ત્રણ ટકા નરમ હતા.

ઇન્દ્રપ્રસ્થ ગૅસ, મહાનગર ગૅસ, ગુજરાત ગૅસમાં ભારે ખરાબી જોવા મળી

ગેઇલ તરફથી અદાણી ટોટલને સસ્તા દરે અપાતા ગૅસનો સપ્લાય ૧૩ ટકા ઘટાડવામાં આવ્યો છે. અગાઉ મિડ ઑક્ટોબરમાં મુકાયેલા કટને ગણતરીમાં લેવાય તો કુલ ૧૬ ટકાનો પુરવઠાકાપ થવા જાય છે. ONGC પણ મહાનગર ગૅસ તથા ઇન્દ્રપ્રસ્થ ગૅસને અપાતો ગૅસ સપ્લાય ગત મહિને ઘટાડી ચૂકી છે. સસ્તા ગૅસનો પુરવઠો ઘટતાં ગૅસ ડિસ્ટ્રિબ્યુટર્સ કંપનીઓની નફાશક્તિ ઘટવાની છે. એને મજરે લેવા આ કંપનીઓ CNGના ભાવ વધારવા સક્રિય બની હોવાનું જાણવા મળે છે. ગઈ કાલે ઇન્દ્રપ્રસ્થ ગૅસ તગડા વૉલ્યુમે ૩૨૩ની સાડાપાંચ વર્ષની બૉટમ બતાવી ૧૯.૯ ટકાના કડાકામાં ૩૨૫ તો મહાનગર ગૅસ નીચામાં ૧૦૭૫ થઈને ૧૩.૮ ટકા કે ૧૮૧ રૂપિયાના બ્લાસ્ટમાં ૧૧૩૦ બંધ આવ્યો છે. અદાણી ટોટલ ૬૫૨ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ બે ટકા ઘટી ૬૬૯, ગુજરાત ગૅસ ૪૪૩ની અંદર જઈ સાંતેક ટકા લથડીને ૪૫૩ તથા IRM એનર્જી નહીંવત ઘટાડે ૩૭૬ હતા.

એક અન્ય અહેવાલ પ્રમાણે સરકારે ક્રૂડ ઉત્પાદક સ્થાનિક કંપનીઓ ૫૨નો વિન્ડફૉલ ટૅક્સ તેમ જ પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલની નિકાસ પરની સ્પેશ્યલ ઍડિશનલ એક્સાઇઝ ડ્યુટીની પ્રથા રદ કરવાનો નિર્ણય લીધો છે. ટૂંકમાં એની વિધિવત જાહેરાત કરાશે. જોકે તેલ કંપનીઓના શૅર પર ઉપરના અહેવાલની ખાસ અસર દેખાઈ નથી. ગઈ કાલે ONGC ફ્લૅટ અને ઑઇલ ઇન્ડિયા પોણો ટકો ઘટીને ૪૭૨ બંધ હતા. ભારત પેટ્રો ત્રણ ટકા ઘટ્યો છે. ઇન્ડિયન ઑઇલ અડધો ટકો તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૧.૪ ટકા નરમ રહ્યો છે. ગેઇલ બે ટકા ડાઉન હતો. જીએસપીએલ સાડાસાત ટકા ખરડાઈ ૩૨૪ થયો છે. અન્યમાં હિન્દુસ્તાન ઑઇલ એક્સપ્લોરેશન ૨.૭ ટકા, પનામા પેટ્રો પોણાબે ટકા, સવિતા ઑઇલ ૧.૮ ટકા ડાઉન હતા. MRPL તથા ચેન્નઈ પેટ્રો એકથી સવા ટકો ઢીલા હતા. એનર્જી ઇન્ડેક્સ ૨૯માંથી ૨૪ શૅરના ઘટાડામાં સવા ટકો કટ થયો છે. દીપ ઇન્ડસ્ટ્રીઝ સાડાછ ટકા ઊછળી ૫૧૦, જિંદલ ડ્રિલિંગ ૭ ટકાના જમ્પમાં ૭૬૩, એજીસ લૉજિસ્ટિકસ પાંચ ટકાની મજબૂતીમાં ૮૪૩ રહ્યા છે. કોલ ઇન્ડિયા એકાદ ટકો પ્લસ હતો.

ટીસીએસ અને ઇન્ફોસિસની ખરાબી બજારને ૨૭૬ પૉઇન્ટ નડી

હીરો મોટોકૉર્પનો ત્રિમાસિક નફો એકંદર ધારણાથી સારો, સવાચૌદ ટકા વધી ૧૨૦૩ કરોડ આવતાં નોમુરાએ ૫૮૦૫, જેફરીઝે ૫૫૦૦ અને નુવામાએ ૬૨૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયના કૉલ આવ્યા છે. શૅર ગઈ કાલે ૪૮૪૦ થઈ પોણાત્રણ ટકા કે ૧૨૯ રૂપિયા ઊચકાઈ ૪૭૩૩ના બંધમાં નિફ્ટી ખાતે સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. હિન્દુસ્તાન યુનિલીવર, મહિન્દ્ર, નેસ્લે, સ્ટેટ બૅન્ક, અદાણી પોર્ટ્સ એકથી દોઢ ટકો અપ હતા. ઇન્ફોસિસ પોણાત્રણ ટકા તથા ટીસીએસ ત્રણ ટકા તૂટી બજારને ૨૭૬ પૉઇન્ટ નડ્યા છે. રિલાયન્સ અડધા ટકાની નબળાઈમાં ૧૨૬૧ નીચે રહ્યો છે. નિફ્ટી ખાતે ડૉ. રેડ્ડીઝ લૅબ પોણાત્રણ ટકા, ટ્રેન્ટ અઢી ટકા, વિપ્રો ૨.૪ ટકા, સિપ્લા સવાબે ટકા, અપોલો હૉસ્પિટલ્સ પોણાબે ટકા ખરડાયા હતા.

મુમ્બૈયા ગુજ્જુ શ્રોફ ફૅમિલીની યુપીએલની બોર્ડ મીટિંગ બુધવારે રાઇટ ઇશ્યુની પ્રાઇસ, સાઇઝ તથા રેશિયો વગેરે નક્કી કરવા મળવાની છે. કંપનીએ ગત વર્ષે ડિસેમ્બરમાં ૪૨૦૦ કરોડનો રાઇટ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ કંપનીની હાલત હાલમાં ખરાબ બની હોવાથી ઉક્ત સાઇઝમાં વીસેક ટકાનો ઘટાડો કરાશે એમ મનાય છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કંપનીની નેટ લૉસ અગાઉના ૧૮૯ કરોડથી વધી ૪૪૩ કરોડે પહોંચી છે. શૅર ગઈ કાલે દોઢ ટકો સુધરી ૫૩૩ હતો. ગુરુવારે સારાં પરિણામ સાથે શૅરદીઠ એકના બોનસમાં ૨૦ ટકા ઊછળી ૮૪૦ના શિખરે બંધ રહેલી બાન્કો પ્રોડક્ટ્સ ગઈ કાલે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૦૦૮ની નવી વિક્રમી સપાટી નોંધાવી ૧૮ ટકા કે ૧૫૧ના જમ્પમાં ૯૯૧ નજીક રહ્યો છે. ગરવારે ટેક્નિકલ ફાઇબર્સ બહેતર પરિણામમાં ૧૦ ગણા વૉલ્યુમે ૪૭૪૨ની નવી ટૉપ બનાવી ૧૮.૭ ટકા કે ૭૪૦ની છલાંગ મારી ૪૬૪૧ બંધ આવ્યો છે. નલવા સન્સ બુલરનમાં પોણાચૌદ ટકા કે ૧૧૨૮ના ઉછાળે ૯૩૭૨ બંધ થયો છે. તો JSW હોલ્ડિંગ્સ ૨૦,૨૮૭ની ઑલટાઇમ હાઈ બનાવી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૯૫૬ રૂપિયા ગગડી ૧૮,૩૬૫ હતો. ન્યુજેન સૉફ્ટવેર પાંચ ગણા વૉલ્યુમે સાડાપંદર ટકા કે ૧૯૦ રૂપિયા ખરડાઈ ૧૦૪૩ રહ્યો છે.

મામા અર્થવાળી હોનેસા ૨૦ ટકા પટકાઈને બિલો પાર થઈ

મામા અર્થવાળી હોનેસા કન્ઝ્યુમર દ્વારા અગાઉના ૨૯૪૦ લાખના નેટ પ્રૉફિટ સામે આ વખતે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૮૬૦ કરોડની ચોખ્ખી ખોટ સાથે ખરાબ પરિણામ જાહેર થતાં એમ્કે ગ્લોબલ, સિટી ગ્રુપ જેવા બ્રોકરેજ હાઉસ તરફથી સેલના કૉલ છુટ્યા છે. શૅર લિસ્ટિંગ બાદ પ્રથમ વાર ૨૦ ટકાની મંદીની સર્કિટમાં પટકાઈ ૨૯૬ નીચે જઈ ત્યાં જ બંધ થયો છે. કંપની ઑક્ટોબર ૨૦૨૩ની આખરમાં ૧૦ના શૅરદીઠ ૩૨૪ની ઇશ્યુ પ્રાઇસથી ૧૭૦૧ કરોડનો ઇશ્યુ લાવી હતી. ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪માં ભાવ ૫૪૬ ઉપર બેસ્ટ લેવલે ગયો હતો. ફર્સ્ટ ક્રાય ફેમ બ્રેઇનબીઝ સૉલ્યુશન્સની ત્રિમાસિક ખોટ ૪૭ ટકા ઘટી ૬૩ કરોડ નીચે જતાં શૅર વૉલ્યુમ સાથે ઉપરમાં ૫૮૨ થઈ ૫.૪ ટકાની તેજીમાં ૫૪૭ રહ્યો છે. થર્મેક્સમાં જેફરીઝે ૬૧૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી કર્યો છે પણ શૅર ત્રણ ટકા કે ૧૪૯ રૂપિયા ગગડી ૪૮૪૯ હતો.

મૉર્ગન સ્ટૅનલીએ ૩૫૫ની ટાર્ગેટ પ્રાઇસથી ઝોમાટોમાં બાયનો કૉલ આપ્યો છે. શૅર ગઈ કાલે સામાન્ય સુધારામાં ૨૭૧ હતો, જ્યારે સ્વિગી નીચામાં ૪૧૦ થઈ સવાબે ટકાની ખરાબીમાં ૪૨૦ હતો. ગ્લેનમાર્ક ફાર્મા ૧૮૦ કરોડની નેટ લૉસમાંથી ૩૪૦ કરોડના નેટ નફામાં આવી છે. શૅર જોકે ત્રણ ટકા ઘટી ૧૪૮૩ રહ્યો છે. મુથૂટ ફાઇનૅન્સે ૨૧ ટકાના વૃદ્ધિદરમાં ૧૩૨૧ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. એમાં શૅર ૧૮ ગણા કામકાજમાં છ ટકા ઊછળી ૧૮૮૫ બંધ થયો છે. ઍક્મે સોલર હોલ્ડિંગ્સની સબસિડિયરીને આરઈસી લિમિટેડ તરફથી ૩૭૫૩ કરોડની લોનની મંજૂરી મળતાં શૅર ૨૨૮ના ઑલટાઇમ બૉટમથી ૧૦ ટકાની તેજીની સર્કિટ મારી ૨૫૨ બતાવી ત્યાં બંધ રહ્યો છે.

શક્તિ પમ્પ્સમાં એક શૅરદીઠ પાંચ બોનસ શૅરની રેકૉર્ડ-ડેટ પચીસ નવેમ્બર નજીક આવતાં ભાવ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૨૪ ઊછળી ૪૭૦૭ નજીક જઈ ત્યાં જ બંધ થયો છે. ઓલા ઇલેક્ટ્રિક ૬૮ની સૌથી નીચી સપાટી નોંધાવી ૧.૭ ટકા ઘટી ૬૯ નજીક હતો. સુદર્શન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં બાવીસમીએ એક્સ સ્પ્લિટ થશે. શૅર ગઈ કાલે ૩.૨ ટકા ઊચકાઈ ૩૯૯ હતો. ચોથી જૂનના રોજ ભાવ ૫૮ના તળિયે હતો. કંપની માર્ચ ૨૦૨૩માં શૅરદીઠ ૭૩ના ભાવે ૫૦ કરોડનો SME ઇશ્યુ લાવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2024 07:58 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK