Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ૧૮,૧૦૦ની ઉપર બંધ:મેટલ-પાવર ઇન્ડેક્સના સથવારે સેન્સેક્સ ૩૬૧ પૉઇન્ટ્સ વધ્યો

નિફ્ટી ૧૮,૧૦૦ની ઉપર બંધ:મેટલ-પાવર ઇન્ડેક્સના સથવારે સેન્સેક્સ ૩૬૧ પૉઇન્ટ્સ વધ્યો

Published : 28 December, 2022 06:11 PM | Modified : 28 December, 2022 06:31 PM | IST | Mumbai
Anil Patel

સોમવારની નોંધપાત્ર રિકવરી બાદ મંગળવારે પણ બજારે રિકવરી ચાલુ રાખી હતી, પ્રૉફિટ-બુકિંગ પણ થયું હોવા છતાં માર્કેટ પૉઝિટિવ બંધ રહ્યું હતું ઃ માર્કેટ કૅપમાં ૨.૫ લાખ કરોડનો વધારો થયો, મિડ કૅપ ઇન્ડેક્સ આઉટ પર્ફોર્મર રહ્યો,

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મંગળવારે ભારતીય શૅરબજાર રિકવરીનો ટ્રેન્ડ ચાલુ રાખી આશરે અડધા ટકાના સુધારા સાથે બંધ રહ્યાં હતાં. સોમવારના ૭૦૦ પૉઇન્ટ્સના જમ્પ બાદ સપ્તાહના બીજા સેશનમાં મંગળવારે ગ્લોબલ પૉઝિટિવ સંકેતોને લીધે માર્કેટ ઊંચું ખુલ્યું હતું. જોકે ઓપનિંગની ગણતરીની મિનિટોમાં જ પ્રૉફિટ-બુકિંગ જોવા મળતાં માર્કેટ રેડ ઝોનમાં આવ્યું હતું. ત્યાર બાદ નીચલા સ્તરેથી સ્થાનિક રોકાણકારોની ખરીદીને લીધે માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો અને માર્કેટ ક્લોઝિંગ સુધી ગ્રીન ઝોનમાં રહ્યું હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૩૬૧ પૉઇન્ટ્સના સુધારા સાથે ૬૦,૯૨૭ પર જ્યારે નિફ્ટી ૧૧૭ પૉઇન્ટ્સની તેજી સાથે ૧૮,૧૩૨ પર બંધ રહ્યા હતા. લાર્જ કૅપની તુલનાએ રોકડાના સ્ટૉક્સમાં વધુ તેજી જોવા મળી હતી. નિફ્ટી મિડ કૅપ આશરે એક ટકો, જ્યારે બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સમાં ૧.૪૬ ટકાની મજબૂતાઈ નોંધાઈ હતી. સેન્સેક્સના ૩૦માંથી ૨૫ સ્ટૉક્સ વધ્યા હતા, જ્યારે પાંચ સ્ટૉક્સ ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટીના ૫૦માંથી ૪૦ સ્ટૉક્સ વધીને બંધ રહ્યા હતા. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ ખાતે કુલ ૩૬૩૧ સ્ટૉક્સમાંથી ૨૫૭૨ સ્ટૉક્સ વધીને જ્યારે ૯૨૬ સ્ટૉક્સ ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈનું માર્કેટ કૅપ ગઈ કાલે ૨.૫ લાખ કરોડ રૂપિયા વધીને ૨૮૦.૪૨ લાખ કરોડ રૂપિયા થયું હતું. હૉન્ગકૉન્ગનાં બજાર બંધ રહ્યાં હતાં. જપાનનો નિક્કી નામકે વાસ્તે ૦.૧૬ ટકા વધ્યો હતો. કોસ્પી પોણા ટકાની આસપાસ તો તાઇવાન માર્કેટ પા ટકા વધી હતી. ચીનમાં કોવિડ નિયમોમાં રાહત અપાતાં શાંઘાઈ કમ્પોઝિટ ૧ ટકાની આસપાસ ઉપર બંધ હતો. યુરોપનાં માર્કેટ ગઈ કાલ સાંજ સુધીમાં સામાન્ય સુધારા સાથે કામ કરી રહ્યાં હતાં.  સેક્ટરલ ઇન્ડાઇસિસમાં નિફ્ટી એફએમસીજીને બાદ કરતાં બધા ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી મેટલ ૪.૨૩ ટકાની તેજી સાથે ટૉપ ગેઇનર પુરવાર થયો હતો. નિફ્ટી મીડિયા ૧.૧૯ ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક ૧.૨૯ ટકા અને નિફ્ટી રિયલ્ટી ૧.૨૫ ટકા વધ્યા હતા. બીએસઈ સ્થિત ૫૯ સ્ટૉક્સ ગઈ કાલે એક વર્ષનાં શિખરે પહોંચ્યાં હતાં, જ્યારે ૩૫ સ્ટૉક્સમાં વર્ષનું તળિયું જોવા મળ્યું હતું. 


ચાઇનામાં કોવિડ નિયમોમાં રાહતથી મેટલ સ્ટૉક્સ તેજીમાં
ચાઇનામાં તમામ પ્રવાસીઓ માટે ક્વૉરન્ટીન નિયમોને રદ કરવામાં આવ્યા છે. ચાઇના ખાતે માત્ર પ્રવેશ અગાઉ પીસીઆર ટેસ્ટ ફરજિયાત રહેશે. કોવિડ-19ને કૅટેગરી ‘એ’માંથી ડાઉનગ્રેડ કરીને કૅટેગરી ‘બી’ કરાયો છે. ૨૦૨૩ની ૮ જાન્યુઆરીથી આ નવા નિયમો અમલમાં આવશે. ત્રણ વર્ષના કડક નિયમોના અમલીકરણ બાદ હવે ચીન દ્વારા નિયમોમાં રાહત આપવામાં આવી છે. આ સાથે જ બીજિંગમાં ટ્રાન્સપોર્ટેશન, કામકાજ અને અન્ય ગતિવિધિઓને વેગ મળ્યો છે અને ઍરપોર્ટ પર પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ચીન ખાતે કોવિડ નિયમોમાં રાહતની મેટલ ઇન્ડેક્સ પર પૉઝિટિવ અસર જોવા મળી હતી. આ ઇન્ડેક્સ અગાઉના બંધની તુલનાએ ૨૬૯ પૉઇન્ટ્સ એટલે કે ૪.૨૩ ટકાના જમ્પ સાથે ૬૬૩૪ પર બંધ થયો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સની ૧૫માંથી ૧૪ સ્ક્રિપ્સ વધીને બંધ થઈ હતી. જિંદાલ સ્ટીલ ૮.૭૩ ટકાના સુધારા સાથે ટૉપ ગેઇનર પુરવાર થયો હતો. નૅશનલ ઍલ્યુમિનિયમમાં આશરે ૬.૫ ટકાની તેજી નોંધાઈ હતી. હિન્દાલ્કો ૨૭ રૂપિયા એટલે કે ૬ ટકા વધીને ૪૭૦ રૂપિયા બંધ થયો હતો. તાતા સ્ટીલના કાઉન્ટરે ૬ રૂપિયાના વધારા સાથે ૧૧૧.૩ રૂપિયા પર ક્લોઝિંગ આપ્યું હતું. સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા ૫ ટકાના જમ્પ સાથે ૮૧ રૂપિયાની આસપાસ બંધ રહ્યો હતો. હિન્દ કૉપર, જેએસડબ્લ્યુ સ્ટીલ અને વેલસ્પન કૉર્પ આશરે ૪-૪.૫ ટકા વધ્યા હતા. વેદાંત ૧૧ રૂપિયા વધીને ૩૦૭ રૂપિયા પર, જ્યારે હિન્દ ઝિન્ક ૫ રૂપિયા વધીને ૩૧૯.૫ રૂપિયા પર બંધ થયો હતો. સનફ્લેગ આયર્ન ૭ રૂપિયા વધીને ૧૧૧.૧ રૂપિયા પર બંધ રહ્યો હતો. 
નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૧૦૭ પૉઇન્ટ્સ (૦.૮૬ ટકા) સુધરીને ૧૨,૫૨૩ પર બંધ થયો હતો. નિફ્ટી ઑટો ઇન્ડેક્સના ૧૫માંથી ૧૨ સ્ટૉક્સ વધીને બંધ થયા હતા. ટીવીએસ મોટર ૩૧ રૂપિયાની તેજી સાથે ૧૦૪૭ રૂપિયા પર બંધ રહ્યો હતો. ત્યાર બાદ મધરસન સુમી બે ટકા અપ હતો. તાતા મોટર્સ ૧૦ રૂપિયા (૨.૭ ટકા) વધીને ૩૯૫ રૂપિયા પર બંધ રહ્યો હતો. આઇશર મોટર્સ અને બજાજ ઑટો ૧ ટકાની આસપાસ વધીને બંધ થયા હતા. 



પીએસયુ બૅન્ક સ્ટૉક્સ જોરમાં
બૅન્ક નિફ્ટી ઇન્ડેક્સ ૨૨૯ પૉઇન્ટ્સની (૦.૫૪ ટકા) મજબૂતી સાથે ૪૨,૮૬૦ પર બંધ રહ્યો હતો. બૅન્ક નિફ્ટીના તમામ ૧૨ સ્ટૉક્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. ફેડરલ બૅન્ક ૧.૨ ટકા વધીને બંધ રહ્યો હતો. ત્યાર બાદ બંધન બૅન્ક, એયુ સ્મૉલ બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧થી ૧.૨૫ ટકાની રેન્જમાં મજબૂત થઈને બંધ રહ્યા હતા. પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ સવા ટકાની મજબૂતી સાથે ૪૨૨૫ પર બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં માત્ર ઇન્ડિયન બૅન્ક ઘટ્યો હતો, જ્યારે મહારાષ્ટ્ર બૅન્ક ૭ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૬.૫ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૫ ટકા, યુનિયન


બૅન્ક ૩ ટકાની તેજી સાથે બંધ રહ્યા હતા.  
અદાણી ગ્રુપ ખાતે એનડીટીવીને બાદ કરતાં તમામ સ્ટૉક્સ વધીને બંધ રહ્યા હતા. એનડીટીવીનું કાઉન્ટર ગઈ કાલે ૫ રૂપિયાના ઘટાડાના સાથે ૩૩૮ રૂપિયા પર બંધ રહ્યું હતું. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૫૪ રૂપિયા (૧.૪૬ ટકા) વધીને ૩૭૭૦ રૂપિયા પર બંધ થયો હતો. અદાણી પોર્ટ્સ ૧૧ રૂપિયા વધીને ૮૧૭ રૂપિયા પર ક્લોઝ થયો હતો. અદાણી પાવરમાં સતત બીજા દિવસે ૫ ટકાની તેજીની સર્કિટ જોવા મળી હતી. આ કાઉન્ટર ટ્રેડિંગના અંતે ૧૩.૭૫ રૂપિયા વધીને ૨૮૯ રૂપિયા પર બંધ રહ્યું હતું. અદાણી ગ્રીન ૧.૭૫ ટકા, અદાણી ટ્રાન્સમિશન ૧.૩ ટકા અને અદાણી ટોટલ ગૅસ ૧.૨૫ ટકા સુધર્યા હતા. અદાણી વિલ્મર ૨૬ રૂપિયાની તેજીમાં ૫૫૧ રૂપિયા પર બંધ રહ્યો હતો. એસીસી અને અંબુજા સિમેન્ટ્સ બે ટકાની આસપાસ વધીને બંધ થયા હતા.

શુગર્સ સ્ટૉક્સમાં મીઠાશ વધી
સરકારે શુગર મિલોને મોટી રાહત આપી છે. સરકાર દ્વારા સ્ટૉક હોલ્ડિંગ નિયમોની ગણતરીમાં ફેરફાર કરાયો છે. હવે શુગર મિલો ઇથેનૉલ બનાવવા માટે આપવામાં આવતી શુગરને બદલે ૨૦ ટકા વધુ સ્ટૉક કરી શકશે. ઇથેનૉલ બનાવવા માટે આપવામાં આવેલી શુગરની સામે ૧૦૦ ટકા ઇન્સેન્ટિવ મળશે. જાન્યુઆરી ૨૦૨૩ના રોજથી જાહેર થનારી આ નવી ફૉર્મ્યુલાને લીધે શુગર સ્ટૉક્સમાં ગઈ કાલે તેજી જોવા મળી હતી. કેસીપી શુગર ૧૬ ટકાની તેજીની સાથે આ સેક્ટરનો ટૉપ ગેઇનર સાબિત થયો હતો. આ સિવાય પોન્ની શુગર ૧૫ ટકા, મેવાણા શુગર ૧૧ ટકા, ઉત્તમ શુગર ૮ ટકા, રાણા શુગર ૬ ટકા, શિમ્ભોલી શુગર ૫ ટકા, શક્તિ શુગર્સ ૫ ટકા, દ્વારિકેશ શુગર ૭ ટકા, ત્રિવેણી એન્જિનિયરિંગ ૬ ટકા, શ્રી રેણુકા ૫ ટકા, ઘામપુર શુગર ૭ ટકા, ઉગર શુગર ૩ ટકા વધ્યા હતા. ગઈ કાલે ફર્ટિલાઇઝર સ્ટૉક્સમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. એફએસીટી ૧૦ ટકાની તેજીની સર્કિટે ૨૯૨.૬ રૂપિયા પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત મદ્રાસ ફર્ટિલાઇઝર ૩.૫૫ રૂપિયા સુધરીને ૭૫ રૂપિયા પર બંધ રહ્યો હતો. એનએફએલ બે ટકા જ્યારે આરસીએફ ૨.૫ ટકાના જમ્પ સાથે ક્લોઝ થયા હતા. જીએસએફસી દોઢેક ટકાની તેજીમાં ૧૨૭ રૂપિયા પર બંધ રહ્યો હતો અને જીએનએફસી ૫૩૦ રૂપિયા પર ફ્લેટ રહ્યો હતો. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં ૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સ્ટૉક ટ્રેડિંગના અંતે ૬.૫ ટકા (૨૨ રૂપિયા) સુધરીને ૩૬૪ રૂપિયા પર બંધ રહ્યો હતો. અન્ય કેમિકલ કંપની ઇન્ડિયા ગ્લાયકોલના કાઉન્ટરમાં પણ ગઈ કાલે તેજી નોંધાઈ હતી અને ટ્રેડિંગના અંતે સ્ટોક ૨૮ રૂપિયા એટલે કે ૪ ટકાની તેજીમાં ૭૬૫ રૂપિયા પર બંધ રહ્યો હતો.


મધર ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાના વધારા બાદ ડેરી પ્રોડક્ટ સેગમેન્ટમાં ફેન્સી જોવા મળી હતી. ઉમંગ ડેરી અગાઉના બંધની તુલનાએ આશરે ૩ રૂપિયાની તેજીમાં ૬૨.૫ રૂપિયા પર બંધ થયો હતો. વાડીલાલ એન્ટરપ્રાઇઝિસ ૫ ટકાની તેજીની સર્કિટમાં ૩૫૧૭ રૂપિયા પર બંધ રહ્યો હતો. 
રેડિયન્ટ કૅશ મૅનેજમેન્ટના આઇપીઓને ઠંડો રિસ્પૉન્સ

રેડિયન્ટ કૅશ મૅનેજમેન્ટના આઇપીઓનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. ૧૫૦ શૅર્સની લોટ સાઇઝ ધરાવતા ચેન્નઈ ખાતેની આ કંપનીના આઇપીઓની પ્રાઇસ બેન્ડ ૯૪-૯૯ રૂપિયા હતી. ઇશ્યુ ગઈ કાલે સાંજે ૫ વાગ્યા સુધીમાં માંડ ૪૬ ટકા જ ભરાયો હતો. ગ્રે માર્કેટમાં કંપનીનું ૧-૨ રૂપિયાનું પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. પ્રાઇમરી માર્કેટના જાણકારોના મતે ૪ જાન્યુઆરીએ લિસ્ટ થનારો આ આઇપીઓ ડિસ્કાઉન્ટમાં ખૂલે તો નવાઈ નહીં. આ સિવાય નુરેકા લિ.માં પ્રમોટર પાયલ ગોયલ દ્વારા ૨.૭૪ ટકા હિસ્સો ઘટાડવાના સમાચારને લીધે સ્ટૉકમાં ૩ ટકાની નરમાઈ જોવા મળી હતી. આ કાઉન્ટરમાં ૧ વર્ષનું ટૉપ ૨૧૭૫ રૂપિયા છે, જ્યારે ૪૮૩ રૂપિયા સાથે તેણે તાજેતરમાં નીચલું સ્તર બનાવ્યું હતું. પેટીએમ ૧.૮ ટકા વધીને ૫૧૩ રૂપિયા પર બંધ થયો હતો તેમ જ નાયકા ૭૦ પૈસાની નબળાઈ સાથે ૧૪૯.૮૫ રૂપિયા પર ક્લોઝ થયો હતો. એલઆઇસી પાંચેક રૂપિયાના વધારા સાથે ૬૯૨ રૂપિયા વટાવી ગયો હતો, જ્યારે ઝોમૅટો ૦.૭૫ રૂપિયાની તેજીમાં ૫૮.૯૫ રૂપિયા પર બંધ રહ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2022 06:31 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK