ડિફેન્સ શૅરોની આગેકૂચ જારી, નિફ્ટી-સેન્સેક્સમાં દોઢ ટકાનો સુધારો, બજાર સતત છઠ્ઠા દિવસે સુધર્યું, ગાર્ડન રિચને મોટો ઑર્ડર મળ્યો : રોકાણકારોની રક્ષા માટે સેબીના નવા નિર્ણયો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સોમવારે સપ્તાહની શરૂઆતના દિવસે જ જાણે ૨૭ માર્ચ, ગુરુવારના રોજ પૂરા થનારા ઇન્ડેક્સોના વલણના હવાલા કેવા આવશે એનો ચિતાર આપી દીધો છે. જે પાંચ ઇન્ડેક્સો પર એફઍન્ડઓમાં સોદા થાય છે એમાં મુખ્ય અને મહત્ત્વનો ઇન્ડેક્સ નિફ્ટી પ્રીઓપન સેશનમાં 23,350 અને 23,732 વચ્ચે રમીને 23,515ના સ્તરે સેટલ થયો હતો. સવાનવે નિયમિત બજાર શરૂ થયું ત્યારે 23,488 અને સાડાત્રણે 23,658 બોલાતાં ઓપન ટૂ ક્લોઝ 170 પૉઇન્ટ્સ વધ્યો હતો. પ્રીવિયસ ક્લોઝ 23,350 સામે 138 પૉઇન્ટ્સના ગૅપથી ખુલ્યો હોવાથી એકંદરે 308 પૉઇન્ટ્સ, 1.32 ટકા ઊછળી 23,658ના સ્તરે બંધ હતો. 50માંથી 41 શૅરો વધ્યા એમાં છ શૅરો બાવન સપ્તાહની ઊચી સપાટીથી 2 ટકા સુધીના ડિસ્ટન્સ પર આવી ગયા હતા. એમાં ભારતી ઍરટેલ 1716 રૂપિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ 1061 રૂપિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક 1361 રૂપિયા, બજાજ ફાઇનૅન્સ 9079 રૂપિયા, એચડીએફસી બૅન્ક 1802 રૂપિયા, આઇશર મોટર્સ 5426 રૂપિયા અને કોટક બૅન્ક 2180 રૂપિયાનો સમાવેશ થાય છે. સામે પક્ષે બજાર આટલું સુધર્યું હોવા છતાં બાવન સપ્તાહના બૉટમેથી બે ટકાની રેન્જમાં હોય એવા નિફ્ટી શૅરો પણ છે. આ યાદીમાં હીરો મોટોકૉર્પ 3625 રૂપિયા અને ટાઇટન 3076 રૂપિયા આ બે જ શૅરો છે. બજારે નીરક્ષીર વિવેકથી તેજી કયા શૅરોમાં છે અને ક્યાં નથી એનો આ રીતે ઘટસ્ફોટ કર્યો છે એ ધ્યાનમાં રાખીને સોદા કરી શકીએ એટલે જ એનએસઈ આ પ્રકારના આંકડાઓ ઉપલબ્ધ કરે છે. નિફ્ટીમાં ટૉપ ફાઇવ ગેઇનર્સમાં 4.86 ટકા સાથે કોટક બૅન્ક 2180 રૂપિયા, એનટીપીસી 4.47 ટકા વધી 367 રૂપિયા, સ્ટેટ બૅન્ક 3.69 ટકાના ગેઇને 781 રૂપિયા, ટેક મહિન્દ્ર 3.60 ટકા સુધરી 1459 રૂપિયા અને પાવરગ્રીડ 3.14 ટકા વધી 292 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. નિફ્ટીમાં ઘટનારા શૅરોમાં 2.79 ટકા તૂટી ઇન્ડસઇન્ડ બૅન્ક 667.75 રૂપિયા થયો એની તથા પોણાત્રણ ટકાના ઘટાડે ટાઇટન 3076 રૂપિયા થઈ ગયો એની નોંધ લેવી ઘટે. એનટીપીસીએ પહેલી એપ્રિલથી કેરાન્દરી કોલસાની ખાણમાંથી વ્યાપારી ધોરણે કામગીરી શરૂ થવાની જાહેરાત કરી એની સારી અસર થઈ હતી. સપ્ટેમ્બર ૨૦૨૪ પછી પહેલી વાર સતત છ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી સુધર્યાં છે. બન્ને ઇન્ડેક્સ મુખ્ય અવરોધ સ્તરોને વટાવી બે મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે અને નિફ્ટી ૨૦૨૫માં પાછો પૉઝિટિવ ઝોનમાં આવી ગયો છે. સેન્સેક્સ પણ 78,000 વટાવી ઇન્ટ્રા ડેમાં 78,107નો હાઈ નોંધાવી અંતે 1078 પૉઇન્ટ્સ, 1.40 ટકાના ગેઇને 77,984ની સપાટીએ વિરમ્યો છે. એનએસઈના આઇપીઓ વિશે બોલતાં સેબીના નવનિયુક્ત ચૅરમૅન તુહિન કાંત પાન્ડેયએ સ્પષ્ટતા કરી હતી કે એનએસઈના આઇપીઓની દરખાસ્ત પર અમે વિચારણા કરી એને આગળ કેમ વધારી શકાય એનો વિચાર કરીશું. વિવિધ ક્ષેત્રોના શૅરોમાં વ્યાપક ખરીદી જોવા મળી એમાં નિફ્ટી ફાઇનૅન્શ્યલના શૅરોમાં વિશેષ વધારો જોવા મળ્યો છે. બજારની આ તેજીમાં માર્ચ મહિનામાં જ બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશન 35 લાખ કરોડ રૂપિયા જેટલું વધ્યું છે. જેમ-જેમ ડૉલર સામે રૂપિયો મજબૂત થતો જાય છે, તેમ-તેમ શૅરબજાર પણ સુધરતું જાય છે અને એમાં એફઆઇઆઇની લેવાલીએ પણ સેન્ટિમેન્ટને બળ આપ્યું છે. નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ 2.20 ટકા સુધરી, 1111 પૉઇન્ટ્સ ઊછળી 51,704 બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 1.67 ટકાના ગેઇને વધીને 11,699 પર બંધ થયો હતો. ઇન્ડિયા વીક્સમાં લગભગ 9 ટકાનો વધારો આગામી દિવસોમાં બજારમાં ચંચળતા વધવાનો નિર્દેશ કરે છે. સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓને મોટા ઑર્ડર મળતાં ઇન્ડિયા ડિફેન્સ વધુ 3.41 ટકા વધી 6440 થયો હતો. પીબી હેલ્થમાંના રોકાણ વિશે પીબી ફિનટેકે સ્પષ્ટતા કર્યા પછી પાંચ સત્રોમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. શૅર સોમવારે ચારેક ટકા વધી 1676 રૂપિયાના સ્તરે બંધ હતો. પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ રેગ્યુલેટરી બોર્ડ (પીએનજીઆરબી) દ્વારા પ્રસ્તાવિત સુધારાઓની અસરે ગૅસ શૅરોમાં પણ તેજી જોવા મળી હતી. ગેઇલ પોણાચાર ટકા વધી 181 રૂપિયા અને ઇન્દ્રપ્રસ્થ ગૅસ અઢી ટકા વધી 203 રૂપિયા બંધ હતા.



