બિટકૉઇન વિક્રમી તેજી સાથે એક લાખ ડૉલર ભણી ગતિમાન : ટ્રમ્પની જીતથી ટેસ્લા અને ઇલૉન મસ્કને ટેસડો પડી ગયો
પ્રતીકાત્મક તસવીર
બિટકૉઇન વિક્રમી તેજી સાથે એક લાખ ડૉલર ભણી ગતિમાન : ટ્રમ્પની જીતથી ટેસ્લા અને ઇલૉન મસ્કને ટેસડો પડી ગયો : વિશ્વબજારો નરમાઈમાં : JSW હોલ્ડિંગ્સ અને નલવા સન્સ તગડા ઉછાળા ચાલુ રાખતાં નવા શિખરે : એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સમાં ૧૫૬૯૭ રૂપિયાનો કડાકો, ન્યુલૅન્ડ લૅબમાં ૧૫૪૦ રૂપિયાની તેજી સાથે નવી ટોચ : બહેતર પરિણામ હિન્દાલ્કોને કામ ન આવ્યાં, નફો ૪૨ ટકા ઘટતાં બાસ્ફ ઇન્ડિયા ૧૧૬૭ રૂપિયા લથડ્યો : સતત ખોટ કરતી, પ્રમોટર્સની લગભગ શૂન્ય પડતરવાળી ઝિન્કા લૉજિસ્ટિક્સ આજે મૂડીબજારમાં : રાજકોટની કંપનીને ટેકઓવર કરતાં વિન્ડસર મશીન્સ તેજીની સર્કિટ સાથે નવી ટોચે
બિટકૉઇનમાં ટ્રમ્પ-રૅલી બરકરાર છે. છેલ્લા ૨૪ કલાકામાં રેટ ૮૯૯૮૩ ડૉલરની સર્વોચ્ચ સપાટી બનાવી રનિંગમાં ૮.૩ ટકા વધી ૮૮૩૬૦ ડૉલર દેખાયો છે. પાંચમી નવેમ્બરે બિટકૉઇન નીચામાં ૬૭૦૩૩ ડૉલરે જોવા મળ્યો હતો. ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ હવે ૩.૧ લાખ કરોડ ડૉલરને વટાવી ગયું છે. મોજૂદા ટ્રેન્ડ જોતાં બિટકૉઇન ટૂંકમાં જ એક લાખ ડૉલર થવાનો વરતારો ચાલે છે. પાંચમી નવેમ્બરથી અત્યાર સુધીના સાતેક દિવસમાં બિટકૉઇન ૩૧ ટકા, ઇથર ૩૯ ટકા, ડોજીકૉઇન ૧૪૫ ટકા, કારડેનો ૮૩ ટકા, શીબા ઇનુ ૬૬ ટકા, પોલકાડૉટ ૪૫ ટકા, લાઇટ કૉઇન ૧૮ ટકા, રિયલ ૨૦ ટકા, BNB ૧૭ ટકા, કોનોસ ૧૮૩ ટકા, રેન્ડર ૭૨ ટકા, વર્લ્ડ કૉઇન ૬૦ ટકા, નિયો ૩૬ ટકા વધી ગયો છે. આવા તો અસંખ્ય કૉઇન બજારમાં મોજૂદ છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ હાલમાં આશરે ૯૯૭૨ જેટલી ક્રિપ્ટોકરન્સી ઍક્ટિવ છે. મતલબ સોદા પડતા રહે છે. બિટકૉઇન પછી લાખેણું થવાના જેના ચાન્સ વધુ છે એ પાકિસ્તાની શૅરબજાર સોમવારે ૯૪૦૨૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૯૩૬૪૮ બંધ રહ્યા પછી ગઈ કાલે રનિંગમાં ૩૩૦ પૉઇન્ટ ખરડાઈ ૯૩૧૯૬ ચાલતું હતું.
ADVERTISEMENT
શૅરબજારોમાં ટ્રમ્પ કાર્ડનો યુફોરિયા ઝડપથી શમવા માંડ્યો છે. સોમવારની મોડી રાત્રે અમેરિકન ડાઉ ૪૪૪૮૭ની વિક્રમી સપાટી બતાવી ૩૦૪ પૉઇન્ટ કે પોણા ટકા નજીકની આગેકૂચમાં ૪૪૨૯૩ તો નૅસ્ડૅક અડધો ટકો વધી ૧૯૨૯૯ના શિખરે બંધ રહ્યા પછી વળતા દિવસે લગભગ તમામ અગ્રણી એશિયન બજાર રેડ ઝોનમાં ગયાં છે. હૉન્ગકૉન્ગ ત્રણ ટકા, ચાઇના દોઢેક ટકો, સાઉથ કોરિયા બે ટકા, તાઇવાન સવાબે ટકા, સિંગાપોર એક ટકા નજીક, થાઇલૅન્ડ પોણો ટકો ડૂલ થયું હતું. ઇન્ડોનેશિયા પોણા ટકાના સુધારે સામા પ્રવાહે જોવા મળ્યું છે.
યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો ડાઉન હતું. ટ્રમ્પની જીતથી ઇલૉન મસ્ક અને તેની ટેસ્લા જબરા ટેસડામાં છે. ટેસ્લાનો શૅર સોમવારે ૯ ટકાની આગેકૂચમાં ૩૫૦ ડૉલરના બેસ્ટ લેવલે બંધ થતાં માર્કેટકૅપ ૧.૧૦ લાખ કરોડ ડૉલર થઈ ગયું છે. આ શૅર પાંચમી નવેમ્બરથી અત્યાર સુધીમાં ૩૯ ટકા વધી ગયો છે. ઇલૉન મસ્કની નેટવર્થ પણ આ ગાળામાં ૨૬૨ અબજ ડૉલરથી વધી ૩૩૫ અબજ ડૉલરે પહોંચી ગઈ છે. એક જ સપ્તાહમાં ૬.૧૫ લાખ કરોડ રૂપિયાનો તડાકો.
ઘરઆંગણે સેન્સેક્સ દોઢસો પૉઇન્ટ પ્લસમાં, ૭૯૬૪૫ ખૂલી ઉપરમાં ૭૯૮૨૧ નજીક ગયા પછી પ્રથમ સત્ર દરમ્યાન પૉઝિટિવ બાયસ સાથે સપાટ હતું. ૧૨ વાગ્યા પછી વાયરો બદલાયો જેમાં બજાર ગગડી નીચામાં ૭૮૬૪૮ થઈ ગયું હતું. અંતે સેન્સેક્સ ૮૨૧ પૉઇન્ટ ગગડી ૭૮૬૭૫ તથા નિફ્ટી ૨૫૮ પૉઇન્ટ ૨૩૮૮૩ બંધ આવ્યો છે. તમામ સેક્ટોરલ માઇનસ હતાં. સેન્સેક્સ નિફ્ટીની એક ટકાની નરમાઈ સામે બૅન્ક નિફ્ટી, ઑટો ઇન્ડેક્સ કૅપિટલ ગુડ્સ, ફાઇનૅન્સ, FMCG, PSU બૅન્ક નિફ્ટી એકથી બે ટકા કપાયા છે. પાવર ઇન્ડેક્સમાં ૨.૮ ટકાનો અંધારપટ હતો. યુટિલિટીઝ ૨.૨ ટકા બગડી છે. આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૪૫ શૅરની નરમાઈ વચ્ચે ૧૪ પૉઇન્ટ જેવો નજીવો ઘટ્યો હતો. માર્કેટ બ્રેડ્થ ખરાબ જ રહી છે. NSEમાં વધેલા ૫૬૩ શૅર સામે ૧૯૧૦ કાઉન્ટર ઘટ્યાં છે. બજારનું માર્કેટકૅપ ૫.૩૦ લાખ કરોડના વધુ ઘટાડામાં ૪૩૭.૨૪ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે.
બજાજ સ્ટીલ એક્સ-બોનસ થતાં નવા શિખર સાથે ઊછળ્યો
બજાજ સ્ટીલ એક શૅરદીઠ ત્રણ બોનસમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે ૯૮૨ના શિખરે જઈ આઠ ટકાની તેજીમાં ૯૨૧ બંધ થયો છે. વન્ડર ઇલેક્ટ્રિકલ્સ ૧૦ના શૅરના શૅરદીઠ ૮૯ રૂપિયાના ભાવે ૧૯૭૯ લાખનો SME ઇશ્યુ લાવી હતી જે રીટેલમાં માત્ર ૩૩ ટકા ભરાયો હતો. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સમાં મંદીની સર્કિટ શરૂ થઈ ગઈ છે. શૅર બીજા દિવસે પાંચ ટકા કે ૧૫૬ ૯૭ રૂપિયા તૂટી ૨૯૮૨૫૨ થઈ ત્યાં જ બંધ રહ્યો છે.
JSW હોલ્ડિંગ્સ ખરાબ બજારમાં પણ તેજીની ચાલ જાળવી રાખતાં ૧૮૬૦૦ થયો છે. નલવા સન્સ ૮૭૫૦ની નવી ટોચે જઈ ૧૦ ટકા કે ૭૩૯ રૂપિયા ઊછળી ૮૧૪૬ હતો. એલઆઇસીમાં જેપી મૉર્ગને ૧૦૩૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. શૅર સાધારણ સુધરી ૯૨૧ હતો. બ્લુડાર્ટ નબળા પરિણામમાં ૭૯૧૧ના આગલા બંધ સામે તૂટી ૭૧૩૦ થઈ છેવટે ૪.૩ ટકા કે ૩૩૯ રૂપિયા ઘટી ૭૫૫૨ હતો. એચજી ઇન્ફ્રા પણ આ જ કારણસર નીચામાં ૧૧૮૧ થઈ ૪.૭ ટકા બગડી ૧૨૨૧ થયો છે. સરકારની ૯૯ ટકા માલિકીની કુદ્રમુખ આયર્ન (KIOCL) ૧૨ ટકાના ઉછાળે ૪૦૧ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી હતી. ન્યુલૅન્ડ લૅબ ૧૬૫૪૫ની ઑલટાઇમ હાઈ બતાવી ૧૧.૨ ટકા કે ૧૫૪૦ના જમ્પમાં ૧૫૩૨૭ હતી. બાસ્ફ પરિણામ પાછળ ૮૦૯૦ની ઇન્ટ્રા-ડે હાઈથી તૂટી ૬૬૦૦ થઈ ૧૪.૮ ટકાના કડાકામાં ૬૭૦૫ બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. ગ્લોબસ સ્પિરિટ્સ ૧૨.૮ ટકા તો આઇટીઆઇ ૧૦ ટકા ડૂલ થયો હતો.
આજે સ્વિગી અને ઍક્મે સોલરનું લિસ્ટિંગ, બન્ને IPO બિલો પાર થવાની વકી
બૅન્ગલોરની સેજિલિટી ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૩૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૩૦ પૈસાના પ્રીમિયમ સામે ગઈ કાલે ૩૧ ખૂલી ૨૯ બંધ થતાં અહીં ૬૪ પૈસા કે બે ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. એક રૂપિયાના શૅરદીઠ ૩૯૦ની મારફાડ (કે ચીરફાડ?) ઇશ્યુ પ્રાઇસવાળી સ્વિગીનો ૧૧૩૨૭ કરોડનો તથા બેના શૅરદીઠ ૨૮૯ની ઇશ્યુ પ્રાઇસવાળી ઍક્મે સોલર હોલ્ડિંગ્સનો આઇપીઓ આજે, બુધવારે લિસ્ટેડ થશે. ગ્રેમાર્કેટમાં હાલ સ્વિગીમાં બે રૂપિયા પ્રીમિયમ તથા ઍક્મે સોલરમાં ચાર રૂપિયા ડિસ્કાઉન્ટ બોલાય છે. નિવા બુપા હેલ્થ ઇન્શ્યૉરન્સનો ૧૦ના શૅરદીઠ ૭૪ની ઇશ્યુ પ્રાઇસવાળો ૨૨૦૦ કરોડનો આઇપીઓ ૧૪મીએ લિસ્ટેડ થશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઝીરો છે.
ટ્રક ઑપરેટર્સ માટે બ્લૅક બગ ઍપ્લિકેશન સાથે ડિજિટલ પ્લૅટફૉર્મ પૂરું પાડતી બૅન્ગલોર બેઝ્ડ ઝિન્કા લૉજિસ્ટિક્સ સૉલ્યુશન એકના શૅરદીઠ ૨૭૩ની અપર બૅન્ડમાં કુલ આશરે ૧૧૧૫ કરોડનો ઇશ્યુ બુધવારે કરવાની છે, જેમાં ૫૬૫ કરોડ ઑફર ફૉર સેલના છે. ઇશ્યુ બાદ કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ હાલના ૩૨.૯ ટકાથી ઘટી ૨૭.૮ ટકા થઈ જશે. કંપની સતત ખોટમાં હોવાથી ભરણામાં QIB પૉર્શન ૭૫ ટકા રખાયો છે. રીટેલ પૉર્શન ૧૦ ટકા રહેશે. કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષમાં ૭૬૮ કરોડની ચોખ્ખી ખોટ કરી છે, જેની સામે કુલ આવક ૬૬૭ કરોડ છે. ગયા વર્ષે ૩૧૬ કરોડ નેટ પ્રૉફિટ બતાવ્યો છે જેને તમે ઇશ્યુની અસર કે આઇપીઓ-ઇફેક્ટ્સ કહી શકો, કેમ કે કંપનીએ છેલ્લાં ૧૦ વર્ષમાં ક્યારેય નફો કર્યો નથી. વધુમાં ઇશ્યુ પૂર્વે જૂન ૨૦૨૪માં કંપનીએ એક શૅરદીઠ ૫૫૦ શૅરની બોનસ પેટે લહાણી કરી છે. સરવાળે પ્રમોટર્સ અને સેલિંગ ઇન્વેસ્ટર્સની શૅરદીઠ પડતર ઘણી નીચી થઈ ગઈ છે. છેલ્લાં ત્રણ વર્ષની ઍવરેજ ઈપીએસ માઇનસ ૧૧ રૂપિયા છે. ઇશ્યુમાં ત્રણ પ્રમોટર્સ આશરે ૪૪ લાખ શૅર OFS મારફત વેચી ૧૨૦ કરોડ ઘરભેગા કરશે. એની શૅરદીઠ સરેરાશ પડતર લગભગ ઝીરો છે. ઇશ્યુ ઘણો મોંઘો છે. ફન્ડામેન્ટલ્સ સાવ ખરાબ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમના સોદા ૮થી શરૂ થયા હતા. રેટ ખેંચીને ૨૪ રૂપિયે લઈ જવાયો હતો. હાલમાં ઝીરો પ્રીમિયમ છે.
NTPC ગ્રીનનો ૧૦ હજાર કરોડ રૂપિયાનો આઇપીઓ પાઇનલાઇનમાં છે. ત્રણ વર્ષનો ટ્રૅક રેકૉર્ડ ન હોવાથી એમાં QIB પૉર્શન ૭૫ છે. ગ્રેમાર્કેટમાં ૨૫થી શરૂ થયેલું પ્રીમિયમ સતત ગગડી હાલ ૯ થઈ ગયું છે. બજારની હાલત ખરાબ છે એ જોતાં આઇપીઓ આવશે કે નહીં એ એક સવાલ છે. SME સેગમેન્ટમાં ગોરેગામ-ઈસ્ટની મંગલ કમ્પ્યુસૉલ્યુશન ૧૦ના શૅરદીઠ ૪૫ના ભાવથી ૧૬૨૩ લાખનું ભરણું લઈ ગઈ કાલે મૂડીબજારમાં પ્રવેશી છે. ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૨.૭ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં ૧૦ના રેટ ચાલે છે. બુધવારે હિમાચલ પ્રદેશના સોલણ ખાતેની ઓનિક્સ બાયોટેક ૧૦ના શૅરદીઠ ૬૧ની અપર બૅન્ડમાં ૨૯૩૪ લાખનો NSE SME ઇશ્યુ કરવાની છે. ગ્રેમાર્કેટમાં પાંચથી શરૂ થયેલું પ્રીમિયમ વધી હાલમાં ૧૦ની આસપાસ છે.
HDFC બૅન્ક બજારને ૩૧૬ પૉઇન્ટ નડી, બ્રિટાનિયામાં ૪૦૭ રૂપિયાની ખરાબી
પરિણામનો વસવસો જાળવી રાખતાં બ્રિટાનિયા વધુ સાડાસાત ટકા કે ૪૦૭ રૂપિયા ખરડાઈ નિફ્ટીમાં ટૉપ લૂઝર બની છે. હેવીવેઇટ HDFC બૅન્ક ૨.૭ ટકા બગડી ૧૭૧૮ના બંધમાં બજારને સર્વાધિક ૩૧૬ પૉઇન્ટ નડી છે. સ્ટેટ બૅન્ક અઢી ટકા, કોટક બૅન્ક ૧.૪ ટકા અને ઍક્સિસ બૅન્ક સવા ટકો માઇનસ હતી. અન્યમાં NTPC, એશિયન પેઇન્ટ્સ, તાતા મોટર્સ, બજાજ ઑટો, ભારત ઇલેક્ટ્રિક, શ્રીરામ ફાઇનૅન્સ, JSW સ્ટીલ, મારુતિ, પાવર ગ્રિડ, અપોલો હૉસ્પિટલ બેથી ત્રણ ટકા ડૂલ થયા હતા. ટ્રેન્ટ પોણો ટકો વધી નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યો છે. કન્સોલિડેટેડ ધોરણે ONGCનો ત્રિમાસિક નેટ નફો ૨૫ ટકા ઘટી ૧૦૨૭૨ કરોડ થયો છે. શૅર નજીવા ઘટાડામાં ૨૫૬ હતો. હિન્દાલ્કો અપેક્ષા કરતાં બહેતર રિઝલ્ટમાં મજબૂત ખૂલી ૬૭૩ વટાવી ગયો હતો, પરંતુ છેવટે અડધો ટકો ઘટી ૬૫૧ રહ્યો છે. રિલાયન્સ તાજેતરની નબળાઈ બાદ પાંચ પૈસા સુધર્યો છે. ઇન્ફી, સનફાર્મા, ICICI બૅન્ક નામ પૂરતા સુધારામાં હતા.
બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા કે ૭૧૯ પૉઇન્ટ સાફ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના બગાડમાં બે ટકા કટ થયો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૩૪ શૅર ડાઉન હતા. ઉત્કર્ષ બૅન્ક સવાચાર ટકા લથડી મોખરે હતી. એયુ બૅન્ક અને CSB બૅન્ક ૦.૬ ટકા વધી હતી.
NMDCમાં ૧૭ વર્ષે ઉદાર બોનસ આવ્યું, પણ નબળાં પરિણામ નડ્યાં
સિમેન્ટ સેક્ટરમાં ખરાબ પરિણામનો સિલસિલો આગળ વધારતાં શ્રીસિમેન્ટ દ્વારા ૮૩ ટકાના ગાબડામાં ૭૭ કરોડથીય ઓછો નેટ નફો દર્શાવાયો છે. આવક ૧૫ ટકા ઘટી છે. શૅર ગઈ કાલે નીચામાં ૨૩૫૦૦ થઈ અંતે અડધો ટકો ઘટી ૨૪૨૭૯ હતો. બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૬૩ ટકાના વૃદ્ધિદરથી ૨૩૭૪ કરોડનો નફો મેળવ્યો છે. NPA ઘટી છે. શૅર ગઈ કાલે ત્રણ ટકા તૂટી ૧૦૯ હતો. કેન્દ્ર સરકારની ૬૦.૮ ટકા માલિકીની NMDC દ્વારા એક શૅરદીઠ બે શૅરનું ઉદાર બોનસ આપ્યું હતું. કંપનીએ ૨૩ ટકાના વધારામાં ૪૯૧૯ કરોડની આવક પર ૧૭ ટકા વૃદ્ધિ દરથી ૧૧૯૬ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. વિશ્લેષકોની એકંદર ધારણા ૫૦૫૮ કરોડની આવક તથા ૧૪૩૨ કરોડના નેટ પ્રૉફિટની હતી. શૅર ગઈ કાલે સાડાત્રણ ટકાના ઘટાડે ૨૨૫ થયો છે. શૅર ૨૭૯ વટાવી અંતે પોણાબે ટકા ઘટીને ૨૬૯ બંધ રહ્યો છે. ડોમિનોઝ પીત્ઝાવાળી જ્યુબિલન્ટ ક્રૂડવર્સનો ત્રિમાસિક નફો ૩૨ ટકા ગગડી ૬૬૫૩ લાખ આવ્યો છે, પરંતુ બ્રોકરેજ હાઉસ ઊજળા વિકાસ માટે આશાવાદી છે. શૅર ૧૨ ગણા કામકાજે ૬૫૬ થઈ ૫.૭ ટકાની મજબૂતીમાં ૬૩૬ બંધ થયો છે. ત્રિવેણી ટર્બાઇને ૪૨ ટકાના વધારામાં ૯૧ કરોડનો નેટ નફો રળતાં ભાવ ૨૫ ગણા કામકાજે ૭૦૦ નજીક જઈ ૩.૩ ટકા ઊંચકાઈ ૬૪૭ હતો. વિન્ડસર મશીન્સ દ્વારા રાજકોટની વર્ષેદહાડે ૧૬૨ કરોડની આવક કરતી ગ્લોબલ સીએનસી પ્રાઇવેટ લિમિટેડને ૩૪૩ કરોડમાં હસ્તગત કરવામાં આવી છે. આને પગલે વિન્ડસર ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૫૩ વટાવી ત્યાં જ બંધ રહ્યો છે. ૨૦ માર્ચે ભાવ ૬૪ હતો.