આપણે આ પ્રકારની વિચાર પ્રક્રિયામાં ફેરફાર કરવા તરફ ધ્યાન આપીએ, કારણ કે આપણે એ પણ જાણીએ છીએ કે નિસ્તેજ હોવા છતાં જીવન વીમો વ્યક્તિઓ અને તેમના પ્રિયજનોને આર્થિક સુરક્ષા અને માનસિક શાંતિ પ્રદાન કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે
વીમાની વાત
પ્રતીકાત્મક તસવીર
લાઇફ ઇન્શ્યૉરન્સ પ્રત્યે મિલેનિયલ્સનો અભિગમ શુષ્ક કેમ છે એનાં કારણો આપણે મારા ગયા લેખમાં જોયાં. તત્કાળ આનંદ મેળવવાની લાગણીનો અભાવ, દસ્તાવેજમાં આપેલી ગૂંચવણભરી વિગતો, રોકાણકારની નગણ્ય ભૂમિકા, મૃત્યુના કેન્દ્રમાં કરતું રોકાણ વગેરે જેવાં કારણોને લીધે આજના મિલેનિયલ્સ લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી ખરીદવાને ‘ઓલ્ડ ફૅશન’ માને છે.
તો હવે ચાલો, આપણે આ પ્રકારની વિચાર પ્રક્રિયામાં ફેરફાર કરવા તરફ ધ્યાન આપીએ, કારણ કે આપણે એ પણ જાણીએ છીએ કે નિસ્તેજ હોવા છતાં જીવન વીમો વ્યક્તિઓ અને તેમના પ્રિયજનોને આર્થિક સુરક્ષા અને માનસિક શાંતિ પ્રદાન કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એ બીજાં ફાઇનૅન્શિયલ સાધનોની માફક ભલે ઉત્તેજના ન ઊભું કરતું હોય તો પણ એનું મહત્ત્વ ઓછું ન જ આંકી શકાય. લાઇફ ઇન્શ્યૉરન્સ પ્રત્યેની આવી કંટાળાજનક લાગણીઓને ભૂંસવા માટે અને એ પ્રત્યે નવો સકારાત્મક અભિગમ કેળવવા માટે કેટલાંક પગલાં લેવા પડશે.
ADVERTISEMENT
જીવન વીમા પૉલિસી અને શાળાનું શિક્ષણ
શાળા જીવન અને જીવન વીમા પૉલિસી વચ્ચે કેટલુંક સામ્ય છે. આવો આ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ.
૧. નાણાકીય પિરામિડમાં સુરક્ષા એ મહત્ત્વનો પાયો છે એ સમજવું : આપણને એમ લાગે છે કે શાળામાં બહુ જ શિસ્ત પાળવી પડે છે, શાળામાં યુનિફૉર્મ (ગણવેશ) પહેરવો પડે છે, નિયમોનું બંધન છે અને કંટાળાજનક પરીક્ષા પણ આપવી પડે છે! પરંતુ આપણે જાણીએ છીએ કે શાળા એ આપણી કારકિર્દીનો પાયો છે અને આપણને આ સમજણ શાળાજીવનનાં લગભગ ૧૩-૧૫ વર્ષ પછી જ આવે છે! નાણાકીય પિરામિડમાં જીવન વીમો એ પણ આવું જ પાયાનું સાધન છે. આ પાયો જેટલો મજબૂત હશે, એની ઉપર એટલી મજબૂત ઇમારત ચણી શકાશે. આપણામાંના કોઈને પણ શાળામાંથી ઉત્તીર્ણ થઈને તરત જ મોટી જૉબ ઑફર નથી મળતી, પરંતુ શાળાના મજબૂત પાયાને કારણે જ આપણે ઉચ્ચ શિક્ષણ મેળવી શકીએ છીએ, જેના આધારે મોટી જૉબ પણ મળી શકે છે. જીવન વીમા સાથે પણ એવું જ છે. નાણાકીય પિરામિડનો વીમા રૂપી સુરક્ષિતતાનો પાયો મજબૂત હશે તો એની ઉપર બીજાં રોકાણોની મજબૂત ઇમારત બાંધી શકાશે.
૨. જીવન વીમાની જટિલતાઓને સમજવી : જ્યારે આપણો આર્થિક રીતે પડકારજનક સમય હોય છે, ત્યારે આપણે પૉલિસીઓ સરન્ડર કરી દઈએ છીએ. શું આવું આપણે શાળાજીવનમાં પણ નથી કરતા? શાળામાં પણ જે વિષયો અઘરા લાગે તેમને છોડી દેવાનું મન થાય છે, પરંતુ એમ કરવાને બદલે આપણા અભિગમમાં ફેરફાર કરવાનું અને આ અઘરા વિષયને સમજવાનું મહત્ત્વપૂર્ણ છે, એ જ મુદ્દો જીવન વીમા માટે પણ એટલો જ સાચો છે. પૉલિસીના દસ્તાવેજને વાંચતી વખતે મૂંઝવણ અનુભવાતી હોય તો એને નાના વિભાગોમાં વહેંચીને વાંચવું વધુ બહેતર છે, જેમ કે કંપનીઓમાં ત્રિમાસિક પરિણામો આવે છે, એવી જ રીતે આપણે ત્રિમાસિક વાંચન કરી શકીએ છીએ.
૩. ઇન્શ્યૉરન્સ પ્રોફેશનલ્સ પાસેથી માર્ગદર્શન મેળવવું : શાળામાં જેમ અઘરા વિષયો માટે આપણે ટ્યુશન ક્લાસમાં જતા હોઈએ છીએ એમ જ જીવન વીમાને સમજવા માટે પણ ‘જીવન વીમા વ્યાવસાયિક’ પાસે જાઓ અને તેમની હાજરીમાં દર ક્વૉર્ટરમાં પૉલિસી વાંચન કરી શકો અને એમની પાસેથી સમજી શકો છો!
૪. પૉલિસીમાંથી મળતા લાંબા ગાળાના ફાયદાઓને ધ્યાનમાં રાખવા : લાઇફ ઇન્શ્યૉરન્સમાં લાંબે ગાળે મળતા અન્ય સંભવિત લાભો જેવા કે સારી એવી નગદ રાશિનું જમા થવું અથવા પૉલિસીની સામે લોન લઈ શકવાની સગવડ ઉપલબ્ધ હોવી વગેરે વિશેની સમજણ પણ લાઇફ ઇન્શ્યૉરન્સ પ્રોફેશનલ્સ પાસેથી સમજી શકો છો.
જીવન વીમો એ વાનગીમાં મીઠા જેવો અગત્યનો ભાગ ભજવે છે. મીઠું જે રીતે વાનગીને પૂર્ણ કરે છે, એવી જ રીતે લાઇફ ઇન્શ્યૉરન્સ પણ તમારા રોકાણના પોર્ટફોલિયોને સુરક્ષા પ્રદાન કરવાનું મહત્ત્વનું કાર્ય કરે છે!