બૅન્કિંગના ૩૭માંથી ૨૪ શૅર સુધર્યા છતાં બેન્ચમાર્ક ફ્લૅટ : આઇટી ફ્રન્ટલાઇનમાં હળવું પ્રૉફિટ બુકિંગ, રિયલ્ટી શૅરોમાં પ્રત્યાઘાતી સુધારો : સેક્ટોરલ અને માર્કેટ બ્રેડ્થમાં રસાકસીનો માહોલ
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
અદાણીના શૅરોમાં ખરાબી આગળ વધી, અત્યાર સુધીમાં ગ્રુપને લગભગ પોણાદસ લાખ કરોડ રૂપિયાનો ફટકો પડી ચૂક્યો છે : બીએફ ઇન્વેસ્ટમેન્ટ તેજીની ચાલમાં ૨૦ની સર્કિટ સાથે નવા શિખરે, ઇન્ડિયા જિલેટિન પણ ૨૦ ટકા ઊછળી નવી ટોચે : અલીબાબાની એક્ઝિટમાં પેટીએમ પોણાનવ ટકા પટકાયો : બૅન્કિંગના ૩૭માંથી ૨૪ શૅર સુધર્યા છતાં બેન્ચમાર્ક ફ્લૅટ : આઇટી ફ્રન્ટલાઇનમાં હળવું પ્રૉફિટ બુકિંગ, રિયલ્ટી શૅરોમાં પ્રત્યાઘાતી સુધારો : સેક્ટોરલ અને માર્કેટ બ્રેડ્થમાં રસાકસીનો માહોલ
ફેડ રેટમાં વધારાની સાઇકલ અટકવાની શંકા-કુશંકાને લઈને અમેરિકન ડાઉ તથા નાસ્ડેક નરમાઈની હૅટ-ટ્રિકમાં પોણાથી એક ટકો ઘટીને આવતાં એશિયન બજારો શુક્રવારે પણ માઇનસ ઝોનમાં બંધ થયાં છે, જોકે બહુધા ઘટાડો નહીંવતથી અડધા ટકાએ સિમીત હતો. એક માત્ર હૉન્ગકૉન્ગ માર્કેટ બે ટકા બગડ્યું હતું. જૅપનીઝ નિક્કી સામા પ્રવાહે ૮૬ પૉઇન્ટ જેવો મામૂલી પ્લસ હતો. યુરોપ પણ રનિંગમાં નજીવો ઘટાડો દાખવતું હતું. જર્મન ડેક્સ અડધો ટકો ઢીલો હતો. ચાઇનીઝ ડિમાન્ડના આશાવાદે બ્રેન્ટ ક્રૂડ અઢી ટકા વધીને ૮૭ ડૉલર ભણી સરક્યું છે. નાયમેક્સ ક્રૂડ ૮૦ વટાવી ગયું છે. ખાડે ગયેલા પાકિસ્તાનના અર્થતંત્રને તાકીદની સહાય પેટે ૧૧૦ કરોડ ડૉલરનું આઇએમએફનું પૅકેજ તેની શરતોને લઈ ઘોંચમાં પડ્યું હોવાના અહેવાલ છે. ત્યાંનું શૅરબજાર રનિંગમાં સવા ટકો કે ૫૬૮ પૉઇન્ટની ખરાબીમાં ૪૧,૮૯૮ દેખાયું છે.
ADVERTISEMENT
ઘરઆંગણે સેન્સેક્સ ૧૦૦ પૉઇન્ટ જેવો નીચે ખૂલી આખો દિવસ માઇનસ ઝોનમાં રહી છેવટે ૧૨૩ પૉઇન્ટ ઘટી ૬૦,૬૮૩ બંધ થયો છે. નિફ્ટી ૩૭ પૉઇન્ટ ઘટીને ૧૭,૮૫૬ હતો. બજારમાં વધ-ઘટની રેન્જ અતિ સાંકડી, પોણાત્રણસો પૉઇન્ટ જેવી હતી. સેન્સેક્સ નિફ્ટી તથા લાર્જ કૅપના મુકાબલે રોકડું તેમ જ બ્રૉડર માર્કેટ ટકાવારી રીતે માર્કેટ આઉટ પર્ફોર્મર હતું, પણ માર્કેટ બ્રેડ્થ રસાકસીવાળી રહી છે. એનએસઈમાં વધેલા ૧૦૧૩ શૅર સામે ૧૦૦૭ જાતો ઘટી છે. બજારનાં બહુમતી સેક્ટોરલ્સ સુધર્યાં છે. રિયલ્ટી બેન્ચમાર્ક દોઢ ટકો, ટેલિકૉમ ઇન્ડેક્સ એક ટકો, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પોણો ટકો અપ હતા. સામે મેટલ ઇન્ડેક્સ દોઢ ટકો, યુટિલિટી ઇન્ડેક્સ ૧.૪ ટકો, પાવર બેન્ચમાર્ક ૦.૮ ટકો માઇનસ હતા. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૧૫૯ પૉઇન્ટ જેવો નરમ તો નિફ્ટી અઢી પૉઇન્ટ જેવો પ્લસ થયો છે. મતલબ કે પૂરા થયેલા સપ્તાહે માર્કેટ અથડાયેલું રહ્યું છે.
તાતા મોટર્સ બન્ને બજારમાં ટૉપ ગેઇનર, મેટલ શૅરોમાં નોંધપાત્ર નબળાઈ
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૨ અને નિફ્ટીના ૫૦માંથી ૨૩ શૅર પ્લસ હતા. તાતા મોટર્સ બે ટકા વધી ૪૪૫ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. યુપીએલ, સિપ્લા, હીરો મોટોકૉર્પ, લાર્સન પોણાથી દોઢેક ટકો સુધર્યા હતા. રિલાયન્સ સરેરાશ કરતાં વન-થર્ડ વૉલ્યુમે પોણા ટકાની નરમાઈમાં ૨૩૩૬ રહ્યો છે. સેન્સેક્સ ખાતે એચસીએલ ટેક્નૉ ૨.૮ ટકા અને તાતા સ્ટીલ સવાબે ટકા ખરડાઈ ટૉપ લૂઝર બન્યા છે. નિફ્ટી ખાતે આ જગ્યા અદાણી એન્ટરે લીધી હતી. આ ઉપરાંત હિન્દાલ્કો ૨.૪ ટકા બગડ્યો છે.
બીએફ ઇન્વેસ્ટમેન્ટનાં પરિણામ ૧૩મીએ છે, પરંતુ શૅર સવાછ ગણા કામકાજે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૫૨૧ના નવા શિખરે ગયો છે. મોલ્ડ ટેક ટેક્નૉલૉજીઝ ઉપલી સર્કિટે ૨૫૦ની ટોચે જઈ ૨૦ ટકાના ઉછાળે ત્યાં જ બંધ હતો. ઇન્ડિયા જિલેટિન સારાં પરિણામના જોરમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૬૯ નજીક નવા બેસ્ટ લેવલે ગયો છે. જેબીએમ ઑટો પરિણામની પૂર્વસંધ્યાએ ૧૦.૮ ટકાની તેજીમાં ૫૩૯ થયો છે. આયન એક્સચેન્જ ૩૨૬૦ની નવી ટૉપ બનાવી ૯.૭ ટકા કે ૨૭૮ રૂપિયાની જમ્પમાં ૩૧૫૨ હતો. સ્કાય ગોલ્ડ ૩૪૭ના શિખરે જઈ ૮.૬ ટકા તૂટી ૩૦૮ હતો.
અદાણીમાં ખરાબી આગળ વધી, ગ્રુપને ૩૨,૯૫૮ કરોડનો નવો ફટકો
અદાણી ગ્રુપના શૅરોમાં નવો ઊથલો શરૂ થયો છે. એમએસસીઆઇ ઇન્ડેક્સમાં અદાણીના કેટલાક શૅરોનું વેઇટેજ ઘટાડાયું છે, એનાથી ૫૦ કરોડ ડૉલર જેનો આઉટફલો થવાની દહેશત જાગી છે. ગઈ કાલે અદાણીના ૧૦માંથી માત્ર બે શૅર સુધર્યા છે, જેમાંથી અંબુજા સિમેન્ટ એક ટકાથી ય ઓછો અને અદાણી પોર્ટ્સ સાધારણ વધ્યો છે. સામે પક્ષે ફ્લેગશિપ અદાણી એન્ટર સવાચાર ટકા ગગડી ૧૮૪૭ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બની છે. અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન અને અદાણી ટોટલ પાંચ-પાંચ ટકાની નીચલી સર્કિટ સાથે નવાં તળિયે પહોંચ્યાં છે. અદાણી પાવર પણ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૬૪ થયો છે. એનડીટીવી પોણાચારેક ટકા, એસીસી બે ટકા નજીક અને અદાણી વિલ્મર એક ટકો નરમ હતા.
આ બધાના પગલે શુક્રવારે અદાણી ગ્રુપના માર્કેટ કૅપમાં ૩૨,૯૫૮ કરોડનું નવું ધોવાણ થયું છે. ગુરુવારે પણ અહીં ૫૮,૫૯૧ કરોડ રૂપિયા સાફ થયા હતા. બે દિવસમાં આમ ૯૧,૫૪૯ કરોડ રૂપિયા ડૂલ થયા છે, જેમાંથી મંગળવાર અને બુધવારે સુધારાના પગલે અદાણી ગ્રુપનું માર્કેટ કુલ મળી ૬૦,૧૩૨ કરોડ રૂપિયા વધ્યું હતું એ મજરે લઈએ તો છેલ્લા બે દિવસમાં ગ્રુપને ૩૧,૪૧૭ કરોડનો નવો ફટકો પડ્યો છે. હિંડનબર્ગ રિપોર્ટની અસરમાં પ્રથમ સાત દિવસ એકધારી ખરાબીમાં અદાણી ગ્રુપની કુલ ખુવારી ૯,૩૯,૭૩૩ કરોડ રૂપિયાની હતી એમાં આ છેલ્લો, ૩૧,૪૧૭ કરોડનો આંકડો ઉમેરો તો હિંડનબર્ગનો હુમલો અદાણીને આજની તારીખે ૯,૭૧,૧૫૦ કરોડ રૂપિયામાં પડી ચૂક્યો છે. એક જ રિપોર્ટમાં લગભગ પોણાદસ લાખ કરોડ સાફ થઈ ગયા, કાઉન્ટિંગ આગળ વધશે.
બૅન્કિંગમાં વ્યાપક સુધારા વચ્ચે બેન્ચમાર્ક ફ્લૅટ, પેટીએમ બ્લૉક ડીલમાં બગડ્યો
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅર વધવા છતાં માત્ર પાંચ પૉઇન્ટના પરચૂરણ સુધારે ૪૧,૫૫૯ બંધ આવ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સથવારે અડધા ટકા નજીક પ્લસ હતો. બૅન્કિંગ સેક્ટરના ૩૭માંથી ૨૪ શૅર પૉઝિટિવ ઝોનમાં હતા. પંજાબ સિંધ બૅન્ક ૪.૮ ટકા, ડીસીબી બૅન્ક પોણાચાર ટકા, જેકે બૅન્ક સાડાત્રણ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક સવાત્રણ ટકા, ઇક્વિટાસ બૅન્ક સાડાત્રણ ટકા, સૂર્યોદય સ્મૉલ બૅન્ક અઢી ટકા મજબૂત હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણા ટકો જેવી નરમ તો સ્ટેટ બૅન્ક ૦.૪ ટકા પ્લસ રહી છે. એચડીએફસી બૅન્ક, કોટક બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક અને ઍક્સિસ બૅન્ક નજીવી વધ-ઘટે બંધ થયાં છે. ઉજ્જીવન બૅન્ક સવાબે ટકા, ફિનો પેમેન્ટ બૅન્ક સવા ટકો અને આઇડીબીઆઇ બૅન્ક એક ટકો નરમ હતી.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૬માંથી ૭૮ શૅરના સુધારા વચ્ચે ફ્લૅટ હતો. સપ્તાહમાં ૨૯ ટકા વધી સાડાપાંચ સપ્તાહની ટોચે ગયેલા પેટીએમમાં બ્લૉક ડીલ મારફત અલીબાબાએ રોકડી કરીને એક્ઝિટ લેતાં ભાવ ગઈ કાલે પોણાનવ ટકા તૂટી ૬૫૦ થઈ ગયો છે. મુથુટ ફાઇ ૧૪ ટકા, શૅર ઇન્ડિયા સવાપાંચ ટકા, સ્પંદન સ્ફુર્તિ પાંચ ટકા, ધાની સર્વિસિસ ૪.૭ ટકા મજબૂત હતા. પીએનબી હાઉસિંગ, જનરલ ઇન્શ્યૉરન્સ, ન્યુ ઇન્ડિયા એશ્યૉ. ૩થી ૪ ટકા કપાયા છે. એલઆઇસી કહેવાતાં જોરદાર પરિણામ પછી એક ટકો સુધરી ૬૨૦ થઈ છે. ઝોમૅટોની ખોટ વધતાં ભાવ નીચામાં ૫૦ થઈ બે ટકા ગગડી ૫૩ નજીક બંધ હતો. નાયકા પોણાબે ટકાની આગેકૂચ સાથે ૧૫૫ નજીક પહોંચ્યો છે. મોનાર્ક ત્રણ ટકા સુધરીને ૨૪૧ હતો.
આ પણ વાંચો: રેન્જ બાઉન્ડ ચાલમાં સેન્સેક્સ ૧૪૨ પૉઇન્ટ સુધારામાં, આઇટીની આગેકૂચ બજારને ફળી
આઇટીમાં હળવું પ્રૉફિટ બુકિંગ, કેપીઆઇટી ટેક્નૉ નવા શિખરે
આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૩૧ શૅરના સુધારા વચ્ચે ૧૦૭ પૉઇન્ટ જેવો સામાન્ય ઘટ્યો છે. ફ્રન્ટલાઇનમાં હળવું પ્રૉફિટ બુકિંગ હતું. ઇન્ફી અને વિપ્રો અડધા ટકાથી વધુ, ટીસીએસ તથા લાટિમ નહીંવત અને એચસીએલ ટેક્નૉ ૨.૮ ટકા ડાઉન હતા. કેપીઆઇટી ટેક્નૉ ૮૬૦ની નવી ટોચે જઈ સાડાચાર ટકાની આગેકૂચમાં ૮૫૫ થયો છે. આગલા દિવસે ૧૦ ટકા ઊછળેલી સિગ્નેટી બે ટકા ઘટી ૬૭૩ રહી છે. ૬૩ મૂન્સ અઢી ટકા અપ હતો. રાઉટ મોબાઇલ દોઢ ટકો, એચએફસીએલ બે ટકા, રેલટેલ સવાત્રણ ટકા અને ઇન્ડ્સ ટાવર સાડાપાંચ ટકા વધતાં ટેલિકૉમ બેન્ચમાર્ક એક ટકો રણક્યો છે. ભારતી અડધો ટકો સુધર્યો છે. તાતા ટેલી ૪ ટકા ડાઉન હતો. ઑટો ઇન્ડેક્સ ૧૧૫ પૉઇન્ટ કે ૦.૪ ટકા વધ્યો છે. ટીવીએસ મોટર્સ અઢી ટકા, તાતા મોટર્સ બે ટકા, હીરો મોટો એક ટકો અપ હતા. મારુતિ નહીંવત સુધારે ૮૮૧૪ રહ્યો છે. બજાજ ઑટો, મહિન્દ્ર, આઇશર અને અશોક લેલૅન્ડ અડધાથી એક ટકો નરમ થયા છે.
લાર્સનના પોણા ટકાના સુધારા સાથે સીજી પાવર સાડાપાંચ ટકા, કાર્બોરેન્ડમ ૩.૬ ટકા, ભારતી ફોર્જ પોણાબે ટકા, પ્રાજ ઇન્ડ. દોઢ ટકો, એબીબી એક ટકાથી વધુ તથા સિમેન્ટ ૦.૯ ટકા વધતાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પોણો ટકો કે ૨૫૩ પૉઇન્ટ પ્લસ થયો છે. ગ્રાઇન્ડવેલ બે ટકા નરમ રહી ૨૦૨૩ હતો. ૧૦માંથી ૯ શૅરના સુધારે રિયલ્ટી બેન્ચમાર્ક દોઢ ટકો વધ્યો છે. ગોદરેજ પ્રૉપર્ટીઝ, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી અને મહિન્દ્ર લાઇફ ત્રણ ટકા ઊંચકાયા છે. ઑબેરૉય રિયલ્ટી પોણાબે ટકા વધી ૮૫૯ બંધ આવ્યો છે.