ગુજરાતમાંથી હજી માત્ર ૯૨.૭૭ ટનની ખરીદી કરવામાં આવી છે
પ્રતીકાત્મક તસવીર
નાફેડ દ્વારા કાંદાના નીચા ભાવ પર લગામ રાખવા માટે ફેબ્રુઆરી અંતથી કાંદાની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં કુલ આઠ હજાર ટન કાંદાની ખરીદી કરવામાં આવી છે.
નાફેડના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતુ કે ‘નાફેડ દ્વારા અત્યાર સુધીમાં સમગ્ર દેશમાંથી કુલ ૮૦૪૨ ટન કાંદાની ખરીદી કરવામાં આવી છે અને એ પેટે કુલ ૨૨૪૭ ખેડૂતોને ૭૬૭.૫૨ લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે.
મહારાષ્ટ્રમાંથી નાફેડે કુલ ૭૯૪૯.૨૪ ટનની ખરીદી કરી છે, જેની કિંમત ૭૫૯.૧૬ લાખ રૂપિયા થાય છે, જ્યારે ગુજરાતમાંથી હજી માત્ર ૯૨.૭૭ ટનની ખરીદી કરવામાં આવી છે, જેની કિંમત ૮.૩૬ લાખ રૂપિયા થાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સરકારી સપોર્ટના અભાવે દેશમાં કાંદાના ભાવ ચાર વર્ષની નીચી સપાટીએ
નાફેડ દ્વારા કાંદાની ખરીદી કર્યા બાદ આ કાંદાને દિલ્હી, આસામ, બિહાર, કર્ણાટક, કેરલા, તામિલનાડુ, તેલંગણા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં મોકલવામાં આવે છે. સરકાર દ્વારા પહેલી વાર લેધટ ખરીફ લાલ કાંદાની ખરીદી કરવામાં આવી છે અને આ કાંદાની શેલ્ફ લાઈફ બહુ જ ઓછા દિવસ હોય છે, જેને પગલે સરકાર તેને ખરીદીને તરત જે વિસ્તારમાં કાંદા પાકતા નથી એ વિસ્તારમાં રવાના કરીને તેનો નિકાલ કરી રહી છે.
નાફેડ દ્વારા કાંદાની ખરીદી ચાલુ થવાને પગલે બજારો ઘટતાં અટક્યાં છે અને આગામી દિવસોમાં બજારો સુધરી પણ શકે છે. જોકે તેનો મોટો આધાર આવકો પર વધારે રહેલો છે.