Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > તહેવારોમાં ઘરાકી નીકળવાની ઊજળી આશા સાથે મુંબઈ કાપડબજારમાં પાછી ફરતી રોનક

તહેવારોમાં ઘરાકી નીકળવાની ઊજળી આશા સાથે મુંબઈ કાપડબજારમાં પાછી ફરતી રોનક

Published : 19 September, 2022 02:21 PM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

યુનિફૉર્મની ઘરાકી સારી રહેતાં કપરા સમયના ‘બૂરે દિન’ ધીમે-ધીમે ‘અચ્છે દિન’માં પલટાયા : જાન્યુઆરીમાં મુંબઈમાં ‘મેગા કાપડ ફેર’ના આયોજન દ્વારા ફરી જાજરમાન ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયાસ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


મુંબઈની કાપડબજાર એ દેશની આર્થિક રાજધાનીનો ધબકાર છે. મુંબઈના આ વર્ષોજૂના પરંપરાગત બિઝનેસની રોનક હવે પાછી ફરી રહી છે. કોરોનાના કપરા કાળે મુંબઈ કાપડબજારની કમર તોડી નાખી હતી. કોરોનાનો કપરો કાળ પૂરો થયા બાદ રૂના આસમાની ઊંચા ભાવ અને વ્યાજદરના સતત વધારા વચ્ચે મુંબઈ કાપડબજારના આગેવાનોએ આ પરંપરાગત બજારની રોનકને પાછી લાવવા ભગીરથ પ્રયત્નો શરૂ કર્યા હતા. ગઈ ૨૯-૩૦ જૂને બી ટુ બી (બિઝનેસ ટુ બિઝનેસ) કાપડ ફેરનું આયોજન કર્યું હતું. આ ફેર અત્યાર સુધીનો સૌથી મોટો ફેર હતો જેમાં સમગ્ર દેશના કાપડ સાથે સંકળાયેલા વેપારીઓ હાજર રહ્યા હતા અને અનેક નવા કૉન્ટેક્ટ ઊભા થયા હતા. મુંબઈ કાપડબજારમાં કોરોના, રૂના ઊંચા ભાવ અને વ્યાજદર વધારાની પછડાટ વચ્ચે સાવ નિરુત્સાહ છવાયેલો હતો એમાંથી બહાર નીકળવામાં કાપડ ફેરે બહુ મોટી ભૂમિકા ભજવી હતી. અગાઉના કાપડ ફેરને મળેલા બહોળા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને મુંબઈ ટેક્સટાઇલ મર્ચન્ટ મહાજનને ઉપક્રમે આગામી ૯ અને ૧૦ જાન્યુઆરીએ મુંબઈમાં જે ડબ્લ્યુ મૅરિયટમાં મેગા કાપડ ફેરનું આયોજન થયું છે. આ ફેરની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને જૂનમાં યોજાયેલા ફેર કરતાં પણ આ ફેર મોટો અને વધુ આધુનિક હશે.


કોરોનાકાળમાં કાપડબજારની જૂની ઉઘરાણીનો બોજો અનેકગણો વધી ગયો હતો તેમ જ કાપડબજારમાં કામ કરનારા કારીગરો, મજૂરો વગેરે પોતાના વતન ભણી ચાલ્યા ગયા હતા તો કેટલાક વેપારીઓ તેમને ત્યાં કામ કરનારાઓને પગાર આપી શકે એવી સ્થિતિમાં ન રહેતાં નછૂટકે અનેકને નોકરીમાંથી કાઢી મૂકવાની નોબત આવી હતી. આવા અનેક ફટકાઓ સહન કરવા પડ્યા હોવાથી કાપડબજારમાં નિરાશા વ્યાપી ગઈ હતી. કોરોનાની કળ હવે ધીમે-ધીમે વળી રહી છે. રૂના ભાવ આસમાને પહોંચ્યા હતા એ હવે ધીમે-ધીમે ઘટી રહ્યા છે, કારણ કે ચાલુ વર્ષે દેશમાં કપાસનું વાવેતર ૭થી ૮ ટકા વધતાં રૂનો મબલખ પાક આવવાની ધારણા છે જેને કારણે રૂના ભાવ હજી પણ વધુ ઘટી શકે છે. આથી રૂના ઊંચા ભાવમાંથી હવે રાહત મળશે એવી ધારણા છે. જોકે રૂના ઊંચા ભાવને કારણે કૉટન કાપડમાં વિસ્કોઝના ભેળસેળનું પ્રમાણ મોટા પાયા પર વધી રહ્યું હોવાથી કાપડબજારની વિશ્વસનીયતા પર નવો પડકાર ઊભો થયો છે. ઉપરાંત વ્યાજદર વધારાનું ચક્કર હજી લાંબું ચાલે એવી શક્યતા દેખાઈ રહી હોવાથી આ સમસ્યા આવનારા દિવસોમાં વધુ વકરી શકે છે. 



મુંબઈ કાપડબજાર માટે સૌથી રાહત આપનારા સમાચાર એ છે કે યુનિફૉર્મની સીઝન ચાલુ વર્ષે બહુ જ સારી રહી હતી. કોરોનાના કારણે છેલ્લાં બે વર્ષ સ્કૂલો બંધ રહી હતી આથી યુનિફૉર્મની ઘરાકીના દિવસોમાં કાપડ બજારમાં કાગડા ઊડતા હતા. કાપડબજારમાં યુનિફૉર્મની ઘરાકીનું બહુ મોટું મહત્ત્વ વર્ષોથી ચાલ્યું આવે છે, કારણ કે યુનિફૉર્મના કપડાની બહુ મોટી માર્કેટ છે. કોરોનાને કારણે બે વર્ષ સ્કૂલો બંધ રહી હોવાથી આ વર્ષે તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થિની માટે નવા ડ્રેસ સીવડાવવાની નોબત આવી હતી. આથી માર્કેટમાં યુનિફૉર્મની મોટી ઘરાકી જોવા મળી હતી, જેના ફાયદા રૂપે મુંબઈ કાપડબજારની રોનક ઘણે અંશે પાછી ફરી હતી. 


સમગ્ર વિશ્વમાં મોંઘવારી સતત વધી રહી હોવાથી દરેક દેશોની સેન્ટ્રલ બૅન્કોને ઝડપથી વ્યાજદર વધારવા પડી રહ્યા છે. અમેરિકાએ માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ચાર વખત વ્યાજદર વધારીને ૦.૨૫ ટકા વ્યાજદરને ૨.૨૫ ટકા સુધી પહોંચાડ્યા હતા. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ સહિત લગભગ દરેક દેશોની બૅન્કોએ વ્યાજદરમાં ઝડપી વધારો કર્યો હતો, જેને કારણે ભારતીય રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બે વખત વ્યાજદર વધાર્યા હતા અને હજી આગામી બેઠકમાં પણ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા વ્યાજદર વધારે એવી શક્યતા છે. વ્યાજદર વધતાં કોઈ પણ બજારમાં નવી મૂડી આવતી બંધ થાય છે, જેને કારણે વિસ્તૃતીકરણના પ્રોજેક્ટ અટકી જાય છે. હાલમાં મુંબઈ કાપડબજારની સ્થિતિ પણ આવી જ છે.

યુનિફૉર્મની ઘરાકી સારી રહ્યા બાદ હવે દિવાળીની ઘરાકી પણ સારી રહેવાની આશા : સુધીર શાહ પ્રેસિડન્ટ, સ્વદેશી માર્કેટ ટેક્સટાઇલ મર્ચન્ટ અસોસિએશન-મુંબઈ 


મુંબઈ કાપડબજારમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી દિવાળીના તહેવારોની ડિમાન્ડ જોવા મળી છે. ખાસ કરીને ફૅન્સી શર્ટિંગ અને સૂટિંગની ડિમાન્ડ સારી છે. યુનિફૉર્મની સીઝન બહુ જ સારી ગઈ હોવાથી મુંબઈ કાપડબજારમાં ઉત્સાહ વધ્યો છે. જોકે મહારાષ્ટ્રમાં અને દેશના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદના સમાચાર સતત આવી રહ્યા હોવાથી એનાથી ડિમાન્ડ જોઈએ એટલી વધી નથી. ચાલુ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસું એકદમ સારું ગયું છે અને કોરોનાનો હવે ભય રહ્યો નથી આથી કાપડબજારમાં ઘરાકી એકદમ સારી રહેવાની ધારણા છે. રૂના ઊંચા ભાવને કારણે હવે કાપડમાં કૉટન યાર્નને બદલે સિન્થેટિક યાર્નનો વપરાશ અનેકગણો વધી રહ્યો છે. પાવરલૂમો કૉટન યાર્નને બદલે વિસ્કોઝ યાર્નનો વપરાશ કરવા લાગતાં કપડામાં કલરની પટ્ટી પડી રહી છે જેનાથી ક્વૉલિટી પણ બગડી રહી છે. શ્રાદ્ધ પક્ષ પૂરો થવા આવ્યો હોવાથી હવે આગામી દિવસોમાં તહેવારોની ડિમાન્ડ વધશે એવી આશા છે.

પ્યૉર કૉટન કાપડમાં વિસ્કોઝ યાર્નની વધી રહેલી ભેળસેળને રોકવા કડક પગલાંની જરૂર : સુનીલ મજીઠિયા, માનદ સચિવ, મુંબઈ ટેક્સટાઇલ મર્ચન્ટ મહાજન-મુંબઈ

રૂના ઊંચા ભાવને કારણે પ્યૉર કૉટન કાપડમાં વિસ્કોઝ યાર્નની ભેળસેળનું પ્રમાણ કેટલાક વખતથી ઉત્તરોત્તર વધી રહ્યું છે. આ વિશે સરકારને પણ ફરિયાદ કરવામાં આવી છે. ભેળસેળને કારણે ભારતીય ગાર્મેન્ટની નિકાસને મોટો ફટકો પડી શકે છે, કારણ કે વિસ્કોઝના વધુ પ્રમાણથી રિજેક્શન વધશે અને લાંબા ગાળે ભારતની શાખને નુકસાન થતાં નિકાસ ઘટશે. ભારત સરકારના નિકાસ વધારવાના પ્રયત્નોને પણ અસર થશે. અગાઉ પ્યૉર કૉટન કાપડમાં બેથી ત્રણ ટકા જ વિસ્કોઝ યાર્ન ભેળવવામાં આવતું હતું, પણ હવે એ પ્રમાણ વધીને ૧૫થી ૨૦ ટકાએ પહોંચ્યું છે. યાર્ન ટેસ્ટિંગ લૅબોરેટરીની સંખ્યા ઓછી છે અને ટેસ્ટિંગ માટે સૅમ્પલ મોકલાવ્યા બાદ એનું રિઝલ્ટ સાત દિવસે મળી રહ્યું છે. સરકારે તમામ વેપારીને ટેસ્ટિંગ સુવિધા માટે કેમિકલ આપવાની વાત કરી છે, પણ એ શક્ય નથી. સરકારે ફૂડ આઇટમોની જેમ કાપડમાં કયા પ્રકારનું યાર્ન વપરાયું છે એનો ઉલ્લેખ કરવાનું ફરજિયાત બનાવવું જોઈએ. મુંબઈ કાપડબજારમાં દિવાળીના તહેવારોની ઘરાકી બહુ જ સારી રહે એવા સંકેતો મળી રહ્યા છે. કાપડના બિઝનેસમાં જૂનો રૂપિયો આવે અને નવો ઑર્ડર મળે એ નિયમ પ્રમાણે હાલ જૂનો રૂપિયો પણ આવી રહ્યો છે અને નવા ઑર્ડર પણ મળતા થયા હોવાથી પૈસાનું રોટેશન દેખાવા લાગ્યું છે. વળી છેલ્લાં કેટલાંક સપ્તાહથી ભાવ પણ સ્ટેબલ થયા હોવાથી ખરીદી કરનારની અનુકૂળતા વધી છે. કાપડબજારમાં હંમેશાં દરેક સીઝન છ મહિના વહેલી શરૂ થાય છે. આથી હવે શિયાળાની સીઝનની પૂછપરછ શરૂ થઈ ચૂકી છે. હાલ બામ્બુમાંથી બનતા ટેન્સિલ મોબાલનો ટ્રેન્ડ સારો ચાલ્યો છે. આમાંથી લેડીઝ ગાઉન, કૂરતી અને જેન્ટ્સ માટે શર્ટ્સ પણ બને છે. જૂનમાં યોજાયેલા કાપડ ફેરના ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ બાદ હવે ૯-૧૦ જાન્યુઆરીએ જે ડબ્લ્યુ મૅરિયટમાં ૨૪૦ સ્ટૉકના જર્મન ઍરકન્ડિશન ડોમમાં મેગા કાપડ ફેરનું આયોજન કરી રહ્યા છીએ.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2022 02:21 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK