૧૧ બૅન્કોના કૉન્સોર્ટિયમ પાસેથી ડૉલર અને યેન કરન્સીમાં લોન લેવામાં આવી, આ કૉન્સોર્ટિયમમાં વધારે બૅન્કો જોડાઈ શકે છે
મુકેશ અંબાણી
મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૧૧ બૅન્કોના કૉન્સોર્ટિયમ પાસેથી ૩ અબજ ડૉલરની લોન લીધી છે. ગયાં બે વર્ષમાં કંપનીએ લીધેલી આ સૌથી મોટી લોન છે. લોનની આ રકમ કંપની ડૉલર અને યેન એમ બે કરન્સીમાં મેળવશે. પાંચ વર્ષ માટેની આ લોનનો સોદો ગયા મહિને થયો હતો. આ લોન ત્રણ મહિનાના સિક્યૉર્ડ ઓવરનાઇટ ફાઇનૅન્શ્યલ રેટ (SOFR)ના આધારે ૧૨૦ બેસિસ પૉઇન્ટ પર ફાઇનલ થઈ છે. એમાંથી ૪૫૦ મિલ્યન ડૉલરની લોન જપાની કરન્સી યેનમાં મળવાનું નક્કી થયું છે.
આ ૩ અબજ ડૉલરની લોનનો મુખ્ય ઉદ્દેશ ૨૦૨૫માં ચૂકવવામાં આવનારા દેવાને રીફાઇનૅન્સ કરવાનો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મજબૂત શાખ ધરાવતી કંપની છે. આગામી ક્વૉર્ટરમાં ૧૧ બૅન્કોના કૉન્સેર્ટિયમમાં વધારે બૅન્કો પણ જોડાશે એટલે તેઓ પણ રિસ્કને મૅનેજ કરી શકશે.
ADVERTISEMENT
બ્લૂમબર્ગના ડેટા જણાવે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ૨૦૨૫માં વ્યાજસહિત આશરે ૨.૯ અબજ ડૉલરની ચુકવણી કરવાની છે. કંપનીએ એની ફાઇનૅન્શ્યલ ફ્લેક્સિબિલિટીને વધારવા માટે આ લોન લીધી છે.
આ પ્રકારની ડ્યુઅલ કરન્સી લોન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૨૦૨૨માં લીધી હતી અને એ સમયે દુનિયાભરની બૅન્કોમાં આ વિશે રસ જાગ્યો હતો. અગાઉની લોન ૩ અબજ ડૉલરની હતી અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પરવાનગી આપ્યા બાદ એ પાંચ અબજ ડૉલરની થઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશમાં હાઇએસ્ટ કૉર્પોરેટ બૉરોઅર છે, સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સનું BBB+ ક્રેડિટ રેટિંગ ધરાવે છે, જે ભારતના BBB- સૉવરિન રેટિંગ કરતાં વધારે છે.
કોની-કોની પાસેથી લીધી?
દસ્તાવેજો મુજબ કૉન્સોર્ટિયમમાં સૌથી વધારે રકમ બૅન્ક ઑફ અમેરિકાની છે, એણે ૩૪૩ મિલ્યન ડૉલર આપ્યા છે. અન્ય મહત્ત્વની બૅન્કોમાં DBS બૅન્ક અને HSBCએ પ્રત્યેકે ૩૦૦ મિલ્યન ડૉલર આપ્યા છે. જપાનની MUFGએ ૨૮૦ મિલ્યન ડૉલર અને ભારતની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૨૭૫ મિલ્યન ડૉલર આપ્યા છે. આ સિવાય જપાનની બૅન્કો સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, મિઝુહો બૅન્ક અને SMBCએ પ્રત્યેકે ૨૫૦ મિલ્યન ડૉલર આપ્યા છે. ફર્સ્ટ અબુ ધાબી બૅન્ક, સિટી બૅન્ક અને ક્રેડિટ ઍગ્રિકૉલ CIB પ્રત્યેકે ૨૪૧ મિલ્યન ડૉલર આપ્યા છે.