FIIની વેચવાલી સામે DIIની લેવાલીથી થોડો ગભરાટ શમ્યો : બ્રૅન્ટ ક્રૂડ વધ્યું : બીપીસીએલ-એચપીસીએલ-એશિયન પેઇન્ટ્સ ઘટ્યા, સામે ઓએનજીસી વધ્યો, ઇન્વેસ્ટરોની મૂડીમાં એક સપ્તાહમાં 18 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, વ્હર્લપૂલ ઇન્ડિયામાં 7.32 ટકાનો વીકલી ગેઇન
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે પણ બજારની ડાઉનવર્ડ જર્ની ચાલુ રહેતાં મિડકૅપને વધુ માર પડ્યો હતો. મુખ્ય પાંચ ઇન્ડેક્સમાંથી સૌથી વધુ મિડકૅપ સિલેક્ટ સવા ટકો તૂટી 12,812.55 થઈ ગયો હતો. આ ઇન્ડેક્સના 25માંથી 20 શૅરો ઘટીને બંધ રહ્યા હતા. ટૉપ પાંચ લુઝર્સમાં ટૉપ પર ગોદરેજ પ્રૉપર્ટી 5.80 ટકા, 178 ઘટીને 2893.10 રૂપિયા બંધ હતો. બજારે ટૉપ બનાવી શરૂ કરેલા કરેક્શનમાં રિયલ્ટી સેક્ટરના શૅરો અને ઇન્ડેક્સ સતત ઘટ્યા છે. એમ્ફેસિસ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ બન્ને બબ્બે ટકા ઘટીને અનુક્રમે 2860 અને 406 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. વૉલ્ટાસ 1.93 ટકા ઘટી 1810 રૂપિયા અને એમઆરએફ ટાયર 1.91 ટકા, 2604 રૂપિયા તૂટી 1,33,500 રૂપિયા બંધ હતા.
મિડકૅપ સિલેક્ટના સુધરનારા શૅરોમાં કોફોર્જ અને લુપીન 1-1 ટકો સુધરીને અનુક્રમે 7135 અને 2205 રૂપિયા બંધ રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીએ જૂન 2022 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો હતો. એક સપ્તાહમાં બીએસઈ લિસ્ટેડ કંપનીઓએ 18 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કૅપિટલાઇઝેશન ગુમાવ્યું હતું. નિફ્ટીના 50માંથી 37 શૅરો લાલ રંગમાં બંધ થતાં બજારમાં બ્રૉડ-બેઝ્ડ સેલિંગ થઈ રહ્યું હોવાનું પ્રતીત થતું હતું. નિફ્ટી એક સપ્તાહમાં લગભગ પાંચ ટકા ગબડતાં બજારમાં ત્રણ સપ્તાહથી ચાલેલો વૃદ્ધિનો દોર અટકી ગયો હતો. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં 24,966.80 સુધી ગયા પછી 25,000 ઉપર બંધ આપવામાં સફળ રહ્યો હતો. આ અગ્રણી આંક 25,250વાળો 25,182 ખૂલી વધીને 25,485 આસપાસ સુમારે સાડાબારે ગયા પછી વેચવાલીના દબાણે 24,966.80ના દૈનિક બૉટમ સુધી જઈ આવી 0.93 ટકા, 235 પૉઇન્ટ્સ ઘટી 25,014.60 બંધ રહ્યો હતો. ભૌગોલિક રાજકીય તણાવ અને ચીન તરફ ઢસડાઈ જતા મૂડીપ્રવાહે સમગ્ર ભારતીય બજારોમાં સેન્ટિમેન્ટ ડહોળ્યું હતું.
ADVERTISEMENT
ફન્ડ-મૅનેજરોએ પણ ભારતના વેઇટેજમાં એક ટકાનો ઘટાડો કર્યો અને એની સામે ચીનનું વજન એક ટકાના પ્રમાણમાં વધારી દીધું હોવાનું અને ચીનનું બજાર ન ખૂલે ત્યાં સુધી હૉન્ગકૉન્ગના રૂટ મારફત ચીનના શૅરોમાં પોઝિશન વધારવાનું શરૂ કરી દીધું હોવાના અહેવાલોએ આપણા બજારને તોડ્યું હતું. બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન ગુરુવારે મોડી સાંજે 465.26 લાખ કરોડ રૂપિયાના સ્તરે હતું એ શુક્રવારે 460.90 લાખ કરોડ રૂપિયા દેખાતું હતુ. નિફ્ટીના બજાજ ફાઇનૅન્સે એના બીજા ક્વૉર્ટરના અપડેટ આપ્યા એમાં નવી લોન બુકિંગનો ગ્રોથ 14 ટકા જ રહેતાં શૅરનો ભાવ 2.86 ટકા ઘટી 7221 રૂપિયા થઈ ગયો હતો. છેલ્લા છ ત્રિમાસિક ગાળામાં ઍસેટ અન્ડર મૅનેજમેન્ટ (એયુએમ) વૃદ્ધિ સૌથી નબળી આ ક્વૉર્ટરમાં રહી હોવાનો વસવસો પણ દેખાતો હતો.
આ ઇન્ડેક્સમાં સૌથી વધુ મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર સાડાત્રણ ટકા તૂટી 3019 રૂપિયા બંધ હતો. કંપનીએ ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં મહિન્દ્ર ઝેઓ લોન્ચ કરવાની જાહેરાત કર્યા પછી પણ શૅરનો ભાવ ઘટ્યો હતો. ક્રૂડ તેલના ભાવ વધવાની અસરે એશિયન પેઇન્ટ્સ અઢી ટકાના લોસે 3073 રૂપિયા બંધ હતો. ઉપરાંત નેસ્લે પણ 2.33 ટકા ઘટી 2612 રૂપિયા તેમ જ બીપીસીએલ વધુ 2.31 ટકા ડાઉન થઈ 340 રૂપિયાના સ્તરે બંધ હતા.
નિફ્ટીના સુધરનારા શૅરોમાં ઇન્ફોસિસ દોઢ ટકો સુધરી 1922 રૂપિયા, ઓએનજીસી 1.18 ટકા વધી 295.5 રૂપિયા અને એચડીએફસી લાઇફ એક ટકાના ગેઇને 709 રૂપિયા બંધ હતા. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 1.10 ટકા ઘટી 828 પૉઇન્ટ્સ ઘટીને 74,620 થઈ ગયો હતો. બૅન્ક નિફ્ટી 0.74 ટકા અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ 1.09 ટકા ઘટી અનુક્રમે 51,462 અને 23,622ના લેવલે બંધ હતા.
એનએસઈના 77માંથી 71 ઇન્ડેક્સ ઘટી ગયા હતા. સૌથી વધુ ઘટાડો મીડિયા ઇન્ડેક્સમાં 2.61 ટકા, એફએમસીજી ઇન્ડેક્સમાં 1.74 ટકા અને રિયલ્ટીમાં 1.64 ટકાના પ્રમાણમાં જોવાયો હતો.
નિફ્ટીના 50માંથી 37, નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 39, નિફ્ટી બૅન્કના 12માંથી પાંચ, નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસના 20માંથી 15 અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 20 શૅરો ઘટ્યા હતા. સેન્સેક્સના 30માંથી 22 અને બૅન્કેક્સના 10માંથી પાંચ શૅરો ડાઉન હતા. એનએસઈના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2917 (2912) ટ્રેડેડ શૅરોમાંથી 1055 (637) વધ્યા, 1779 (2200) ઘટ્યા અને 83 (75) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઈ 60 (102) શૅરોએ અને નવા લો 67 (65) શૅરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કિટે 94 (106) તો નીચલી સર્કિટે 107 (112) શૅરો ગયા હતા.
હ્યુન્દાઇના ભારતીય એકમનો સૌથી મોટો આઇપીઓ 14 ઑક્ટોબરે
કાર નિર્માતા હ્યુન્દાઇનો આગામી આઇપીઓ ભારતના સૌથી મોટા ઇનિશિયલ પબ્લિક ઑફરિંગનું બહુમાન ખાટી જવાની પૂરી સંભાવના છે. કંપની એનો 17.5 ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. હ્યુન્દાઇ મોટર કંપનીએ તેના ભારતના એકમના આઇપીઓ માટે 17-19 બિલ્યન ડૉલર મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. હ્યુન્દાઇ મોટર ઇન્ડિયા લિમિટેડનું લિસ્ટિંગ 22 ઑક્ટોબર આસપાસ થવાની શક્યતા છે.
હ્યુન્દાઇને માર્કેટ રેગ્યુલેટર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા તરફથી મંજૂરી મળી ગઈ છે. એનો આઇપીઓ લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના રેકૉર્ડને તોડશે. એલઆઇસીએ 2022માં આઇપીઓમાં 206 અબજ રૂપિયા (2.5 બિલ્યન ડૉલર) એકત્ર કર્યા હતા. હ્યુન્દાઇનો 25,000 કરોડનો આઇપીઓ 14થી 16 ઑક્ટોબર સુધી ઓપન રહેશે. 10 રૂપિયાની ફૅસ વૅલ્યુના 14,21,94,700 શૅરોના આ આઇપીઓમાં મહત્તમ 35 ટકા રીટેલ, 50 ટકા ક્યુઆઇબી અને 15 ટકા એનઆઇઆઇ ક્વોટા હશે. પ્રાઇસ બૅન્ડ પછી જાહેર થશે.
ખરાબ બજારમાં મજબૂતાઈ કયા શૅરોમાં?
ખરાબ બજારમાં ગુરુવારની સરખામણીએ વધ્યા હોય, જે શૅરોનો ભાવ 50 રૂપિયાથી વધારે હોય અને જેમનો બંધભાવ પાંચ દિવસીય એકસ્પોનેન્શિયલ ઍવરેજથી ઉપર હોય, એ ઍવરેજ 15 દિવસની ઍવરેજથી, 15 દિવસની 30 દિવસથી, 30 દિવસની 60 દિવસથી, 60 દિવસની 100 દિવસથી અને 100 દિવસની ઍવરેજ 200 દિવસની ઍવરેજથી ઉપર હોય એવા શૅરોને મજબૂત અન્ડરકરન્ટવાળા ગણી શકાય. આ ક્રાયટેરિયામાં ખરા ઊતરતા અગ્રણી શૅરોની એક યાદી આ મુજબ છે.
કલકત્તા ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની (સીઈએસસી) 194 રૂપિયા, ફેડરલ બૅન્ક 193 રૂપિયા, એચસીએલ ટેક 1776 રૂપિયા, હિન્દાલ્કો 748 રૂપિયા, ઇપ્કા લૅબ 1492 રૂપિયા, એમસીએક્સ 5805 રૂપિયા, સ્ટ્રાઇડ્સ સાસૂન 1453 રૂપિયા, થર્મેક્સ 5182 રૂપિયા, ટોરન્ટ પાવર 1890 રૂપિયા અને વિપ્રો 533 રૂપિયા.
કસોટીયુક્ત સપ્તાહમાં આ 7 સિતારા ચમક્યા
સમીક્ષા હેઠળનું સપ્તાહ ખરેખર કસોટીયુક્ત હતું. એવા બજારમાં કસોટીની એરણ પર ખરા ઊતરીને સાપ્તાહિક સુધારો નોંધાવનારા સાત સિતારા આ રહ્યા...
બાસ્ફ સપ્તાહમાં 12.63 ટકા સુધરી 8182.95 રૂપિયા બંધ રહ્યો હતો. શૅર સર્વેલન્સ હેઠળ હોવા છતાં વધ્યો છે.
ડ્રેજિંગ કૉર્પોરેશન 9.31 ટકાના સાપ્તાહિક સુધારા સાથે 1030.40 રૂપિયા બંધ રહ્યો. શૅર બીઈ કૅટેગરીમાં છે, જેથી 100 ટકા માર્જિનની શરત છે.
વ્હર્લપુલ ઇન્ડિયા 7.32 ટકાના વીકલી ગેઇને 2362 રૂપિયા થઈ ગયો.
નૅશનલ ઍલ્યુમિનિયમ (નાલ્કો) 6.43 ટકા સુધરી 220.35 રૂપિયા બંધ હતો. 27 સપ્ટેમ્બરે મળેલી કંપનીની એજીએમની મિનિટ્સ સ્ટૉક એક્સચેન્જને ગુરુવારે મોકલાઈ હતી.
બૉમ્બે ડાઇંગ 6.11 ટકા સાપ્તાહિક ધોરણે સુધરી 226 રૂપિયા રહ્યો હતો.
તાતા કેમિકલ્સ 5.76 ટકાના વીકલી ગેઇને 1142 રૂપિયા બંધ હતો.
અને એમટીએનએલ 3.55 ટકા વધી 54.84 રૂપિયા બંધ હતો. છેલ્લા 8 ત્રિમાસિકમાં નુકસાન કરતી આ કંપનીનો શૅર પાંચ ટકાની પ્રાઇસ બૅન્ડમાં છે.