આજે કોઈ માણસ તાર્કિક રીતે વિચાર કરે કે મહાવીર સિંહ ફોગાટે ઇનામની એ બધી રકમ દીકરી પાછળ ખર્ચી કાઢવાને બદલે એક ફાઇલમાં શું કામ રાખી મૂકી
ફન્ડના ફન્ડા
પ્રતીકાત્મક તસવીર
કુસ્તીબાજ ગીતા ફોગાટે નાની ઉંમરમાં જ દંગલ જીતવાનું શરૂ કર્યું અને એક પછી એક ઇનામ જીતવા લાગી. એ ઇનામોની રકમ ભલે નાની હતી, પરંતુ એનું મૂલ્ય ઘણું હતું. એ બધી મૂલ્યવાન રકમો તેના પિતા મહાવીર સિંહ ફોગાટે અલગથી સાચવીને રાખી હતી એ આપણે ‘દંગલ’ ફિલ્મમાં જોયું. મહાવીર સિંહે પટિયાલામાં સ્પોર્ટ્સ ઍકૅડેમીના અધિકારીઓને ઇનામની રકમ બતાવી અને પોતાની દીકરી વિશે ગૌરવ અનુભવ્યું. મહાવીર સિંહ ફોગાટ આવું કરે એ સમજી શકાય એવી વાત છે. આપણાં સંતાનોને ઇનામ મળે તો આપણને ગમે એ દેખીતું છે. સંતાનોની વાત આવે એટલે બધા લોકો લાગણીશીલ બની જતા હોય છે.
આજે કોઈ માણસ તાર્કિક રીતે વિચાર કરે કે મહાવીર સિંહ ફોગાટે ઇનામની એ બધી રકમ દીકરી પાછળ ખર્ચી કાઢવાને બદલે એક ફાઇલમાં શું કામ રાખી મૂકી. તેમને દીકરીની તાલીમ માટે સારી એવી રકમની જરૂર પણ હતી. પોતાના માટે નહીં, પણ દીકરી માટે તો એ ખર્ચ કરી શકાય એમ હતું. આમ છતાં પિતા મહાવીર સિંહે દીકરીના ઇનામની રકમને હાથ પણ લગાડ્યો નહીં.
ADVERTISEMENT
ઉપરોક્ત દૃષ્ટાંત ઉપરથી કહી શકાય છે કે અલગ-અલગ સ્વરૂપે મળતાં નાણાં આપણામાં અલગ-અલગ લાગણીઓ જન્માવે છે. નાણાં ક્યાંથી મળે છે એનું પણ ઘણું મહત્ત્વ હોય છે. ઉક્ત કિસ્સામાં ઇનામની રકમ નાની હતી, પણ એનું મૂલ્ય ઘણું વધારે હતું. બીજી બાજુ, આપણો અનુભવ કહે છે કે લોકો જ્યારે લૉટરીમાં ઇનામ મેળવે છે ત્યારે એ પૈસા ઘણી સહેલાઈથી વપરાઈ જાય છે. ઘણા લોકો ઇન્કમ-ટૅક્સ રીફન્ડમાં મળેલાં નાણાં પણ પોતાની મહેનતનાં ન હોય એ રીતે વાપરી નાખે છે. પૈસાના આ ખેલને નાણાકીય આયોજનના ક્ષેત્રે ‘મેન્ટલ અકાઉન્ટિંગ’ કહેવાય છે. માણસ અલગ-અલગ સ્રોતમાંથી મળતી આવકને અલગ-અલગ હેતુઓ માટે પોતાના મગજનાં અલગ-અલગ ખાતાંમાં જમા કરતો જાય છે.
મહાવીર સિંહે જે કર્યું કે જે ન કર્યું એના વિશે ટિકા-ટિપ્પણી કરવાનો અહીં ઉદ્દેશ્ય નથી. આપણે એટલું જ કહેવાનું છે કે પૈસાની બાબતે લોકો અલગ-અલગ અભિગમ અપનાવે છે. તેઓ સારું કરે છે કે ખરાબ કરે છે એ તેમની પોતાની પરિસ્થિતિ પર નિર્ભર રહે છે.
અહીં આપણને ચિલ્ડ્રન્સ પ્લાન્સ નામની મ્યુચ્યુઅલ ફન્ડની શ્રેણી યાદ આવે છે. આ પ્રકારના મ્યુચ્યુઅલ ફન્ડને સોલ્યુશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફન્ડ કહેવામાં આવે છે. રોકાણકારો જ્યારે આવા ફન્ડમાં રોકાણ કરે છે ત્યારે એક પ્રકારનું મેન્ટલ અકાઉન્ટિંગ કામ કરતું હોય છે. લોકો સંતાનોની વાત આવે એટલે લાગણીશીલ બની જાય છે અને એટલે જ બીજા વિકલ્પોનો વિચાર કરવાને બદલે ચિલ્ડ્રન્સ પ્લાન્સમાં રોકાણ કરતા હોય છે.
અહીં જણાવવું રહ્યું કે આવી ઘણી સ્કીમમાં લૉક ઇન પિરિયડ લાંબો હોય છે અને એ રીતે એની નાણાકીય પ્રવાહિતા ખતમ થઈ જાય છે. અમુક લોકો માટે અમુક સંજોગોમાં આ વિકલ્પ સારો હોઈ શકે છે, જ્યારે અમુક કિસ્સામાં માતા-પિતા કે સંતાનોના હિતને એનાથી નુકસાન થતું હોઈ શકે છે. આપણે પાકતી મુદત પહેલાં એમાંથી ઉપાડ કરી શકતા નથી અને એ રોકાણ પોતાની રીતે વધતું-ઘટતું રહે છે. જ્યારે સ્કીમમાં રોકાણકારને પોતાની ધારણા મુજબનું વળતર મળે નહીં ત્યારે એ સ્કીમ તેમના માટે નિરર્થક બની જાય છે.
અહીં ફરી કહેવું રહ્યું કે બધા માટે આવું થતું નથી. ટૂંકમાં, અહીં એટલું જ કહેવાનું છે કે દરેક નાણાકીય પ્રોડક્ટના પોતાના લાભ-ગેરલાભ હોય છે અને પોતાના સંજોગો પ્રમાણે પૂરેપૂરી માહિતી લીધા બાદ જ એમાં રોકાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ.