Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ડગુમગુ સુધારાની ચાલમાં બજારની સળંગ આઠ દિવસની મંદી અટકી

ડગુમગુ સુધારાની ચાલમાં બજારની સળંગ આઠ દિવસની મંદી અટકી

Published : 18 February, 2025 08:29 AM | Modified : 20 February, 2025 07:00 AM | IST | Mumbai
Anil Patel

સરકાર ટ્રમ્પમ્ શરણમ્ ગચ્છામિના મૂડમાં, આયાત જકાતમાં ઘટાડો ચાલુ રાખવા નિર્મલાતાઈનું વચન : જાન્યુઆરીની વેપારખાધ ૨૧ અબજ ડૉલરના અંદાજ સામે ૨૩ અબજ ડૉલર નોંધાઈ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


સરકાર ટ્રમ્પમ્ શરણમ્ ગચ્છામિના મૂડમાં, આયાત જકાતમાં ઘટાડો ચાલુ રાખવા નિર્મલાતાઈનું વચન : જાન્યુઆરીની વેપારખાધ ૨૧ અબજ ડૉલરના અંદાજ સામે ૨૩ અબજ ડૉલર નોંધાઈ : ત્રિમાસિક નફો ૧૪૧૬ ટકા વધીને આવતાં સાંડૂર મૅન્ગેનીઝમાં ૨૦ ટકાની તેજી : પરિણામનો કરન્ટ જાળવી રાખતાં ગૉડફ્રે ફિલિપ્સ ૧૦૬૨ રૂપિયા ઊછળ્યો : ત્રિમાસિક નફો બાવીસ ટકા વધવા છતાં ઝેન ટેક્નૉલૉજી ૨૦ ટકા તૂટ્યો : ઓલા ઇલેક્ટ્રિક, એલઆઇસી તથા જિયો ફાઇનૅન્સ નવાં તળિયાં બતાવી સુધારામાં બંધ : માર્કેટ બ્રેડ્થ નેગેટિવ, પીએસયુ બૅન્ક નિફ્ટી તથા રિયલ્ટી ઇન્ડેક્સ વર્ષની નીચી સપાટીએ


નબળા આરંભ પછી હાલકડોલક સુધારાની ચાલમાં બજાર સોમવારે ૫૮ પૉઇન્ટ નજીક વધી ૭૫,૯૯૭ તથા નિફ્ટી ૩૦ પૉઇન્ટ વધીને ૨૨,૯૫૯ બંધ થયો છે. સળંગ આઠ દિવસની નરમાઈ બાદના આ પરચૂરણ સુધારા દરમ્યાન સેન્સેક્સ નીચામાં ૭૫,૨૯૫ થઈ ઉપરમાં ૭૬,૦૪૨ દેખાયો હતો. માર્કેટ બ્રેડ્થ બગડેલી રહી છે. NSEમાં વધેલા ૧૦૧૨ શૅર સામે ૧૮૭૨ જાતો ઘટી છે. દિવસ દરમ્યાન રિયલ્ટી ઇન્ડેક્સ તથા પીએસયુ બૅન્ક નિફ્ટી વર્ષની નીચી સપાટીએ ગયા હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ઇન્ડેક્સ નજીવો નરમ હતો. હેલ્થકૅર તથા નિફ્ટી ફાર્મા સવા ટકાની મજબૂતી
સાથે વધવામાં મોખરે હતા. જ્યારે ટેલિકૉમ તથા ટેક્નૉલૉજી બેન્ચમાર્ક એક ટકો, નિફ્ટી મીડિયા પોણો ટકો, આઇટી અને ઑટો અડધા ટકા જેવા ડાઉન હતા.



ગઈ કાલે બજાર નીચલા મથાળેથી ૭૪૭ પૉઇન્ટ બાઉન્સ થયું હોવા છતાં બજારની તાકાતમાં વિશ્વાસ બેસતો નથી. મોદીનો આ વેળાનો વૉશિંગ્ટનનો ફેરો ફોગટ ગયો છે. ટ્રમ્પમ્ શરણમ્ ગચ્છામિના જાપ સિવાય ભારતને આ મુલાકાતથી કશું મળ્યું નથી. જાન્યુઆરી માસની વેપારખાધ સવાદસ ટકા વધી ૨૩ અબજ ડૉલર રહી છે, ધારણા ૨૧ અબજ ડૉલરની હતી અને નાણાપ્રધાન નિર્મલાતાઈએ કહી દીધું છે. ભારત આયાત જકાત ઘટાડવાની દિશામાં સતત આગળ વધશે! ટ્રમ્પે આપેલા જુલાબની આટલી બધી અસર? આયાત જકાત તમારે જેટલી ઘટાડવી હોય એટલી ઘટાડો, પરંતુ સૌથી પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ સસ્તા થાય એવું તો કરો. દુનિયામાં ક્યાંય નથી એવી વેરાકમાણી સરકાર પેટ્રોલ-ડીઝલમાંથી કરી રહી છે એનું શું? ચાલો બધા ભેગા થઈ ટ્રમ્પને કાગળ લખીએ. આ સરકારને વૉશિંગ્ટનનું બહુ વહેલું સંભળાય છે. બજારનું માર્કેટકૅપ ગઈ કાલે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા વધી ૪૦૦.૩૯ લાખ કરોડ થયું છે.


ગઈ કાલે મોટા ભાગનાં એશિયન બજાર વધ્યાં છે. ઇન્ડોનેશિયા પોણાત્રણ ટકા, તાઇવાન દોઢ ટકો, સાઉથ કોરિયા તથા સિંગાપોર પોણો ટકો પ્લસ હતાં. થાઇલૅન્ડ સવા ટકો ઘટ્યું છે. યુરોપ રનિંગમાં સાધારણથી પોણા ટકા જેનું ઉપર હતું. બિટકૉઇન ૯૬,૨૭૫ ડૉલરે ટકેલો હતો.

‘એ’ ગ્રુપમાં સાંડૂર મૅન્ગેનીઝનો ત્રિમાસિક નફો ૧૪૧૬ ટકા ઊછળી ૧૩૭ કરોડને વટાવી જતાં શૅર ગઈ કાલ ૧૦ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૧૪ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો છે. ફુટવેઅર કંપની ખાદીમ ઇન્ડિયા એના ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસને ડીમર્જ કરી અલગ કંપનીમાં ફેરવવા વિચારી રહી હોવાના અહેવાલ પાછળ શૅર ૨૭૨ના વર્ષના તળિયે જઈ પોણાનવ ટકા ગગડી ૨૭૩ બંધ થયો છે. નફામાંથી ખોટમાં સરી પડેલી સંદેશ લિમિટેડ વધુ ખરડાઈ ૧૦૧૫ના તળિયે જઈ પોણાઆઠ ટકા બગડી ૧૦૩૯ નજીક રહી છે. ઓલા ઇલેક્ટ્રિક ૬૦ની અંદર ઑલટાઇમ બૉટમ બનાવી પોણો ટકો વધી ૬૧ હતી.


અદાણી એન્ટરપ્રાઇઝિસ બાઉન્સબૅકમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર

અદાણી એન્ટરપ્રાઇઝિસ તાજેતરની ખરાબી બાદ સવાત્રણ ટકાની મજબૂતીમાં નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. અદાણી પોર્ટ્સ પોણાબે ટકા, અદાણી ગ્રીન પોણો ટકો, અદાણી પાવર અડધો ટકો, એસીસી બે ટકાથી વધુ અને અદાણી ટોટલ પોણો ટકો પ્લસ હતા. સામે NDTV ૧૨૧ની નવી મલ્ટિયર બૉટમ બનાવી સવાત્રણ ટકા ખરડાઈને ૧૨૪ રહી છે. અદાણી એનર્જી તેમ જ સાંધી ઇન્ડસ્ટ્રીઝ પોણો ટકો નરમ હતી. રિલાયન્સ અડધા ટકા જેવી સુધરી છે, પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સવાત્રણ ટકા બગડી ૮૪૨ના મલ્ટિયર તળિયે બંધ હતી. જિયો ફાઇનૅન્સ સર્વિસિસ ૨૧૭ની ઑલટાઇમ બૉટમ બનાવી ૨૨૨ના લેવલે ફ્લૅટ હતો, જ્યારે સ્ટર્લિંગ વિલ્સન ૨૫૩ની નવી નીચી સપાટી દેખાડી દોઢેક ટકો સુધરી ૨૬૪ થયો છે.

સેન્સેક્સમાં બજાજ ફીનસર્વ પોણાત્રણ ટકા વધી ૧૮૯૨ વટાવી જતાં એનું માર્કેટકૅપ ૩.૦૨ લાખ કરોડ વટાવી ગયું છે. પાવરગ્રીડ, અલ્ટ્રાટેક, શ્રીરામ ફાઇનૅન્સ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, કોલ ઇન્ડિયા પોણાબેથી સવાબે ટકા મજબૂત હતા. HDFC બૅન્ક સવા ટકાના સુધારે ૧૭૧૭ બંધ આપી બજારને ૧૪૫ પૉઇન્ટ ફળ્યો છે. તાતા મોટર્સ, નેસ્લે, ઝોમાટો, ONGC, ગ્રાસીમ, સિપ્લા, JSW સ્ટીલ એકાદ ટકાથી લઈ સવા ટકો વધ્યા છે. મહિન્દ્ર દોઢા વૉલ્યુમે પોણાચાર ટકા કે ૧૧૦ રૂપિયાના ધબડકામાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર હતો. સીંગટેલ તરફથી આંશિક એક્ઝિટ લેવાના નિર્ણય પાછળ ભારતી ઍરટેલ અઢી ટકા કપાઈ ૧૬૭૫ રહ્યો છે. ટીસીએસ તથા ઇન્ફોસિસ પોણો ટકો તો ICICI બૅન્ક, લાર્સન અને આઇટીસી અડધો ટકો નરમ હતા. આઇટીસી હોટેલ્સ અઢી ટકા વધીને ૧૬૯ નજીક ગયો છે. મારુતિ પોણો ટકો અને હ્યુન્દાઇ મોટર સવાબે ટકા અપ હતા. હીરો મોટોકૉર્પ ૩૭૫૮ની નવી ઐતિહાસિક બૉટમ બનાવી નજીવા સુધારે ૩૮૭૦ થયો છે. બજાજ ફાઇનૅન્સ તથા બજાજ ઑટો અડધા ટકા નજીક સુધર્યા હતા.

ત્રિમાસિક નફો ૭૬ ટકા વધવા છતાં પીટીસી ઇન્ડસ્ટ્રીઝમાં ૧૨૯૮નો કડાકો

કોઠારી પ્રોડક્ટ્સ શૅરદીઠ એક બોનસમાં મંગળવારે બોનસ બાદ થવાની છે. ભાવ ગઈ કાલે દોઢ ટકા ઘટી ૧૭૪ બંધ હતો. ગુજરાત ટૂલરૂમ એક શૅરદીઠ પાંચ બોનસ શૅરમાં એકસબોનસ થવાની પૂર્વસંધ્યાએ સવાબાર રૂપિયે ફ્લૅટ રહ્યો છે. ફેસવૅલ્યુ એકની છે. કૅપિટલ ઇન્ડિયા ફાઇનૅન્સ ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન અમલી બનતાં અડધો ટકો ઘટી ૩૩ નજીક હતો. કોનાર્ટ એન્જિનિયરિંગ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટની પૂર્વસંધ્યાએ પાંચ ટકા તૂટી ૨૫૦ રહ્યો છે.

પરિણામનો કરન્ટ જાળવી રાખતાં ગૉડફ્રે ફિલિપ્સ ત્રણ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટ નજીક ૭૧૭૫ થઈ ૧૭.૮ ટકા કે ૧૦૬૨ રૂપિયાના ઉછાળે ૭૦૪૧ બંધ રહ્યો છે. રેલ વિકાસ નિગમનો નફો ૧૩ ટકા ઘટતાં ભાવ નીચામાં ૩૩૩ થઈ ૪.૮ ટકા ગગડી ૩૪૨ હતો. જીએસકે ફાર્માનો ત્રિમાસિક નફો ૪૦૦ ટકાના જમ્પમાં ૨૩૦ કરોડ આવતાં શૅર ૧૪ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૪૨૧ વટાવ્યા બાદ ૧૫.૬ ટકા કે ૩૧૪ રૂપિયાની તેજીમાં ૨૩૩૨ થયો છે. નબળાં રિઝલ્ટનો વસવસો આગળ વધતાં સેન્કો ગોલ્ડ ૩૦૪ની સવા વર્ષની બૉટમ બનાવી સવાનવ ટકા બગડી ૩૨૫ હતો. પીટીસી ઇન્ડસ્ટ્રીઝે અગાઉના ૮ કરોડ સામે આ વેળા ૭૬ ટકાના વધારામાં ૧૪૨૪ લાખનો ચોખ્ખો નફો કર્યો છે, પરંતુ આ નફો સપ્ટેમ્બર ક્વૉર્ટરના ૧૭૩૯ લાખ કરતાં ૧૮ ટકા નીચો છે એવી થિયરી પાછળ શૅર ૪ ગણા કામકાજે નીચામાં ૧૧,૭૮૯ થઈ દસેક ટકા કે ૧૨૯૮ રૂપિયાના ધબડકામાં ૧૧,૮૦૧ બંધ રહ્યો છે. અન્ય ડિફેન્સ કંપની ઝેન ટેક્નૉલૉઝિસે બાવીસ ટકાના વધારામાં ૩૮૬૨ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. જોકે સપ્ટેમ્બર ક્વૉર્ટરના ૬૫૨૪ લાખ કરતાં આ નફો અડધો છે. સરવાળે ભાવ બમણા વૉલ્યુમે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૨૭૦ રૂપિયા પટકાઈ ૧૦૭૯ બંધ થયો છે. ૨૪ ડિસેમ્બરે શૅરમાં ૨૬૨૮ની ઑલટાઇમ હાઈ બની હતી.

એજેક્સનું નબળું લિસ્ટિંગ, ભાવ સવાપાંચ ટકા ડિસ્કાઉન્ટમાં

બૅન્ગલોરની એજેક્સ એન્જિનિયરિંગ એકના શૅરદીઠ ૬૨૯ની ઇશ્યુ પ્રાઇસ સામે ૫૯૩ ખૂલી ૫૯૫ બંધ થતાં એમાં ૫.૩ ટકા કે શૅરદીઠ ૩૩ રૂપિયાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. અહીં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૫૮થી શરૂ થયા બાદ ગગડતું રહી છેલ્લે શૂન્ય થઈ ગયું હતુ. લખનઉની ચંદન હેલ્થકૅર ૧૦ના શૅરદીઠ ૧૫૯ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૬૫ ખૂલી ૧૭૩ બંધ થતાં એમાં નવ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળે છે. પ્રીમિયમ અત્રે ૧૧થી શરૂ થયા બાદ ઘસાતું રહી અંતે ઝીરો થઈ ગયું હતું.

SME કંપની એલકે મહેતા પૉલિમર્સનો ૧૦ના શૅરદીઠ ૭૧ના ભાવનો ૭૩૮ લાખનો ઇશ્યુ આખરી દિવસે કુલ ૪૪.૬ ગણો તો સન્મુગા હૉસ્પિટલ્સનો ૧૦ના શૅરદીઠ ૫૪ના ભાવનો ૨૦૬૨ લાખનો ઇશ્યુ અઢી ગણો ભરાઈને ગઈ કાલે પૂરો થયો છે. હાલ એલકે મહેતામાં ૧૦ના તથા સન્મુગામાં ૩ના પ્રીમિયમ સંભળાય છે. જ્યારે મંગળવારે બંધ થનારા તેજસ કાર્ગો ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૬૮ના ભાવનો ૧૦,૫૮૪ લાખ રૂપિયાનો SME ઇશ્યુ અત્યાર સુધીમાં ૭૧ ટકા અને રૉયલઆર્ક ઇલેક્ટ્રૉક્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવનો ૩૬ કરોડનો ઇશ્યુ ૬૭ ટકા ભરાઈ ગયો છે. મેઇન બોર્ડમાં ક્વૉલિટી પાવરનો ૧૦ના શૅરદીઠ ૪૨૫ના ભાવનો ૮૫૯ કરોડનો ઇશ્યુ આજે, મંગળવારે બંધ થશે, એ પણ અત્યાર સુધીમાં ૮૩ ટકા ભરાઈ ચૂક્યો છે. ક્વૉલિટીમાં પ્રીમિયમના કામકાજ ગ્રે માર્કેટમાં ૧૩૫ રૂપિયાથી શરૂ થયા હતા. રેટ ગગડતો રહી હાલ શૂન્ય થઈ ગયો છે. હાઈ પ્રોફાઇલ હેક્સાવેર ટેક્નૉલૉઝિસનો એકના શૅરદીઠ ૭૦૮ના ભાવનો ૮૭૫૦ કરોડનો પ્યોર OFS ઇશ્યુ બુધવારે લિસ્ટિંગમાં જવાનો છે. પ્રીમિયમ શૂન્ય હોવાની ધારણા ચાલે છે. આ ભરણાને QIBનો સપોર્ટ મળ્યો ન હોત તો બેશક રદ કરવું પડ્યું હોત. રીટેલમાં ઇશ્યુ કેવળ ૧૧ ટકા તથા HNIમાં ૨૧ ટકા જ ભરાયો હતો. ઇવન એમ્પોઇક્વોટા પણ ૩૩ ટકા જ ભરાયો છે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2025 07:00 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK