ધમાકેદાર લિસ્ટિંગના વળતા દિવસે ફર્સ્ટક્રાય અને યુનિકૉમર્સ ઈ-સૉલ્યુશન્સ ગગડ્યા
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મેટલ અને મિનરલનું માઇનિંગ કરતી કંપનીઓનાં સરવૈયાં પર દૂરગામી માઠી અસર જોવાશે : ધમાકેદાર લિસ્ટિંગના વળતા દિવસે ફર્સ્ટક્રાય અને યુનિકૉમર્સ ઈ-સૉલ્યુશન્સ ગગડ્યા : ટર્નઅરાઉન્ડના કૅફમાં પીસી જ્વેલર્સ બાવીસ માસની ટોચે જઈને ઘટાડામાં બંધ : માર્કસન્સ ફાર્મા સાધારણ પરિણામ વચ્ચે ૧૪ ટકાની તેજીમાં નવા શિખરે પહોંચ્યો : ચાર આઇટી શૅરના સુધારાથી સેન્સેક્સને થયો ૨૧૧ પૉઇન્ટનો ફાયદો : ઇથેનૉલની નવી પૉલિસીની વાતો વચ્ચે શુગર શૅર નરમ
અમેરિકા ખાતે ફુગાવાના આંકડા સૉફ્ટ આવતાં સપ્ટેમ્બરમાં ફેડ-રેટમાં ઘટાડાની આશા ફરી પ્રબળ બની છે. ડાઉ ઇન્ડેક્સ એક ટકો તો નૅસ્ડૅક અઢી ટકા નજીક વધીને બંધ આવ્યા છે. પૂરતા સપોર્ટના અભાવે જૅપનીઝ શીડાકુમિયોએ બીજી ટર્મ માટે વડા પ્રધાનપદની રેસમાંથી બાકાત હોવાની જાહેરાત કરી છે. મતલબ કે આગામી મહિને ત્યાં નવા વડા પ્રધાન આવશે. રિસેશન ટાળવાની લડતના ભાગરૂપ ન્યુ ઝીલૅન્ડની મધ્યસ્થ બૅન્કે વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો જાહેર કરી રેટ- કટની સાઇકલ શરૂ કરી દીધી છે. એની ખુશાલીમાં ન્યુ ઝીલૅન્ડનું શૅરબજાર બે ટકા વધ્યું છે. બુધવારે એશિયા ખાતે જપાન અડધો ટકો, તાઇવાન તથા ઇન્ડોનેશિયા એક-એક ટકો, સિંગાપોર અને સાઉથ કોરિયા પોણો ટકો અપ હતા. થાઇલૅન્ડ પોણો ટકો, ચાઇના અડધો ટકો અને હૉન્ગકૉન્ગ સાધારણ નરમ હતાં. યુરોપ રનિંગમાં અડધા ટકા આસપાસ પ્લસ હતું.
ADVERTISEMENT
ઘરઆંગણે સેન્સેક્સ ૧૦૯ પૉઇન્ટ પ્લસમાં, ૭૯,૦૬૫ ખૂલી ૧૫૦ પૉઇન્ટના સુધારે ૭૯,૧૦૬ તથા નિફ્ટી પાંચ પૉઇન્ટ વધી ૨૪,૧૪૪ બંધ થયો છે. વધ-ઘટની રેન્જ ઘણી સાંકડી હતી. શૅરઆંક નીચામાં ૭૮,૮૯૬ તથા ઉપરમાં ૭૯,૨૨૯ થયો હતો. બજારના સેક્ટોરલ બહુધા નેગેટિવ ઝોનમાં હતા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ દોઢ ટકા, એનર્જી પાવર અને યુટિલિટીઝ પોણોથી એકાદ ટકો, નિફ્ટી મીડિયા એક ટકો, નિફ્ટી ફાર્મા પોણો ટકો, હેલ્થકૅર અડધો ટકો નરમ હતા. નૅસ્ડૅકની હૂંફ મળી ગઈ હોય એમ આઇટી ઇન્ડેક્સ ૧.૪ ટકા વધ્યો છે. રોકડું અને બ્રૉડર માર્કેટ નબળું રહેતાં માર્કેટ બ્રેડ્થ ખરડાયેલી હતી. NSEમાં વધેલા ૮૦૨ શૅર સામે ૧૫૪૮ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૦૧ લાખ કરોડ ઘટી હવે ૪૪૪.૨૯ લાખ કરોડ રહ્યું છે.
ચાલુ મહિને FII નેટ વેચવાલની ભૂમિકામાં રહી છે. ૧૩ ઑગસ્ટ સુધી કામકાજના ૯માંથી ૭ દિવસના નેટ સેલિંગમાં તેણે કુલ મળીને ૨૭,૧૪૮ કરોડની નેટ વેચવાલી કરી છે. આજે, ગુરુવારે ૧૫ ઑગસ્ટ નિમિત્તે શૅરબજારમાં રજા રહેવાની છે. સુપ્રીમ કોર્ટ તરફથી ખનિજની રૉયલ્ટી પર સેસ લેવાનાં રાજ્યોના અધિકારને બંધારણીય ગણાવ્યા પછી હવે આ પ્રકારનો વેરો રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી નાખવાની પણ છૂટ અપાઈ છે જેના કારણે સંબંધિત રાજ્ય સરકારો છેક એપ્રિલ ૨૦૦૫થી અમલી અને એ રીતે માઇનિંગ ઑપરેટર્સ કંપનીઓ પાસેથી સેસની વસૂલાત કરી શકે છે. જોકે કંપનીઓએ પાછલી તારીખ પેટેના આ લેણાની રકમ એકસાથે નહીં, પણ એપ્રિલ ૨૦૨૬થી અમલી બને એ રીતે ૧૨ વર્ષમાં હપ્તાથી ચૂકવવાની રહેશે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો મેટલ અને મિનરલ કંપનીઓને બેશક કઠશે. એકલી તાતા સ્ટીલ પર જ આના લીધે ૧૭,૩૪૭ કરોડનો બોજ પડવાની ગણતરી છે. કોલ ઇન્ડિયા, આલ્કો, NMDC ઇત્યાદી જાહેર સાહસોએ લગભગ ૭૦,૦૦૦ કરોડ ચૂકવવા પડશે.
હિન્દુસ્તાન ઍરોનૉટિક્સના નફામાં ૭૭ ટકા વૃદ્ધિ કામ ન આવી
હિન્દુસ્તાન ઍરોનૉટિક્સે ૭૭ ટકાના વધારામાં ૧૪૩૭ કરોડ નેટ નફો કર્યો છે. એના કરન્ટમાં શૅર ૪૮૧૧ વટાવ્યા પછી તરત ઊભરો શમી જતાં એકાદ ટકાના ઘટાડે ૪૬૫૬ બંધ થયો છે. લિસ્ટિંગના દિવસની ધમાલના વળતા દિવસે ફર્સ્ટક્રાય સવાપાંચ ટકા ગગડી ૬૪૩ તો યુનિકૉમર્સ ઈ-સૉલ્યુશન્સ સાડાછ ટકા તૂટી ૧૯૬ બંધ રહ્યા છે. ઓલા ઇલેક્ટ્રિક સવાબે ટકા સુધરીને ૧૧૦ વટાવી ગયો હતો. ૩૦ જુલાઈના રોજ ૩૭૯ની ઑલટાઇમ હાઈ બનાવ્યા પછી ઘટાડાની ચાલમાં નેફ્રોકૅર ઇન્ડિયા પાંચ ટકા ગગડી ૨૫૬ બંધ આવ્યો છે.
માર્કસન્સ ફાર્માએ આવકમાં ૧૮ ટકા અને નફામાં ૨૬ ટકા વૃદ્ધિ મેળવી છે, એમાં શૅર ગઈ કાલે ૨૧૭ના શિખરે જઈ ૧૪ ટકાની તેજીમાં ૨૧૪ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો છે. ઈપીએલ લિમિટેડ ૨૫૩ની ટોચે જઈ ૧૨ ટકા ઊછળી ૨૪૪ નજીક સરક્યો છે. એડલવાઇસ ૯૦ નજીકની ઐતિહાસિક ટૉપ બતાવી ૧૨ ટકાના જમ્પમાં ૮૬ નજીક છે. સામે દિશમાન કાર્બોજેન નબળાં પરિણામમાં સવાબાર ટકા લથડી ૧૭૨ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર હતો. પ્રકાશન પાઇપ્સ ૧૨ ગણા વૉલ્યુમે રિઝલ્ટના જોરમાં ૫૭૮ના બેસ્ટ લેવલે જઈ સાડાતેર ટકા ઊછળી ૫૫૪ હતો.
સરકાર ઇથેનૉલની ફેવરેબલ પૉલિસી લાવી રહી છે તેવી વાતો વચ્ચે પણ ગઈ કાલે શુગર ઉદ્યોગના ૩૭માંથી ૩૨ શૅર કડવા બન્યા છે. ઉદ્યોગના ૨૫ શૅર તો દોઢ ટકાથી લઈને સવાછ ટકા સુધી ગગડ્યા હતા.
સરસ્વતી સાડી ડેપોના ભરણાને ૧૦૭ ગણો પ્રતિસાદ, પ્રીમિયમ વધ્યું
મેઇન બોર્ડમાં કોલ્હાપુરની સરસ્વતી સાડી ડેપોનો શૅરદીઠ ૧૬૦ની અપરબૅન્ડ સાથે ૧૬૦ કરોડનો આઇપીઓ ગઈ કાલે આખરી દિવસે કુલ ૧૦૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. HNI પોર્શન ૩૫૮ ગણો છલકાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધતું રહી ૧૦૦ થયું છે. ગાંધીનગરની પોસિટ્રોન એનર્જીનો શૅરદીઠ ૨૫૦ના ભાવનો ૫૧૨૧ લાખનો SME IPO કુલ ૪૧૩ ગણા અને ખેડાની સનલાઇટ રિસાઇક્લિંગનો શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૩૦૨૪ લાખનો ઇશ્યુ કુલ ૨૮૨ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પોસિટ્રોનમાં હાલ ૨૨૫ના અને સનલાઇટમાં ૫૦ના પ્રીમિયમ છે. કેરલાના કોલમ ખાતેની સોલ્વ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૯૧ના ભાવનો ૧૧૮૫ લાખ રૂપિયાનો NSE SME IPO બુધવારે બીજા દિવસના અંતે કુલ ૭.૪ ગણો તો ભરૂચની બ્રોચ લાઇફકૅર હૉસ્પિટલનો શૅરદીઠ ૨૫ના ભાવનો ૪૦૨ લાખનો BSE SME IPO કુલ ૩૦ ગણો ભરાઈ ગયો છે. બન્ને ભરણાં શુક્રવારે બંધ થશે. એકેયમાં ગ્રે માર્કેટ ખાતે પહેલેથી કોઈ સોદા નથી.
દરમ્યાન ૧૯મીએ મેઇન બોર્ડમાં નવી દિલ્હીની ઇન્ટરઆર્ક બિલ્ડિંગ પ્રોડક્ટ્સ ૧૦ના શૅરદીઠ ૯૦૦ની અપર બૅન્ડમાં ૪૦૦ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૬૦૦ કરોડનું ભરણું કરવાની છે. કંપનીની કામગીરીનો ટ્રૅક રેકૉર્ડ સારો જણાય છે. ભાવ એકંદર વાજબી લાગે છે. ડેટ ફ્રી કંપની છે. ગ્રે માર્કેટ ખાતે ૩૯૫ જેવું પ્રીમિયમ છે. પશ્ચિમ બંગાળની ફેરફાર સ્ટુડિયો શૅરદીઠ ૮૦ના ભાવે અને નવી દિલ્હીની બ્રેસ પોર્ટ લૉજિસ્ટિક્સ પણ શૅરદીઠ ૮૦ના ભાવે સોમવારે SME ઇશ્યુ કરવાની છે. પ્રીમિયમ અનુક્રમે ૬૦ અને ૮૦ રૂપિયા છે.
આઇટી હેવી વેઇટ્સના જોરમાં બજાર પૉઝિટિવ ઝોનમાં
બુધવારે બજારની લાઇફલાઇન આડી હતી અને એમાંય ફ્રન્ટલાઇન, ચલણી શૅરની તાકાત જ કામે લાગી હતી. આથી જ ૬૦માંથી ૩૫ શૅર ઘટવા છતાં આઇટી ઇન્ડેક્સ ગઈ કાલે ૧.૪ ટકા કે ૫૬૪ પૉઇન્ટ વધ્યો હતો. ટીસીએસ ૨.૩ ટકા વધી ૪૨૯૨ના બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની સેન્સેક્સને ૮૫ પૉઇન્ટ ફળ્યો છે. ઇન્ફી દોઢ ટકા, HCL ટેક્નૉ બે ટકા તથા ટેક મહિન્દ્ર ૧.૪ ટકા પ્લસ થતાં એમાં બીજો ૧૨૫ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. વિપ્રો એક ટકો પ્લસ હતો. સેકન્ડ લાઇફ આઇટી શૅરમાં ઈ-મુદ્રા પાંચ ટકા, સિયેન્ટ ચાર ટકા, સોનાટા ૩.૪ ટકા, લેટન્ટ વ્યુ ૩ ટકા મજબૂત હતા. સેન્સેક્સ નિફ્ટી ખાતે ભારત પેટ્રો, લાટિમ, ભારતી ઍરટેલ, તાતા મોટર્સ, સ્ટેટ બૅન્ક, મહિન્દ્ર જેવી જાતો પોણાથી એક ટકો પ્લસ હતી.
નિફ્ટી ખાતે ડિવીઝ લૅબ ૪ ટકા કે ૨૦૦ રૂપિયા ગગડી ૪૬૬૨ થયો છે. આઇ-સેક દ્વારા ૩૬૭૦ની ટાર્ગેટ પ્રાઇસથી સેલનો કોલ છે. કોલ ઇન્ડિયા ૩.૩ ટકા, હીરો મોટોકૉર્પ ૩.૩ ટકા, અલ્ટ્રાટેક ૨.૪ ટકા, ONGC ૨.૩ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૧ ટકા, JSW સ્ટીલ બે ટકા, અદાણી એન્ટર ૧.૭ ટકા, તાતા સ્ટીલ પોણાબે ટકા, અદાણી પોર્ટ્સ દોઢ ટકા, આઇશર ૧.૪ ટકા નરમ હતા. રિલાયન્સ નજીવો ઘટીને ૨૯૨૩ રહ્યો છે. અદાણી ગ્રીન, અદાણી ટોટલ, એસીસી એકથી સવાબે ટકા માઇનસ હતા. સાંધી ઇન્ડ. પોણાબે ટકા તો અદાણી એનર્જી ચાર ટકા નજીક વધ્યા છે. ગઈ કાલે સેન્સેક્સ ૧૫૦ વધ્યો એની સામે નિફ્ટી ફક્ત પોણાપાંચ ટકા જ પ્લસ થયો છે, જે સૂચક છે.
મેટલમાં નબળા માનસ વચ્ચે ગ્રેવિટા ઇન્ડિયા જબરી તેજીમાં
અજય પિરામલ ગ્રુપની પિરામલ એન્ટરપ્રાઇઝિસે ૬૪ ટકાના ઘટાડામાં ૧૮૧ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. જોકે અગાઉના જૂન ક્વૉર્ટરના નફામાં ૮૫૫ કરોડનો વનટાઇમ ગેઇન સામેલ હતો. આ વેળા માર્ચ ક્વૉર્ટરનો ૧૩૭ કરોડ હતો એના મુકાબલે નફો ૩૨ ટકા વધ્યો છે, પરંતુ ૧૦૪ કરોડના એક્સેપ્શનલ ગેઇનની અસર બાકાત કરો તો જૂન ક્વૉર્ટરનો નફો માર્ચ ક્વૉર્ટર કરતાં ૪૪ ટકા નીચો આવે છે. સરવાળે શૅર પાંચ ગણા વૉલ્યુમે નીચામાં ૮૭૫ થઈ ૧૦.૬ ટકા કે ૧૦૪ રૂપિયાના ધબડકામાં ૮૮૧ બંધ થયો છે. નાયકાનો ત્રિમાસિક નફો ૧૫૨ ટકા વધીને આવતાં શૅર શરૂઆતમાં પોરસાઈ ઉપરમાં ૧૯૭ થયા પછી અંતે સવા ટકો સુધરીને ૧૮૯ રહ્યો છે. સતલજ જલવિદ્યુત નિગમે અગાઉના ૨૭૨ કરોડ સામે આ વેળા ૩૫૭ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ૧૪૯ નજીક જઈ છેલ્લે ૩.૮ ટકા વધી ૧૪૨ બંધ હતો.
પીસી જ્વેલર્સ ટર્નઅરાઉન્ડ થતાં ૧૭૩ કરોડની ખોટમાંથી ૧૫૫ કરોડના ચોખ્ખા નફામાં આવી છે. શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૯૯ ઉપર ૨૨ માસની નવી ટૉપ દેખાડી સવાબે ટકા ઘટી ૯૨ હતો. ૪ ઑક્ટોબરે અહીં ૨૫નું મલ્ટિયર બૉટમ બન્યું હતું. અશોક બિલ્ડકૉનનો ત્રિમાસિક નફો ૧૪૮ ટકા વધ્યો છે. ઑર્ડર બુક ૧૦,૦૦૦ કરોડે પહોંચી છે, પણ શૅર અડધો ટકો ઘટી ૨૩૩ રહ્યો છે. ગ્રેવિટા ઇન્ડિયામાં મોતીલાલ ઓસ્વાલે ૨૩૫૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ આપ્યું છે. શૅર ૧૯૯૦ના શિખરે જઈ ૭.૮ ટકા કે ૧૪૧ની તેજીમાં ૧૯૫૦ થયો છે. આ શૅર મહિનામાં ૪૧ ટકા અને ત્રણ માસમાં ૧૦૭ ટકા વધી ગયો છે. ઇન્ડસ્ટ્રીના ૨૦ના પી/ઇ સામે હાલ આ કાઉન્ટર ૫૩ના અતિ ઊંચા પી/ઇ પર ચાલે છે. બેના શૅરની બુકવૅલ્યુ ૧૨૧ છે. વર્ષે આવક ૩૨૦૦ કરોડ નજીક અને નફો ૨૪૨ કરોડ છે, પણ માર્કેટકૅપ હાલ ૧૩,૫૦૦ કરોડ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે ગઈ કાલે મેટલ મિનરલ શૅરોમાં માનસ બગડ્યું હતું. મેટલ ઇન્ડેક્સ દોઢ ટકા ડાઉન હતો. આ માહોલમાં ગ્રેવિટા ઊછળ્યો એની નવાઈ છે.