માર્કેટની સાર્વત્રિક નબળાઈ વચ્ચે શુગર ઉદ્યોગ ૧૦૦ ટકા તેજીમાં, ખાતર શૅરોની આગેકૂચ
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
બૅન્કિંગના ૩૭માંથી ૩૪ શૅર ડાઉન, પીએસયુ બૅન્ક નિફ્ટી ત્રણેક ટકા તૂટ્યો : જીએમએમ ફોડલરમાં પ્રમોટર્સ દ્વારા આંશિક એક્ઝિટના પગલે ૨૮૭ રૂપિયાનો કડાકો : આઇટીમાં નરમાઈ વધી, ટીસીએસ ઇન્ફી અને વિપ્રોની આગેવાની હેઠળ ૬૧માંથી ૫૧ શૅર ઘટ્યા : માર્કેટની સાર્વત્રિક નબળાઈ વચ્ચે શુગર ઉદ્યોગ ૧૦૦ ટકા તેજીમાં, ખાતર શૅરોની આગેકૂચ : રાજસ્થાન સ્પિનિંગ એક્સ-રાઇટ થતાં સવાપાંચ ટકા ખરડાયો : એસટી કૉર્પો અને લેન્સર કન્ટેનર્સ એક્સ-સ્પ્લિટમાં ૫-૫ ટકા મજબૂત : રોકડું વધુ ખરાબ, માર્કેટ બ્રેડ્થ બગડી
આગલા દિવસની ૮૭૯ પૉઇન્ટની ખરાબી બાદ સેન્સેક્સ શુક્રવારે પણ ૪૬૧ પૉઇન્ટ ઘટ્યો છે, નિફ્ટી વધુ ૧૪૬ પૉઇન્ટ માઇનસ થયો છે. ગઈ કાલની ખાસ બાબત બજારની ચાલ છે. બજાર સારા એવા મોટા પ્રમાણમાં વૉલેટાઇલ રહ્યું છે. માર્કેટ આગલા બંધથી ૧૫૦ પૉઇન્ટ કરતાં વધુ નરમ ખૂલી ઝિગઝેગ પૅટર્ન કે સર્પાકાર ચાલમાં જોવા મળ્યું છે. શૅરઆંક ઉપરમાં ૬૧૮૯૩ વટાવી ૬૧૩૭૨ થયો અને ત્યાંથી ઊંચકાઈ ૬૧૮૦૩ થયો અને ત્યાર પછી ૬૧૨૯૨ના ઇન્ટ્રા ડે તળિયે ગયો હતો. આ પ્રકારની વાંકીચૂકી ચાલ સાથેની મોટી વધ-ઘટ ઘણા બધા દિવસ, કદાચ મહિનાઓ બાદ દેખાઈ છે. વિશ્વબજારો પણ ઘટાડાને આગળ વધારવાના મૂડમાં હતાં. અમેરિકન ફેડની સાથે તાલ મિલાવતાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક તથા બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ દ્વારા વ્યાજદરમાં નવો અડધા ટકાનો વધારો થયો છે. સ્વિટ્ઝરલૅન્ડ અને નૉર્વે જેવા અન્ય દેશોની સેન્ટ્રલ બૅન્કોય સાથમાં રહી છે. અમેરિકન ડાઉ ગુરુવારની મોડી રાતે સવાબે ટકા કે ૭૬૪ પૉઇન્ટ અને નૅસ્ડૅક સવાત્રણ ટકા ગગડીને બંધ આવ્યા છે. એની પાછળ જપાન ૧.૯ ટકા, તાઇવાન ૧.૪ ટકા અને સિંગાપોરની એક ટકાની નબળાઈ વચ્ચે તમામ અગ્રણી એશિયન બજારો ઢીલાં હતાં. ઇન્ડોનેશિયા પોણા ટકાથી વધુ અને હૉન્ગકૉન્ગ ૦.૪ ટકાના સુધારે અપવાદ હતા. યુરોપ નરમાઈની હૅટ-ટ્રિક નોંધાવવાનું હોય એમ રનિંગમાં અડધાથી એકાદ ટકો નીચે દેખાતું હતું.
ADVERTISEMENT
ગઈ કાલે પણ બન્ને બજારનાં તમામ સેક્ટોરલ માઇનસમાં હતાં. પીએસયુ બૅન્ક નિફ્ટી સર્વાધિક ત્રણેક ટકા કપાયો છે. રિયલ્ટી ઇન્ડેક્સ પોણાબે ટકા બગડ્યો છે. આઇટી ટેક્નૉ, કૅપિટલ ગુડ્સ, હેલ્થકૅર-ફાર્મા, મીડિયા જેવા બેન્ચમાર્ક સવા–દોઢ ટકાની વચ્ચે, તો ઇન્ડેક્સ એક ટકાથી વધુ રિવર્સમાં ગયો છે. રોકડું તેમ જ બ્રૉડર માર્કેટ વધુ ખરડાયું હોવાથી માર્કેટ બ્રેડ્થ વધુ બગડી છે. એનએસઈમાં વધેલા ૬૧૦ શૅર સામે ૧૩૮૯ કાઉન્ટર ઘટીને બંધ હતાં.
ડૉ. રેડ્ડીઝ લૅબ અને અદાણી પોર્ટ્સ ટૉપ લૂઝર, ઈપીએલ ઝળક્યા
આગલા દિવસનું પુનરાવર્તન હોય એમ ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી માત્ર ૪ અને નિફ્ટીના ૫૦માંથી પાંચ શૅર જ પ્લસ હતા. તાતા મોટર્સ ૧.૪ ટકા વધી ૪૨૩ નજીકના બંધમાં નિફ્ટી ખાતે મોખરે હતો. સેન્સેક્સ ખાતે અડધા ટકાના સુધારામાં ૧૬૩૯ના બંધમાં એચડીએફસી બૅન્ક બેસ્ટ ગેઇનર બની હતી. હિન્દુસ્તાન યુનિલીવર સાધારણ તો નેસ્લે, તાતા સ્ટીલ, યુપીએલ નહીંવત્ સુધર્યા હતા.
અદાણી પોર્ટ્સ પોણાત્રણ ટકા ગગડીને નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતો. સેન્સેક્સ ખાતે ડૉ. રેડ્ડીઝ લૅબ સાડાત્રણ ટકા કે ૧૬૨ રૂપિયા તૂટીને ૪૩૦૯ બંધ આપી ટૉપ લૂઝર બન્યો છે. જોકે નિફ્ટી ખાતે આ કાઉન્ટર ૨.૧ ટકા કે ૯૪ રૂપિયાના ઘટાડે ૪૩૭૫નો બંધ બતાવતું હતું. અન્યમાં મહિન્દ્ર, ભારત પેટ્રો, એશિયન પેઇન્ટ્સ, ટીસીએસ, બજાજ ઑટો, સ્ટેટ બૅન્ક, અપોલો હૉસ્પિટલ્સ, ગ્રાસિમ, કોલ ઇન્ડિયા, અદાણી એન્ટર, ટાઇટન, પાવરગ્રિડ દોઢ ટકાથી લઈ અઢી ટકા કપાયા હતા. રિલાયન્સ દોઢા કામકાજમાં અડધો ટકો ઘટીને ૨૫૬૫ થયો છે. અદાણી પાવર સવાબે ટકા નરમ તો અદાણી ગ્રીન એક ટકો પ્લસ હતા. ગઈ કાલે પણ અદાણી ગ્રુપના ૧૦માંથી ૮ શૅર ઘટ્યા છે. ઝી ગ્રુપની ઈપીએલ (જૂની એસ્સેલ પ્રોપેક) આશરે બારેક ગણા કામકાજમાં સવાચૌદ ટકાની તેજીમાં ૧૯૧ બંધ આપી એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બની છે, તો જીએમએમ ફોડલર પ્રમોટર્સના ઑફલોડિંગમાં ૧૪.૯ ટકા કે ૨૮૭ રૂપિયા તૂટી વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે.
શુગર ઉદ્યોગના તમામ ૩૮ શૅર વધીને બંધ, ખાતર શૅર મજબૂત
શુગર શૅર આજકાલ ડિમાન્ડમાં છે. ખરાબ બજારે પણ ગઈ કાલે ઉદ્યોગના તમામ ૩૮ શૅર મીઠા થયા છે. સર શાદીલાલ ૨૦ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૫૧ વટાવી ગયો છે. સિમ્ભોલી, શક્તિ અને રાજશ્રી શુગરમાંય ૨૦ ટકાની તેજીની સર્કિટ હતી. ઉગર શુગર ૧૬.૯ ટકા, મવાણા શુગર ૧૬ ટકા, રાણા શુગર અને કેસીપી શુગર ૧૪.૮ ટકા, પોની ઇરોડ તથા બજાજ હિન્દુસ્તાન ૧૦-૧૦ ટકા, વિશ્વરાજ સવાનવ ટકા, પિકાડેલી પોણાનવ ટકા, કેએમ શુગર સવાઆઠ ટકા, ઉત્તમ શુગર ૫.૮ ટકા, ધામપુર અને દાલમિયા શુગર સાડાપાંચ ટકા ઊંચકાયા છે. રાવલગાંવ, દાવણગેરે, ઘરણી શુગર, એસબીઈસી શુગર તથા હનુમાન શુગરમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ હતી. રેણુકા શુગર સાડાત્રણ ટકા વધી ૫૯ ઉપર ગઈ છે.
ખાતર ઉદ્યોગના ૧૩ શૅર વધ્યા છે, સાત જાતો ઘટી છે. મદ્રાસ ફર્ટિ બૅક-ટુ-બૅક ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારીને ૮૮ની નવી ટોચે ગયો છે. ફૅક્ટ ૨૦ ટકાની તેજીમાં ૨૬૮ની નવી ઊંચી સપાટીએ બંધ હતો. નૅશનલ ફર્ટિસ દસ ટકા ઊછળી ૭૬, તો શિવા ઍગ્રો ૧૨ ટકાના જોરમાં ૧૧૪ નજીક બંધ આવ્યા છે. નાગાર્જુના ફર્ટિ.માં પાંચ ટકાની ઉપલી સર્કિટ હતી. સ્પીક સવાછ ટકા, મૅન્ગલોર ફર્ટિ. સાડાચાર ટકા, ભારત ઍગ્રો પોણાબે ટકા અપ હતા. ઝુઆરી ઍગ્રો અઢી ટકા, કોરોમંડલ સવાબે ટકા, આરસીએફ બે ટકા ઘટ્યા છે.
એચડીએફસી બૅન્ક સિવાય તમામ ૧૯ પ્રાઇવેટ બૅન્કો રેડ ઝોનમાં બંધ
ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડામાં ૨૭૯ પૉઇન્ટ કે ૦.૬ ટકા ઘટ્યો છે, જ્યારે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી એક શૅર પ્લસ આપીને ૨.૯ ટકા કટ થયો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૭માંથી ૩ શૅર વધ્યા છે. યુકો બૅન્ક ૩૮ની નવી ટોચે જઈ ૨.૪ ટકાની આગેકૂચમાં ૩૬ હતો. સૂર્યોદય સ્મૉલ બૅન્ક ૪.૪ ટકા વધી ૧૨૪ હતો. ધનલક્ષ્મી બૅન્ક ૯.૪ ટકા તૂટ્યો છે. કર્ણાટક બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, યસ બૅન્ક, પીએનબી, સેન્ટ્રલ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, યુનિયન બૅન્ક, પંજાબસિંધ બૅન્ક, સીએસબી, આઇઓબી ૪થી ૬ ટકા ગગડ્યા હતા. ખાનગી ક્ષેત્રની ૨૦ બૅન્કોમાંથી ગઈ કાલે ૧૯ બૅન્કો ડાઉન હતી. માત્ર એચડીએફસી બૅન્ક અડધો ટકો વધી હતી.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૭માંથી ૧૧૧ શૅરની નરમાઈમાં પોણો ટકો નરમ હતો. પીએનબી હાઉસિંગ ૫.૯ ટકા ખરડાઈ ૪૬૭ હતો. એલઆઇસી વધુ ૨.૮ ટકા બગડીને ૬૮૮ રહ્યો છે. પેટીએમ પોણો ટકો ઘટી ૫૨૮, નાયકા દોઢ ટકો ઘટી ૧૬૮, સ્ટાર હેલ્થ બે ટકા ઘટી ૫૮૭, જનરલ ઇન્શ્યૉરન્સ ૫.૮ ટકા ગગડી ૧૬૬, ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ બે ટકાના ઘટાડે ૧૨૩ બંધ હતા. પૉલિસી બાઝાર સવાબે ટકા વધીને ૪૬૩ રહ્યો છે. ક્રેડિટ એક્સેસ ૪ ટકા બગડ્યો છે. હુડકો ૪.૬ ટકાની નબળાઈમાં ૫૪ નીચે ગયો હતો.
જીએમએમ ફોડલરમાં ૨૮૭ રૂપિયાનો કડાકો, સ્ટાર હાઉસિંગ ૧૦ ટકા ઊંચકાઈ
ગુજરાતના કરમસદ ખાતેની જીએમએમ ફોડલરમાં સહ-પ્રમોટર તરીકે ૩૧.૯ ટકા હોલ્ડિંગ ધરાવતી ફોડલરે ૨૯.૯ ટકા હિસ્સો શૅરદીઠ ૧૭૦૦ની ફ્લોર પ્રાઇસ સાથે બ્લૉક ડીલ મારફત વેચવા કાઢતાં શૅર શુક્રવારે નીચામાં ૧૫૭૫ થઈ ૧૪.૯ ટકા કે ૨૮૭ રૂપિયાના કડાકામાં ૧૬૪૪ બંધ રહ્યો છે. ફેસવૅલ્યુ બેની છે. સ્ટાર હાઉસિંગ શૅરદીઠ એક બોનસ અને ૧૦ના શૅરના પાંચમાં વિભાજનમાં એક્સ-બોનસ તથા એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે ૬૦ના બેસ્ટ લેવલે જઈ ૧૦.૨ ટકાની તેજીમાં ૫૫ જોવા મળ્યો છે. ગ્લોસ્ટાર લિમિટેડ શૅરદીઠ એક્સ-બોનસમાં બોનસ બાદ થતાં ઉપરમાં ૯૧૩ થયા પછી દોઢ ટકો વધી ૮૭૯ હતો, જ્યારે સીએલ એજ્યુકેટ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસમાં ૬.૮ ટકાની મજબૂતીમાં ૮૧ થયો છે. એસટી કૉર્પોરેશન ૧૦ના શૅરના બેમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૬૦ ઉપર દેખાયો છે. લેન્સર કન્ટેનર્સ ૧૦ના શૅરના પાંચમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ઉપરમાં ૨૪૩ થઈ પાંચ ટકા ઊંચકાઈ ૨૩૬ હતો. અંજની પોર્ટલૅન્ડ એક્સ-રાઇટ થતાં ૨.૩ ટકા ઘટી ૨૨૧ તો રાજસ્થાન સ્પિનિંગ મિલ્સ એક્સ-રાઇટ થતાં ૫.૩ ટકા ઘટી ૨૧૬ નજીક બંધ આવ્યો છે. સાર્થક ઇન્ડ. ત્રણ શૅરદીઠ એક બોનસમાં ૨૦મીએ બોનસ બાદ થશે. ભાવ અઢી ટકા ઘટી ૧૬૫ બંધ હતો.