શૅરબજારમાં એકમાત્ર ટ્રમ્પ જ ટ્રમ્પ કાર્ડઃ ટૅરિફ-યુદ્ધ પૂરું થયું હોવાના ભ્રમમાં રહેવાય નહીં
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શૅરબજાર સહિત હાલ રોકાણનાં તમામ સાધનો ટ્રમ્પના નિર્ણયોના આધારે પોતાની ચાલ નક્કી કરી રહ્યાં છે. જોકે એ પણ કામચલાઉ હોઈ શકે, કેમ કે ટ્રમ્પ ગમે ત્યારે પલટી મારી શકે. હાલ બજારમાં વૉલેટિલિટી અને અનિશ્ચિતતાનું શાસન ચાલુ રહેશે. રોકાણકારે પૅનિકમાં કે ઉત્સાહના અતિરેકમાં આવીને નહીં, બલકે સાવચેતી સાથે પોતાના નિર્ણયો લેવામાં સમજદારી ગણાશે. ટ્રમ્પે જગતને અને વિશાળ રોકાણકાર વર્ગને બહુ મોટો સબક આપ્યો છે. સમજશે તે સ્માર્ટ ઇન્વેસ્ટર, બાકી ટોળાના રોકાણકાર બની રહેશે
ડોનલ્ડ ટ્રમ્પ આપણા કન્ટ્રોલમાં છે? અમેરિકાની કે ચીનની ઇકૉનૉમી કે ગ્લોબલ ઇકૉનૉમી અને ગ્લોબલ-ફૉરેન ઇન્વેસ્ટર્સ આપણા કન્ટ્રોલમાં છે? ઓકે, બન્ને આપણી હદની બહુ-બહુ પાર છે, તો શું ભારતની ઇકૉનૉમી આપણા અંકુશમાં ખરી? આપણું શૅરબજાર આપણી મરજી કે અનુકૂળતા મુજબ વધઘટ કરે? રિઝર્વ બૅન્ક, નાણાનીતિ, વિશ્વ વેપાર, કૉર્પોરેટ્સનાં પરિણામ આપણા હાથમાં છે? તમે કહેશો, આ અમે કેવા વિચિત્ર સવાલ કરીએ છીએ, પરંતુ આ સવાલ એટલા માટે છે કે જે બાબત કે ઘટના આપણા કન્ટ્રોલમાં જ નથી એનાં પરિણામ આપણા હાથમાં કઈ રીતે હોઈ શકે? અને જો પરિણામ આપણા હાથમાં ન હોય તો આપણે એમાં કરી પણ શું શકીએ? બસ આટલી સાદી વાત સમજાઈ જાય તો અત્યારની આપણા શૅરબજારની સ્થિતિ સમજાઈ શકે અને જો એ સમજાય તો આપણા રોકાણ-નિર્ણય આપણા કન્ટ્રોલમાં રહી શકે. અન્યથા આપણે માત્ર સમાચારો-વાતો-અફવાઓથી દોરવાતા જઈશું અને સમજણ વિનાના રોકાણ-નિર્ણય લેતા રહીશું.
ADVERTISEMENT
વૉલેટિલિટી અને અનિશ્ચિતતા
આપણે તાજેતરમાં જ ચર્ચા કરી હતી કે જ્યાં સુધી અનિશ્ચિતતા ચાલતી રહેશે ત્યાં સુધી શૅરબજાર ઝંપીને બેસી શકશે નહીં, એની વૉલેટિલિટી ચાલતી રહેશે. કરેક્શન અને રિકવરીની ચાલ માર્ગદર્શન આપવાને બદલે ગેરમાર્ગે વધુ દોરી શકે છે. આ સમય હજી પણ વેઇટ ઍન્ડ વૉચનો ગણાય. ગયા બુધવારે મોડી સાંજે જાહેર થયેલા અહેવાલ મુજબ ટ્રમ્પે જે દેશો તેમની સામે અવાજ ઉઠાવતા નથી એમની સામે અમેરિકા આકરું નહીં બને. અર્થાત્, એકમાત્ર ચીને અમેરિકાને લલકારતાં અમેરિકાએ ચીનની સામે વધુ કડક વલણ નક્કી કરી એની સામે ૧૦૦ ટકાથી પણ વધુ ટૅરિફ લાગુ કરી દીધી, જેની સામે ઠંડું પડવાને બદલે ચીન વધુ આકરું બનતાં હવે આ બે દેશની લડાઈ ઉગ્ર બનવા તરફ આગળ વધી છે. બીજી બાજુ ટ્રમ્પે બાકીના તમામ દેશો માટે રેસિપ્રોકલ ટૅરિફ લાગુ કરવાની બાબતને ૯૦ દિવસ માટે સ્થગિત કરી દીધી અને ગ્લોબલ સિનારિયો બદલાઈ ગયો. જોકે અમેરિકાને જેની સામે વાંધો છે એવા કૅનેડા અને મેક્સિકો સામે પણ ટૅરિફ હાઈ રાખવામાં આવી છે. યાદ રહે, અમેરિકા-ચીનનું ટૅરિફ-યુદ્ધ પણ વિશ્વને મોંઘું પડી શકે છે. ટ્રમ્પની એકેક જાહેરાત આંચકા આપી શકે છે, સારા પણ અને નરસા પણ.
જોકે ટ્રમ્પના ૯૦ દિવસના પોઝથી અત્યારે શૅરબજારોએ દિશા બદલી નાખી નેગેટિવમાંથી પૉઝિટિવ થયાં છે, નવી આશા જાગી છે, જાણે વેપાર-યુદ્ધ ટાઢું પડ્યું, ટળી ગયું કે પછી નરમ પડ્યું. હાલ તો મોટી ઘાત ટળી એવો માહોલ બની ગયો. નાના-મોટા રોકાણકારોને, કંપનીઓને-ઉદ્યોગોને પણ સમય મળી ગયો છે, કારણ કે આગળ ટ્રમ્પ શું કરવાના છે એ કોઈ જાણતું નથી. ટ્રમ્પ ગમે ત્યારે કેવી પલટી મારે છે એનો જબરદસ્ત અનુભવ થઈ ગયો. શું આ બાબત પણ કોઈના કન્ટ્રોલમાં હતી? અરે ખુદ ટ્રમ્પના અંકુશમાં હતી કે કેમ એ પણ સવાલ છે, કારણ કે ટ્રમ્પ પર અમેરિકામાંથી જ ભારે દબાણ આવ્યું, કેમ કે યુદ્ધમાં ઘાયલ તો અમેરિકા પણ થવાનું છે. હાલ ટ્રમ્પ પોતે જ બજારો માટે ટ્રમ્પ-કાર્ડ સમાન બની ગયા છે. તેમનાં નિર્ણયો અને નિવેદનો માર્કેટને વૉલેટાઇલ રાખશે.
બજારની દિશા માટે રાહ જોવી પડે
હવે પછી પણ શૅરબજાર ઘટવાનું બંધ કરી દેશે કે વધવાનું ચાલુ રાખશે એમ કહી શકાય નહીં, પરંતુ રોકાણકારોએ સતત નિરીક્ષણ કરતાં રહી ભાવિ સંભાવનાને ચકાસતાં રહેવું પડે, યોગ્ય સલાહ લેવી પડે. સંભવિત જોખમોના નિર્ણયને સમજીને પોતાની વ્યૂહરચના ઘડવી પડે. આ બધું જેમને ફાવે એમ ન હોય તેમણે માત્ર મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓમાં રહેવું જોઈએ અને આંશિક રોકાણ ગોલ્ડ-સિલ્વરમાં રાખવું જોઈએ. આ રોકાણ માટે એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) જેવાં સાધનો ઉપલબ્ધ છે. ટાઇમ બીઇંગ નાણાં ઉપાડીને બૅન્ક-FDમાં મૂકી શકાય, કેમ કે બજારની દિશા શું બનશે એ સમજવા માટે રાહ જોવી પડશે. ભારતીય રોકાણકારોએ ગ્લોબલ સાથે સ્થાનિક ઇકૉનૉમી પર પણ નજર રાખવી જોઈશે. ભારત સરકારનાં પગલાં શું રહે છે એ સમજવાં જોઈશે. સ્વબળ પર ચાલતી સ્થાનિક કંપનીઓનો અભ્યાસ વધારી એને રોકાણ માટે તારવવી જોઈએ. રિઝર્વ બૅન્કે નાણાનીતિની જાહેરાતમાં રેપો રેટ પચીસ બેસિસ (પા ટકા) ઘટાડીને પ્રવાહિતા વધારવાનો પ્રયાસ કર્યો છે. હવે રિઝર્વ બૅન્કને ઇન્ફ્લેશન કરતાં ગ્રોથની ચિંતા વધુ છે. ભારતના અર્થતંત્રનો વિકાસ ધીમો પડવાની શક્યતાના સંજોગો વધી રહ્યા છે. આ સંકેત ભારત માટે બહુ નિરાશાજનક ગણાય નહીં.
બજાર ટ્રમ્પના આધારે વધ-ઘટ કરશે
વીતેલા સપ્તાહની વધ-ઘટ પર નજર કરીએ તો બજારે હેવી કરેક્શન અને એની તુલનાએ ઓછી રિકવરીના અનુભવ કરાવ્યા છે. અલબત્ત, ગયા ગુરુવારે બજાર રજાને કારણે બંધ રહ્યા બાદ ટ્રમ્પના નિર્ણયની અસરે શુક્રવારે રિકવરી જોરદાર રહી, જેનું એક કારણ વિદેશી રોકાણકારોની શૉર્ટ પોઝિશનને વાઇન્ડિંગ-અપ કરવાનું હતું અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આક્રમક ખરીદીનું હતું. સેન્સેક્સ અને નિફ્ટીએ આંખે ઊડીને વળગે એવો સુધારો દર્શાવતાં લોકોમાં હવે બજાર પૉઝિટિવ રહેશે એવી હવા ફરતી થઈ છે, પરંતુ આ એક ભ્રમ સાબિત થાય એમ છે, કેમ કે ૯૦ દિવસના પોઝથી ટૅરિફ-યુદ્ધ પૂરું થયું નથી, બલકે ચીન સહિતના દેશો સાથે વધુ વકર્યું છે. આ ઉપરાંત એ વાત પણ યાદ રાખવી જોઈશે કે હાલ બજાર ફન્ડામેન્ટલ્સ પર નહીં, પણ ટ્રમ્પના નિર્ણયોના આધારે વધ-ઘટ કરી રહ્યું છે જેથી સમગ્ર બજારની નજર સતત ટ્રમ્પ પર રહેશે, વિદેશી રોકાણકારોના માનસ અને પ્રવાહ પર રહેશે, ચીનના હવે પછીના પ્રત્યાઘાત પર રહેશે.
ચીને અમેરિકા સામે લડાઈની સાથે-સાથે સમાધાનના પ્રયાસ પણ શરૂ કર્યા છે. જોકે ટ્રમ્પ ઝુકેગા નહીં સાલાની જેમ પુષ્પાના મૂડમાં વધુ છે. જોકે પુષ્પા તો ફિલ્મ હતી, અહીં રિયલ લાઇફ છે અને સામે ચીન જેવો શક્તિશાળી દેશ છે. વાસ્તવમાં ટ્રમ્પને તેના આ નિર્ણયો મોંઘા પડી શકે છે એનું ભાન તેમને જેટલું ઝડપી સમજાઈ જાય એટલું વિશ્વ માટે પણ સારું. ૯૦ દિવસ બાદ પણ ખરેખર શું થશે એ પણ કોઈ જાણતું નથી, કુછ ભી હો શકતા હૈ.
હવે ઇન્વેસ્ટર્સે પોતાના નિર્ણય માટે શું કરવું?
હવે શું કરવું? એ સવાલ પર રોકાણકારોએ વિચારણા કરવી જોઈશે, જેમણે પૅનિકમાં આવી ગયા સપ્તાહના આરંભમાં જ શૅરો વેચી દીધા તેમને શું થતું હશે? શું આ નિર્ણય યોગ્ય હતો? હા, એ સમયે યોગ્ય લાગ્યો હોઈ શકે, પરંતુ હવે? ખૈર, એટલે જ શૅરબજારમાં ધીરજ અને સંયમ જરૂરી બને છે. એથી જ શૅરબજારમા લાંબા ગાળાના રોકાણનું મહત્ત્વ છે. આ જ બાબત મ્યુચ્યુઅલ ફન્ડ્સને પણ લાગુ પડે. હજી સપ્તાહ પહેલાં સલાહકારો, નિષ્ણાતો અને ઍનલિસ્ટ વર્ગ, ઇન્ફ્લ્યુન્સર વર્ગ, ગ્લોબલ ગુરુઓ પણ ડઘાઈને કહેવા લાગ્યા હતા કે પોર્ટફોલિયો રિવ્યુ કરો, ઇક્વિટીને બદલે ડેટ સાધનો-ફિક્સ્ડ ઇન્કમ તરફ વળો, સોનામાં રોકાણ કરો. આ વાત ખોટી કે ગેરમાર્ગે દોરનારી હતી એમ કહી શકાય નહીં, પણ સંજોગો આટલી હદ સુધી બદલાશે એ કોઈ કળી શક્યું નહોતું. જોકે આ કોઈ કળી શકે એમ પણ નહોતું, ટ્રમ્પના આ બદલાયેલા નિર્ણય સામે ઇન્સાઇડર ટ્રેડિંગની શંકા પણ ચર્ચામાં આવી છે. આમ હજી પણ વેઇટ ઍન્ડ વૉચ જરૂરી છે.
ફાઇટના શોખીન છે ડોનલ્ડ ટ્રમ્પ
ટૅરિફના મામલે આખા જગત સાથે પહેલાં લડવા પર ઊતરી આવેલા અને પછી બીજાબધાને રાહત આપીને ચીન સામે બાથ ભીડી રહેલા ડોનલ્ડ ટ્રમ્પ શનિવારે માયામીમાં એક ફાઇટિંગ ચૅમ્પિયનશિપની મૅચ જોવા ગયા હતા. એ વખતે તેમની સાથે ઈલૉન મસ્ક અને ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ભારતીય મૂળના ડિરેક્ટર કૅશ પટેલ પણ હતા.
વિશેષ ટિપ
જે રોકાણકારો માત્ર શૅરબજારની ચાલ જોવાને બદલે શિસ્તબદ્ધ રોકાણ કરવાનો અભિગમ રાખે છે તેમને આવા અનિશ્ચિતતાના સમયમાં બહુ ભય લાગતો નથી, જ્યારે કે આવા સમયમાં ટ્રેડર્સ, સ્પેક્યુલેટર્સ અને શૉર્ટ ટર્મના વર્ગને સતત ડર લાગે છે. શિસ્તબદ્ધ રોકાણકારો પોતાના નિર્ણયને કન્ટ્રોલ કરી શકે છે.

