નવા વાઇરસનો ડર ઓછો થતાં બજારની ગાડી પાટે ચડી : પારસ ડિફેન્સને લાઇટ મશીનગનનું લાઇસન્સ મળતાં ૧૦ ટકાની અને મર્જરની મંજૂરીએ ઇક્વિનોક્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટે, ઓએનજીસીમાં બ્રોકરેજો આશાવાદી પણ ઝોમાટોમાં નિરાશાવાદી
માર્કેટ મૂડ
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સોમવારે મંદીનાં મોજાંને અનુભવ્યા પછી મંગળવારે પ્રમાણમાં બજારને પગ આવ્યા હતા. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.71 ટકા વધીને બંધ રહ્યો એની સરખામણીએ આપણો નિફ્ટી ફિફ્ટી માત્ર 0.39 ટકા વધ્યો હતો. એશિયન બજારોમાં સૌથી વધુ સુધારો જપાનના નિક્કી 225 ઇન્ડેક્સમાં 2 ટકાનો જોવા મળ્યો હતો. હૉન્ગકૉન્ગનો હૅન્ગસેંગ સૌથી વધુ સવા ટકો ઘટ્યો હતો. જોકે એશિયાનાં 8 મહત્ત્વનાં બજારોમાંથી 7 સુધરીને બંધ રહ્યાં હતાં. આવા મિશ્ર ચિત્ર વચ્ચે નિફ્ટી 23,616ના પ્રીવિયસ બંધ સામે 23,679 ખૂલી સવારે પોણાદસ સુધીમાં 23,795નો હાઈ નોંધાવી, થોડા સમયમાં જ 23,637ના લો સુધી ગયા પછી 70 પૉઇન્ટની સાંકડી રેન્જમાં બાકીનો સમય પસાર કરી છેવટે 92 પૉઇન્ટ વધી 23,708 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સનો ટૉપ ગેઇનર ઓએનજીસી પોણાચાર ટકાના સુધારા સાથે 264 રૂપિયા બંધ થયો હતો. વૈશ્વિક બ્રોકરેજ સીએલએસએએ ઓએનજીસીનું ટાર્ગેટ 360 રૂપિયા મૂકી એને હાઈ કન્વિક્શન સ્ટૉક ગણાવ્યો એ રિપોર્ટની અસર જોવાતી હતી. આ ટાર્ગેટે વર્તમાન સ્તરેથી 36-37 ટકાનો લાભ થઈ શકે એવી ગણતરીએ લેવાલી નીકળી હતી. અન્ય બ્રોકરેજ જેફરીસે ટોચના ભાવથી આવેલું 30 ટકાનું કરેક્શન પૂર્ણ થયું હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આ સ્ટૉકને કવર કરનારા ત્રીસેક ઍનલિસ્ટોમાંથી વીસેકે બાય રેટિંગ આપ્યું છે. એસબીઆઇ લાઇફ અને એચડીએફસી લાઇફ પણ 2.62 ટકા અને 2.31 ટકા વધી અનુક્રમે 1472 અને 620 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. એસબીઆઇ લાઇફની બોર્ડ મીટિંગ ડિસેમ્બર ત્રિમાસિકનાં પરિણામોના વિચારણાર્થે 17મી જાન્યુઆરીના રોજ મળશે. તાતા મોટર્સ અને અદાણી એન્ટરપ્રાઇઝ બન્ને બે ટકા સુધરી 792 અને 2525 રૂપિયા આસપાસ બંધ હતા. સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સ (સિઆમ) દ્વારા જાહેર થનારા કંપનીના ઉત્પાદન, સ્થાનિક વેચાણ અને નિકાસના વિગતવાર આંકડાઓની એક્સચેન્જને જાણ કરાઈ એની અસરે આ સુધારો થયો હોવાનું મનાય છે. અદાણી એન્ટરપ્રાઇઝે થાઇલૅન્ડની ઇન્ડોરામા રિસોર્સિસ સાથે 50-50 ટકાના સંયુક્ત સાહસમાં વાલોર પેટ્રોકેમિકલ્સ સ્થાપી હોવાની જાણ એક્સચેન્જને કરી હતી. નિફ્ટીના લુઝર્સમાં ટ્રેન્ટ 2.20 ટકા ઘટી 6844 રૂપિયા, એચસીએલ ટેક પોણાબે ટકાના નુકસાને 1916 રૂપિયા, ટીસીએસ દોઢ ટકો ડાઉન રહી 4031 રૂપિયા, આઇશર મોટર દોઢ ટકો ઘટી 5175 રૂપિયા અને ટેક મહિન્દ્ર 1 ટકાના લોસે 1669 રૂપિયાના સ્તરે બંધ હતા. મંગળવારે સેન્સેક્સ 0.30 ટકા, 234.12 પૉઇન્ટ્સ વધી 78,199 બંધ હતો. સોમવારના 77,964ના બંધ સામે સેન્સેક્સ 78,019 ખૂલી વધીને 78,452 અને ઘટીને 77,925 થઈ આ સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના વાયદાવાળા પાંચ ઇન્ડેક્સમાંથી એકમાત્ર નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 0.09 ટકાના મામૂલી ઘટાડાએ 66,938 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સનો પ્રતિનિધિ ઝોમાટો પાંચ ટકા તૂટી 251 રૂપિયા થઈ ગયો હતો. જેફરીસનો નિરાશાવાદ હમણાં તો મૉર્ગન સ્ટેન્લીના આશાવાદને બ્રેક મારી રહ્યો છે. ઇન્ફો એજ પણ સાડાચાર ટકા તૂટી 8424ના લેવલે બંધ હતો. કંપનીએ ત્રિમાસિક અને નવમાસિક અપડેટ આપ્યા એ બજારની અપેક્ષા મુજબ ન હોવાની સંભાવના છે. ડીમાર્ટ પોણાત્રણ ટકા ઘટી 3828 રૂપિયા અને વરુણ બેવરેજિસ તથા ટીવીએસ મોટર બન્ને પોણાબે ટકા ઘટી અનુક્રમે 619 અને 2371 રૂપિયાની સપાટીએ બંધ થયા હતા. સુધરવામાં ઝાયડ્સ લાઇફ સવાચાર ટકા વધી 1002 રૂપિયા થયો હતો. સીવીએસ કૅરમાર્ક (ન્યુ યૉર્ક સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટેડ) સાથે એની અમુક ટૅબ્લેટ્સ સીવીએસ કૅરમાર્કની ટેમ્પલેટ ફોર્મ્યુલરીમાં ઉમેરાય એ માટેના કરાર કર્યાની જાહેરાત કરી એની સાનુકૂળ અસર થઈ હતી. આઇસીઆઇસીઆઇ જનરલ ઇન્શ્યૉરન્સ 3.61 ટકાના ગેઇને 1878 રૂપિયા, અદાણી ગ્રીન 2.64 ટકા વધી 1008 રૂપિયા, ભેલ 2.13 ટકા સુધરી 224.5 રૂપિયા અને અદાણી પાવર બે ટકાના ફાયદાએ 508 રૂપિયાના સ્તરે બંધ હતા. મિડકૅપ સિલેક્ટ 0.34 ટકા વધી 12,739ના સ્તરે બંધ હતો. આ ઇન્ડેક્સના 11 શૅરો વધ્યા હતા. જોકે ટૉપ પાંચ ગેઇનર્સનો વધારો 1.19થી 2.69 ટકાના દાયરામાં સીમિત હતો. એ જ રીતે ટૉપ 5 ઘટનારાનો ઘટાડો પણ 0.83 થી 1.30 ટકાની લિમિટમાં હતો. એનએસઈના માત્ર એક જ ઇન્ડેક્સ માઇક્રોકૅપ 250એ બે ટકા ઉપરાંતનો 2.22 ટકા ગેઇન દર્શાવ્યો હતો. એનો પ્રતિનિધિ ઇક્વિનોક્સ ઇન્ડિયા ડેવલપમેન્ટ્સ 20 ટકાની ઉપલી સર્કિટે 143.58 રૂપિયા બંધ રહ્યો હતો. આ શૅરનો ઉલ્લેખ શનિવારના માર્કેટ મૂડમાં સાપ્તાહિક સિતારાના બૉક્સમાં કર્યો હતો. નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલે બે કંપનીઓને ઇક્વિનોક્સમાં મર્જ કરવાની મંજૂરી આપી હોવાનું સ્ટૉક એક્સચેન્જને ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું. અન્ય પ્રતિનિધિ શૅરોમાં સ્પંદના સ્ફૂર્તિ પણ 20 ટકાની ઉપલી સર્કિટે 401 રૂપિયાના સ્તરે બંધ હતો. પારસ ડિફેન્સને લાઇટ મશીનગનના ઉત્પાદનનું લાઇસન્સ મળ્યાના સમાચારે 10 ટકાની ઉપલી સર્કિટે 1066 રૂપિયા રહ્યો હતો. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ 1.94 ટકા સુધર્યો એમાં પારસ ઉપરાંત ભારત ડાયનેમિક્સના સાડાચાર ટકાના સુધારા સાથે 1182 રૂપિયાના બંધનું તથા એમટાર ટેક્નૉલૉજીઝ 1728 રૂપિયાની સાડાત્રણ ટકાની વૃદ્ધિનું પણ યોગદાન હતું. બૅન્ક નિફ્ટી અડધો ટકો સુધરી 50,202ના સ્તરે વિરમ્યો હતો. નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ પણ 0.48 ટકાના ગેઇને 23,430 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સનો એમસીએક્સ 3.38 ટકા વધી 6010 રૂપિયા થઈ ગયો હતો. ડિફેન્સિવ ગણાતો નિફ્ટી આઇટી ઇન્ડેક્સ મંગળવારે વધુ 0.68 ટકા ઘટી 43,375 અને ડિજિટલ ઇન્ડેક્સ પોણો ટકો ઘટી 9597 બંધ રહ્યા હતા. વાઇરસના સ્પ્રેડનો ડર ઓછો થવાની અસરે ફાર્મા અને હેલ્થકૅર શૅરોએ પીછેહઠ કરી હતી. નિફ્ટી પ્રતિનિધિ અપોલો હૉસ્પિટલ 7430 રૂપિયાના અને મેટ્રોપોલીસ 2037 રૂપિયાના સ્તરે ઠેરના ઠેર હતા. થાયરોકૅર 7 ટકા તૂટી 947 રૂપિયા, ડૉ. લાલપથ લૅબ વધુ સાડાત્રણ ટકા સુધરી 3109 રૂપિયા બંધ હતા.
નિફ્ટીના 50માંથી 32, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના 50માંથી 33, મિડકૅપ સિલેક્ટના 25માંથી 11, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 12 અને બૅન્ક નિફ્ટીના 12માંથી 9 શૅરો વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના 30માંથી 21 શૅરો અપ હતા. એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન વધીને 438.71 (435.78) લાખ કરોડ રૂપિયાના સ્તરે તો બીએસઈ લિસ્ટેડ શૅરોનું 441.75 (438.79) લાખ કરોડ રૂપિયા હતું. એનએસઈના 2899 ટ્રેડેડ શૅરોમાંથી 2076 તથા બીએસઈના 4086 ટ્રેડેડ શૅરોમાંથી 2603 વધીને બંધ આવતાં માર્કેટ બ્રેડ્થ સુધરી હતી. એનએસઈ ખાતે 47 અને બીએસઈમાં 131 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 71 અને 101 શૅરો 52 વીક લો પર હતા. એનએસઈના 113 શૅરો ઉપલી સર્કિટે અને 61 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
આવતી કાલથી આઇટી શૅરોનાં રિઝલ્ટની મોસમ શરૂ
9મી ને ગુરુવારથી ટીસીએસથી આઇટી શૅરોનાં ડિસેમ્બર ત્રિમાસિક પરિણામોની મોસમ શરૂ થશે. ઍનલિસ્ટો એચસીએલ ટેક્નૉ સૌથી વધુ 4 ટકા ક્વૉર્ટર ઑન ક્વૉર્ટર ગ્રોથ થવાની ધારણા રાખે છે. બાકીની બધી મુખ્ય આઇટી કંપનીઓનો આવો ગ્રોથ એક ટકાથી પણ નીચો રહેશે એવું એમનું અનુમાન છે. ઇન્ફોસિસ ગાઇડન્સ વધારે છે કે નહીં એના પર સૌની નજર રહેશે.
FIIની નેટ વેચવાલી ઘટી
મંગળવારે એફઆઇઆઇની 1491.46 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. સામે ડીઆઇઆઇની 1615.28 કરોડ રૂપિયાની નેટ લેવાલી હતી. આમ કૅશ સેગમેન્ટમાં સમગ્રતયા 123.82 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી.
આ છ શૅરો 31મીથી એનએસઈના વાયદાની યાદીમાં
(1) કૅસ્ટ્રોલ
(2) ગ્લેન્ડ ફાર્મા
(3) એનબીસીસી
(4) ફોનિક્સ મિલ્સ
(5) સોલર ઇન્ડસ્ટ્રીઝ
(6) ટૉરન્ટ પાવર