આજનાં રિઝલ્ટ પૂર્વે ICICI બૅન્ક ટકેલો, ડૉ. રેડ્ડીઝ લૅબ પાંચ ટકા તૂટ્યો ટ્રેન્ટ વધુ ચાર ટકા ઘટ્યો, ડેમ કૅપિટલ આઇપીઓ ભાવથી નીચે : સુધારાના પંથથી મધ્યાહ્ને બજારનો યુટર્ન, હાઈથી નિફ્ટી ૩૦૦ પૉઇન્ટ્સ ડાઉન
માર્કેટ મૂડ
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બાર વાગ્યે બાવો બોલે એમ 23,092ના સ્તરે ખૂલી વધીને 23,347 સુધી બપોરે બાર આસપાસ માંડ-માંડ પહોંચેલો નિફ્ટી એ લેવલથી સતત ઘટી 23,050 થઈ દૈનિક 113 પૉઇન્ટ્સ, 0.49 ટકા ગુમાવી 23,092 બંધ થયો હતો. સાપ્તાહિક ઘટાડો 0.48 ટકાના પ્રમાણમાં હતો. બૅન્ક નિફ્ટી અને નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ 0.46 ટકા અને 0.50 ટકાના દૈનિક તો 0.35 ટકા અને 0.42 ટકાના સાપ્તાહિક લોસે અનુક્રમે 48,367 અને 22,513ના સ્તરે બંધ રહ્યા હતા. બીએસઈનો સેન્સેક્સ 0.43 ટકા ગુમાવી 76,190 અને બૅન્કેક્સ દૈનિક 0.42 ટકાના નુકસાને 54,723 બંધ હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ દૈનિક 0.40 ટકા અને સાપ્તાહિક 3.43 ટકા સુધરી 43,524 બંધ હતો. નિફ્ટી નેક્સ્ટ 50 શુક્રવારે દોઢ ટકો અને સાપ્તાહિક પોણાઆઠ ટકા તૂટી 62,494 અને મિડકૅપ સિલેક્ટ દૈનિક પોણો ટકો અને 1 વીકમાં સાડાચાર ટકાનો ભોગ આપી 12,087ના લેવલે આવી ગયા હતા. મિડકૅપ સિલેક્ટના ટૉપ 5 ગેઇનર્સમાં એમ્ફેસિસ 3.16 ટકા વધી 3011 રૂપિયા બંધ હતો. બપોરે રિઝલ્ટ જાહેર થયાં હતાં અને સાંજે સવાપાંચ આસપાસ ઍનલિસ્ટ્સ કૉલની લિન્ક એક્સચેન્જને મોકલાવાઈ હતી. આમ તો પર્ફોર્મન્સમાં સુધારો દેખાયો નહોતો. સામે પક્ષે પોલિકૅબ 5.33 ટકા ઘટી 5917 રૂપિયા અને એચડીએફસી એએમસી 3.24 ટકા ઘટી 3880 રૂપિયા બંધ હતા. નિફ્ટીના 50માંથી 31 શૅરો ઘટ્યા એમાં ગુરુવારે આવેલા ખરાબ પરિણામના પગલે ડૉ. રેડ્ડી 4.90 ટકા તૂટી 1226 રૂપિયા બંધ હતો. ટ્રેન્ટ વધુ 4 ટકાના ઘટાડાએ 5499 રૂપિયા રહ્યો હતો. મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર, અદાણી એન્ટરપ્રાઇજીસ અને બીપીસીએલ ત્રણ-ત્રણ ટકા ઘટી અનુક્રમે 2799 રૂપિયા, 2314 રૂપિયા અને 263 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. આજે પરિણામોની ઘોષણા કરનાર આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકો સુધરી 1213 રૂપિયા બંધ હતો. ઍનલિસ્ટોની ધારણા છે કે ગત ડિસેમ્બર ત્રિમાસિકની તુલનાએ કરવેરા પછીનો નફો 10.3 ટકા વધી આ ડિસેમ્બર ક્વૉર્ટરમાં 11,332 કરોડ રૂપિયા થશે અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ સાડાનવ ટકા વધી 20,461 કરોડ રૂપિયા હશે. નિફ્ટી નેક્સ્ટ 50નો જિયો ફાઇનૅન્શ્યલ 4.67 ટકા ઘટી 244 રૂપિયા, હૅવેલ્સ 4 ટકાના લોસે 1533 રૂપિયા અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશન (આરઈસી) 3.69 ટકા ગુમાવી 446 રૂપિયાના લેવલે આવી ગયા હતા.
ત્રિમાસિક રિઝલ્ટ વન લાઇનર
ADVERTISEMENT
ટૉરન્ટ ફાર્મા : પ્રૉફિટ 13.5 ટકા વધી 503 કરોડ રૂપિયા, શેરદીઠ 26 રૂપિયા ઇન્ટરિમ ડિવિડન્ડ (એક્સચેન્જને જાણ કર્યાનો સમય 16.43, બંધ ભાવ 3248 રૂપિયા (-0.45 ટકા).
ગોદરેજ કન્ઝ્યુમર : ડિસેમ્બર ત્રિમાસિક નેટ પ્રૉફિટ 14.3 ટકા ઘટી 498 કરોડ રૂપિયા, ઍનલિસ્ટોના સરેરાશ અંદાજ 529 કરોડ રૂપિયા કરતાં ઓછો, 5 રૂપિયા વચગાળાનું ડિવિડંડ (16.25, બંધ ભાવ 1130 રૂપિયા (-1.33 ટકા).
ઇન્ટેલેક્ટ ડિઝાઇન : ડિસેમ્બર ત્રિમાસિક નેટ પ્રૉફિટ 35 ટકા વધ્યો, આવક 9 ટકા વધી, નફાનું માર્જિન 7.5 ટકાથી ડબલ થઈ 13 ટકા થયું (15.49, બંધ ભાવ 892 રૂપિયા (-0.67 ટકા).
ફેડ બૅન્ક ફાઇનૅન્શ્યલ સર્વિસિસ : નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 31 ટકા વધી હોવા છતાં નફો 71 ટકા ઘટ્યો (15.32, બંધ ભાવ 95.49 રૂપિયા (+0.51 ટકા).
ડેમ કૅપિટલ : મર્ચન્ટ બૅન્કિંગની આવક લગભગ બમણી, શૅર 283 રૂપિયાના આઇપીઓ ભાવથી નીચે લપસ્યો (15.43, બંધ ભાવ 278 રૂપિયા (-2.37 ટકા).
ઇન્ડિગો :ઃ ગત ત્રિમાસિકમાં 998 કરોડ રૂપિયાની ખોટમાં રહેલી આ ઍરલાઇને ડિસેમ્બર ક્વૉર્ટરમાં 2449 કરોડ રૂપિયાનો નફો કર્યો. જોકે એ વાર્ષિક તુલનાએ 2998 કરોડ રૂપિયાના નફા કરતાં ઓછો છે. (16.03, બંધ ભાવ 4162 રૂપિયા (+0.66 ટકા).
ક્રેડિટ ઍક્સેસ ગ્રામીણ : 100 કરોડ રૂપિયાની ત્રિમાસિક ખોટ, નેટ ઇન્ટરેસ્ટ આવક છ ટકા વધી (17.26, બંધ ભાવ 914 રૂપિયા (-5.88 ટકા).
રિયલ્ટીની રિયલિટી, એક સપ્તાહમાં ઇન્ડેક્સમાં 10 ટકા અને પ્રેસ્ટિજ એસ્ટેટમાં 19 ટકા ડાઉન
શુક્રવારે પૂરા થયેલા સપ્તાહમાં રિયલ્ટી સેક્ટરનો કડદો બોલી ગયો હતો. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ દસ ટકાના સાપ્તાહિક અને 2.31 ટકાના દૈનિક ઘટાડા સાથે 853.55 બંધ હતો. બાવન સપ્તાહના 808.45ના લોથી સાડાપાંચ ટકા જ ઉપર છે. સમીક્ષા હેઠળના સપ્તાહની સ્પીડે ઘટે તો 3 દિવસમાં જ એ લેવલ આવી શકે. આ ઇન્ડેક્સના પ્રતિનિધિ શોભા ડેવલપર્સે શુક્રવારે 1127.05 રૂપિયાનો બાવન વીકનો નવો લો બનાવી દૈનિક સાડાસાત ટકા અને સાપ્તાહિક સાડાઆઠ ટકા ગુમાવી 1130 રૂપિયા બંધ આપ્યું હતું. કંપનીના પાર્ટલી પેઇડ રાઇટ્સ શૅરો ફુલ્લી પેઇડ અપ થવાના પગલે ફ્લૉટિંગ સ્ટૉક વધવાની ગણતરી મુકાતી હતી. મહિન્દ્ર લાઇફસ્પેસે પણ 388.30નો નવો ફિફ્ટી ટૂ વીક લો નોંધાવી સાપ્તાહિક પોણાપાંચ ટકા ઘટી 395 રૂપિયા બંધ આપ્યું હતું. પ્રેસ્ટિજ એસ્ટેટ તો 30મીએ ત્રિમાસિક પરિણામો માટે મળનારી બોર્ડ મીટિંગના એક સપ્તાહ પહેલાં જ સાપ્તાહિક પોણાઓગણીસ ટકાના ગાબડાએ 1240 રૂપિયા થઈ ગયો હતો. શુક્રવારે 7.64 ટકા ડાઉન હતો. બાવન વીક લો 967.30 રૂપિયા છે. ઑબેરૉય રિયલ્ટી, ગોદરેજ પ્રૉપર્ટી અને ડીએલએફ શુક્રવારે ત્રણથી સાડાત્રણ ટકા ઘટી અનુક્રમે 1757.50 રૂપિયા, 2153.50 રૂપિયા અને 692.80 રૂપિયા બંધ હતા. ડીએલએફે સાંજે સાડાછ આસપાસ જાહેર કરેલ ત્રિમાસિક રિઝલ્ટમાં વર્ષાનુવર્ષ તુલનાએ નફો 61 ટકા વધ્યો હતો. જોકે આવકમાં ખાસ ફેરફાર નહોતો અને ગોદરેજ પ્રૉપર્ટીનું ચોથી ફેબ્રુઆરીએ આવશે. જોકે રિયલ્ટી ઇન્ડેક્સનો રેમન્ડ દૈનિક 3.10 ટકા વધી 1533 રૂપિયા અને મેક્રોટેક ડેવલપર્સ પોણાબે ટકા સુધરી 1100 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા.
માર્કેટ કૅપિટલાઇઝેશનમાં પાંચ લાખ કરોડનો ઘટાડો
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન ઘટીને 416.78 (421.81) લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 419.52 (424.64) લાખ કરોડ રૂપિયા હતું. નિફ્ટીના 50માંથી 31, નિફ્ટી નેક્સ્ટના 50માંથી 44, મિડકૅપ સિલેક્ટના 25માંથી 17, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 18, બૅન્ક નિફ્ટીના 12માંથી 10, સેન્સેક્સના 30માંથી 20 અને બૅન્કેક્સના 10માંથી 9 શૅરો ઘટીને બંધ રહ્યા હતા. એનએસઈના 2891 ટ્રેડેડ શૅરોમાંથી 2183 તથા બીએસઈના 4059 ટ્રેડેડ શૅરોમાંથી 3001 માઇનસમાં બંધ થયા હતા. એનએસઈ ખાતે 18 અને બીએસઈમાં 79 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 168 અને 162 શૅરો 52 વીક લો પર હતા. એનએસઈના 60 શૅરો ઉપલી સર્કિટે અને 155 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
આરબીઆઇ ઍક્શનમાં : ત્રણ બૅન્કોને દંડ ફરકાર્યો
રિઝર્વ બૅન્કે કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા અને જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્કોને નાણાકીય સમાવેશ, તમારા ગ્રાહકોને જાણો (કેવાયસી) ધોરણો અને લોન અને ઍડ્વાન્સિસ સંબંધિત દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બૅન્કે પ્રાયોરિટી ક્ષેત્રના ધિરાણ, થાપણો પરના વ્યાજ દરો અને નાણાકીય સમાવેશ વિશેની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ કૅનેરા બૅન્ક પર 1.63 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બૅન્ક ઑફ ઇન્ડિયાને નિર્ધારિત સમયમર્યાદામાં ડિપોઝિટર એજ્યુકેશન ઍન્ડ અવેરનેસ ફંડમાં યોગ્ય ભંડોળ ટ્રાન્સફર કરવામાં નિષ્ફળ રહેવા બદલ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નાણાકીય સમાવેશ, કેવાયસી ધોરણો અને લોન અને ઍડ્વાન્સિસ સંબંધિત દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ જમ્મુ અને કાશ્મીર બૅન્કને 3.31 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
શુક્રવારે કૅનેરા બૅન્ક 1.48 ટકા ઘટી 96.70 રૂપિયા, બૅન્ક ઑફ ઇન્ડિયા 1.51 ટકા ગુમાવી 98.20 રૂપિયા અને જે ઍન્ડ કે બૅન્ક 1.08 ટકા ઘટી 90.48 રૂપિયાના સ્તરે બંધ હતા.
FIIની નેટ વેચવાલી યથાવત્
ગુરુવારે FIIની 2758 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. DIIની 2402 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી. પરિણામે કૅશ સેગમેન્ટમાં ઓવરઑલ 356 કરોડ રૂપિયાની નેટ વેચવાલી જોવા મળી હતી.