Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજારની સાવ સપાટ ચાલ, સેન્સેક્સ ફ્લૅટ, નિફ્ટીમાં નહીંવત્ સુધારો

બજારની સાવ સપાટ ચાલ, સેન્સેક્સ ફ્લૅટ, નિફ્ટીમાં નહીંવત્ સુધારો

Published : 27 December, 2024 07:51 AM | IST | Mumbai
Anil Patel

NDTV સિવાય અદાણી ગ્રુપના તમામ શૅર પ્લસ, અદાણી પોર્ટ‍્સ ટૉપ ગેઇનર

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાન પછી હવે શ્રીલંકન શૅરબજાર લાઇમલાઇટમાં : સેન્સેક્સ પ્રારંભિક મજબૂતી બાદ ઉપલા મથાળેથી ૭૨૫ પૉઇન્ટ બગડ્યો : NDTV સિવાય અદાણી ગ્રુપના તમામ શૅર પ્લસ, અદાણી પોર્ટ‍્સ ટૉપ ગેઇનર : એશિયન પેઇન્ટ્સ નવા તળિયાની શોધમાં, ઝોમાટો સતત ત્રીજા દિવસે નરમ : મુંબઈની આઇડેન્ટિકલ બ્રેઇન્સનું લિસ્ટિંગ મઝેદાર રહ્યું, યુનિમેક ૧૮૪ ગણો છલકાઈ જતાં પ્રીમિયમ ઊછળી ૬૩૦ થયું : મુંબઈના વરલી ખાતેની નિસસ ફાઇનૅન્સનો અર્ધવાર્ષિક નફો ૨૬૮ ટકા જેટલો આવતાં શૅર ૨૦ ટકાની તેજીમાં નવા બેસ્ટ લેવલે બંધ રહ્યો


મોટા ભાગનાં વિશ્વબજારો નાતાલ વેકેશનમાં ગયાં છે. એશિયા ખાતે ગઈ કાલે જપાન એક ટકો તથા ચાઇના અને તાઇવાન નહીંવત્ પ્લસ હતાં સામે સાઉથ કોરિયા અડધો ટકો તો સિંગાપોર અને થાઇલૅન્ડ સામાન્ય ઘટાડે બંધ હતાં. યુરોપ રજામાં છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૧૨,૪૨૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ રનિંગમાં પોણાબે ટકા કે ૨૦૨૩ પૉઇન્ટ ખરડાઈ ૧,૧૦,૩૯૧ દેખાયું છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ૯૯,૭૫૧ ડૉલરની ટૉપથી નીચામાં ૯૫,૧૭૧ થઈ રનિંગમાં ત્રણેક ટકાના ઘટાડે ૯૫,૩૫૮ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ અડધા ટકાના સુધારામાં ૭૪ ડૉલર નજીક હતું. છેલ્લા કેટલાક સમયથી શ્રીલંકાનું કોલંબો શૅરબજાર પણ ખાસ્સા જોરમાં છે. કોલંબો ઇન્ડેક્સ દોઢ ટકો વધી ૧૫,૪૧૨ દેખાયો છે જે એની સર્વોચ્ચ સપાટી છે. એક વર્ષમાં આ બજાર ૪૫ ટકા વધી ગયું છે.



સેન્સેક્સ ગુરુવારે ૮૪ પૉઇન્ટના નહીંવત્ સુધારે ૭૮,૫૫૭ ખૂલતાની સાથે જ ૭૮,૮૯૮ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી તરત લપસણી મારી ૭૮,૫૦૦ થઈ ગયો હતો. એ પછી ૧૦ વાગ્યાથી લઈ બજાર બંધ થયું ત્યાં સુધી બજાર સાવ સપાટ રહ્યું હતું. આવી પાટા-ચાલ નજીકના ભૂતકાળમાં ક્યારેય જોવાઈ નથી. શૅર આંક નીચામાં ૭૮,૧૭૩ બતાવી તરત પાછો સપાટ લેવલ પર આવી ગયો હતો. બજાર છેવટે લગભગ આગલા લેવલે, ૭૮,૪૭૨ બંધ થયું છે. સામે નિફ્ટી બાવીસ પૉઇન્ટના સુધારામાં ૨૩,૭૫૦ બંધ હતો. બજારના બહુમતી સેક્ટોરલ સુધર્યા છે. ઑટો, હેલ્થકૅર, નિફ્ટી ફાર્મા, પાવર ઇન્ડેક્સ અડધો-પોણો ટકો પ્લસ હતા. નિફ્ટી મીડિયા દોઢ ટકો કપાયો છે. આઇટી ફ્લૅટ હતો. બૅન્ક નિફ્ટી ૩૨ પૉઇન્ટ જેવો મામૂલી ઘટ્યો હતો. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૨૨૧ શૅર સામે ૧૫૯૪ કાઉન્ટર માઇનસ થયાં છે. બજારનું માર્કેટકૅપ ૩૧,૦૦૦ કરોડ જેવું વધી હાલ ૪૪૨.૦૨ લાખ કરોડ નજીક સરક્યું છે.


અદાણી પોર્ટ‍્સ આશરે સવાપાંચ ટકાની તેજીમાં ૧૨૪૪ બંધ આપી બન્ને બજારમાં મોખરે હતો. અદાણી એન્ટરપ્રાઇઝ સવા ટકો, અદાણી પાવર સવાબે ટકા, અદાણી એનર્જી પોણાત્રણ ટકા નજીક, અદાણી ગ્રીન સવાત્રણ ટકા, ACC પોણો ટકો, અંબુજા સિમેન્ટ્સ સવા ટકો અને સાંધી ઇન્ડસ્ટ્રીઝ પોણાબે ટકા મજબૂત હતી. અદાણી ગ્રુપની એક માત્ર NDTV અડધો ટકો ઘટ્યો છે. સેન્સેક્સ નિફ્ટી ખાતે અન્યમાં મહિન્દ્ર, SBI લાઇફ, શ્રીરામ ફાઇનૅન્સ, મારુતિ સુઝુકી દોઢ ટકાની આસપાસ વધ્યા હતા. સનફાર્મા અને ભારત પેટ્રો સવા ટકો અપ હતા. ભારતી ઍરટેલ, સિપ્લા તેમ જ બજાજ ઑટો એક ટકા આજુબાજુ સુધર્યા હતા.

એશિયન પેઇન્ટ્સ ૨૨૫૭ની નવી મલ્ટિયર બૉટમ બતાવી એક ટકો ઘટી ૨૨૬૧ બંધ રહ્યો છે. રિલાયન્સ અડધા ટકાની નરમાઈમાં ૧૨૧૬ હતો. ટાઇટન એક ટકાથી વધુના ઘટાડે ટૉપ લૂઝર બન્યો છે. ગ્રાસિમ, નેસ્લે, JSW સ્ટીલ તથા તાતા કન્ઝ્યુમર પોણા ટકા જેવા નરમ હતા. ઝોમાટો સેન્સેક્સમાં સામેલ થયા પછી નરમાઈની હૅટ-ટ્રિકમાં અડધો ટકો ઘટી ૩૭૩ થયો છે. સ્વિગી પણ દોઢ ટકો ઘટી ૫૫૯ હતો. અદાણી પોર્ટ‍્સની તેજીની બજારને સર્વાધિક ૩૯ પૉઇન્ટનો લાભ થયો હતો. તો રિલાયન્સ અડધા ટકાની પીછેહઠમાં સાવ સાફ થઈ ગયો છે. 


મુંબઈના ખાંડબજારની સિટીકેમ ઇન્ડિયા ૭૦ના ભાવે આજે મૂડીબજારમાં

મુંબઈના ઓશિવરાની આઇડેન્ટિકલ બ્રેઇન્સ ૫૪ની ઇશ્યુ પ્રાઇસ અને છેલ્લે બોલાતા પચીસના પ્રીમિયમ સામે ૯૫ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૦૦ નજીક બંધ થતાં એમાં શૅરદીઠ આશરે ૪૬ રૂપિયા કે ૮૫ ટકા જેવો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. હવે શુક્રવારે કુલ છ ભરણાં લિસ્ટિંગમાં જવાનાં છે જેમાંથી ગ્રે માર્કેટ ખાતે હાલ મમતા મશીનરીમાં ૨૫૫, ડેમ કૅપિટલમાં ૧૩૭, ટ્રાન્સરેલ લાઇટિંગમાં ૧૬૦, કોન્કોર્ડ એન્વીરોમાં ૧૩૪, સનાતન ટેક્સટાઇલમાં ૮૦ અને ન્યુ મલયાલમ સ્ટીલમાં ૩૦ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. છેલ્લે-છેલ્લે કોન્કોર્ડમાં પ્રીમિયમ જબરું ઊછળી ગયું છે. ડેમ કૅપિટલમાં રેટ દબાયા છે.

મેઇન બોર્ડની યુનિમેક ઍરોસ્પેસનો શૅરદીઠ ૭૮૫ના ભાવનો ૫૦૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે કુલ ૧૮૪ ગણા રિસ્પોન્સમાં પૂરો થતાં પ્રીમિયમ વધી ૬૩૦ થયું છે. બેના શૅરદીઠ ૧૪ના ભાવનો અન્ય પોલિટેકનો ૪૪૮૦ લાખનો SME IPO પ્રથમ દિવસે કુલ ૧૨ ગણો છલકાયો છે. પ્રીમિયમ સુધરીને ૪ થયું છે. શુક્રવારે મુંબઈના ખાંડબજાર, માંડવી ખાતેની સિટીકેમ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવથી ૧૨૬૦ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ કરશે. કંપની સ્પેશ્યલિટી કેમિકલ્સ તથા બલ્ક ડ્રગ્સના ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. એના પેરોલ પર માત્ર નવ કર્મચારી છે. છેલ્લાં ત્રણ વર્ષની ઍવરેજ ઈપીએસ માંડ પોણાબે રૂપિયાની છે. અગાઉના વર્ષની ૨૦૯૪ લાખની આવક સામે કંપનીએ ગત વર્ષે ૧૯૬૦ લાખ આવક મેળવી છે પણ નફો ૩૬ લાખથી ત્રેવડાઈ ૧૧૨ લાખ રૂપિયા નજીક નોંધાયો છે. આને કહેવાય જાદુ. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૩૦નું બોલાય છે. દરમ્યાન મંગળવારે ટનાટન લિસ્ટિંગમાં લગભગ ૧૦૦ ટકાનું રીટર્ન આપનારી ગાઝિયાબાદની નેસ્ડેક કે નેકડાક ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૭૩ ઉપર નવા શિખરે બંધ રહી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલ ૧૦ ટકાની ઉપલી સર્કિટ મારીને ૫૮૦ના બેસ્ટ લેવલે પહોંચી છે. અંકલેશ્વરની હેમ્પ્સ બાયો પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૯૬ અને બરોડાની યશ હાઈ વૉલ્ટેજ પણ મંદીની સર્કિટમાં ૨૭૫ બંધ રહી છે. 

અંબર એન્ટરપ્રાઇઝિસમાં તેજીની હૅટ-ટ્રિક, ઇન્ટલેક્ટ ડિઝાઇન નવા શિખરે

એઆઇના કેફમાં ઇન્ટલેક્ટ ડિઝાઇન ૧૦૭૯ની સર્વોચ્ચ સપાટી બનાવી ૧૫ ટકા કે ૧૩૬ની તેજીમાં ૧૦૫૧ વટાવી ગયો છે. ત્રણ દિવસ પહેલાં ભાવ ૮૨૦ હતો. આરતી ફાર્મા સરેરાશ કરતાં અડધા વૉલ્યુમે ૯ ટકા ઊચકાઈ ૬૩૬ થયો છે. ગોડફ્રે ફિલિપ્સે પોણાનવ ટકા કે ૪૪૪ રૂપિયાનો તેજીનો જમ્પ માર્યો હતો. અંબર એન્ટરપ્રાઇઝિસ તેજીની હૅટ-ટ્રિકમાં સવાઆઠ ટકા કે ૬૦૦ રૂપિયા ઊછળી ૭૮૫૩નો બંધ આપતાં પહેલાં ઇન્ટ્રા-ડેમાં ૭૯૭૮ના બેસ્ટ લેવલે ગયો હતો. કેફીન ટેક ૧૬૨૦ના શિખરે જઈ પોણાઆઠ ટકા વધી ૧૫૯૦ નજીક ગયો છે.

હિન્દુસ્તાન કૉપર સવાછ ટકા પિગળી ૨૬૩ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર હતો. રિલાયન્સની હૅથવે કેબલ પાંચ ટકા બગડ્યો છે. રોકડામાં બીપીએલ સાડાદસ ટકા ખરડાઈ ૧૦૭ હતો. તાજેતરમાં લિસ્ટેડ થયેલી મુંબઈની નિસસ ફાઇનૅન્સ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૩૮૧ના શિખરે પહોંચી છે. ગુજરાત હોટેલ્સ ૨૦ ટકાના જમ્પમાં ૨૭૯ના શિખરે ગયો છે. તાજ જીવીકે ૧૪.૪ ટકા ઊછળી ૪૦૧ રહ્યો છે.

ડૉલર સામે રૂપિયો ૮૫.૨૭ના ઑલટાઇમ તળિયે ગયો છે પણ આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૩૫ શૅરની નરમાઈ વચ્ચે ફ્લૅટ હતો. ટીસીએસ, ઇન્ફી, ટેક મહિન્દ્ર, વિપ્રો જેવી ફ્રન્ટલાઇન આઇટમ માઇનસ ઝોનમાં હતી. બૅન્કિંગના ૪૧માંથી ૧૮ શૅર સુધર્યા છે. ધનલક્ષ્મી બૅન્ક તરફથી શૅરદીઠ ૨૧ના ભાવે ૨૫ શૅરદીઠ ૧૪ના પ્રમાણમાં ૨૯૭ કરોડનો રાઇટ જાહેર થયો છે એની રેકૉર્ડ ડેટ ૨૭ ડિસેમ્બર છે. આથી શૅર ૧૨ ગણા વૉલ્યુમે સવાછ ટકા ઊચકાઈ ૪૪ ઉપર બંધ થયો છે. જેકે બૅન્ક ૪ ટકા, સીએસબી બૅન્ક બે ટકા, ઇન્ડિયન બૅન્ક સવા ટકો અપ હતા. બંધન બૅન્ક ત્રણ ટકા ગગડી હતી. મેટ્રોપૉલિટન સ્ટૉક એક્સચેન્જમાં ૫૯ કરોડના રોકાણથી પાંચ ટકા હિસ્સો લેવાની યોજનામાં શૅર ઇન્ડિયા ૩ ગણા વૉલ્યુમે ત્રણ ટકા વધીને ૩૧૯ રહ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2024 07:51 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK