આર્જેન્ટિના ખાતે ૧૦૪ ટકાનો ફુગાવો અને ૮૧ ટકાનો વ્યાજદર છતાં શૅરબજાર વર્ષમાં ૨૦૮ ટકા વધ્યું ઃ રિલાયન્સ પરિણામ પૂર્વે નીરસ ચાલમાં, આઇટીસીમાં નવું બેસ્ટ લેવલ ઃ આરતી સર્ફક્ટન્ટ્સનો શૅર એક ટકા વધ્યો, પરંતુ એનો પાર્ટપેઇડ પોણાદસ ટકા તૂટ્યો..
પ્રતિકાત્મક તસવીર
ફુગાવો અને ફેડ અર્થાત્ વ્યાજદરમાં વધારાની શક્યતાથી શૅરબજાર અકળાઈ ઊઠે છે ત્યારે આર્જેન્ટિનાનો કિસ્સો ઘણો રસપ્રદ છે. ત્યાં માર્ચ મહિનામાં ફુગાવો ૧૦૪ ટકાના દરે પહોંચી જતાં સેન્ટ્રલ બૅન્ક તરફથી વ્યાજદર વધારીને ૮૧ ટકાનો કરી નખાયો છે. વિશ્વમાં આટલો ઊંચો વ્યાજદર ક્યાંય નથી અને છતાં મજાની વાત એ છે કે ત્યાંનાં શૅરબજારનો આંક જે માર્વેલ ઇન્ડેક્સ તરીકે ઓળખાય છે એ ગુરુવારની મોડી રાતે ૨.૩ ટકા કે ૬૪૨૧ પૉઇન્ટ વધીને ૨૮૧૮૨૭ બંધ રહ્યો છે. હજી આગળ, આર્જેન્ટિનાનું શૅરબજાર છેલ્લા એક મહિનામાં ૨૩.૨ ટકા અને એક વર્ષમાં ૨૦૮ ટકા ઊંચકાયું છે. ઍની વે, શુક્રવારે સિંગાપોરના સામાન્ય સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજારો ઘટ્યાં છે. ચાઇના બે ટકા, હૉન્ગકૉન્ગ દોઢ ટકાથી વધુ, સાઉથ કોરિયા તથા તાઇવાન પોણો ટકો અને થાઇલૅન્ડ અડધો ટકો ઢીલું હતું. યુરોપ રનિંગમાં નહીંવતથી સાધારણ નરમ દેખાયું છે. ઘરઆંગણે દિવસનો મોટો ભાગ માઇનસ ઝોનમાં વિતાવી સેન્સેક્સ ૨૩ પૉઇન્ટ જેવો પરચૂરણ વધીને બંધ આવ્યો છે. નિફ્ટી ૧૭૬૨૪ના આગલા લેવલે યથાવત્ રહ્યો છે. બન્ને બજારોના ઇન્ડાઇસિસ મિશ્ર વલણના હતા. નિફ્ટી મીડિયા સવા ટકો, એફએમસીજી ઇન્ડેક્સ પોણા ટકાથી વધુ તથા આઇટી બેન્ચમાર્ક અડધા ટકાથી વધુ સુધર્યા છે. સામે રિયલ્ટી બે ટકા, મેટલ એક ટકો, ઑટો ઇન્ડેક્સ એક ટકાની નજીક, પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો માઇનસ હતા. માર્કેટ બ્રેડ્થ બગડી છે. એનએસઈમાં ૭૯૫ શૅર વધ્યા છે. સામે ૧૨૨૮ જાતો ઘટી છે.
વડોદરાની પેટેક ફિટવેલનો ૧૦ના શૅરદીઠ ૫૦ના ભાવનો એસએમઈ આઇપીઓ શુક્રવારે લિસ્ટેડ થયો છે. ગ્રે માર્કેટમાં અહીં આગલા દિવસે ૪ રૂપિયાનું ડિસ્કાઉન્ટ ક્વોટ થતું હતું એની સામે ભાવ ૫૫ ખૂલી નીચામાં સાડાબાવન તથા ઉપરમાં પોણાઅઠ્ઠાવન થઈ ૧૫.૫ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ત્યાં જ બંધ આવ્યો છે. હવે સોમવારે એ. જી. યુનિવર્સલનું લિસ્ટિંગ છે. ૧૦ના શૅરદીઠ ૬૦ની ઇશ્યુ પ્રાઇસ સામે હાલમાં ગ્રે માર્કેટમાં ત્રણ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે.
આઇટીસી પ્રથમ વાર પાંચ લાખ કરોડની કંપની બની, અદાણી ગ્રુપમાં નરમાઈ
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૪ શૅર વધ્યા છે. આઇટીસી બે ટકાની મજબૂતીમાં ૪૦૮ વટાવી બન્ને બજાર ખાતે બેસ્ટ પર્ફોર્મર બન્યો છે. એટલું જ નહીં, આ કંપની પ્રથમ વાર પાંચ લાખ કરોડના માર્કેટ કૅપને વટાવી હવે ૫.૦૭ લાખ કરોડની કંપની બની છે. ટીસીએસ પોણાબે ટકા, વિપ્રો ૧.૪ ટકા, એશિયન પેઇન્ટ્સ સવા ટકો, એચસીએલ ટેક્નૉ એક ટકો પ્લસ હતા. નિફ્ટી ખાતે આ ઉપરાંત બ્રિટાનિયા ૧.૭ ટકા અને સિપ્લા સવા ટકો વધ્યા હતા. રિલાયન્સ પરિણામ પૂર્વે સરેરાશ કરતાં ૬૦ ટકાના વૉલ્યુમે નામજોગ સુધરીને ૨૩૪૯ જેવો બંધ રહ્યો છે. સેન્સેક્સ ખાતે ટેક મહિન્દ્ર સવાબે ટકા, મારુતિ સુઝુકી ૧૬૨ રૂપિયા કે ૧.૯ ટકા, તાતા સ્ટીલ પોણાબે ટકા, અલ્ટ્રાટેક દોઢ ટકો, તાતા મોટર્સ સવા ટકો, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને બજાજ ફિનસર્વ એક ટકાથી વધુ ઢીલા હતા. નિફ્ટીમાં એચડીએફસી લાઇફ સવાત્રણ ટકા, એસબીઆઇ લાઇફ બે ટકા, હિન્દાલ્કો પોણાબે ટકા, ગ્રાસિમ દોઢ ટકો અને અદાણી એન્ટર લગભગ સવાબે ટકા કટ થયા છે. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પાવર દોઢ ટકો અને એનડીટીવી સાધારણ પ્લસ હતા. સામે એસીસી સવા ટકા, અંબુજા સિમેન્ટસ ૧.૧ ટકા, અદાણી ગ્રીન ૧.૯ ટકા, અદાણી ટ્રાન્સમિશન ૧.૭ ટકા, અદાણી પોર્ટ્સ પોણા ટકાની નજીક માઇનસ હતો. એ-ગ્રુપ ખાતે ડિશ ટીવી ૧૪.૨ ટકાની તેજીમાં ૧૫.૬૩ બંધ આપીને ટૉપ ગેઇનર થયો છે. મિર્ઝા ઇન્ટર ઉપલી સર્કિટની હારમાળામાં વધુ ૧૦ ટકા ઊંચકાઈ ૬૦ વટાવી ગયો છે. ડીબી રિયલ્ટી ૧૧ ટકાના કડાકામાં ૭૯ની અંદર તો રાજરતન ગ્લોબલ સાડાપાંચ ટકા ખરડાઈને ૮૩૨ બંધ હતા. ઈકેઆઇ એનર્જી મંદીની ચાલ જારી રાખતાં પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૪૩૬ના નવા તળિયે ગયો છે. આરતી સર્ફક્ટન્ટ્સ એકાદ ટકાના સુધારે ૫૮૯ બંધ હતો, પરંતુ એનો પાર્ટપેઇડ પોણાદસ ટકા તૂટીને ૩૦૦ બંધ થયો છે.
સિએન્ટ પરિણામ પાછળ નવી ટોચે, ટીવીએસ મોટર્સ સતત ઘટાડામાં
આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૩૩ શૅરના સુધારા વચ્ચે ૧૬૩ પૉઇન્ટ જેવો કે અડધો ટકો વધ્યો છે. સિએન્ટ દ્વારા ધારણા કરતાં બહેતર રિઝલ્ટ સાથે શૅરદીઠ ૧૬ રૂપિયાનું ડિવિડન્ડ આવતાં ભાવ ૧૩ ગણા કામકાજે ૧૧૯૪ના શિખરે જઈ ૬.૨ ટકાની મજબૂતીમાં ૧૧૫૯ બંધ થયો છે. એચસીએલ ટેક્નૉલૉજીઝે ગુરુવારે બજાર બંધ થયા પછી સારાં પરિણામ જાહેર કરતાં શૅર અઢી ગણા વૉલ્યુમે પ્રારંભિક મજબૂતીમાં ૧૦૭૪ નજીક ગયા બાદ નીચામાં ૧૦૩૭ થઈ એક ટકો વધીને ૧૦૪૯ બંધ હતો. વિપ્રો દોઢ ટકા, ટીસીએસ પોણાબે ટકા પ્લસ હતા. ટેક મહિન્દ્ર ૨.૩ ટકા ગગડી ૯૯૮ હતો. ઇન્ફી સામાન્ય સુધારે ૧૨૨૭ રહ્યો છે. હિસાબી ગોટાળા બદલ સેબીના સપાટે ચડેલી બ્રાઇટકૉમ નીચલી સર્કિટના સિલસિલામાં પાંચ ટકા તૂટી ૧૨ રૂપિયાની અંદર નવા તળિયે ગઈ છે. આ શૅર ડિસેમ્બર ૨૧માં ૧૨૩ના શિખરે ગયો હતો. આગલા દિવસે સારા રિઝલ્ટમાં ૧૨ ટકાનો જમ્પ મારનાર માસ્ટેક ઉપરમાં ૧૮૦૫ થયા બાદ પ્રૉફિટ બુકિંગમાં ૧૭૫૦ થઈ અડધો ટકો ઘટી ૧૭૭૬ બંધ રહ્યો છે. સાકસૉફ્ટ ૧૮૯ની નવી ટૉપ બનાવી ૩.૯ ટકા વધી ૧૮૬ થયો છે. કુમાર મંગલમ બિરલા વોડાફોનના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પાછા ફરતાં શૅર ૭ ટકા ઊંચકાઈ સાડાછ હતો. ભારતી ઍરટેલ એક ટકો ઘટી ૭૬૫ રહ્યો છે. તાજેતરની ખરાબીમાં ખાડે ગયેલો ઑપ્ટિમસ ૫.૨ ટકા બાઉન્સ બૅક થઈ ૧૭૩ બંધ આવ્યો છે. નેટવર્ક૧૮ પોણો ટકા અને ટીવી૧૮ સવા ટકો ડાઉન હતા. ઇન્ડસ ટાવર સવા ટકો સુધર્યો છે. ટીવીએસ મોટર્સ ત્રણ ટકા, તાતા મોટર્સ સવા ટકા, અશોક લેલૅન્ડ ૧.૯ ટકા, તાતા મોટર્સ સવા ટકા, અશોક લેલૅન્ડ ૧.૯ ટકા, મારુતિ સુઝુકી ૧.૯ ટકા, આઇશર દોઢ ટકા ઘટતાં ઑટો ઇન્ડેક્સ ૨૮૦ પૉઇન્ટ કે એક ટકા રિવર્સ થયો છે. બજાજ ઑટો ૪૩૩૬ની નવી ટૉપ બનાવી નજીવા ઘટાડે ૪૩૦૯ રહ્યો છે.
આવાસ ફાઇમાં નવું બૉટમ બન્યું, તાતા ઇન્વે વૉલ્યુમ સાથે ઝળક્યો
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના ઘટાડામાં ૧૫૨ પૉઇન્ટ, તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની નબળાઈમાં પોણો ટકા ડાઉન હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક શનિવારે, યસ બૅન્ક રવિવારે તો ઇન્ડસઇન્ડ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને તામિલનાડુ મર્કન્ટાઇલ બૅન્ક સોમવારે પરિણામ જાહેર કરવાની છે. ગઈ કાલે બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૩૦ શૅર માઇનસ હતા. એયુ બૅન્ક બે ટકા, સીએસબી બૅન્ક ૧.૮ ટકા, યસ બૅન્ક ૧.૯ ટકા, આરબીએલ બૅન્ક ૧.૭ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સવા ટકો, પંજાબ સિંધ બૅન્ક દોઢ ટકો ઘટ્યા છે. ઇન્ડસઇન્ડ બૅન્ક એક ટકા, ઍક્સિસ બૅન્ક અડધો ટકો, સ્ટેટ બૅન્ક ૦.૩ ટકા નરમ હતા. કોટક બૅન્ક અડધો ટકો વધી ૧૮૯૩ રહી છે. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૧૦૪ શૅરના ઘટાડામાં માત્ર ૦.૩ ટકા નરમ હતો, પણ તાતા ઇન્વેસ્ટમેન્ટ ૬ ગણા કામકાજે ઉપરમાં ૨૨૩૯ બતાવી ૪.૭ ટકા કે ૯૭ રૂપિયાની તેજીમાં ૨૧૬૨ થયો છે. સામે આવાસ ફાઇનૅન્શિયલ નરમાઈ આગળ વધારતાં ૧૫૬૩ની ઐતિહાસિક બૉટમ બતાવી પાંચ ટકા ગગડી ૧૫૮૪ રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૨ના અંતે અહીં ૩૩૪૦ની વિક્રમી સપાટી બની હતી. પીએનબી હાઉસિંગ અડધો ટકો વધી ૪૨૮ હતો, તો એનો રાઇટ એન્ટાઇટલમેન્ટ ઉપરમાં ૧૪૩ થઈ ૬.૮ ટકાની તેજીમાં ૧૩૯ રહ્યો છે. એલઆઇસી પોણો ટકો ઘટીને ૬.૯ ટકાની તેજીમાં ૧૩૯ રહ્યો છે. એલઆઇસી પોણો ટકો ઘટીને ૫૪૮ થયો છે. બજાજ ફિનસર્વ ૧.૧ ટકા નરમ, બજાજ ફાઇ. અડધો ટકો પ્લસ હતો. એચડીએફસી અડધો ટકો વધી ૨૭૬૦ થયો છે. આઇસીઆઇસીઆઇ પ્રુ પરિણામ પાછળ નીચામાં ૪૩૮ થઈ અઢી ટકા ઘટી પોણા ત્રણ ટકા, એચડીએફસી લાઇફ ત્રણ ટકા ડાઉન હતા. નાયકા ૧૨૦ના નવા ઑલટાઇમ તળિયે જઈ અઢી ટકા ગગડીને ૧૨૧ નજીક બંધ રહી છે.
જ્વેલરી શૅરો બહુધા ઝંખવાયા, રિયલ્ટી શૅરોમાં નબળાઈ જોવા મળી
ઑબેરૉય રિયલ્ટી ૪.૨ ટકા, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી ૪.૧ ટકા, મેક્રોટેક ૩.૭ ટકા, શોભા ૨.૪ ટકા, ફિનિક્સ મિલ્સ ૨.૨ ટકા ડીએલએફ બે ટકા ઘટતાં રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૧ ટકા તરડાયો છે. કોલ્તે પાટીલ બે ટકા, તો ડીબી રિયલ્ટી ૧૧ ટકા નરમ હતા. નાલ્કો, હિન્દાલ્કો, તાતા સ્ટીલ, જિન્દલ સ્ટીલ, સેઇલની સવાથી બે ટકાની ખરાબીમાં મેટલ ઇન્ડેક્સ ૨૦૬ પૉઇન્ટ કે એક ટકા પીગળ્યો છે. વેદાન્તા, હિન્દુ. ઝિન્ક પોણાથી એકાદ ટકો ઢીલા હતા. આશાપુરા માઇનકેમ સવા ટકો ઘટી ૧૩૧ હતો. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૨૪માંથી ૧૪ શૅરની નરમાઈમાં ૦.૬ ટકા કે ૨૧૫ પૉઇન્ટ માઇનસ થયો છે. લાર્સન ૦.૯ ટકા ઘટી ૨૨૧૫ હતો. થર્મેક્સ, સીજી પાવર, ભેલ, સોના કૉમસ્ટાર, એલ્જી ઇક્વિપમેન્ટ્સસ એકથી ત્રણ ટકા ડાઉન હતા. એફએમસીજી ઇન્ડેક્સ ૮૦માંથી ૪૮ શૅરના ઘટાડા વચ્ચે પણ પોણો ટકો સુધર્યો છે. હેવીવેઇટ આઇટીસી ૪૦૯નું નવું બેસ્ટ લેવલ બતાવી બે ટકાની આગેકૂચમાં ૪૦૮ બંધ રહેતાં પ્રથમ વાર કંપની પાંચ લાખ કરોડના માર્કેટ કૅપને વટાવી ૫.૦૭ લાખ કરોડે પહોંચી છે. હિન્દુ. યુનિલીવરનાં પરિણામ ૨૭મીએ છે. શૅર સહેજ વધીને ૨૪૯૮ બંધ હતો. ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ ત્રણ ટકા ખરડાઈને ૨૬૯ હતો. રાઇસ કંપની એલટી ફૂડ્સ બે ટકા, ચમનલાલ સેટિયા સવા, કેઆરબીએલ નજીવો નરમ, તો કોહિનૂર ફૂડ્સ પાંચ ટકા પ્લસ થઈ ૩૪ નજીક પહોંચ્યો છે. જ્વેલરી શૅરો બહુધા નરમ હતા. સ્કાય ગોલ્ડ ૪ ટકા, વીરકૃપા પાંચ ટકા, નર્મદા જેમ્સ બે ટકા, રાધિકા જ્વેલ્સ એક ટકો, ઉદય જ્વેલરી દોઢ ટકા, સ્વર્ણ સરિતા પોણાબે ટકા, પામ જ્વેલ્સ અડધો ટકો, રાજેશ એક્સ. અડધા ટકાથી વધુ, ગોલ્ડિયમ દોઢ ટકા, ટીબીઝેડ એક ટકો, એઇટી જ્વેલર્સ અઢી ટકા અને કલ્યાણ જ્વેલર્સ નહીંવત્ સુધર્યા છે.