Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > વૅલ્યુએશનની ઐસીતૈસી, શૅરબજારમાં ૧૨૯૩ પૉઇન્ટની તેજી, નિફ્ટી નવી ટોચે

વૅલ્યુએશનની ઐસીતૈસી, શૅરબજારમાં ૧૨૯૩ પૉઇન્ટની તેજી, નિફ્ટી નવી ટોચે

Published : 27 July, 2024 07:27 AM | IST | Mumbai
Anil Patel

માર્કેટકૅપ ૭.૧૦ લાખ કરોડ વધીને ૪૫૬.૯૨ લાખ કરોડની વિક્રમી સપાટીએ : બન્ને બજારનાં તમામ સેક્ટોરલ મજબૂત, માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ : સેન્સેક્સના ૩૦માંથી ૨૯ અને નિફ્ટીના ૫૦માંથી ૪૭ શૅર વધીને બંધ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


વૅલ્યુએશનની ઐસી કી તૈસી કરવાના મૂડમાં હોય એમ બજારે શુક્રવારે તગડો જમ્પ મારીને બધાને ચોંકાવી દીધા છે. સેન્સેક્સ ૧૨૯૩ પૉઇન્ટની તેજીમાં ૮૧૩૩૩ નજીક બંધ થયો છે. ઇન્ટ્રા-ડે ટૉપ ૮૧૪૨૭ હતી. મતલબ કે સેન્સેક્સ નવા વિક્રમી શિખર સર્જવાના આરે આવી ગયો છે. સામે નિફ્ટી ૨૪૮૬૧ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૪૨૯ પૉઇન્ટના ઉછાળે ૨૪૮૩૫ના બેસ્ટ લેવલે બંધ રહ્યો છે. બજારનું માર્કેટકૅપ પણ ૭.૧૦ લાખ કરોડના ઉમેરા સાથે ૪૫૬.૯૨ લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. બજાર ૧૧૮ પૉઇન્ટ જેવા સામાન્ય સુધારામાં ખૂલી સતત વધતું ગયું હતું. બન્ને બજારના તમામ ઇન્ડાઇસિસ નોંધપાત્ર વધીને બંધ આવ્યા છે. સેન્સેક્સ નિફ્ટીની ૧.૬ ટકાની મજબૂતી સામે હેલ્થકૅર ઇન્ડેક્સ ૨.૧ ટકા, આઇટી ૨.૨ ટકા, ટેલિકૉમ સવાત્રણ ટકા, ઑટો ઇન્ડેક્સ ૨.૪ ટકા, ટેક્નૉલૉજીઝ પોણાત્રણ ટકા, FMCG એકાદ ટકા નજીક, બ્રૉડર માર્કેટ ૧.૭ ટકા વધી નવા શિખરે ગયા હતા. મિડકૅપ બેન્ચમાર્ક બે ટકાથી વધુ, પાવર યુટિલિટીઝ પોણાબે ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ દોઢ ટકા, મેટલ ઇન્ડેક્સ સવાત્રણ ટકા અપ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૩ ટકા તો બૅન્ક નિફ્ટી અડધા ટકાથી થોડો વધુ પ્લસ હતો. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં ૧૫૯૩ શૅર વધ્યા હતા, તો સામે ૭૫૬ જાતો નરમ હતી. દરમ્યાન બજેટની રજૂઆત પછી FII બજારમાં સતત વેચવાલી રહી છે. ત્રણ દિવસમાં એનું નેટ સેલિંગ ૧૦૭૦૦ કરોડને વટાવી ગયું છે.


એશિયા ખાતે તાઇવાનીઝ ટ્વેસી ઇન્ડેક્સ સાડાત્રણ ટકા કપાયો હતો. જપાન વધુ અડધો ટકો ઘટ્યું હતું. સામે થાઇલૅન્ડ સવા ટકો, સાઉથ કોરિયા પોણો ટકો અને ઇન્ડોનેશિયા ૦.૭ ટકા સુધર્યું છે. યુરોપ આગલા દિવસની ખરાબી બાદ ગઈ કાલે રનિંગમાં અડધો-પોણો ટકો પ્લસ હતું. ઘરઆંગણે માર્કેટ શુક્રવારે જે રીતે વધ્યું છે એ માટે કોઈ દેખીતતું કારણ નથી. રેવન્યુ સેક્રેટરી મલ્હોત્રાએ કૅપિટલ ગેઇન ટૅક્સમાં બજેટમાં કરાયેલો વધારો માર્જિનલ અર્થાત્ મામૂલી કે સામાન્ય ગણાવી એના રોલબૅકની શક્યતા નકારી કાઢી છે. લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ ૧૦ ટકાથી વધારી સાડાબાર ટકા અર્થાત્ ૨૫ ટકા વધારો કરવાનું પગલું આ માણસને સામાન્ય લાગે છે. 



ઇન્શ્યૉરન્સ અને વેસ્ટ મૅનેજમેન્ટ શૅરોમાં જબરી ફૅન્સી


વીએસટી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૩૬ ટકાના ઘટાડામાં ૫૩ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે, પરંતુ કંપનીએ એક શૅરદીઠ ૧૦ શૅરનું તગડું બોનસ જાહેર કર્યું છે. એની રેકૉર્ડ ડેટ ૩૦ ઑગસ્ટ છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૨૯૦ થઈ અઢી ટકા વધી ૪૦૯૨ બંધ થયો છે. વીમા-કંપનીઓના શૅર શુક્રવારે ડિમાન્ડમાં હતા. ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ ૧૦ ગણા કામકાજે ૩૧૦ થઈ પોણાતેર ટકા ઊછળી ૨૯૧ના બંધમાં એ-ગ્રુપમાં મોખરે હતી. જનરલ ઇન્શ્યૉરન્સ સવાદસ ટકાની છલાંગમાં ૪૧૦ વટાવી ગઈ છે. વૉલ્યુમ ૯ ગણું હતું. એલઆઇસીનાં પરિણામ ૮ ઑગસ્ટે છે. શૅર ૧૧૯૭ની વિક્રમી સપાટી હાંસલ કરી પોણાબે ટકા વધીને ૧૧૪૦ બંધ થયો છે. ગોડીજીટ જનરલ ઇન્શ્યૉરન્સ ત્રણ ટકા વધી ૩૪૫ હતી. ICICI પ્રુડેન્શિયલ સાડાત્રણ ટકા, SBI લાઇફ સવાત્રણ ટકા, HDFC લાઇફ પોણાત્રણ ટકા મજબૂત હતી.

વેસ્ટ મૅનેજમેન્ટ સેક્ટર બજેટ જાહેરાત પછી ફેન્સીમાં છે. આયોન એક્સચેન્જ ૮.૧ ટકાના ઉછાળે ૭૧૭ના શિખરે બંધ રહી છે. ઍન્ટની વેસ્ટ હૅન્ડલિંગ ૯૦૨ના બેસ્ટ લેવલ બાદ ૮ ટકાના જમ્પમાં ૮૮૦ વટાવી ગઈ છે. ઈએમએસ લિમિટેડ પોણાદસ ટકાની તેજીમાં ૮૪૨ની નવી ઊંચી સપાટીએ જોવા મળી છે. જેમ એન્વાયરો મૅનેજમેન્ટ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૬૬ નજીક રહી છે. ઇન્ડિગો ફેમ ઇન્ટર ગ્લોબ એવિયેશન બજાર બંધ થયા પછી તરત જાહેર કરેલાં પરિણામમાં પોણાબાર ટકાના ઘટાડામાં ૨૭૨૭ કરોડ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. પરિણામ પૂર્વે શૅર ૧.૪ ટકા વધી ૪૪૯૧ બંધ થયો હતો. ઇન્ડસઇન્ડ બૅન્કે બંધ બજારે બે ટકાના નજીવા વધારામાં ૨૧૭૧ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર પરિણામ પૂર્વે ૧.૭ ટકા વધીને ૧૪૦૩ વટાવી ગયો હતો. ઇન્ડસ ટાવર્સ દ્વારા ૩૦ જુલાઈએ મળનારી બોર્ડ-મીટિંગમાં બાયબૅકનો એજન્ડા સામેલ થતાં શૅર ૪૪૭ના શિખરે જઈ પોણાપાંચ ટકા ઊંચકાઈને ૪૪૫ બંધ થયો છે. ૧૮ ઑગસ્ટે ભાવ ૧૫૭ના વર્ષના તળિયે હતો. 


સેન્સેક્સ-નિફ્ટીના સંખ્યાબંધ શૅરોમાં નવાં ઊંચાં શિખર

સેન્સેક્સ ખાતે નેસ્લેની નહીંવત્ નરમાઈ બાદ કરતાં બાકીના ૨૯ શૅર ગઈ કાલે પ્લસ હતા. નિફ્ટી ખાતે ૫૦માંથી ૪૭ જાતો વધી હતી. ભારતી ઍરટેલ ચારેક ગણા વૉલ્યુમે સાડાચાર ટકા રણકી સેન્સેક્સમાં મોખરે હતો. રિઝલ્ટ પાંચમી ઑગસ્ટે છે. નિફ્ટીમાં શ્રીરામ ફાઇનૅન્સ સવાનવ ટકા કે ૨૪૬ની તેજીમાં ૨૯૨૫ બંધ આપી બેસ્ટ ગેઇનર બન્યો હતો. સિપ્લાએ ૧૦૭૧ કરોડની ધારણા સામે ૧૮ ટકાના વધારામાં ૧૧૭૮ કરોડ નેટ પ્રૉફિટ કરતાં ભાવ ૧૬૦૦ની ઑલટાઇમ હાઈ બનાવી પાંચ ટકા ઊછળી ૧૫૭૫ થયો છે. ઇન્ફોસિસ ત્રણેક ટકાના જમ્પમાં ૧૮૭૯ નજીકના શિખરે બંધ આપી બજારને સર્વાધિક ૧૬૯ પૉઇન્ટ ફળ્યો હતો. ટીસીએસ દોઢ ટકો વધી ૪૩૮૮, તાતા મોટર્સ અઢી ટકા વધી ૧૧૧૮, ડિવીઝ લૅબ સવાપાંચ ટકાની તેજીમાં ૪૭૯૦, SBI લાઇફ સવાત્રણ ટકા ઊંચકાઈ ૧૭૫૧, સનફાર્મા ત્રણેક ટકાની મજબૂતીમાં ૧૭૧૩ના બેસ્ટ લેવલે બંધ આવ્યો છે. આ ઉપરાંત અપોલો હૉસ્પિટલ ૪.૪ ટકા, અદાણી પોર્ટ્સ પોણાચાર ટકા, અદાણી એન્ટર સાડાત્રણ ટકા, વિપ્રો સાડાત્રણ ટકા, લાટિમ ૩.૪ ટકા, તાતા સ્ટીલ અને હિન્દાલ્કો સવાત્રણ ટકા, કોલ ઇન્ડિયા ૩.૨ ટકા, HCL ટેક્નૉ ત્રણ ટકા, HDFC લાઇફ ત્રણેક ટકા, મહિન્દ્ર પોણાત્રણ ટકા, ટાઇટન અઢી ટકા, આઇટીસી અઢી ટકા, બજાજ ઑટો આઇશર અને કોટક બૅન્ક સવાબે ટકા આસપાસ વધ્યા છે. રિલાયન્સ ૧.૨ ટકાના સુધારામાં ૩૦૧૮ નજીક હતો. સ્ટેટ બૅન્ક પોણાબે ટકા અપ હતી. ONGC ૩૩૮ની વિક્રમી સપાટી બનાવી સવા ટકો ઘટીને ૩૩૧ રહ્યો છે. તાતા કન્ઝ્યુમર પોણો ટકો  ડાઉન હતો. 

ખોટ કરતી એકુમ્સ ડ્રગ્સ મંગળવારે મૂડીબજારમાં આવશે

અમદાવાદી સનસ્ટાર લિમિટેડ બેના શૅરદીઠ ૯૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૨૫ના પ્રીમિયમ સામે સારા બજારમાં નબળું લિસ્ટિંગ દાખવ્યું છે. ભાવ ૧૦૬ ખૂલી ઉપરમાં ૧૨૭ થઈ ૧૧૫ બંધ થતાં ૨૧ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સર ટેલિવેન્ચર્સ તથા RNFL સર્વિસિસનું લિસ્ટિંગ સોમવારે છે. સર ટેલિવેન્ચર્સમાં હાલ માત્ર પાંચ રૂપિયા તો RNFLમાં ૮૫ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે. ૩૦ જુલાઈએ મેઇન બોર્ડમાં નવી દિલ્હીની એકમ્સ ડ્રગ્સ બે રૂપિયાના શૅરદીઠ ૬૭૯ રૂપિયાની અપરબૅન્ડમાં ૧૧૭૭ કરોડ જેવી ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૮૫૭ કરોડ રૂપિયાનો ઇશ્યુ કરવાની છે. કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષમાંથી માત્ર બે જ વર્ષ નફો કર્યો છે જેનો કુલ આંકડો ૯૯ કરોડનોય નથી. સામે અગાઉના એક જ વર્ષની ખોટ ૨૫૧ કરોડ જેવી છે. આને કારણે ઇશ્યુમાં QIB પૉર્શન ૭૫ ટકા રાખવાની ફરજ પડી છે. રીટેલ પૉર્શન ૧૦ ટકા છે. દેવું ૪૯૧ કરોડ કરતાં વધુ છે. ગયા વર્ષે કંપનીની આવક ૧૪ ટકા વધવા છતાં નેટ નફો ૯૯ ટકા ઘટ્યો છે. આવી કંપની છતાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમની શરૂઆત ૧૬૫થી થયા પછી રેટ સુધરી હાલમાં ૧૭૦ સંભળાય છે.

Whatsapp-channel Whatsapp-channel

27 July, 2024 07:27 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK