Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજાર પાંચ દિવસમાં ૪૧૯૨ પૉઇન્ટ ડૂલ, રોકાણકારોના ૧૯ લાખ કરોડ સ્વાહા

બજાર પાંચ દિવસમાં ૪૧૯૨ પૉઇન્ટ ડૂલ, રોકાણકારોના ૧૯ લાખ કરોડ સ્વાહા

Published : 21 December, 2024 08:50 AM | Modified : 21 December, 2024 08:55 AM | IST | Mumbai
Anil Patel

સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૭૮૦૦૦ની નીચે જઈ છેવટે ૧૧૭૬ પૉઇન્ટ લથડતાં માર્કેટકૅપ એક જ દિવસમાં પોણાનવ લાખ કરોડ રૂપિયા સાફ: છેવટે રિલાયન્સ વર્ષની નીચી સપાટી સાથે બે ટકા બગડ્યો.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૭૮૦૦૦ની નીચે જઈ છેવટે ૧૧૭૬ પૉઇન્ટ લથડતાં માર્કેટકૅપ એક જ દિવસમાં પોણાનવ લાખ કરોડ રૂપિયા સાફ: છેવટે રિલાયન્સ વર્ષની નીચી સપાટી સાથે બે ટકા બગડ્યો: રંગ બદલીને FII ચાલુ મહિને નેટ બાયરમાંથી નેટ સેલરની ભૂમિકામાં આવી ગઈ: BSE નવા બેસ્ટ લેવલે જઈ ૨૪૯ રૂપિયા બગડ્યો, ૬૩ મૂન્સ નવી મલ્ટિયર ટૉપ બાદ મંદીની સર્કિટમાં બંધ: બિટકૉઇન રનિંગમાં ઉપલા મથાળેથી ૯૦૦૦ ડૉલરની ખરાબીમાં ૯૩૦૦૦ ડૉલર દેખાયો: પાનપરાગ ફેમ કોઠારી પ્રોડક્ટ્સ ૨૦ ટકાની તેજીમાં, ઝોમાટો નરમ, સ્વિગી મજબૂત: નેટવર્ક૧૮ સિવાય મુકેશ અંબાણીના તમામ શૅર ઘટ્યા


લગભગ રોજ એક નવી ધમકીનો શિરસ્તો જાળવી રાખતા ટ્રમ્પે હવે યુરોપિયન યુનિયનને જોઈ લેવાની વાત કરી છે, ‘અમેરિકાથી ઑઇલ અને ગૅસની આયાત વધારો નહીંતર તમારી ખેર નથી.’ સત્તાસ્થાને જ્યાં જુઓ ત્યાં ટપોરી બેઠા છે, આપણા સમયનું આ એક દુર્ગાગ્ય છે. વિશ્વબજારોની નરમાઈ શુક્રવારેય આગળ ધપી છે. ઇન્ડોનેશિયાનો નામજોગ સુધારો બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર ઘટ્યાં છે. એમાં તાઇવાન પોણાબે ટકા થઈ વધુ, સાઉથ કોરિયા સવા ટકાથી વધુ, સિંગાપોર અને થાઇલૅન્ડ એક ટકા નજીક ખરડાયાં હતાં. યુરોપ રનિંગમાં પોણાથી સવા ટકો ડાઉન હતું. પાકિસ્તાની શૅરબજાર બે દિવસની ખરાબી બાદ રનિંગમાં દોઢ ટકો કે ૧૫૬૮ પૉઇન્ટના સુધારામાં ૧૦૭૮૪૩ દેખાયું છે. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧૦૨૮૦૦ ડૉલરની ટૉપથી નીચામાં ૯૩૦૪૫ ડૉલર બનાવી રનિંગમાં ૯ ટકાની ખુવારીમાં ૯૩૧૨૯ ડૉલર ચાલતો હતો.



ઘરઆંગણે બજાર સતત પાંચમા દિવસે ખરડાયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૧૭ પૉઇન્ટના સુધારે ૭૯૩૩૫ ખૂલ્યા બાદ છેવટે ૧૧૭૬ પૉઇન્ટ લથડી ૭૮૦૪૧ તથા નિફ્ટી નીચામાં ૨૩૫૩૭ થઇ ૩૬૪ પૉઇન્ટના ધોવાણમાં ૨૩૫૮૭ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક ઉપરમાં ૭૯૫૮૭ થયા બાદ નીચામાં ૭૭૮૭૪ દેખાયો હતો. સેન્સેક્સ નિફ્ટીના દોઢ ટકાના બગાડ સામે સ્મૉલકૅપ, મિડકૅપ તથા બ્રૉડર માર્કેટ લગભગ બેથી અઢી ટકા સાફ થયું છે. આ ઉપરાંત રિયલ્ટી ઇન્ડેક્સ ચાર ટકા, પાવર બેન્ચમાર્ક સાડાત્રણ ટકા, કૅપિટલ ગુડ્સ ત્રણ ટકા કે ૨૧૩૮ પૉઇન્ટ, યુટિલિટીઝ અઢી ટકા, ઑટો ઇન્ડેક્સ ૧૧૭૮ પૉઇન્ટ કે સવાબે ટકા, ટેલિકૉમ સવાબે ટકા, આઇટી ઇન્ડેક્સ અઢી ટકા કે ૧૧૨૩ પૉઇન્ટ, મેટલ ઇન્ડેક્સ પોણાબે ટકા, ઑઇલ-ગૅસ પોણાબે ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૭ ટકા, પીએસયુ બેન્ચમાર્ક અઢી ટકા નજીક બરબાદ થયા હતા. બૅન્ક નિફ્ટી દોઢ ટકા કે ૮૧૬ પૉઇન્ટ બગડ્યો છે. બૅન્કિંગના ૪૧માંથી ૩૭ શૅર ડૂલ થયા હતા. નિફ્ટી ફાર્મા એકાદ ટકો, હેલ્થકૅર ઇન્ડેક્સ સવા ટકો તો FMCG બેન્ચમાર્ક એક ટકો માઇનસ હતા. ઇનશૉર્ટ, બન્ને બજારમાં જ્યાં જુઓ ત્યાં બધું લાલ હતું. માર્કેટ બ્રેડ્થમાં ભારે ખુવારી હતી. NSEમાં વધેલા ૫૫૧ શૅર સામે ૨૨૬૧ જાતો ઘટી હતી. બજારનું માર્કેટકૅપ ૮.૭૭ લાખ કરોડની બૂરાઈમાં ઘટીને હવે ૪૪૦.૯૯ લાખ કરોડે આવી ગયું છે. છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના ૧૯.૦૭ લાખ કરોડ રૂપિયા હોમાઈ ગયા છે.


આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૪૦૯૨ પૉઇન્ટ કે પાંચ ટકા તથા નિફ્ટી ૧૧૮૧ પૉઇન્ટ કે ૪.૮ ટકા લથડ્યો છે જે લગભગ ત્રણ મહિનાની સાપ્તાહિક ધોરણે મોટી ખરાબી છે. બૅન્ક નિફ્ટી એક વીકમાં સવાપાંચ ટકા કે ૨૮૨૫ પૉઇન્ટ કપાયો છે. મેટલ ઇન્ડેક્સ પોણાસાત ટકા નજીક, કૅપિટલ ગુડ્સ તથા પીએસયુ બેન્ચમાર્ક સવાછ ટકા અને પાવર ઇન્ડેક્સ સાત ટકા નજીક ગગડ્યો છે. ડૉલર સામે નવા વરવા વિક્રમી બૉટમ બનાવવાનું રૂપિયાએ ચાલુ રાખ્યું છે.

અદાણીના તમામ શૅર લાલ, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ દોઢ વર્ષના તળિયે
ખરાબ બજારમાં હૉ. રેડ્ડીઝ લૅબ વધુ ૧.૪ ટકા સુધરી ૧૩૪૪ના બંધમાં નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. આ શૅર સપ્તાહમાં પોણાઆઠ ટકા ઊંચકાયો છે. JSW સ્ટીલ નિફ્ટી ખાતે એક ટકા નજીકની નરમાઈમાં ૯૧૭ રહ્યો છે. નેસ્લે, ટાઇટન, HDFC લાઇફ નામ પૂરતા પ્લસ હતા. ટેક મહિન્દ્ર ચારેક ટકાની ખુવારીમાં ૧૬૮૫ બંધ આપી બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. નિફ્ટી ખાતે ટ્રેન્ટ ૩.૭ ટકા કે ૨૬૦ રૂપિયા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૩.૬ ટકા અને મહિન્દ્ર ૧૦૮ રૂપિયા કે સાડાત્રણ ટકા ખરડાઈ હતી.


માર્કેટ લીડર રિલાયન્સે અહીંથી જણાવ્યું હતું એમ છેવટે ૧૨૦૨નું વર્ષનું બૉટમ બનાવી બે ટકાની બૂરાઈમાં ૧૨૦૬ બંધ આપી બજારને ૧૪૪ પૉઇન્ટ નડી છે. HDFC બૅન્ક વધુ સવા ટકા નજીક નબળી પડતાં સેન્સેક્સને બીજો ૧૪૦ પૉઇન્ટનો માર પડ્યો છે. ટીસીએસ અઢી ટકા નજીક તથા ઇન્ફી સવા ટકાથી વધુ માઇનસ થતાં બજારને કુલ ૧૭૩ પૉઇન્ટની હાનિ થઈ હતી. લાર્સન સવાબે ટકા ગગડી ૩૬૩૦ બંધ હતો. એને લીધે સેન્સેક્સને ૮૩ પૉઇન્ટ તો ૨૧૩૮ પૉઇન્ટ ખુવાર થયેલા કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સને ૫૩૬ પૉઇન્ટનો ફટકો પડ્યો છે. ઇન્ડસઇન્ડ બૅન્ક સાડાત્રણ ટકાથી વધુ અને એશિયન પેઇન્ટ્સ અડધા ટકા નજીકની નરમાઈ સાથે મલ્ટિયર તળિયે ગયા છે. અલ્ટ્રાટેક, સ્ટેટ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, તાતા મોટર્સ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટર, કોલ ઇન્ડિયા, વિપ્રો, શ્રીરામ ફાઇનૅન્સ, સિપ્લા, બજાજ ઑટો, ગ્રાસિમ, ONGC, તાતા કન્ઝ્‍યુમર જેવી જાતો બેથી સવાત્રણ ટકા ડુલ થઈ હતી. NTPC, બજાજ ફિનસર્વ, ભારતી ઍરટેલ, બજાજ ફાઇનૅન્સ, તાતા સ્ટીલ, પાવર ગ્રિડ, ભારત પેટ્રો, બ્રિટાનિયા, હીરો મોટોકૉર્પ સવાથી બે ટકા નજીક નરમ હતા.

અદાણીના ૧૧માંથી ૧૧ શૅર ઘટ્યા છે. અદાણી એન્ટર ત્રણ ટકાથી વધુ, અદાણી પોર્ટ્સ બે ટકા નજીક, અદાણી પાવર બે ટકા, અદાણી એનર્જી સાડાત્રણ ટકા, અદાણી ગ્રીન પોણાચાર ટકા, અદાણી ટોટલ સવાત્રણ ટકા, અદાણી વિલ્મર બે ટકા, NDTV પોણાબે ટકા, ACC અઢી ટકા, અંબુજા સિમેન્ટ્સ અઢી ટકા નજીક જ્યારે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ સવાછ ટકા તૂટી ૬૩ના દોઢ વર્ષના તળિયે બંધ હતો. 

જનરલ ઇન્શ્યૉરન્સ ઝળકી, સિમેન્સમાં ૭૬૬નો કડાકો બોલાયો
૬૩ મૂન્સ ૧૦૮૦ની નવી મલ્ટિયર ટૉપ બનાવી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૯૮૧ની અંદર ગયો છે. BSE લિમિટેડ ૫૮૩૮ની ઑલટાઇમ હાઈ નોંધાવી સવાચાર ટકા કે ૨૪૯ની ખરાબીમાં ૫૫૪૩ નજીક હતો. સરકારની ૮૨ ટકા માલિકીની જનરલ ઇન્શ્યૉરન્સ ૧૧ ગણા વૉલ્યુમે ૫૨૫ની ટોચે જઈ પોણાચૌદ ટકાની તેજીમાં ૫૦૩ બંધ આપી એ-ગ્રુપમાં મોખરે હતી. પિયર ગ્રુપમાં ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ સવાચાર ટકા અને ગો-ડિજિટ ત્રણ ટકા મજબૂત હતી. એલઆઇસી અડધો ટકો ઘટી છે. મેક્સ ફાઇનૅન્સ અઢી ટકા બગડી હતી. એજિસ લૉજિસ્ટિક્સ ૧૦ ટકા જેવા ઉછાળે ૮૩૧ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. મુકેશ અંબાણી ગ્રુપની નેટવર્ક૧૮ પોણાછ ટકા મજબૂત હતી, પણ અન્ય શૅરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રા ૨.૭ ટકા, હેથવે કેબલ ત્રણ ટકા, ડૅન નેટવર્ક બે ટકા, જિયો ફાઇનૅન્સ પોણાત્રણ ટકા, આલોક ઇન્ડસ્ટ્રીઝ ત્રણ ટકા, સ્ટર્લિંગ વિલ્સન પાંચ ટકા, જસ્ટ ડાયલ ત્રણ ટકા નજીક તથા લોટસ ચૉકલેટ ૨.૯ ટકા ડાઉન હતી.

સિમેન્સ આઠ ગણા વૉલ્યુમ સાથે ૧૦ ટકા કે ૭૬૬ રૂપિયા ખરડાઈ ૬૮૬૭ના બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બની છે. ટૉરન્ટ પાવરમાં ૧૫૪ કે સાડાનવ ટકાનો અંધારપટ થયો છે. આરબીએલ બૅન્ક સાત ટકા બગડી ૧૫૩ નીચે ગઈ છે. તાજેતરમાં લિસ્ટેડ મોબિક્વિક નીચામાં ૪૬૭ થઈ પોણાદસ ટકાના કડાકામાં ૪૮૮ થઈ છે. રોકડામાં ખરાબી વચ્ચે પાનપરાગવાળી કોઠારી પ્રોડક્ટ્સ ૭૫ ગણા જંગી વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટ મારી ૨૦૫ વટાવી ગઈ હતી. નૅશનલ પ્લાસ્ટિક સવાદસ ટકાના જમ્પમાં ૪૯૬ રહી છે. ઝોમાટો સવાબે ટકા નરમ તો સ્વિગી અઢી ટકા મજબૂત હતી. લાટિમ વધુ સાડાછ ટકા કે ૪૦૧ રૂપિયા લથડી ૫૮૨૦ દેખાઈ છે. તાજેતરમાં ૧૬ ડિસેમ્બરે ભાવ ૬૭૬૫ના બેસ્ટ લેવલે ગયો હતો. શુગર ઉદ્યોગના ૩૭માંથી ૩૩ શૅર કડવા બન્યા છે.

હૅમ્પ્સ બાયોનું દમદાર, ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલનું નબળું લિસ્ટિંગ
ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલ શૅરદીઠ ૪૧૭ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટ ખાતે છેલ્લે ૧૫૯ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૫૦૫ ખૂલી ઉપરમાં ૫૨૫ અને નીચામાં ૪૫૪ બતાવી ૪૭૦ બંધ થતાં એમાં પોણાતેર ટકા કે શૅરદીઠ ૫૩ રૂપિયાનો સાધારણ લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ગુજરાતના અંકલેશ્વરની હૅમ્પ્સ બાયો શૅરદીઠ ૫૧ની ઇશ્યુ પ્રાઇસ અને ૬૦ના પ્રીમિયમ સામે ૯૭ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૦૨ નજીક બંધ થતાં અહીં લગભગ ૧૦૦ ટકાનું રિટર્ન છૂટ્યું છે જેનો SME ઇશ્યુ વિક્રમી ૨૨૧૦ ગણો છલકાયો હતો એ ગાઝિયાબાદની નેકડાક ઇન્ફ્રાનું લિસ્ટિંગ ૨૪મીએ છે. પ્રીમિયમ ૫૦ ચાલે છે.

શુક્રવારે મેઇન બોર્ડમાં ત્રણ નવાં ભરણાં ખૂલ્યાં છે. પુણેની ખોટ કરતી વેન્ટિવ હૉસ્પિટલિટીનો એકના શૅરદીઠ ૬૪૩ની લૂંટમાર પ્રાઇસથી ૧૬૦૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૭૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૬૫ બોલાય છે. અમદાવાદી સેનોરેઝ ફાર્માનો ૧૦ના શૅરદીઠ ૩૯૧ની અપર બૅન્ડ સાથે ૫૮૨ કરોડનો IPO લગભગ બે ગણા નજીક ભરાઈ જતાં ૧૫૦વાળું પ્રીમિયમ વધીને ૧૮૦ થયું છે જ્યારે પુણેની કેરારો ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૭૦૪ની અપર બૅન્ડ સાથે ૧૨૫૦ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ પ્રથમ દિવસે માત્ર ૯ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં સોદા શરૂ થયા નથી. ગુરુવારે ખૂલેલા મેઇન બોર્ડના ભરણામાં અત્યાર સુધીમાં મમતા મશીનરી ૩૮ ગણો, ડૅમ કૅપિટલ સાત ગણો, ટ્રાન્સરેલ લાઇટિંગ ૫.૪ ગણો, સનાતન ટેક્સટાઇલ દોઢ ગણો તથા કૉન્કૉર્ડ એન્વિરો સવા ગણો ભરાઈ ચૂક્યો છે. પાંચેપાંચ ભરણાં સોમવારે બંધ થશે. હાલમાં મમતા મશીનરીમાં ગ્રેમાર્કેટ ખાતે ૨૬૦, ડૅમ કૅપિટલમાં ૧૬૮, ટ્રાન્સરેલમાં ૧૮૬ તો સનાતન અને કૉન્કૉર્ડમાં ૭૦ રૂપિયાના પ્રીમિયમ સંભળાય છે. SME કંપની ન્યુ મલયાલમ સ્ટીલમાં ૩૦ અને આઇડેન્ટિકલ બ્રેઇન્સમાં ૫૫નું પ્રીમિયમ છે. મુંબઈની આઇડેન્ટિકલ બ્રેઇન્સનો શૅરદીઠ ૫૪ના ભાવનો ૧૯૯૫ લાખનો SME ઇશ્યુ આખરી દિવસે કુલ ૫૪૪ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ન્યુ મલયાલમ અત્યાર સુધીમાં કુલ ૫.૮ ગણો ભરાયો છે.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2024 08:55 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK