Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સચિન અને ધોની કહે એટલે મ્યુચ્યુઅલ ફન્ડ સહી થઈ જાય?

સચિન અને ધોની કહે એટલે મ્યુચ્યુઅલ ફન્ડ સહી થઈ જાય?

Published : 01 December, 2022 04:03 PM | IST | Mumbai
Jayesh Chitalia

મ્યુચ્યુઅલ ફન્ડ સહી હૈ એ સલામતીનો સંકેત છે, પણ રોકાણને લાંબો સમય આપો તો એ સહી સાબિત થવાની શક્યતાની ઊંચાઈ વધી જાય છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ફન્ડના ફન્ડા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ફાઇનૅન્શિયલ અવેરનેસ, લિટરસી, જાગૃતિ, સજાગતા વગેરે જેવી બાબતોના વિષયમાં બિગ બી અમિતાભ બચ્ચન તો કોન બનેગા કરોડપતિ (કેબીસી)ના માધ્યમથી લોકોને સમજાવવાની ઝુંબેશમાં વરસોથી સક્રિય છે અને રિઝર્વ બૅન્ક વતી સૌને જ્ઞાન આપે છે. કયાં, શું અને શેનું ધ્યાન રાખવું. આપ સૌ જુઓ જ છો. સ્પોર્ટ્સ સ્ટાર હોય કે બૉલીવુડ સ્ટાર હોય, તેઓ અનેકવિધ ચીજોનું બ્રૅન્ડિંગ કરતા હોય છે, પરંતુ હવે આ લોકપ્રિય સેલિબ્રિટીઝનો ઉપયોગ ફાઇનૅન્શિયલ સેક્ટરમાં પણ વધવા લાગ્યું છે. સંભવ છે કે આ વર્ગની લોકો પર વધુ અસર થતી હોઈ શકે. 


ઍમ્ફીની ઝુંબેશનું લક્ષ્ય



‘મ્યુચ્યુઅલ ફન્ડ સહી હૈ’નું સૂત્ર-કૅમ્પેન ચલાવતા ઍમ્ફી (અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઑફ ઇન્ડિયા)એ તાજેતરમાં તેની પ્રચારઝુંબેશ વધુ જોરદાર, પ્રભાવશાળી અને અસરકારક બનાવવા માટે સચિન તેન્ડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીનો ઉપયોગ શરૂ કર્યો છે. ઍમ્ફીના ચૅરમૅન એ. બાલાસુબ્રમણ્યન કહે છે, ભારત બચતકારોનો દેશ છે. જોકે મોટા ભાગના લોકો શૅરબજારમાં રોકાણ કરવાથી દૂર રહે છે, તેમને પૂરતી સમજ નથી અથવા તેઓ જોખમ લેવા માગતા નથી. ખેર, અમે માનીએ છીએ કે આવા વર્ગને મ્યુચ્યુઅલ ફન્ડ લાંબે ગાળે તેમનાં લક્ષ્યો હાંસલ કરવામાં સહાયરૂપ થઈ શકે છે, જેથી અમે ઇચ્છીએ છીએ કે લોકો તેમનું અમુક બચત ભંડોળ મ્યચ્યુઅલ ફન્ડ તરફ વાળે, જેને પરિણામરૂપ ઍમ્ફીએ આવા પૉપ્યુલર સ્ટાર્સને લઈ આ નવો કૅમ્પેન શરૂ કર્યો છે. બાળકોના શિક્ષણ તેમ જ પોતાના નિવૃ‌ત્ત‌િ કાળ સહિત ઘણા ધ્યેય માટે એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)ના માધ્યમથી લાંબા ગાળાનું રોકાણ થાય તો એ સહી સાબિત થવાની આશા રાખી શકાય છે.


મ્યુચ્યુઅલ ફન્ડ ફાઇનૅન્શિયલ સેક્ટરનાં વિવિધ સાધનોમાં રોકાણના વિકલ્પો આપે છે, જેમાં વિવિધ સ્તરે ભિન્ન જોખમ હોય છે, પણ એ જોખમ સામાન્ય ગણાય. લાંબા ગાળા માટે જોખમ કહી શકાય નહીં, લોકોને કહેવું પડે એ જુદી વાત છે, કેમ કે એમ ન કહેવાય તો લોકો એને સંપૂર્ણ સલામત માનીને ચાલે. બાય ધ વે, જોખમ હોવા છતાં જોખમ નથી એવું માનવાનું મુખ્ય કારણ લાંબો સમય હોય છે, જેમાં તમારા વળતરમાં વધઘટ થઈ શકે. બાકી રિસ્ક નહીંવત્ રહી શકે, એથી જ ‘મ્યુચ્યુઅલ ફન્ડ સહી હૈ’નું સૂત્ર ચાલી શકે. 

સેબીનો સક્રિય-શિસ્તબદ્ધ અભિગમ


સેબી મ્યુચ્યુઅલ ફન્ડ માટેના નીતિ-નિયમો સમયાંતરે કડક અને વધુ પારદર્શક બનાવવાની ભૂમિકા ભજવતું રહે છે, સમયે-સંજોગના આધારે એમાં તકેદારી રાખે છે. અનુભવોને લક્ષ્યમાં રાખી ફેરફાર પણ કરાય છે. ફન્ડની જવાબદારી સતત વધારાય છે. રોકાણકાર જગત સતત માહિતી-માર્ગદર્શન મેળવતો રહે એવી જોગવાઈ પણ કરાઈ છે. કોઈ જનતાને ગેરમાર્ગે ન દોરે એની સાવચેતી પણ સેવી છે. ઈન શૉર્ટ, સેબી તરફથી સતત નિરીક્ષણ અને નિયમન રહે છે. ખુદ મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ પણ જાગ્રત અને સજાગ થતો જાય છે. નવી પ્રોડક્ટ્સ-યોજના આવતી જાય છે. એસઆઇપી જેવાં સાધનોમાં તો કેટલીયે વરાઇટી દાખલ થઈ ચૂકી છે અને તેમ છતાં એમાં વધુ વિવિધતા સમાવાતી જાય છે. આમ આપણા દેશમાં રજતજયંતી પાર કરનાર મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ સતત નવા સ્વરૂપ ધારણ કરતો જાય છે. 

સહી હૈ, પરંતુ આ પણ યાદ રાખો

ખેર, ‘મ્યુચ્યુઅલ ફન્ડ સહી હૈ’ વાત માનવા સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે આમાં જોખમ કાયમ શૂન્ય જ હોય એવું માનવું સહી નથી. ટૂંકા ગાળામાં ફન્ડની કોઈ સ્કીમની વૅલ્યુ નીચે જઈ શકે છે, ત્યારે લોસ કરનાર વ્યક્તિ કહી શકે કે ‘ફન્ડ સહી હૈ’ એ વાત ખોટી છે. માત્ર સચિન અને ધોની કહે એટલે ફન્ડ સહી થઈ જતાં નથી. કોઈ પણ રોકાણને ચોક્કસ સમય આપવો જ પડે છે અને ઇન્વેસ્ટમેન્ટ જગતમાં લાંબો સમય આપવો એ પાયાની જરૂરિયાત ગણાય. એમ તો આપણે રોજ કેટલીયે પ્રોડક્ટ્સની જાહેરખબરમાં વિવિધ દાવા જોતા હોઈએ છીએ. કપડાંની સફેદીની વાત, દુખતું માથું ઘડીમાં મટી જવાની વાત વગેરે સંખ્યાબંધ દાખલા છે. કોઈ પણ મામલે આપણો અનુભવ અને વિવેકબુદ્ધિ કામે લગાડવા જ પડે. 

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2022 04:03 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK