રેરા હેઠળ ખરીદદારોની ફરિયાદોનું ત્વરિત નિરાકરણ આવે એવો હેતુ રખાયો છે. આમ છતાં જ્યારે મહારેરાએ પોતાની જવાબદારીનું નિર્વહન કર્યું નથી તેથી અદાલતે એની પાસે ખુલાસો માગવો પડ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના વિસ્તારમાં બનાવટી દસ્તાવેજોના આધારે રેરા રજિસ્ટ્રેશન કરાવનારા બિલ્ડરોના પ્રકરણની આપણે વાત કરી ચૂક્યા છીએ. મહારેરાએ આ કિસ્સામાં કડક કાર્યવાહી કરીને ગેરકાનૂની પ્રોજેક્ટ્સનું તોડકામ પણ કરાવ્યું છે.
આજે આપણે મુંબઈ વડી અદાલત દ્વારા આપવામાં આવેલા ચુકાદાની વાત કરવાના છીએ. આ પ્રકરણમાં અદાલતે મહારેરા પાસે ખુલાસો માગ્યો છે. હકીકત એમ છે કે એક ખરીદદારે પોતાની ફરિયાદ પર મહારેરા ઑથોરિટી દ્વારા લક્ષ આપવામાં આવ્યું નહીં હોવાનું અદાલતને જણાવ્યું છે.
અહીં નોંધવું ઘટે કે રેરા કાયદો લાવવા પાછળનો ઉદ્દેશ્ય ફરિયાદકર્તાઓને જલદી ન્યાય અપાવવાનો છે. ભારતીય ન્યાયતંત્ર પર એટલો બધો બોજ છે કે મોટા પ્રમાણમાં ખટલાઓ અનિર્ણીત રહે છે. રેરા હેઠળ ખરીદદારોની ફરિયાદોનું ત્વરિત નિરાકરણ આવે એવો હેતુ રખાયો છે. આમ છતાં જ્યારે મહારેરાએ પોતાની જવાબદારીનું નિર્વહન કર્યું નથી તેથી અદાલતે એની પાસે ખુલાસો માગવો પડ્યો છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રે અનેક બદીઓ જોવા મળી છે. ગ્રાહકને આકર્ષવા માટે બિલ્ડરો અનેક પેંતરા રચતા હોય છે અને સંખ્યાબંધ મોટા-મોટા વાયદાઓ કરતા હોય છે, પરંતુ જ્યારે પઝેશન આપવાની વાત આવે ત્યારે કોઈ વચન પાળતા નથી. આ સ્થિતિમાં ખરીદદારે ન્યાય મેળવવા માટે આમથી તેમ ભટકવું પડતું હોય છે. પઝેશન આપવામાં આવે ત્યારે પણ વાયદાઓ પૂરા થયા નહીં હોવાનો લોકોનો અનુભવ રહ્યો છે. ક્લબહાઉસ અને સ્વિમિંગ-પૂલ ફક્ત કાગળ પર હોય એવું તો ઢગલાબંધ કિસ્સાઓમાં બન્યું છે. સંબંધિત પાલિકા તરફથી મંજૂરી નહીં મળી હોવાનું કહીને આ સુવિધાઓ આપવાનું ટાળવામાં આવે છે. નોંધનીય છે કે દરેક રાજ્યના લોકોની પોતપોતાની અલગ-અલગ પ્રકારની ફરિયાદો હોય છે. આ ફરિયાદોના નિરાકરણ માટે રેરા હેઠળ અલગ-અલગ રાજ્યે અલગ-અલગ વ્યવસ્થા કરી છે અને ફરિયાદ કરવા માટે ફૉર્મેટ તૈયાર કરાવ્યાં છે.
મહારાષ્ટ્રમાં ફરિયાદકર્તા મહારેરાની વેબસાઇટ પર જઈને નિર્ધારિત ફૉર્મેટમાં ફરિયાદ નોંધવી શકે છે. મહારેરામાં જોગવાઈ છે કે ફરિયાદ થયાના ૬૦ દિવસની અંદર ચુકાદો આપવામાં આવવો જોઈએ. આમ છતાં, રેરા અદાલતે વર્ષ ૨૦૨૦માં નોંધાવવામાં આવેલી અનેક ફરિયાદો સંબંધે કાર્યવાહી કરી નથી.
હાલમાં એક ખરીદદારે મુંબઈ વડી અદાલતને કરેલી રિટ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે મહારેરાએ એમની ફરિયાદની સુનાવણી હાથ ધરી નથી. દોઢ વર્ષ વીતવા છતાં મહારેરાએ સુનાવણી માટે કોઈ તારીખ પણ આપી નથી. આથી મહારેરા વતી અદાલતમાં હાજર રહેલા સરકારી વકીલને વડી અદાલતે કહ્યું હતું કે ફરિયાદની વર્તમાન સ્થિતિ વિશે અદાલતને જાણ કરવી અને સુનાવણી હજી સુધી કેમ હાથ ધરવામાં આવી નથી એની પાછળનું કારણ જણાવવું.
અહીં જણાવવું રહ્યું કે ફરિયાદીએ વર્ષ ૨૦૧૧માં મુલુંડમાં એક ફ્લૅટ ખરીદ્યો હતો. તેમણે પૂરેપૂરી રકમ ચૂકવી દીધી હતી અને પઝેશન ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ કે એ પહેલાં આપવામાં આવશે એવું ઍગ્રીમેન્ટ ફૉર સેલમાં લખવામાં આવ્યું હતું. પઝેશન છેક ૨૦૧૯માં મળ્યું. આથી ફરિયાદીએ પાંચ વર્ષ મોડેથી મળેલા પઝેશન બદલ બિલ્ડર પાસે નુકસાની માગી હતી. એની દાદ મહારેરા સમક્ષ માગવામાં આવી હતી. આપણે અગાઉ જોયું કે રેરાનો ઉદ્દેશ્ય લોકોને જલદીથી ન્યાય અપાવવાનો છે. આમ છતાં ઉક્ત કેસમાં એવું થયું નથી.
આ કિસ્સા પરથી કહી શકાય કે રેરાએ ફરિયાદોનો જલદીથી નિકાલ લાવવા માટે વધુ અધિકારીઓની નિમણૂક કરવાની જરૂર છે. રેરા ફક્ત ફરિયાદ નોંધવા માટે નથી. ફરિયાદોનું નિરાકરણ લવાય તો જ એનો ઉપયોગ છે. ફરિયાદીએ પણ થોડી ધીરજ રાખવાની જરૂર હોય છે. ઉપરોક્ત પ્રકરણમાં અદાલતે મહારેરા પાસે ખુલાસો માગ્યો એ નોંધવા જેવી બાબત છે.