મુંબઈમાં સરેરાશ ૩.૩૯ ટકાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે છેલ્લે ૨૦૨૩માં રેડી રેક્નરના ભાવમાં વધારો કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં થતા પ્રૉપર્ટીના વ્યવહારો પર લેવામાં આવતી સ્ટૅમ્પ ડ્યુટીની આકારણી કરવા માટે જે-તે વિસ્તારમાં પ્રૉપર્ટીના ભાવ રાજ્ય સરકાર રેડી રેક્નર દ્વારા નક્કી કરતી હોય છે. ફાઇનૅન્શ્યલ યર ૨૦૨૫-’૨૬ માટે રાજ્ય સરકારે ગઈ કાલે રેડી રેક્નરના દર બહાર પાડ્યા હતા જે આજથી અમલમાં આવશે. મુંબઈમાં સરેરાશ ૩.૩૯ ટકાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે છેલ્લે ૨૦૨૩માં રેડી રેક્નરના ભાવમાં વધારો કર્યો હતો. એ વખતે મુંબઈમાં સરેરાશ ૨.૩૪ ટકાનો વધારો ઝીંકાયો હતો.
રાજ્યમાં સૌથી વધુ પ્રૉપર્ટી લે-વેચના વ્યવહાર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં થાય છે. MMRની મોટા ભાગની પ્રૉપર્ટીઓ હવે એક કરોડ કરતા વધુ કિંમતની છે. MMRમાં આવતી સુધરાઈઓમાં અલગ-અલગ વધારો કરવામાં આવ્યો છે. સૌથી વધુ ઉલ્હાસનગરમાં ૯ ટકા, એની પાછળ થાણેમાં ૭.૭૨ ટકા અને એ પછી નવી મુંબઈ ૬.૭૫ ટકા અને મીરા-ભાઇંદરમાં ૬.૨૬ ટકાનો ભાવવધારો કરાયો છે. અન્ય સુધરાઈના ભાવવધારામાં કલ્યાણ-ડોમ્બિવલી ૫.૮૪ ટકા, પનવેલ ૪.૯૭ ટકા, વસઈ–વિરાર ૪.૫૦ ટકા અને ભિવંડી નિઝામપુરમાં ૨.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
રેડી રેક્નરના ભાવ નક્કી કરતી વખતે રજિસ્ટ્રેશન ઑફિસમાં જે-તે વિસ્તારમાં પ્રૉપર્ટી સરેરાશ શું ભાવે વેચાય છે એની ડીટેલ્સનો અભ્યાસ કરવામાં આવે છે. એ સિવાય ફીલ્ડ વિઝિટ કરી ખરેખર પ્રૉપર્ટીના ભાવ ચેક કરવામાં આવે છે. એ સિવાય પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી કન્સ્ટ્રક્શન કૉસ્ટ કેટલી આવે છે એની માહિતી ભેગી કરવામાં આવે છે. એટલું જ નહીં, બિલ્ડર, ડેવલપર્સ, રજિસ્ટ્રાર, લોક પ્રતિનિધિઓ સાથે જિલ્લાધિકારીની બેઠક કરવામાં આવે છે અને આ બાબતે લોકો પાસેથી પણ સલાહ-સૂચન અને વાંધા-વચકા મગાવ્યા બાદ એના પર કેટલો ભાવ નક્કી કરવો એનો પ્રસ્તાવ તૈયાર કરાય છે અને છેવટે એ મંજૂર કરવામાં આવે છે.
રજિસ્ટ્રેશન અને સ્ટૅમ્પ ડ્યુટીની આવકમાં ગયા વર્ષ કરતાં ૧૮ ટકાનો વધારો થયો
૩૧ માર્ચ સુધીમાં કલેક્શન ૫૮,૦૦૦ કરોડ રૂપિયાને વટાવી ગયું હોય એવી શક્યતા
રેડી રેક્નરના રેટમાં આજથી રાજ્યમાં સરેરાશ ૨.૫૦ ટકાથી ૧૦.૧૭ ટકા સુધીનો વધારો થયો છે ત્યારે એ પહેલાં જ પ્રૉપર્ટી ખરીદીને એની સ્ટૅમ્પ ડ્યુટી ભરવા ગિરદી જોવા મળી હતી. ગયા વર્ષ કરતાં આ વર્ષે ૧૮ ટકા જેટલું વધારે કલેક્શન થયું છે. ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશને જણાવ્યું છે કે ૨૯ માર્ચ સુધીમાં ૨.૯૧ લાખ પ્રૉપર્ટીની સ્ટૅમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનની કુલ રકમ મળીને ૫૬,૭૭૦ કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે, જે ૩૧ માર્ચ સુધીમાં ૫૮,૦૦૦ કરોડ રૂપિયાને વટાવી જાય એવી શક્યતા છે.
ગઈ કાલ સુધી જે લોકોએ પોતાની પ્રૉપર્ટીની જૂના રેટ મુજબ સ્ટૅમ્પ ડ્યુટી ભરી હશે એ આગામી ચાર મહિના સુધી આ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન કરી શકે છે. આનો ફાયદો એ થશે કે જો તેઓ મે કે જૂનમાં પોતાની પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવશે તો પણ એના રેડી રેક્નર રેટમાં જે વધારો થયો છે એના ડિફરન્સના પૈસા આપવાની જરૂર નહીં પડે, કારણ કે તેમણે એ પ્રૉપર્ટીની સ્ટૅમ્પ ડ્યુટી ૩૧ માર્ચ ૨૦૨૫ પહેલાં ભરી દીધી છે. આ ફાયદો લેવા માટે જ ગઈ કાલ સુધી મોટી સંખ્યામાં લોકોએ પોતાની પ્રૉપર્ટીની સ્ટૅમ્પ ડ્યુટી ભરી દીધી હતી.
રેડી રેક્નરના રેટમાં બે વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી જે રેટમાં પ્રૉપર્ટીઓ વેચાઈ રહી છે એના આધારે આ નવા રેટ નક્કી કરવામાં આવ્યા છે.

