એક મહિનાથી ગૌતમબાબુના રોજના ૨૨ હજાર કરોડ અને અદાણી ગ્રુપના ૪૦ હજાર કરોડ રૂપિયા હોમાયા: ૯થી ૯૦ અબજ ડૉલરની સફરમાં ૮૧ અબજ ડૉલરની કમાણી કરતાં અદાણીને બે વર્ષ લાગ્યાં અને એ કમાણી માત્ર એક મહિનામાં સાફ
ગૌતમ અદાણી
ગૌતમ અદાણી
અમદાવાદ : ‘વધુ પડતી ચમકની,
મહત્તા કાંઈ નથી હોતી,
ગગન પણ ખેરવે છે,
જે સિતારા ભાર લાગે છે!’
બુલંદી પછી બરબાદીનું રહસ્ય આ શૅરમાં છે. ત્રણેક દાયકા પહેલાં એક શાંતિલાલના સુપુત્ર હર્ષદ મહેતા વિશે લખતાં આ પંક્તિ યાદ આવી હતી અને આજે બીજા એક શાંતિલાલના સુપુત્ર ગૌતમ અદાણીના હાલહવાલ જોતાં એને ફરીથી દોહરાવી છે. શાંતિલાલોના આ બન્ને કુળદીપક વચ્ચે કેટલીક ગજબની સમાનતા છે. બન્નેનાં મિડલ નેમમાં ‘શાંતિલાલ’ છે. બન્નેએ તેમના જમાનામાં જબરી બુલંદી હાંસલ કરી, બન્ને સ્કૅમના કૂંડાળામાં અટવાયા અને બન્નેનું પતન પણ માત્ર એક રિપોર્ટથી શરૂ થયું, બહુ વિચિત્ર યોગાનુયોગ છે આ. હર્ષદ શાંતિલાલ મહેતાનો અંજામ સૌ જાણે છે, ગૌતમ શાંતિલાલ અદાણીનો અંત એવો ન થાય એ માટે દિલથી પ્રાર્થના...
ADVERTISEMENT
આજથી એક મહિના પહેલાં ૨૪ જાન્યુઆરીએ ગૌતમ અદાણી ૧૨૦ અબજ ડૉલરની નેટવર્થ સાથે વિશ્વમાં ત્રીજા નંબરના ધનકુબેર હતા અને આજે ટૉપ-૩૦માંય આ માણસ નથી. નેટવર્થ ધોવાઈને હાલમાં ૪૦ અબજ ડૉલર આસપાસ આવી ગઈ છે. એક જ મહિનામાં ૮૦ અબજ ડૉલર (આશરે ૬.૬૨ લાખ કરોડ રૂપિયા)નું ધોવાણ! મતલબ કે હિંડનબર્ગના એક જ રિપોર્ટથી ગૌતમબાબુને વ્યક્તિગત રીતે રોજના ૨૨૧ કરોડ રૂપિયા કે દર મિનિટે સવાપંદર લાખ રૂપિયાનો ફટકો પડતો ગયો છે. યસ, ખુવારી હજી ચાલુ જ છે. બિલ્યનેર ઇન્ડેક્સ પ્રમાણે ૨૦૨૦ના અંતે ગૌતમ અદાણીની વેલ્થ કે નેટવર્થ ૮.૯ અબજ ડૉલર હતી. ૨૦૨૧માં વધીને એ ૫૦.૫ અબજ ડૉલર અને ૨૦૨૨ના અંતે ૯૦ અબજ ડૉલરે પહોંચી. અર્થાત્ ૯માંથી ૯૦ની આ સફરમાં ૮૧ અબજ ડૉલરની કમાણી કરતાં બે વર્ષ લાગી ગયાં, પરંતુ છેલ્લા એક જ મહિનામાં આ માણસ ૧૨૦ અબજ ડૉલર પરથી ૪૦ અબજ ડૉલરે આવી ગયો છે. ૮૧ અબજ ડૉલર બનાવવામાં બે વર્ષ લાગ્યાં, જે માત્ર એક મહિના (બજારમાં કામકાજના માત્ર ૨૨ દિવસ)માં સાફ થઈ ગયા. કહે છે કે રોમને બનાવતાં વર્ષો લાગ્યાં હતાં, પરંતુ નાગાસાકી અને હિરોશિમા તો એક જ દિવસમાં ધ્વસ્ત થઈ ગયાં હતાં. બાય ધ વે, ૨૦૨૨ની ૧૫ સપ્ટેમ્બરે ગૌતમબાબુની નેટવર્થ ૧૪૯ અબજ ડૉલરના બેસ્ટ લેવલે હતી.
ગૌતમ અદાણીની વ્યક્તિગત ખુવારીની વાત પછી હવે સમગ્ર અદાણી ગ્રુપની હાલત પર આવીએ. હિંડનબર્ગે શૉર્ટ સેલિંગનો હવન આરંભ કર્યો એ પૂર્વે અદાણી ગ્રુપનું માર્કેટકૅપ ૧૯.૨૦ લાખ કરોડ રૂપિયા હતું અને આજે એ ૭.૧૩ લાખ કરોડ પર આવી ગયું છે. એક મહિના દરમ્યાન આ હવનમાં અદાણી ગ્રુપના ૧૨.૦૭ લાખ કરોડ રૂપિયા હોમાઈ ગયા છે. બોલે તો, રોજના કમસે કમ ૪૦૦ કરોડ રૂપિયા કે દર મિનિટે સાડાતેંત્રીસ લાખ રૂપિયા થયા. આટલા મહામૂલા હોમહવન માટે અદાણી ગ્રુપ અને એના ગૌતમબાબુ ઇતિહાસમાં અવશ્ય સ્થાન પામશે.
હિંડનબર્ગ રિપોર્ટને અદાણી ગ્રુપે ‘ભારત પર હુમલો’ ગણાવ્યો હતો. સાચા-ખોટા દેશપ્રેમીઓની આખી ફોજ જોરજોરથી આ વાતના સમર્થનમાં લાગી ગઈ હતી અને આ કવાયત આજેય ચાલુ જ છે. ખરેખર ઇન્ડિયા પર અટૅક થયો છે? મહિના પૂર્વે ૨૪ જાન્યુઆરીએ સેન્સેક્સ ૬૦,૯૭૯ અને નિફ્ટી ૧૮,૧૧૮ બંધ હતો. માર્કેટકૅપ ૨૮૦.૪૦ લાખ કરોડનું હતું. આજે સેન્સેક્સ ૫૯,૪૬૪, નિફ્ટી ૧૭,૪૬૬ તથા માર્કેટકૅપ ૨૬૦ લાખ કરોડ રૂપિયા છે. મતલબ કે એક મહિનામાં સેન્સેક્સ અઢી ટકા, નિફ્ટી સાડાત્રણેક ટકા ઘટ્યા છે. ભારત પર આક્રમણની બજાર પર આવી મામૂલી અસર? માર્કેટકૅપ ૨૦.૪૦ લાખ કરોડ રૂપિયા ઘટ્યું છે. એમાંથી અદાણી ગ્રુપનું ૧૨.૦૭ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ બાદ કરો તો ઘટાડો ૮.૩૩ લાખ કરોડનો જ આવશે અને આ બહુ સામાન્ય છે. આવી વધ-ઘટ તો વર્ષમાં ૧૨ વખત બજારમાં થતી રહી છે. સેન્સેક્સ-નિફ્ટીના અઢી-સાડાત્રણ ટકાના ઘટાડા સામે મહિનામાં અદાણીના ત્રણ શૅર ૭૪થી ૮૧ ટકા, એક શૅર ૬૨ ટકા અને અદાણી પાવર ૪૭ ટકાથી ઓછો તૂટ્યો છે. ત્રણ જાતો ૩૧થી ૩૮ ટકા અને બાકીના બે શૅર ૨૬ ટકા ઘટ્યા છે. મતલબ કે હિંડનબર્ગનો હુમલો અદાણી ગ્રુપ અને એની નીતિરીતિ પર થયો છે. શૅર અદાણીના તૂટ્યા છે, હજી તૂટતા જાય છે, માર્કેટકૅપ અદાણીનું સાફ થયું છે, આને ભારત પર હુમલો થોડો કહેવાય? દેશપ્રેમના વાઘા પહેરાવી દેવાથી કરનીનો બચાવ ન કરી શકાય ગૌતમબાબુ.