આ શહેરમાં રહેતાં ૭૦ વર્ષનાં એક વૃદ્ધાએ પોતાના ક્રિપ્ટોકરન્સીના વૉલેટની પ્રાઇવેટ કી એક કાગળ પર લખી રાખી હતી એ કાગળ આગમાં ભસ્મીભૂત થઈ ગયો છે
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
લૉસ ઍન્જલસના દાવાનળે ફિઝિકલ ઍસેટ્સની સાથોસાથ ડિજિટલ ઍસેટ્સનો પણ ભોગ લઈ લીધો છે. આ શહેરમાં રહેતાં ૭૦ વર્ષનાં એક વૃદ્ધાએ પોતાના ક્રિપ્ટોકરન્સીના વૉલેટની પ્રાઇવેટ કી એક કાગળ પર લખી રાખી હતી એ કાગળ આગમાં ભસ્મીભૂત થઈ ગયો છે. વૃદ્ધાના ભત્રીજા મૉન્ટીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખેલી પોસ્ટમાં જણાવ્યું છે કે તેની આન્ટીએ કોઈ બૅકઅપ કે રિકવરી ફ્રેઝ રાખ્યો નહોતો. આને કારણે મોટા ભાગે બિટકૉઇન ધરાવતું વૉલેટ હવે ઍક્સેસ નહીં કરી શકાય. પરિણામે, તેમની ડિજિટલ ઍસેટ્સ પણ હવે તેમની પાસે પાછી નહીં આવી શકે. નોંધનીય છે કે ક્રિપ્ટોકરન્સીના વૉલેટના ઍક્સેસ માટે પ્રાઇવેટ કી અને એક રિકવરી ફ્રેઝ હોય છે. જો એ ગુમ થઈ જાય તો બીજી કોઈ વ્યક્તિ કે કંપની એ પાછાં મેળવી શકતી નથી. પ્રાઇવેટ કીમાં આંકડા અને અક્ષર હોય છે.
અન્ય એક અહેવાલ મુજબ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ – બાયબિટે ભારતમાં નિયમનકારી ફેરફારોને પગલે ક્રિપ્ટો ટ્રેડિંગ સર્વિસિસ હંગામી ધોરણે બંધ કર્યાની જાહેરાત કરી છે. જોકે ફક્ત ટ્રેડિંગ અટકાવી દેવાયું છે, ફન્ડનો ઉપાડ કરી શકાશે.
ADVERTISEMENT
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે સુધારો નોંધાયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૯૩ ટકા અને બિટકૉઇન ૦.૭૭ ટકા વધ્યા હતા. એક્સઆરપીમાં ૦.૬૪ ટકા, ડોઝકૉઇનમાં ૧.૪૨ ટકા અને કાર્ડાનોમાં ૩.૪૪ ટકા વધારો થયો હતો. ટોચનો ઘટનાર કૉઇન સોલાના હતો, જેમાં ૧.૩૨ ટકાનો ઘટાડો થયો હતો.