Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > લપસાવનારી મોસમ છે, પરંતુ લગડી શૅરનો લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર લાલો લાભ વિના લોટતો નથી

લપસાવનારી મોસમ છે, પરંતુ લગડી શૅરનો લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર લાલો લાભ વિના લોટતો નથી

Published : 03 July, 2023 11:03 AM | Modified : 03 July, 2023 11:10 AM | IST | Mumbai
Jayesh Chitalia

ગયા સપ્તાહમાં એક તરફ ધોધમાર વરસાદ હતો અને બીજી તરફ ધોધમાર તેજી

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


ફૉરેન ઇન્વેસ્ટર્સની ખરીદી બેફામ ચાલુ રહી હતી. સ્ટૉક્સ અને ઇન્ડેક્સ નવી ઊંચાઈ બનાવવા સાથે પોતે જ પોતાના રેકૉર્ડ બ્રેક કરતા જાય છે. આમાં લપસી જવાથી બચવું પણ જરૂરી, જેથી રોકાણકારોએ વધુ સાવચેત રહી વધુ લાંબો વિચાર કરવાનો સમય છે


છેલ્લા કેટલાય સમયથી આપણી નજર સતત ગ્લોબલ બજારો પર ચોંટેલી રહે છે અથવા રાખવી પડે છે. ખાસ કરીને યુએસ માર્કેટ પર. સવાલ એ છે કે ક્યાં સુધી ગ્લોબલ ઘટનાઓ જોયા કરશો? ક્યાં સુધી યુએસ અને યુરોપની ચિંતા કર્યા કરશો? આ બધાની અનિ​શ્ચિતતા ચાલતી રહેવાની. જો તમે લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર છો તો આ ઘટનાઓને જુઓ, વાંચો, સમજો, પરંતુ એની ચિંતામાં અટવાઈ જાઓ નહીં, બલકે તમારા રોકાણને ચાલુ રાખો, કારણ કે તમારું રોકાણ લાંબા ગાળાનું છે તો એમાં વચ્ચે તેજી-મંદીની સાઇકલ આવ્યા કરશે; પણ હા, તમારી સ્ટૉક્સની પસંદગી યોગ્ય હોવી જોઈએ. આ માટે તમારે શું કરવું એ સમજવું સૌથી વધુ મહત્ત્વનું છે. અલબત્ત, ભારતીય અર્થતંત્રની ગતિવિધિ ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈશે. સમયસર આંશિક પ્રૉફિટ બુકિંગની કળા અથવા લૉન્ગ ટર્મનું ધૈર્ય રાખવું જોઈશે.



લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સ એટલે કોણ?


દરેક જણ પોતાને લાંબા ગાળાનો રોકાણકાર ગણાવતા હોય છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી માર્કેટ મોટા કડાકા કે કરેક્શનમાં ન આવે ત્યાં સુધી. બાય ધ વે, લાંબા ગાળા કે ટૂંકા અથવા મધ્યમ ગાળા; એ એક બોલવાની કે લખવાની ટર્મ છે, ખરેખર તો રોકાણકાર ગમે ત્યારે તેનો અભિગમ બદલી શકતો હોય છે અને બદલે પણ છે. અલબત્ત, અમુક વાસ્તવિક કમિટેડ ઇન્વેસ્ટર્સ પણ હોય છે, જે લોકો સ્ટૉક્સને લાંબા સમય માટે ૧૦થી ૧૫ કે ૨૦ વરસ સુધી પણ જાળવી રાખે છે અને એ પછી પણ તે બધા શૅરોનો એકસાથે નિકાલ કરતા નથી. હાલ પણ લાંબા ગાળાના રોકાણ માટે સ્ટૉક્સ છે, જેને તમારે શોધવા-સમજવા પડે, અભ્યાસ કરવો પડે, તેમને ટ્રેક કરવા પડે. આ કામ સામાન્ય-નાનો રોકાણકાર પણ કરી શકે, જેમની પાસે એકસાથે જથ્થામાં શૅર ખરીદવાની ક્ષમતા નથી, તેઓ એક-એક શૅર કરીને પણ આવા લગડી શૅર જમા કરી શકે. આવા શૅરોની યાદી ઇન્ડેક્સની યાદી અથવા એ ગ્રુપની યાદીમાંથી સરળતાથી મળી શકે છે. આ સમજ અનુભવ અને અભ્યાસમાંથી પ્રગટે છે. તાજેતરના એમઆરએફના કિસ્સાને જોનાર લોકોને વિપ્રોનો કિસ્સો પણ યાદ હશે યા યાદ કરવા જેવો ખરો. અનેક લોકોએ વિપ્રોના શૅર અલગ-અલગ લેવલે વેચી દીધા હશે તો ઘણાએ અલગ-અલગ લેવલે ખરીદ્યા પણ હશે. લગડી શૅરમાં લૉન્ગ ટર્મ રોકાણનાં આવાં અન્ય ઉત્તમ ઉદાહરણો પણ છે.

અર્થતંત્ર અંગે ઊંચી આગાહી


વીતેલા સપ્તાહમાં શરૂઆત સાધારણ નબળી થઈ હતી, એ બાદ વધઘટ ચાલુ રહી. રશિયાની અસર નહીંવત્ હતી, જોકે માર્કેટ પાસે કોઈ ખાસ ટ્રિગર નહોતું. સેન્સેક્સ માત્ર નવ પૉઇન્ટ માઇનસ રહ્યો હતો. જોકે સ્મૉલ અને મિડ કૅપ ઇન્ડેક્સ વધ્યા હતા. જયારે કે નિફ્ટી પણ પચીસ પૉઇન્ટ પ્લસ રહ્યો હતો. મંગળવારે સુધારા સાથે આરંભ થયો હતો, દરમ્યાન ગ્લોબલ રેટિંગ એજન્સી એસ ઍન્ડ પીએ ભારતના અર્થતંત્ર વિશે ઊંચી આગાહી કરતાં કહ્યું છે કે ભારત આગામી ત્રણ વરસ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિગ ઇકૉનૉમી રહેશે. ભારતનો ગ્રોથરેટ સરેરાશ ૬.૭ ટકા રહેશે અને ઇન્ફ્લેશન નાણાકીય વરસ ૨૦૨૪ સુધી પાંચ ટકા આસપાસ જ રહેશે. રિઝર્વ બૅન્ક ૨૦૨૪માં વ્યાજદરમાં ઘટાડાની શરૂઆત કરશે. નાણાકીય વરસ ૨૦૨૫ અને ૨૦૨૬માં ગ્રોથરેટ ૬.૯ ટકા રહેશે. જોકે ૨૦૨૩માં આ દર ૭.૨ ટકા રહેવાનો અંદાજ મુકાયો છે. ૨૦૨૫માં ઇન્ફ્લેશન રેટ ૪.૫ ટકા સુધી જઈ શકે. આમ એસ ઍન્ડ પી દ્વારા એના ઇકૉનૉમિક આઉટલુકમાં ઉપર્યુક્ત આશાવાદ વ્યકત કર્યો છે જે ભારતને રોકાણ માટે લાંબી રેસનો ઘોડો કહી શકાય એવો સ્પષ્ટ સંકેત આપે છે. આ અહેવાલને પગલે મંગળવારે સેન્સેક્સ ૪૪૬ પૉઇન્ટ અને નિફ્ટી ૧૨૬ પૉઇન્ટ ઊંચકાયા હતા, આ વધુ એક હાઈ લેવલ બન્યું હતું.

હાઈ વૅલ્યુએશન ચિંતાનો વિષય પણ

એસ ઍન્ડ પીના આઉટલુક રિપોર્ટ બાદ ગ્લોબલ કંપની ગોલ્ડમૅન સાક્સે પણ ભારત માટે ઊંચો આશાવાદ વ્યક્ત કરતાં બુધવારે માર્કેટે તેજીના દોરને આગળ વધારવા સાથે ઇન્ડેક્સ નવી રેકૉર્ડ-ઊંચાઈ તરફ ગયા હતા. નિફ્ટી ૧૯ હજારની નજીક આવી ગયો હતો. સ્મૉલ-મિડ કૅપ ઇન્ડેક્સ પણ નવી ઊંચાઈ તરફ આગળ વધ્યા હતા. અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીના હિંડનબર્ગના આક્ષેપો વિશે પહેલી વાર જાહેર અને સ્પષ્ટ-બેધડક ખુલાસા બાદ એના સ્ટૉક્સને નવેસરથી કરન્ટ પ્રાપ્ત થયો હતો, જેની અસર પણ માર્કેટના સે​ન્ટિમેન્ટ પર હતી. માર્કેટ વૅલ્યુએશન કે કૅપિટલાઇઝેશન બાબતે ભારતીય માર્કેટ વિશ્વનાં ટોચનાં દસ બજારોમાં આવી ગયું છે. ફૉરેન ઇન્વેસ્ટમેન્ટનો પ્રવાહ મોટી ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે હાઈ વૅલ્યુએશન બજાર માટે ચિંતાનો વિષય બનતો હોવાનું કહી શકાય, જેથી ચોક્કસ તબક્કે પ્રૉફિટ બુકિંગ જરૂરી જણાય છે. ઇન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ માટે મોટા ભાગના દેશોની નજર ભારત પર છે. બુધવારે સેન્સેક્સ ૬૪ હજારને પાર અને નિફ્ટી ૧૯ હજારને પાર કરી સાધારણ પાછા ફર્યા હતા. જોકે કરેક્શન તો એક યા બીજા કારણસર આવ્યાં કરશે, બાકી ટ્રેન તેજીની અને લાંબી યાત્રાની છે. ગુરુવારે બજાર ઈદની રજા નિમિત્તે બંધ રહ્યું હતું.  

નવી ઊંચાઈ સામે જૂના સવાલો ઊભા

શુક્રવારે પણ તેજીનો વરસાદ ચાલુ રહ્યો, ઇન્ડેક્સ નવી ઊંચાઈ તરફ જવા લાગ્યા, યુએસના આર્થિક ડેટા મજબૂત આવતાં તેજીને વેગ મળ્યો હતો, આમાં યુએસ ફેડરલ બે વાર વ્યાજ વધારશે એવું નિવેદન પણ ડિસ્કાઉન્ટ થઈ ગયું હતું. યુરોપિયન બજારોમાં પણ સારું સે​ન્ટિમેન્ટ હતું. જોકે ભારતીય માર્કેટમાં આ તેજીને કઈ રીતે ડા​ઇજેસ્ટ કરવી એવા સવાલ ઊભા થવા લાગ્યા છે. સ્મૉલ અને મિડ કૅપ ઇન્ડેક્સ પણ બાવન સપ્તાહની નવી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. શુક્રવારે સેન્સેક્સ ૮૦૩ પૉઇન્ટ વધીને ૬૪,૭૧૮ અને નિફ્ટી ૨૧૭ પૉઇન્ટના વધારા સાથે ૧૯,૧૮૯ બંધ રહ્યા હતા. ફૉરેન ઇન્વેસ્ટર્સની જબ્બર ખરીદીનો પ્રવાહ ચાલી રહ્યો હોવાની અસર હતી. આ જ લોકો કરેક્શન પણ આ રીતે જ લાવવા સમર્થ છે. બજારમાં તેજીનો આ દોર ક્યાં સુધી ચાલશે? ક્યાં અટકશે? ક્યાં રિવર્સ થશે? રોકાણકારોએ કયા લેવલે પ્રૉફિટ બુકિંગ કરી લેવો જોઈએ? કે પછી આ લેવલે પણ ખરીદી કરવી જોઈએ? અથવા ઘટાડામાં ખરીદી કરતા રહેવું જોઈએ? આ સમયમાં કરેક્શન એ ખરીદીની તક ગણાય? આવા અનેક સવાલો છે, જેના જવાબ જુદા-જુદા હોઈ શકે અને સ્ટૉકવાઇઝ પણ હશે. તેજીની અસરે આઇપીઓ માર્કેટમાં નવેસરથી કરન્ટ આવ્યો હોવાનું નોંધાયું છે. કૉર્પોરેટ સેક્ટરની ઘટનાઓ પણ તેજીલક્ષી બની રહી છે. તેજીના નામે પથ્થરો પણ તરી રહ્યા છે, આ પથ્થરો હીરા સમજીને તમારા હાથમાં આવી ન જાય એ ધ્યાન રાખજો. 

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2023 11:10 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK