Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટના ખેલમાં બજાર છેલ્લા કલાકમાં જોર દાખવીને પ્લસમાં બંધ થયું

ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટના ખેલમાં બજાર છેલ્લા કલાકમાં જોર દાખવીને પ્લસમાં બંધ થયું

Published : 30 December, 2022 02:11 PM | Modified : 30 December, 2022 02:24 PM | IST | Mumbai
Anil Patel

અદાણીના ૧૦માંથી ૯ શૅર વધ્યા, અદાણી ટોટલની બૅક-ટુ-બૅક ડબલ સેન્ચુરી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


આજે એલિન ઇલેક્ટ્રૉનિક્સ લિસ્ટેડ થશે, ગ્રે માર્કેટમાં ૬ રૂપિયાનું ડિસ્કાઉન્ટ : અદાણીના ૧૦માંથી ૯ શૅર વધ્યા, અદાણી ટોટલની બૅક-ટુ-બૅક ડબલ સેન્ચુરી : મર્જરના નવા શૅર ટ્રેડિંગમાં આવતાં શ્રીરામ ફાઇનૅન્સ ખરડાયો, પિરામલ ફાર્મા નવા તળિયે જઈ સુધર્યો : એલઆઇસી, પેટીએમ અને પૉલિસી બાઝાર ડાઉન, નાયકામાં મજબૂતી : શ્રી સિમેન્ટમાં ૧૦૩૩નો કડાકો, સંદેશ તગડો જમ્પ મારીને નવા શિખરે : બહુમતી સેક્ટોરલ પ્લસમાં 


વિશ્વબજારોના ઢીલા વલણને અનુસરતાં ગુરુવારે સેન્સેક્સ પોણાત્રણસો પૉઇન્ટ ગૅપમાં નીચે ખૂલ્યા પછી દિવસનો મોટો ભાગ રેડ ઝોનમાં વિતાવી છેલ્લે ૨૨૪ પૉઇન્ટ વધીને ૬૧૧૩૪ તથા નિફ્ટી ૬૮ પૉઇન્ટ સુધરીને ૧૮૧૯૧ બંધ આવ્યો છે. બજાર માટે છેલ્લો કલાક શાર્પ બાઉન્સબૅકનો હતો, જેમાં શૅરઆંક ૬૧૭૮૫થી ઊંચકાઈ ૬૧૨૧૧ની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. અમેરિકન બજારોનો મૂડ બહુધા કમજોર રહ્યો છે. સાઉથ કોરિયન માર્કેટ નબળી ચાલમાં બીજા દિવસે બે ટકા નજીક ધોવાયું છે. જપાન એકાદ ટકો અને અન્યત્ર અડધા-પોણા ટકાની નરમાઈ હતી. થાઇલૅન્ડ સતત પાંચમા દિવસની આગેકૂચમાં ૦.૯ ટકા પ્લસ થયું છે. યુરોપ રનિંગમાં અતિ સાંકડી વધ-ઘટે સુસ્ત હતું. ઘરઆંગણે બન્ને બજારોના લગભગ તમામ બેન્ચમાર્ક સુધર્યા છે. કન્ઝ્‍યુમર ગુડ્સ ઇન્ડેક્સ અડધો ટકો અને કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક સાધારણ નરમ હતા. પાવર યુટિલિટી, ઑઇલ-ગૅસ, એનર્જી, મેટલ, બૅન્કિંગ સેક્ટરના ઇન્ડાઇસ‌િસ પોણાથી દોઢેક ટકા અપ હતા. ફાઇનૅન્શિયલ સર્વિસ‌િસ ઇન્ડેક્સ અને ટેક્નૉલૉજીઝ ઇન્ડેક્સ અડધો ટકો પ્લસ હતા. બૅન્ક નિફ્ટી એક ટકો વધ્યો છે. બજારમાં મેઇન બેન્ચમાર્કના સુધારા વચ્ચે માર્કેટ બ્રેડ્થ થોડી પૉઝિટિવ રહી છે. એનએસઈમાં ૧૦૪૧ શૅર પ્લસ, તો સામે ૯૪૩ જાતો માઇનસમાં ગઈ છે. બજાર ગઈ કાલે છેલ્લા કલાકમાં જે રીતે સવાચારસો પૉઇન્ટ સડસડાટ વધી ગયું એની પાછળ મુખ્યત્વે ડેરિવેટિવઝિમાં ડિસેમ્બર વલણની પતાવટનું કારણ ભાગ ભજવી ગયું છે. આખા દિવસની વાત કરીએ તો શૅરઆંક એના નીચલા મથાળેથી ૭૩૨ પૉઇન્ટ ઉપર ગયો હતો.



સેન્સેક્સ નિફ્ટીમાં ભારતી ઍરટેલ ઝળક્યો, રિલાયન્સ બીજા દિવસેય ડલ


સેન્સેક્સના ૩૦માંથી ૨૦ અને નિફ્ટીના ૫૦માંથી ૩૩ શૅર વધ્યા છે. ભારતી ઍરટેલ દ્વારા 5G ક્ષેત્રે ૨૭-૨૮ હજાર કરોડનું નવું રોકાણ કરવાનું વિચારાયું છે છતાં શૅર ૨.૪ ટકા વધીને ૮૨૩ નજીકના બંધમાં બન્ને મેઇન બેન્ચમાર્કમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. તેનો પાર્ટપેઇડ ૧.૮ ટકા વધીને ૪૪૮ હતો. આઇશર મોટર પણ ૨.૪ ટકા નજીક પ્લસ હતો. સ્ટેટ બૅન્ક, તાતા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, એસબીઆઇ લાઇફ, અદાણી પોર્ટ્સ, હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઓએનજીસી, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ભારત પેટ્રો એકાદ-બે ટકા જેવા પ્લસ થયા છે. માર્કેટ લીડર ગણાતો રિલાયન્સ સતત બીજા દિવસે સુસ્ત ચાલમાં નેગેટિવ બાયસ સાથે ૨૫૪૨ના લેવલે ફ્લૅટ હતો.

તાતા મોટર્સ ૧.૪ ટકા જેવી નબળાઈમાં ૩૮૬ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર હતો. ડિવીઝ લૅબ, ટાઇટન અને અપોલો હૉસ્પિટલ્સ એકાદ ટકો કટ થયો છે. અદાણી ટ્રાન્સમિશન ૧૦૫ રૂપિયા કે ૪.૧ ટકા, અદાણી વિલ્મર સાડાચાર ટકા, અદાણી ટોટલ ૨૦૪ રૂપિયા કે ૫.૭ ટકા, એનડીટીવી સવાચાર ટકા ઊંચકાયા છે. એસીસી નહીંવત્ નરમ હતો. અદાણીના બાકીના શૅર સાધારણથી માંડી પોણો ટકો સુધર્યા છે. ગઈ કાલે રોકડામાં સંદેશ લિમ‌િટેડ ૧૭૨ રૂપિયા કે ૧૭.૯ ટકા ઊછળી ૧૧૩૫ના ઐતિહાસિક શિખરે બંધ થયો છે. શર્દા ક્રૉપકેમ સાડાચાર ગણા કામકાજે ૧૦ ટકાના જમ્પમાં ૫૦૦ બંધ આપીને એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર હતો. આગલા દિવસે સાતેક ટકાનો ઉછાળો મારનાર સારેગામા ૫.૬ ટકા બગડી ૩૭૩ના બંધમાં અહીં વર્સ્ટ પર્ફોર્મર થયો છે. શ્રી સિમેન્ટ સવાચાર ટકા કે ૧૦૩૩ રૂપિયાની તિરાડમાં ૨૩૨૫૩ દેખાયો છે.


ખાનગી બૅન્કોના સથવારે બૅન્ક નિફ્ટી ૪૨૫ પૉઇન્ટ વધીને બંધ

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સુધારામાં ૪૨૫ પૉઇન્ટ કે એક ટકો વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૪ શૅરના સુધારામાં પોણો ટકો અપ હતા. સમગ્ર બૅન્કિંગ સેક્ટરની ૩૭માંથી ૨૩ જાતો વધી છે અને યસ બૅન્ક જૈસે-થે રહી છે. કરુર વૈશ્ય બૅન્ક સાડાપાંચ ટકા, સૂર્યોદય સ્મૉલ બૅન્ક સાડાચાર ટકા, ફેડરલ બૅન્ક ત્રણેક ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા અને આરબીએલ બૅન્ક બબ્બે ટકા, સ્ટેટ બૅન્ક ૧.૯ ટકા, કૅનેરા બૅન્ક દોઢ ટકો, કર્ણાટક બૅન્ક અને જેકે બૅન્ક ૧.૯ ટકા પ્લસ હતા.

આઇડીબીઆઇ, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, સિટી યુનિયન બૅન્ક તથા સીએસબી બૅન્ક દોઢ ટકો મજબૂત હતી. સામે પંજાબ સિંધ બૅન્ક સવાચાર ટકા, આઇઓબી અઢી ટકા, યુકો બૅન્ક બે ટકા, યુનિયન બૅન્ક અને ડીસીબી બૅન્ક પોણાબે ટકા ડાઉન હતા.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૭માંથી ૭૭ શૅરના સથવારે ૦.૬ ટકા વધ્યો છે. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૫.૫ ટકા, જીઆઇસી હાઉસિંગ ૫.૩ ટકા, ક્રિસિલ પાંચ ટકા, ઇન્ડોસ્ટાર પાંચ ટકા, અરમાન ફાઇ. ચાર ટકા મજબૂત હતાં. એચડીએફસી નહીંવત્ વધી ૨૬૭૫ રહ્યો છે. એલઆઇસી અડધો ટકો, પેટીએમ દોઢ ટકો, પૉલિસી બાઝાર ૧.૪ ટકા ઘટ્યા છે. નાયકા સાડાચાર ટકાની તેજીમાં ૧૫૮ નજીક ગયો છે. ઝોમૅટો સવા ટકો જેવો વધ્યો હતો. ઇરકોન બે ટકા, રેલ વિકાસ નિગમ ૨.૮ ટકા અને આઇઆરએફસી અડધો ટકો સુધર્યા છે.

નવો પ્લાન્ટ કાર્યરત થવાની અસરમાં કનોરિયા કેમિકલ્સ ૨૦ ટકા ઊછળી

શીલા ફોમ એની હરીફ કર્લોનને આશરે ૨૦૦૦ કરોડ રૂપિયામાં હસ્તગત કરી ૧૫થી ૧૭ હજાર કરોડની મેટ્રેસિસ માર્કેટમાં ૩૫ ટકાનો હિસ્સો ધરાવતા ઑર્ગેનાઇઝ્‍ડ સેક્ટરમાં ૫૦ ટકાના બજારહિસ્સાને વટાવી જશે એવા અહેવાલ છે. શીલા ફોમનો શૅર ગઈ કાલે પ્રારંભિક સુધારામાં ૧૩૨૩ થયા બાદ અંતે અડધો ટકો ઘટી ૧૨૯૦ બંધ રહ્યો છે. કનોરિયા કેમિકલ્સનો ગુજરાતના અંકલેશ્વર ખાતેનો ફેનોલિક રેઝિન પ્લાન્ટ ૧ જાન્યુઆરીથી વેપારી ધોરણે કાર્યરત બનવાનો છે. એની અસરમાં શૅર પાંચ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટે ૧૫૦ વટાવી અંતે ત્યાં જ બંધ થયો છે. અશોક બિલ્ડકૉનને મધ્ય પ્રદેશ વીજ વિતરણ બોર્ડ તરફથી ૭૫૫ કરોડનો પ્રોજેક્ટ મળતાં ભાવ ત્રણેક ગણા કામકાજે ઉપરમાં ૯૨ નજીક જઈ ૧.૭ ટકાના સુધારામાં ૯૦ થયો છે. અગાઉની શ્રીરામ ટ્રાન્સપોર્ટ અને શ્રીરામ ગ્રુપની અન્ય એન્ટિટીના મર્જર પછી અસ્તિત્વમાં આવેલી હવેની શ્રીરામ ફાઇનૅન્સમાં વધારાના ૧૭૪૦ લાખ શૅર ટ્રેડિંગમાં દાખલ થતાં ભાવ નીચામાં ૧૨૫૨ થઈ ૫.૪ ટકાના ગાબડામાં ૧૩૧૨ બંધ રહ્યો છે. વૉલ્યુમ ૬ ગણું હતું. પેસ ઈ-કૉમર્સ એક વધુ મંદીની સર્કિટે ૨૮ની અંદર નવું વર્સ્ટ બૉટમ બનાવી ચાર ટકા તૂટી ૨૮ ઉપર હતો. પિરામલ ફાર્મા ૧૧૩નો સૌથી નીચો ભાવ દેખાડી ૧.૯ ટકાના સુધારામાં ૧૧૭ નજીક રહી છે. મૅપમાય ઇન્ડિયા ૧૦૩૭નું ઑલટાઇમ તળિયું બનાવી ૧.૩ ટકા ઘટી ૧૦૪૫ હતી.

કેફિન ટેક્નૉનું ડલ લિસ્ટિંગ, અરિહંત ઍકૅડેમીમાં તડાકો

કેફિન ટેક્નૉલૉજી ૧૦ના શૅરદીઠ ૩૬૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ગુરુવારે લિસ્ટિંગમાં ૩૬૯ ખૂલી ઉપરમાં ૩૭૨ અને નીચામાં ૩૫૧ થઈ ૩૬૪ બંધ થતાં અડધો ટકો લિસ્ટિંગ લૉસ મળ્યો છે. મુંબઈના બોરીવલી-ઈસ્ટની અરિહંત ઍકૅડેમીનો SME IPO શૅરદીઠ ૯૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૨૦ ખૂલી ઉપરમાં ૧૨૬ અને નીચામાં ૧૨૦ બતાવી ૪૦ ટકા કે ૩૬ રૂપિયાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૨૬ બંધ રહ્યો છે. જ્યારે ઉમા કન્વર્ટર ૩૩ની ઇશ્યુ પ્રાઇસ સામે ૩૪ ઉપર ખૂલી ૩૩ બંધ થઈ છે. શુક્રવારે એલિન ઇલેક્ટ્રૉનિક્સના પાંચના શૅરદીઠ ૨૪૭ની ઇશ્યુ પ્રાઇસવાળો ઇશ્યુ લિસ્ટિંગમાં જશે. ગ્રે માર્કેટમાં ૬ રૂપિયા જેવાં ડિસ્કાઉન્ટ છે.

ગોરેગામ-વેસ્ટની નાયસા સિક્યુ. ૧૦ શૅરદીઠ ૧૫ બોનસમાં ૩૦મીએ એક્સ-બોનસ થવાની છે. ભાવ ગઈ કાલે ૧૯૭ના લેવલે યથાવત હતો. રાજપલાયમ મિલ્સ ૧૪ શૅરદીઠ એકના ધોરણે રાઇટમાં શુક્રવારે એક્સ-રાઇટ થશે. શૅર ૧.૭ ટકા વધી ૭૨૧ બંધ હતો. અમદાવાદી આરસો જ્વેલ્સમાં બોનસ તથા શૅર વિભાજન માટેની બોર્ડ-મીટિંગ પૂર્વે ભાવ પાંચ ટકા ઊછળી ૬૨ નજીક ઑલટાઇમ હાઈ થઈ ત્યાં જ બંધ થયો છે.

રૂપિયામાં ડૉલર સામે બે પૈસાનો ઘટાડો જોવા મળ્યો

ભારતીય રૂપિયો ડૉલર સામે દિવસ દરમ્યાન કન્સોલિડેશન રહ્યા બાદ સરેરાશ બે પૈસા ઘટીને ૮૨.૮૨ની સપાટી પર બંધ રહ્યો હતો. ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો અને ડૉલર નબળો પડ્યો હોવાથી રૂપિયામાં ટેકો મળ્યો હતો. ભારતીય રૂપિયો ફૉરેક્સ માર્કેટમાં ૮૨.૭૭ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન એક તબક્કે ૮૨.૭૬ સુધી જઈને દિવસના અંતે ૮૨.૮૨ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૮૨.૮૦ પર બંધ રહ્યો હતો. આમ બે પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય ૬ કરન્સી સામે ૦.૧૯ ટકા ઘટીને ૧૦૪.૨૬ પર પહોંચ્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2022 02:24 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK