સરકારે રોકડ વ્યવહાર માટે પણ બે લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી રાખી છે એ તમે જાણતા જ હશો.
ફાઇનૅન્સ પ્લાન
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અહીં નોંધવું ઘટે કે યુપીઆઇ મારફત પેમેન્ટ કરવા માટે એક મર્યાદા છે. તમે પેટીએમના વૉલેટમાં કેટલા પૈસા રાખી શકો એની પણ મર્યાદા છે. જોકે સીબીડીસીમાં એવી કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. ફક્ત એક મુદ્દો એવો છે કે તમે બે લાખ રૂપિયાથી વધુના વ્યવહાર કરશો તો કરવેરાની દૃષ્ટિએ એની જાણ કરવી જરૂરી બને છે. સરકારે રોકડ વ્યવહાર માટે પણ બે લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી રાખી છે એ તમે જાણતા જ હશો.
ઉપર આપણે હોલસેલ અને રીટેલ સીબીડીસી એમ બે શબ્દોનો પ્રયોગ કર્યો છે. નાણાંની લેવડ-દેવડ તો દરેક સ્તરે થતી હોય છે. એમાં મોટી-મોટી કંપનીઓ, વેપારી સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ વગેરેને આવરી લેવાય છે. એકથી બીજી વ્યક્તિ પેમેન્ટ કરે અથવા વ્યક્તિ કોઈ વેપારીને પેમેન્ટ કરે એને રીટેલ સીબીડીસી લાગુ પડે છે. મોટી-મોટી નાણાકીય સંસ્થાઓના વ્યવહાર માટે હોલસેલ સીબીડીસીનો ઉપયોગ થાય છે. હોલસેલ સીબીડીસી મોટા ભાગે નાણાકીય સંસ્થાઓ જ વાપરતી હોય છે. એનો પ્રયોગ પહેલાં શરૂ થયો. હવે રીટેલ સીબીડીસીનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. હોલસેલમાં પણ નિર્ધારિત નાણાકીય સંસ્થાઓને હાલ આવરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
હોલસેલ સીબીડીનો ઉપયોગ બૅન્કો સરકારી સિક્યૉરિટીઝની લેવડ-દેવડ માટે, બૅન્કો-બૅન્કો વચ્ચેની લેવડ-દેવડ માટે કરવામાં આવે છે. હાલમાં યુપીઆઇ મારફત વ્યક્તિઓ જે વ્યવહાર કરે છે એનું દિવસના અંતે સેટલમેન્ટ બૅન્કો મારફત થાય છે. હવે બૅન્કો એ કામ હોલસેલ સીબીડીસી મારફત કરી શકશે. એનો સૌથી મોટો ફાયદો એ થશે કે એમાં વ્યવહારનો ખર્ચ ઘટશે, બૅન્કોએ કોલેટરલ આપવી નહીં પડે અને નાણાંની પ્રવાહિતામાં અવરોધ નહીં આવે.
ઈ-રૂપી શરૂ કરવાની જરૂર શું હતી?
આટલા મોટા પાયે કોઈ વસ્તુ શરૂ થઈ રહી હોય તો એની પાછળ ચોક્કસ કોઈ પ્રયોજન હોવું ઘટે. વર્તમાન સમયમાં બ્લૉકચેઇન ટેક્નૉલૉજી કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. ભારતને ૧ ટ્રિલ્યન ડૉલરનું ડિજિટલ અર્થતંત્ર બનાવવાની દૃષ્ટિએ સીબીડીસી એટલે કે ઈ-રૂપીનું પગલું ભરવામાં આવ્યું છે. ભારત ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વભરમાં અગ્રણી છે. આપણે ત્યાં યુપીઆઇ મારફત થયેલા વ્યવહારોની સંખ્યા અને મૂલ્યની દૃષ્ટિએ ગયા નાણાકીય વર્ષમાં અનુક્રમે ૧૧૮ ટકા અને ૯૮ ટકાની વૃદ્ધિ થઈ હતી. સીબીડીસી પારદર્શક રીતે કામ કરનારી વ્યવસ્થા છે. વળી, એમાં સરકારે ચલણી નોટો અને સિક્કા છાપવા માટે કરવો પડતો ખર્ચ બચશે. જેટલી ઓછી નોટો અને સિક્કા છપાશે એટલી વધારે બચત થશે.
સીબીડીસી અને ક્રિપ્ટોકરન્સી વચ્ચેનો તફાવત
ક્રિપ્ટોકરન્સીની જેમ સીબીડીસી પણ બ્લૉકચેઇન ટેક્નૉલૉજીની મદદથી તૈયાર કરવામાં આવેલી કરન્સી છે. જોકે બન્ને વચ્ચે ઘણો તફાવત છે. ક્રિપ્ટોકરન્સીને સરકારનું સમર્થન નથી, જ્યારે સીબીડીસીને સરકારનું પૂરેપૂરું સમર્થન અને સહકાર છે. રિઝર્વ બૅન્કે જ એનું લૉન્ચિંગ કર્યું છે. ક્રિપ્ટોકરન્સીને પરંપરાગત ચલણનું સ્વરૂપ આપવામાં આવ્યું નથી, જ્યારે સીબીડીસી પરંપરાગત ચલણનું ડિજિટલ સ્વરૂપ છે. અગાઉ કહ્યું એમ, ઈ-રૂપીનું મૂલ્ય ધારકને આપવા માટે રિઝર્વ બૅન્કના ગવર્નરનું વચન હોય છે, જ્યારે ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં સતત વધારો-ઘટાડો થતો રહે છે. ક્રિપ્ટોકરન્સીનો કોઈ ઇશ્યુઅર હોતો નથી, જ્યારે સીબીડીસીને રિઝર્વ બૅન્કે ઇશ્યુ કરી છે. હકીકત એ છે કે રિઝર્વ બૅન્કે તો ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. રિઝર્વ બૅન્કના ગવર્નર અનેક વખત કહી ચૂક્યા છે કે ક્રિપ્ટોકરન્સીથી નાણાકીય સ્થિરતા જોખમાય છે. ક્રિપ્ટોકરન્સી પર કોઈનું જ નિયમન નથી, જ્યારે સીબીડીસી સંપૂર્ણપણે રિઝર્વ બૅન્કના નિયમન હેઠળ કામ કરશે.
ઉપર આપણે જોયું કે સીબીડીસીને લીધે ચલણી સિક્કા અને નોટો છાપવાનો ખર્ચ ઘટશે. એ ઉપરાંત બૅન્કો વચ્ચેના વ્યવહારના ખર્ચ પણ ઘટશે. ચલણી નોટો અને સિક્કા છાપવા ઉપરાંત એને એકથી બીજા સ્થળે લાવવા-લઈ જવા માટેનો તથા એનું વિતરણ કરવાનો ખર્ચ પણ થાય છે.
સીબીડીસીનો વ્યવહાર સંપૂર્ણપણે બૅન્કોની મધ્યસ્થી વગર પાર પડે છે. આથી ઇન્ટરબૅન્ક સેટલમેન્ટનું કામકાજ કરવાની જરૂર પડતી નથી. આમ, આ કામકાજનો ખર્ચ પણ ઘટે છે.
સીબીડીસી ઑનલાઇન કે ઑફલાઇન?
ઈ-રૂપી ઑફલાઇન પણ ચાલશે એવું અત્યાર સુધી રિઝર્વ બૅન્કે સ્પષ્ટપણે કહ્યું નથી. ઑફલાઇન વ્યવહાર શક્ય બને તો સીબીડીસીના વ્યવહાર ઓછી કે નહીંવત્ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં પણ શક્ય બનશે. જોકે રિઝર્વ બૅન્કને લાગે છે કે ઑફલાઇન વ્યવહારો કરવામાં ડબલ સ્પેન્ડિંગની સમસ્યા રહેશે. ‘ડબલ સ્પેન્ડિંગ’ એટલે એક વખત ચલણ વપરાઈ ગયા બાદ જ્યાં સુધી એ આપનારના ખાતામાંથી બાદ થઈ જાય નહીં ત્યાં સુધી એનો પુનઃ વપરાશ થવાનું જોખમ. ટેક્નિકલી જોઈએ તો સીબીડીસીનું કામકાજ ઑફલાઇન થઈ શકે છે.
સાઇબર અટૅકનું જોખમ
રિઝર્વ બૅન્કે સીબીડીસી વિશે જે કન્સેપ્ટ પેપર બહાર પાડ્યું છે એમાં કહેવામાં આવ્યું છે કે હાલની પેમેન્ટ સિસ્ટમ પર સાઇબર અટૅકનું જેટલું જોખમ છે એટલું જ જોખમ સીબીડીસીમાં પણ હશે. આ મુદ્દે કહેવું રહ્યું કે સાઇબર અટૅક સામે પૂરતી સુરક્ષા-વ્યવસ્થા કરવી જોઈએ.