જો ઉપરના સવાલનો જવાબ હા હોય તો તમારે આટલી પાયાની વાતો સમજી લેવી જોઈએ. જો તમે ઑલરેડી રોકાણકાર હો તો પણ આ બાબતો જાણવામાં સાર છે
ફન્ડના ફન્ડા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મ્યુચ્યુઅલ ફન્ડના આરંભને આપણા દેશમાં આમ તો ત્રણ દાયકા જેવો સમય થઈ ગયો, એમ છતાં દેશની વસ્તીની તુલનાએ જોઈએ તો હજી બહુ મોટો વર્ગ મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓથી વંચિત રહ્યો છે અથવા તેમને આ વિશેની પૂરતી જાણ-સમજ નથી. ખૈર, ચિત્ર સાવ નિરાશાજનક નથી, આ માર્ગ ધીમે-ધીમે પસંદગીનો માર્ગ બનીને ફેલાતો જઈ નાનાં શહેરો સુધી પણ પહોંચી ગયો છે. એમ છતાં હજી અનેક નાના રોકાણકારો આ માર્ગે કઈ રીતે પ્રવેશવું, શું પગલાં ભરવાં એ વિશે અજાણ હોવાનું જાણવા મળે છે, એથી આપણે આજે એની બેઝિક સમજ વિશે ચર્ચા કરીએ.
મ્યુચ્યુઅલ ફન્ડની ઑફિસો મેડિકલ સ્ટોર કે હોટેલોની જેમ ઠેર-ઠેર દેખાય એવું હોતું નથી, તમારે પહેલાં મ્યુચ્યુઅલ ફન્ડના યોગ્ય એજન્ટ કે ડિસ્ટ્રિબ્યુટરને શોધવો પડે, જે તમને તમારા મિત્ર-વર્તુળમાંથી મળી શકે. અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ ઑફ ઇન્ડિયા (એમ્ફી)ની વેબસાઇટ પરથી પણ મળી શકે, જાહેરખબરોથી પણ મળી શકે. તમે ડિસ્ટ્રિબ્યુટર પાસે જવા માગતા ન હો તો ઑનલાઇન રોકાણ પણ કરી શકો છો. જોકે એ માટે તમને યોજનાઓની સમજ હોવી જોઈએ. કઈ યોજના તમારા માટે બહેતર કે યોગ્ય છે એની પસંદગી કઈ રીતે કરવી એનું વ્યવસ્થિત જ્ઞાન હોવું આવશ્યક છે. જો એ ન હોય તો તમારે ડિસ્ટ્રિબ્યુટર કે પ્લાનર-ઍડ્વાઇઝર પાસે જવું જોઈએ.
ADVERTISEMENT
કેવાયસી આવશ્યક
આ શરૂઆત કરતી વખતે તમારે શું લઈ જવું પડે? એ સવાલનો જવાબ સરળ છે. માત્ર પૅન કાર્ડ, તમારું વૅલિડ ઍડ્રેસનું પ્રૂફ, બૅન્ક સ્ટેટમેન્ટ અથવા કૅન્સલ્ડ ચેક. આ સાથે તમે કેટલી રકમનું રોકાણ કરવા ઇચ્છો છો એની ક્લેરિટી હોવી જોઈએ. રોકાણકારે સૌપ્રથમ પોતાનું કેવાયસી (નો યૉર ક્લાયન્ટ)ની વિધિ કરવી પડે છે. આ ફરજિયાત બાબત છે. અહીં ઉપર જણાવેલા દસ્તાવેજો સાથે આધાર કાર્ડ પણ જોડી તમે ડિસ્ટ્રિબ્યુટરની ઑફિસમાં સબમિટ કરી શકો. અમુક ફન્ડ કે ડિસ્ટ્રિબ્યુટર ઈ-કેવાયસીની સુવિધા અથવા આધાર બેઝડ્ કેવાયસીની સવલત પણ ઑફર કરતા હોય છે. એક વધુ વાત એ પણ યાદ રાખો, હવે નૉમિની પણ ફરજિયાત છે.
સૌપ્રથમ કઈ કૅટેગરી પસંદગી કરવી?
રોકાણકાર જયારે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં પ્રથમવાર રોકાણ કરવા જઈ રહ્યો હોય ત્યારે તેણે કેટલીક બાબતો પોતાના મગજમાં સ્પષ્ટ કરી લેવી જોઈએ. એક; તેની ઉંમર, તેના ધ્યેય, જોખમ લેવાની ક્ષમતા, તેણે ક્યાં-ક્યાં રોકાણ કર્યું છે?, તે કેટલા સમય માટે રોકાણ કરવા ધારે છે? વગેરે. ઇન-શૉર્ટ, ફન્ડની યોજનામાં કરાતું રોકાણ તમારા ગોલ્સ (ધ્યેય) આધારિત હોવું જોઈએ, આડેધડ રોકાણ તરીકે નહીં. તમે કયા લક્ષ્ય માટે રોકાણ કરો છો એ સ્પષ્ટ હોવું જરૂરી છે.
વિકલ્પો ઘણા, પણ કોના માટે કયો સારો?
મ્યુચ્યુઅલ ફન્ડ પાસે વિવિધ સાધનોના વિકલ્પો હોય છે; જેમાં ઇક્વિટી, ડેટ, ગોલ્ડ વગેરે સહિત વિવિધ મિક્સ પ્રોડક્ટ પણ હોય છે. તમારે ઍસેટ ઍલોકેશન કરવું જરૂરી હોવાથી તમે આ વિષયમાં નવા હો તો તમારા ફાઇનૅન્શિયલ પ્લાનર કે સલાહકાર સાથે મસલત કરવી જોઈએ. આ માટેની ફી બચાવવાના ખ્યાલ સાથે સાચી સલાહ લેવાનું ટાળવું જોઈએ નહીં. સમજ કે જ્ઞાન વિના રોકાણ કરવાનું પગલું મોંઘું સાબિત થઈ શકે છે. નિષ્ણાંતો કહે છે કે જો રોકાણકાર માત્ર એક દિવસથી લઈ ત્રણ વરસના ગાળા માટે રોકાણ કરવા માગતો હોય તો તેમના માટે ડેટ ફન્ડ કે આર્બિટ્રેજ ફન્ડ બહેતર ગણાય. ત્રણથી પાંચ વરસનો વિચાર હોય તો હાઇબ્રીડ ફન્ડ (જેમાં ઇક્વિટી અને ડેટ બન્ને હોય છે) પસંદ કરવામાં સાર છે, પરંતુ જો પાંચથી સાત કે વધુ વરસની તૈયારી હોય તો ઇક્વિટીલક્ષી યોજનાઓ ઉત્તમ ગણાય. રોકાણકાર તેની પાસેની રોકાણપાત્ર મૂડીના આધારે લમસમ અથવા એસઆઇપી (સિસ્ટેમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) નો માર્ગ અપનાવી શકે છે. શરૂમાં રોકાણકાર હાઇબ્રીડ ફન્ડ કે ફ્લેક્સી ફન્ડ પસંદ કરે એ સલાહભર્યું ગણાય.
સવાલ તમારા…
ફન્ડની પસંદગી કઈ રીતે કરવી જોઈએ?
ઇન્વેસ્ટરે ફન્ડહાઉસની બ્રૅન્ડ, એની ટીમ, એનો ટ્રૅક રેકૉર્ડ જોઈ-જાણી લેવો જોઈએ. પોતાને સમજાય નહીં તો યોગ્ય ઍડ્વાઇઝર-ડિસ્ટ્રિબ્યુટરની સલાહ મેળવવી જોઈએ. યોજનાના ફન્ડ મૅનેજર કેટલા સમયથી ફન્ડહાઉસ સાથે જોડાયેલા છે, તેની કામગીરી કેવી રહી છે, સ્કીમની કામગીરીમાં કેટલા સમયમાં કેટલું વળતર ઊપજ્યું છે એ પણ જાણવું જોઈએ. ફન્ડે તેજી-મંદીની કેટલી સાઇકલ જોઈ-અનુભવી છે. આ બધી વિગતો જાહેરમાં ઉપલબ્ધ હોય છે.