મોટર કારની સપ્લાય પર ૨૮ ટકાના દરે કરવેરો લાગુ થતો હતો.
સમજો જીએસટી
પ્રતીકાત્મક તસવીર
વપરાયેલાં કે સેકન્ડ હૅન્ડ વાહનો પરના કરવેરા બાબતે જીએસટીનો અમલ થયા બાદ અનેક ફેરફાર થયા છે. શરૂઆતમાં મોટર કારની સપ્લાય પર ૨૮ ટકાના દરે કરવેરો લાગુ થતો હતો. એમાં હવે સેસનો ઉમેરો કરવામાં આવતાં અસરકારક રીતે જીએસટી ૪૩ ટકાના દરે લાગુ થતો હતો. આ પરિબળની પ્રતિકૂળ અસર વપરાયેલાં કે સેકન્ડ હૅન્ડ વાહનોની માર્કેટ પર પડી. જોકે હવે એ કરવેરો ઘટાડીને રાહત આપવામાં આવી છે.
અહીં જણાવવું રહ્યું કે ૨૦૧૮ની ૨૫ જાન્યુઆરીના નોટિફિકેશન ક્ર. ૮/૨૦૧૮ અનુસાર નોટિફિકેશનની તારીખથી વપરાયેલાં કે સેકન્ડ હૅન્ડ વાહનો પરનો કરવેરો વાજબી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ઑટોમોબાઇલ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આ ફેરફાર કર્યો હતો.
ADVERTISEMENT
આજે આપણે વપરાયેલાં કે સેકન્ડ હૅન્ડ વાહનોના વૅલ્યુએશન અને એના વેચાણ પર લાગુ થતા જીએસટીના દર વિશેની જોગવાઈઓની વાત કરીશું.
જીએસટીની ગણતરી કરવા માટે વપરાયેલાં કે સેકન્ડ હૅન્ડ વાહનોનું વૅલ્યુએશન
જે મૂલ્ય પર જીએસટી લાગુ કરવામાં આવે છે એની ગણતરી માર્જિન ઑફ સપ્લાયના આધારે કરવામાં આવશે. માર્જિન ઑફ સપ્લાયની ગણતરી નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આ મુજબ કરવામાં આવવી જોઈએ :
૧. જો વપરાયેલી કાર પર આવકવેરા ધારા હેઠળ ડેપ્રીસિએશન લેવામાં આવ્યું હોય,
વેચાણકિંમત અને આવકવેરા ધારા મુજબ ગણવામાં આવેલી રિટન ડાઉન વૅલ્યુ વચ્ચેના તફાવતને માર્જિન ઑફ સપ્લાય કહેવામાં આવશે. જીએસટીની ગણતરી આ માર્જિન પર થશે. જો માર્જિન નેગેટિવ હશે તો કરવેરાનો વિચાર કરવામાં નહીં આવે.
૨. અન્ય કિસ્સાઓમાં
વેચાણકિંમત અને ખરીદકિંમત વચ્ચેના ભાવને માર્જિન ઑફ સપ્લાય ગણવામાં આવશે. એ માર્જિન પર કરવેરાની ગણતરી કરવામાં આવશે. જો માર્જિન નેગેટિવ હશે તો કરવેરાનો વિચાર કરવામાં નહીં આવે. જૂની વપરાયેલી કાર પર લાગુ થતો જીએસટીનો દર ઉક્ત નોટિફિકેશનના આધારે જૂનાં અને વપરાયેલાં વાહનો પરનો જીએસટીનો સુધારિત દર આ પ્રમાણે હશે :
૧. ૧૮ ટકા લેખે જીએસટી.
અ. ૧૨૦૦ સીસી કે એનાથી વધુના એન્જિનની ક્ષમતા ધરાવતાં અને ૪૦૦૦ મિ.મી. કે એનાથી વધુ લંબાઈ ધરાવતાં જૂનાં અને વપરાયેલાં પેટ્રોલ, એલપીજી કે સીએનજીથી ચાલતાં મોટર વાહનો પર લાગુ થશે.
બ. ૧૫૦૦ સીસી કે એનાથી વધુના એન્જિનની ક્ષમતા ધરાવતાં અને ૪૦૦૦ મિ.મી. કે એનાથી વધુ લંબાઈ ધરાવતાં મોટર વાહનો પર લાગુ થશે
ક. ૧૫૦૦ સીસીથી વધુના એન્જિનની ક્ષમતા ધરાવતાં અને સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ તરીકે ઓળખાતાં જૂનાં અને વપરાયેલાં મોટર વાહનો પર લાગુ થશે. આમાં યુટિલિટી વેહિકલનો પણ સમાવેશ છે.
૨. ૧૨ ટકા લેખે જીએસટી
અ. ઉપરોક્ત અનુક્રમ-૧ના ‘અ’થી ‘ક’ સુધીમાં જણાવવામાં આવ્યાં છે એ સિવાયનાં જૂનાં અને વપરાયેલાં વાહનો
સરકારે નોટિફિકેશન ક્ર. ‘૧/૨૦૧૮-કમ્પેન્સેશન સેસ રેટ’ દ્વારા જૂનાં વપરાયેલાં વાહનોના વેચાણ પર લાગુ થતી સેસ માફ કરી દીધી છે. જેને માટે નીચે પ્રમાણેની સ્પષ્ટતા કરવામાં આવી છે : સ્પષ્ટતા : આ એન્ટ્રીમાં જે લખ્યું છે એમાંથી કોઈ પણ બાબત એ સ્થિતિમાં લાગુ નહીં થાય, જ્યાં સંબંધિત ચીજવસ્તુના સપ્લાયરે સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ ઍક્ટ, ૨૦૧૭ની કલમ-૨ના ક્લોઝ ક્ર.-૬૩માં વ્યાખ્યાયિત આઇટીસી, સેન્વેટ ક્રેડિટ રૂલ્સ, ૨૦૦૪માં વ્યાખ્યાયિત સેન્વેટ ક્રેડિટ અથવા વૅલ્યુ ઍડેડ ટૅક્સની આઇટીસી પ્રાપ્ત કરી લીધી હોય અથવા આવાં વાહનો પર અન્ય કોઈ પણ કરવેરો ચૂકવી દેવાયો હોય.
આમ જો ખરીદી વખતે સેન્વેટ/જીએસટી ક્રેડિટ પ્રાપ્ત કરી લેવાઈ નહીં હોય તો જ કમ્પેન્સેશન સેસમાંથી મુક્તિ માટે ક્લેમ કરી શકાશે.
નિષ્કર્ષ : મારા મતે જીએસટી કાઉન્સિલે જૂનાં વપરાયેલાં કે સેકન્ડ હૅન્ડ વાહનોના વેચાણ પરના જીએસટીના દરને વાજબી બનાવવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે.