આયોજનમાં ઇમર્જન્સી ભંડોળ ભેગું કરવા ઉપરાંત આરોગ્ય વીમાની અને જીવન વીમાની ખરીદીનો સમાવેશ થાય છે.
વીમાની વાત
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
દર વર્ષે ૩૧મી માર્ચ નજીક આવે ત્યારે જીવન વીમાના એજન્ટોની દોડધામ વધી જાય છે. લોકો પણ અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટે કહ્યું હોવાથી કરબચત માટે વીમા પૉલિસી લેવા દોડી જાય છે. આથી જ દર વર્ષે માર્ચ મહિનામાં જીવન વીમા પૉલિસીનું સૌથી વધુ વેચાણ થાય છે. ઘણાં બાળકો જે રીતે પરીક્ષા નજીક આવે ત્યારે જ અભ્યાસ શરૂ કરતાં હોય છે એ જ રીતે મોટેરાઓ પણે જીવન વીમા પૉલિસી લેવામાં છેક સુધી રાહ જોતા હોય છે.
વાચકોને ફક્ત માર્ચમાં જ નહીં, આખા વર્ષ માટે ઉપયોગી થાય એવી જીવન વીમાને લગતી કેટલીક વાતો અહીં રજૂ કરી છેઃ
ADVERTISEMENT
આપણે જાણીએ છીએ કે સ્નાતક કે અનુસ્નાતક પદવી મળ્યા પછી જ સારી નોકરી મળે છે, છતાં આપણે બાળકોને બાળમંદિરમાં મૂકવાં પડે છે. એનું કારણ એ કે શિક્ષણનો પાયો રચાશે તો જ બાળક પછીથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. આ જ રીતે આપણે દરેક નવા નાણાકીય વર્ષના પ્રારંભે નાણાકીય આયોજન કરીને આખા વર્ષની તથા ભવિષ્યની આર્થિક સ્થિરતા અને સધ્ધરતાનો પાયો રચવો જરૂરી છે. આયોજનમાં ઇમર્જન્સી ભંડોળ ભેગું કરવા ઉપરાંત આરોગ્ય વીમાની અને જીવન વીમાની ખરીદીનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે જીવન વીમા પૉલિસીની ખરીદીને પ્રાથમિકતા આપવામાં આવતી નહીં હોવાથી એના માટે ઘરના બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવતી નથી. પરિણામે લોકો આવશ્યકતા કરતાં ઓછો વીમો કઢાવતા હોય છે. વીમા બાબતે વારંવાર લોકોને યાદ દેવડાવવું જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિની હ્યુમન લાઇફ વૅલ્યુના આધારે વીમાની રકમ નક્કી કરવામાં આવવી જોઈએ. વળી જેમ-જેમ આવક વધે એમ વીમાની રકમ પણ વધવી જોઈએ.
આર્થિક બાબતોમાં લોકો તટસ્થ રીતે નિર્ણયો લઈ શકાતા નથી. આથી જીવન વીમાનું કામ કરનારા અનુભવી નિષ્ણાતની સલાહ અનુસાર પૉલિસી લેવી જોઈએ. એ વખતે વળતર કેટલું મળશે એનો વિચાર કરવાને બદલે પરિવારજનોને કેટલી વધારે આર્થિક સલામતી મળશે એનો વિચાર કરવો જોઈએ.
ઉક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નવા નાણાકીય વર્ષમાં આ પાંચ કાર્યો કરવાં:
૧. નવા નાણાકીય વર્ષમાં કઈ-કઈ આવક આવવાની છે એની યાદી બનાવવી; જેમાં પગાર, ભાડું, બિઝનેસ/વ્યવસાયની આવક, વ્યાજ, ડિવિડન્ડ વગેરેનો સમાવેશ થાય છે.
૨. જીવન વીમાના પ્રીમિયમની ચુકવણી, આરોગ્ય વીમાના પ્રીમિયમની ચુકવણી, અલગ-અલગ રોકાણો વગેરે ખર્ચનો અંદાજ કાઢો.
૩. ઉપરોક્ત ખર્ચની રકમનો ૧૨ વડે ભાગાકાર કરીને જે રકમ બચે એને તમે માસિક ખર્ચ માટે વાપરી શકો છો.
૪. આ રકમનો ૨૦ વડે ગુણાકાર કરો. તમને જે રકમ મળશે એ આગામી ૨૦ વર્ષ માટેની તમારી આવક હશે. હવે એ તપાસી જુઓ કે કોઈ એક વર્ષે તમારી આવક બંધ થઈ જાય તો આ ખર્ચ પૂરા થાય એટલી રકમ તમારી પાસે છે કે નહીં
૫. જો તમારી પાસે એટલી રકમ ન હોય અથવા એટલી રકમ અટકી પડેલી રાખવા માગતા ન હોય તો એટલી રકમનો જીવન વીમો લઈ લો.
આપણે ક્રિકેટ મૅચ જોતી વખતે વર્તમાન, સરેરાશ અને સર્વાધિક રન રેટની ગણતરી જોઈએ છીએ. આ જ રીતે આગામી વીસ વર્ષમાં આપણી આવકની ગણતરી વર્તમાન, સરેરાશ અને સર્વોચ્ચ સ્તરે કરવી જરૂરી છે. એનાથી ફુગાવાનો અંદાજ આવે છે અને યોગ્ય રકમનો વીમો લઈ શકાય છે.
સવાલ તમારા…
હું ૨૫ વર્ષનો હતો ત્યારે મેં જીવન વીમા પૉલિસી લીધી હતી. આજે ૩૯ વર્ષની ઉંમરે મને લાગે છે કે વીમાની રકમ ઘણી ઓછી છે. શું હું આ જ પૉલિસીમાં વીમાની રકમ વધારાવી શકું?
જીવન વીમામાં તમે પ્રવર્તમાન પૉલિસીનાં નિયમો અને શરતોમાં ફેરફાર કરી શકતા નથી. આથી તમારે વધુ રિસ્ક કવર માટે અલગથી પૉલિસી લેવી પડશે. એના માટે તમારે પહેલાં પોતાની નાણાકીય પ્રાથમિકતાઓ નક્કી કરી લેવી. અહીં ફરી વાર જણાવવાનું કે તમારે વધતી આવકની સાથે-સાથે વધુ રકમનો વીમો પણ કરાવતા રહેવું જોઈએ.